ફેસબુકની સરખામણીમાં આપણે ત્યાં ટવીટરનો પ્રમાણમાં ઓછો ઉપયોગ થાય છે, તેમ છતાં, પોતાના નાના-મોટા બિઝનેસને આગળ ધપાવવા માટે તમે ટ્વીટરની ફ્રી સર્વિસનો સારો એવો ઉપયોગ કરી શકો છો. આવો સમજીએ પાયાની વાતો…
આગળ શું વાંચશો?
- તમારા એકાઉન્ટને સજાવો
- ટવીટ્સ કેવી રીતે કરશો?
- ટ્વીટરમાં વધુ આગળ કેવી રીતે વધશો?
વાચકોના પ્રશ્નો અને રોજિંદા વ્યવહારમાં વધતા સોશિયલ મીડિયાના ઉપયોગને પગલે, ચાલો આપણે જાણીએ સોશિયલ મીડિયા ટ્વીટરનો ધંધામાં ધમધોકાર ઉપયોગ. ટ્વીટરનો સાદો અર્થ કલબલાટ છે, પણ તે હવે રુપિયાના રણકાર સાથે અભિન્ન જોડાય ચુક્યો છે!
રેલવે બજેટ હોય કે કોલેજની કોઈ નોટિસ હોય કે નવા પુસ્તક કે પ્રોડક્ટનું આગમન, પ્રમોશન, સર્વિસ, ન્યૂઝ કે ઓફર હોય, બધી વાતમાં સોશિયલ મીડિયા હોય, હોય અને હોય જ. ‘સોશિયલ મીડિયા જર્નલ’ના મતે ૧૮.૧ મિલિયન યુઝર્સ સાથે ભારત વિશ્વનો ટ્વીટર વાપરતો ત્રીજા નંબરનો દેશ છે.
૨૦૦૬માં સ્થપાયેલ આ શોર્ટ મેસેજ સર્વિસ પહેલા તો નાના નાના ગ્રૂપને રીયલ ટાઇમમાં મેસેજ આપ-લે માટે જ હતી. ત્યાર બાદ આજનું અનિવાર્ય ગ્લોબલ હાથવગું માધ્યમ થઈ ગયું છે.
વપરાશકારે પોતાનું એક આઈડી બનાવીને મેસેજ દીઠ ૧૪૦ અક્ષરોની મર્યાદામાં પોતાનો મેસેજ મોકલવાનો હોય છે, જેને ટ્વીટ કહેવાય છે. આ મેસેજ સાથે ફોટો, વીડિયો કે લિંક શેર કરી શકાય છે.
હવે મુખ્ય વાત પર આવીએ કે ટ્વીટરનો બિઝનેસમાં કેમ ઉપયોગ કરવો.
હાલના પ્રચાર રેડિયો, ટીવી, અખબાર, વેબસાઇટ માધ્યમો સંભવિત લાખો ગ્રાહકો સુધી જરુર પહોંચે છે, પરંતુ તેમાંથી સાચા ગ્રાહકો પરિવર્તન થવાનું પરિણામ નહીંવત્ છે, આ માધ્યમો ખર્ચાાળ છે. પરિણામ કે વળતરની ટકાવારી ખર્ચ સામે ચારથી પાંચ ટકા જ છે. જ્યારે સોશિયલ મીડિયા મફત છે, વળતરમાં ૩૭ ટકાથી વધુ હોવાનો અંદાજ છે. અહીં ગ્રાહકો કે વપરાશકારો સાથે પર્સનલ નાતો બંધાય છે, સીધો સંપર્ક મળે છે અને ચોક્કસ વર્ગના લોકો મળે છે. બસ અહીં જર છે ફક્ત સમયના રોકાણની સરેરાશ ૩ દિવસમાં ૩૦ મિનિટ કાઢો અને એક એક ગ્રાહકો કે વપરાશકારો સાથે સામાજિક નાતો બાંધો.
યાદ રાખો તમારી બ્રાન્ડ કે ક્ન્સલ્ટન્સીની જાણકારી, સાંપ્રત પ્રવાહો, હરીફ કંપનીઓ સાથે તંદુરસ્ત હરીફાઈ, કસ્ટમર કેર, કસ્ટમર સપોર્ટ, પ્રોડક્ટ પ્રમોશન માટેનું આજનું આ પાવરફૂલ સાધન છે.
તમારા એકાઉન્ટને સજાવો
- આપના બિઝનેસ કે બ્રાન્ડ સાથે લોજીકલ સંબધિત નામ વિચારો. ટ્વીટરના મેમ્બેર બનો, જે ફ્રી છે.
- આપણા બિઝનેસ કે ક્ન્સલ્ટન્સીનો સિમ્બોલ કે લોગો તમારી ટ્વીટરની ઓળખ માટે લગાવો. આ માટે તેની જેપીજી ફાઈલ વાપરો અથવા પ્રોફેશનલ લૂક સાથેનો તમારો ફોટો પ્રોફાઈલ ફોટો તરીકે લગાવો. યાદ રાખો તમારા બિઝનેસ માટે તમો જ બ્રાન્ડ એમ્બેસેડર છો.
- હવે ટ્વીટરમાં તમારું હોમ પેજ બનાવી મોટો ફોટો લગાવવાની ખાસ સગવડ છે. જેમાં તાજેતરની માહિતીવાળો મોટો ફોટો મૂકી શકાય છે. દા.ત. નવી પ્રોડક્ટના લોન્ચિંગ કે એક્ઝિબિશનનો મોટો ફોટો. યાદ રહે સારા રેઝોલ્યુશનવાળો, લાઇટિંગ સારી હોય તેવો ફોટો સિલેક્ટ કરો. સાદા મોબાઇલથી લીધેલા ઓછા રેઝોલ્યુશનવાળા ફોટા બ્રાન્ડિંગને અસર કરે છે.
યાદ રહે, જેટલો ગોળ નાંખશો તેટલું ગળ્યું રિઝલ્ટ મળશે!- હોમ પેજ બનાવ્યા બાદ ટ્વીટરના મુખ્ય પેજ પરનું તમારું બેકગ્રાઉન્ડ સારી પેટર્નથી બનાવો. આ માટે http://www.colourlovers.com/ પર જઈ પેટર્ન વિભાગમાં જાવ. અહીં ૪૩ લાખ જેટલી પેટર્ન હાજર છે ત્યાં જઈને સારી પેટર્ન સિલેક્ટ કરી માઉસની રાઈટ ક્લિક કરી save કરીને તમારા કમ્પ્યુટરમાં સેવ કરો અને ટ્વીટરમાં અપલોડ કરો. પસંદ અનુસાર વખતોવખત બદલતા રહો.
- ૧૬૦ શબ્દોમાં તમારા બિઝનેસ કે કાન્સ્લટિંગ સર્વિસનું વર્ણન કરતી નાનકડી પ્રોફાઈલ લખો.તમારા બિઝનેસકાર્ડમાં તમારા ટ્વીટરનું અડ્રેસ જરુરથી લખો : દા.ત. Twitter: cybersafar.
ટવીટ્સ કેવી રીતે કરશો?
- તમારા ટ્વીટ (મેસેજ)ને ચાર વિભાગમાં વહેંચો : ૨૫ ટકા સેલ્સ કે માર્કેટિંગ, ૨૫ ટકા તમારા કે કંપની વિશે, ૨૫ ટકા જનરલ માહિતી અને ૨૫ ટકા સામાજિક માહિતીનું પ્રસારણ.
- આ ચાર વિભાગનું સાચું ઉદાહરણ તમે તમારી વર્ષો જૂની ફેવરિટ કરિયાણાની દુકાનના માલિકની વાતોના ઓબ્ઝર્વેશનથી જાણી શકો. તેમની વાતો, સમાચારની આપ લે, પર્સનલ ટચ એક જાતના ટ્વીટ જ છે, એટલે જ કદાચ મોટા મોલ સામે આજે પણ પર્સનલ ટચના સીધા સંબંધો ટક્કર લઈ રહ્યા છે.
- એક ઉદાહરણ જોઈએ : “કેમ છો, દર્શનભાઈ? બહુ વખતે દેખાયા! કેમ ઢીલા ઢીલા લાગો છો? તબિયત તો સારી છે ને? ઘરે બધા મજામાં? લો સાહેબ, આ ટૂથપેસ્ટ સારી છે, આંખો મીંચીને લઈ જાવ, નવી બ્રાન્ડ છે, સ્કીમ પણ છે! અરે, છોકરા સાહેબને મોટું પેકિંગ આપી દે… બસ, સાહેબ હવે વરસાદની રાહ છે, મારો વ્હાલો ભગવાન જરુર મહેર કરશે! વગેરે બસ આવું જ કૈંક ટ્વીટરમાં કરવાનું છે.
- અગાઉ કહેલા ૨૫-૨૫ ટકાના સપ્રમાણ, શોર્ટ અને સ્વીટ, અતિરેક વગરના ચાર ભાગમાં અનુસરવાના છે.
- અઠવાડિયાનું એક ટાઇમટેબલ બનાવી દો. સોમવારે ટ્વીટ ખાસ નહિ જ કરવાનું. વિકએન્ડ પછીનો પહેલો દિવસ ખાસ બીઝી હોય છે, અઠવાડિયામાં એકાંતરે દિવસે કુલ છ કે સાત ટ્વીટ આદર્શ ગણાય. એટલે કે એક દિવસ છોડી ને બે, બે અને વિકએન્ડમાં ત્રણ.
પહેલા ૨૫ ટવીટ્સ
પ્રથમ ૨૫ ટકા સેલ્સ અને માર્કેટિંગમાં તમે આવનારી ઇવેન્ટ જેમ કે રાખીમેલા, ફ્રેન્ડશીપ બેલ્ટ, સેલ, ડિસ્કાઉન્ટ, તમારી વેબસાઇટ ઉપરની કોઈ નવી લિંક, સ્ટોર્સ ચાલુ/બંધ કે આરક્ષિત રહેવા વિશે, પ્રોડક્ટ સર્વિસ કેમ્પ, જૂના સામે નવું, નવી પ્રોડક્ટ, એક્ઝિબિશન, ભેટ કૂપન, કોમ્પિટિશન, સર્વિસ કે પ્રોડકટ વિશે તમારા શબ્દોમાં ટ્વીટ કરતા રહો. યાદ રાખો કે મોબાઇલ યુઝર હવે નાની ટ્વીટર એપ્સથી તમારી સાથે સતત જોડાયેલ છે જ. અહીં સમયસર અને ત્વરિત ટ્વીટ તમને માર્કેટમાં સતત આગળ રાખશે. દા.ત. https://twitter.com/AmulCoop અમુલની પ્રોડક્ટસને કેવી રીતે સતત ગ્રાહકો સાથે કનેક્ટેડ રાખે છે તે જુઓ..
બીજા ૨૫ ટવીટ્સ
- બીજા ૨૫ ટકા તમારા કે કંપની વિશે માહિતી જેવી કે ‘અમારા નવા સેલ્સ એક્ઝિક્યુટિવની નિમણૂક, આ અષાઢી બીજથી અમારા ધંધાના ૨૧મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ગ્રાહકોનો વિશેષ આભાર,
- ‘હવે તમારી તદ્દન નજીકમાં શ્યામલ ચાર રસ્તા પર અમારી નવી પાંચમી બ્રાંચ!’
- ‘કસ્ટમર સપોર્ટ જેમ કે પ્રોડક્ટ ઓપરેટિંગ જાણકારી માટે અમારા નિષ્ણાતને મળો, સોમ બુધ શુક્ર ૨થી ૫ સાંજે’.
- સંતુષ્ટ ગ્રાહકોના અભિપ્રાયો કે તેમના આભારના શબ્દો પણ ટ્વીટ કરી શકાય.
- યાદ રાખો કે જે કંઈ લખો તેની અક્ષર મર્યાદા ફક્ત ૧૪૦ અક્ષરની જ છે.
ત્રીજા ૨૫ ટવીટ્સ
- ત્રીજા ૨૫ ટકામાં તમારા વેપારક્ષેત્રમાં શું નવું આવી રહ્યું છે તે, ગવર્ન્મેન્ટ પોલિસી, નવી શોધ, કોઈ માહિતીનું રી-ટવીટ (જેને આપણે મેસેજ ફોરવર્ડ કહી શકીએ) કરી શકાય.
- ગ્રાહકોના મત, સલાહ માટે પ્રશ્નો પણ પૂછી શકાય, જેનાથી તમારી પ્રોડક્ટ કે સર્વિસ વધુ સમૃદ્ધ બની શકે. આખરે કસ્ટમર જ બજારનો રાજા છે!
ચોથા ૨૫ ટવીટ્સ
- ચોથા અને છેલ્લા ૨૫ ટકા વિભાગમાં તમારું સામાજિક પ્રદાન આપો જેમ કે ‘રક્તદાન કરો, હવે પછીનો રેડ ક્રોસ સોસાયટીનો કેમ્પ ફલાણી જગ્યાએ છે’‘
- વાંચો અને વિકસો પુસ્તક મેળો ફલાણી જગ્યાએ છેલ્લા ૪ દિવસ’ વગેરે. આ પ્રકારની સમાજ સાથે જોડાયેલ સમાજ ઉપયોગી માહિતી ટ્વીટ કરો.
ટ્વીટરમાં વધુ આગળ કેવી રીતે વધશો?
- ટ્વીટરને તમારો પડઘો બનાવો, ભાવનાત્મક રીતે તમારા ટાર્ગેટ ઓડિયન્સને અનુલક્ષીને સર્જનાત્મક ૧૪૦ અક્ષરોમાં ટ્વીટ કરો.
- તમારી પ્રોડક્ટ કે સર્વિસના કીવર્ડને યુઝ કરી બીજા ટ્વીટર સર્ચ કરો જેથી તમે માર્કેટના ટ્રેન્ડ સાથે જોડાયેલા રહેશો અને ઘણા બધા આગળ રહી શકશો.
- વધુ જોડાયેલા રહેવા માટે વારંવાર Discover Who to Follow વિભાગમાં જઈને તમારા બિઝનેસને અનુલક્ષીને સારા સારા ટ્વીટ એકાઉન્ટને ફોલો કરો. ટ્વીટરનું અદ્યતન અલગોરીધમ તમને તમારે લાયક જેને જેને ફોલો કરી શકો અને જેનાથી તમને ફાયદો થાય તેવા ફોલો કરવાલાયક ટ્વીટર એકાઉન્ટને શોધી આપશે.
- ખૂબ જ જાણીતી પર્સનાલિટી કે ખૂબ જ જાણીતી કંપનીને ફોલો કરતા પહેલાં તે વેરીફાઇડ એકાઉન્ટ છે કે નહીં તે જાણી લો દા.ત. Amitabh Bachhan સર્ચ કરતાં જે લિસ્ટ આવે તેમાં જેની સામે સ્કાય બ્લૂ કલરમાં ખરાનું ચિહ્ન હોય તે જ અસલી અમિતાભનું એકાઉન્ટ!
- યાદ રાખો અહીં આપણે ટ્વીટર બિઝનેસ માટે ઉપયોગ કરવા બેઠાં છીએ. અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાય તેમ તમોને ફક્ત અને ફક્ત બિઝનેસમાં કામ લાગે તેવી જ પ્રવૃત્તિ કરવાની છે. જરા પણ ઇધર ઉધર ટ્વીટ જોવા બેઠા તો તમારો પ્રોડક્ટિવ સમય બહુ જ બગડશે! આ જોકે મારા ગુજરાતી ભાઈઓને આ સમજવું ના પડે!
- ફોલો કરવું એટલે અનુસરવું. ફોલો કરતાં પહેલાં જે તે વ્યક્તિના નામ પર ક્લિક કરીને તેમની પ્રોફાઈલ જાણી લો. તેઓ કેટલા લોકોને ફોલો કરે છે, તેને ફોલો કરનારા કેટલા છે, તેમના ટ્વીટસ કેટલા છે? વગેરે જાણી લો.
- અગાઉ બતાવેલા ૨૫ ટકાવાળા ચાર સેક્શન માટે retweet પણ સારો વિકલ્પ છે. દા.ત. All India Radio Newsના airnewsalerts ટ્વીટર પેજમાંથી આવેલ ટ્વીટને તમે રીટવીટ કરી શકો. આ એક પ્રકારનો ફોરવર્ડ મેસેજ છે.
- તમારા ફોલોઅર્સ સાથે સારો નાતો બાંધવા પર્સનલ રીપ્લાય પણ આપો. પર્સનલ ટચ એ જ તો સોશિયલ મીડિયાનો ફંડા છે.
- જ્યારે કોઈ જવાબ લખીને વચ્ચે તેમનું નામ લેવામાં આવે તો આ જવાબ જગજાહેર થયો કહેવાય. તમે જવાબ એકને આપ્યો, પણ ખબર બધાને થઈ. આ જગજાહેર જવાબ બધાને જાણવા મળશે. એક પૂછે અને બધાને જવાબ મળે. ખાસ કરીને કસ્ટમર સર્વિસ માટે બહુધા વપરાય છે જેને ટ્વીટરની ભાષામાં Mention કર્યું કહેવાય.
- આ ઉપરાંત તમારા ફોલોઅર્સને પર્સનલી ઉદ્દેશીને સીધો મેસેજ લખી શકાય છે. આ માટે ટ્વીટ કરતા પહેલાં dm cybersafar લખીને કરી શકાય અથવા ટ્વીટરની જમણી બાજુ ઉપરની તરફ ઇમેલના સિમ્બોલ પર ક્લિક કરીને તમને ફોલો કરતા ફોલોઅર્સને મેસેજ ૧૪૦ અક્ષરોની મર્યાદામાં મોકલી શકાય છે. નાનો – નેનો ઈમેલ થયો કહેવાય!
- કેટલીક વાર તમે તમારા કસ્ટમરને આવી સૂચના આપી શકો કે વધુ જાણકારી માટે DM કરો.
- તમારા ઉપયોગી ટ્વીટને પછીથી વાંચવા કે સંગ્રહી રાખવા તેને Favorite શબ્દ જે દરેક ટ્વીટના જમણી બાજુ એ આવે છે તેને ક્લિક કરો જેથી સારી લિંક કે માહિતી ફરી વાપરી શકાય.
- બધા ટ્વીટરને મેનેજ કરવા https://tweetdeck.twitter.com વેબસાઇટ પર જઈને તમારા બધા ટ્વીટરને વધુ સારી રીતે મેનેજ કરી શકાય. અહીં એક કે વધુ ટ્વીટરની ટાઇમલાઈન એક સાથે જોવા મળશે. ઉપરાંત ફેસબુકના તમારા એકાઉન્ટ પણ અહીં જોડી શકાશે. જેટલા કોલમ ઉમેરવા ઈચ્છશો તે પ્રમાણે ઉમેરી શકશો.
- હવે પ્રશ્ન એ થશે કે સોશિયલ મીડિયા ઘણા બધા અને ક્યાં કેટલું માર્કેટિંગ થયું ક્યાં કેટલો વ્યાપ વધ્યો તે દર વખતે ફરી ફરી દરેક મીડિયામાં જઈને બાઈ બાઈ ચારણી જેવો ઘાટ થશે. આ માટે બધા મીડિયા પર ચાંપતી નજર રાખવા ચાલો કેટલાક સબ બંદર કાં વેપારીને મળીએ.
- www.sproutsocial.com તમારા બધા સોશિયલ મીડિયાની સારે ગાંવ કી ફિકર એક જગ્યાએ સમાવિષ્ટ થશે. હા, ફ્રી યુઝરને કુલ પાંચ સોશિયલ મીડિયાનું કેન્દ્રીકરણ કરવા મળશે, પણ સતત વપરાશ જ તમોને અનુભવી બનાવશે. અહી એનાલિસિસ વિભાગમાં ક્યાં કેટલું રિઝલ્ટ મળ્યું તે જોઈ શકાશે. અહીં આખા વિક કે તેથી વધુ ટ્વીટ પહેલેથી શેડ્યુલ કરી શકાય છે.
- આવી જ બીજી એક સર્વિસનું નામ છે www,postling.com ઉપર બતાવ્યા મુજબની સોશિયલ મીડિયા ડેશબોર્ડની સારી સર્વિસ ઉપલબ્ધ છે. જોકે આ પણ સાવ ફ્રી સર્વિસ નથી.
- ટ્વીટરમાં મેમ્બેર થતાં વેત સુપર સ્ટાર રજનીકાંતને રેકોર્ડ બ્રેક ફોલોઅર્સ મળ્યા તે અજબનો રેકોર્ડ છે તે ઘટનાનો એક એસએમએસ મમળાવવા જેવો છે : ટ્વીટરે રજનીકાંત જોઈન કર્યું!
- ચાલો હવે પછી ફેસબુક અને બીજા ઘણા બધા સોશિયલ મીડિયાના બિઝનેસમાં ઉપયોગ વિશે તમારા અભિપ્રાયો અને પ્રશ્નો ઉપર આધારિત લેખ સાથે ફરી મળીશું. ત્યાં સુધી હેપ્પી બિઝનેસ ટ્વીટિંગ!

