દુનિયા આખી પર સ્માર્ટફોન છવાઈ રહ્યા છે, તેમના ઉપયોગના બદલાતા ટ્રેન્ડની રસપ્રદ માહિતી
એક મિનિટ માટે, તમારા હાથમાં રહેલા આ છાપાની ગડી વાળો અને આજુબાજુ નજર ફેરવો. તમે ઘરમાં એકલા જ બેઠા હો તો જુદી વાત છે (તો બીજા હાથમાં મોબાઇલ હશે!), બાકી બીજી ફક્ત એક વ્યક્તિ તમારી બાજુમાં હશે તો તેની નજર તેના હાથમાંના મોબાઈલમાં પરોવાયેલી હોવાની પૂરી શક્યતા છે! ઘરમાં કે ઓફિસમાં કે કોઈ પણ જાહેર સ્થળે હવે ઘણા ખરા લોકો પોતાના સ્માર્ટફોનમાં પરોવાયેલા જોવા મળે એ સાવ સામાન્ય થઈ પડ્યું છે ત્યારે, વર્ષ ૨૦૧૩માં આ સ્માર્ટફોનનો કેટલો અને કેવો ઉપયોગ વધ્યો એ જરા તપાસવા જેવું છે.
આપણે પોતે ફક્ત સ્માર્ટફોન વાપરતા હોઈએ તો બીજા લોકો સ્માર્ટફોનનો કેવો અને કેટલો ઉપયોગ કરે છે એ જાણવાથી આપણને ખાસ કોઈ ફેર પડતો નથી, પણ જો તમે તમારા બિઝનેસ માટે ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરતા હો કે તેમાં ઝંપલાવવાનું વિચારી રહ્યા હો તો સ્માર્ટફોનના બદલાતા ટ્રેન્ડ અને તેની અસરો જાણવી બહુ જરુરી બની જાય છે.
હકીકત એ છે કે સ્માર્ટફોનને કારણે ઇન્ટરનેટનું સમગ્ર ચિત્ર જ બદલાઈ રહ્યું છે. લોકો સતત કમ્પ્યુટરના સ્ક્રીન સામે હોતા નથી, તેમ તેઓ પોતાના પીસી પર સતત ઓનલાઇન પણ હોતા નથી. પરંતુ સ્માર્ટફોન એવી ચીજ છે જે સતત તેમના હાથમાં હોય છે. લોકો મોટા ભાગે ટીવી સામે બેસીને છાપું કે સામયિક વાંચતા નથી, પણ ટીવીમાં કોઈક ચેનલ ચાલી રહી હોય ત્યારે પોતાના ટેબલેટ કે સ્માર્ટફોનમાં ગેમ રમતા કે બ્રાઉઝિંગ કરતા લોકોનું પ્રમાણ વધી રહ્યું છે.
બજારમાં આવેલી કોઈ નવી પ્રોડક્ટ વિશે લોકોને પોતાના સ્માર્ટફોનથી સૌથી પહેલાં જાણ થાય એવું પણ હવે બની રહ્યું છે. મતલબ કે તેઓ પોતાના સ્માર્ટફોનથી કે પીસી પરથી ઓનલાઇન શોપિંગ કરે કે ન કરે, આપણી પ્રોડક્ટ લોકોની નજરમાં લાવવી હોય તો હવે સ્માર્ટફોન એક બહુ મહત્ત્વનું માધ્યમ બની ગયું છે. આ બધાં કારણોસર, દુનિયામાં સ્માર્ટફોનના વપરાશનો ટ્રેન્ડ કેવો બદલાઈ રહ્યો છે એ જાણવું રસપ્રદ તો છે જ, મહત્ત્વનું પણ છે.
પોલેન્ડની એક કંપની (www.supermonitoring.com) એ નેટ પર ઉપલબ્ધ વિવિધ સ્રોતમાંથી માહિતી મેળવીને આ વિષયનું એક મસમોટું ઈન્ફ્રોગ્રાફિક તૈયાર કર્યું છે, આપણે તેના મુખ્ય મુદ્દાઓ પર નજર ફેરવી લઈએ :
- ૨૦૧૩ના અંત સુધીમાં પૃથ્વી પર લોકો કરતાં મોબાઇલ સાધનોની સંખ્યા વધી ગઈ છે.
- મે ૨૦૧૧માં કોઈ સેલ ફોન ન ધરાવતા લોકોનું પ્રમાણ ૧૭ ટકા હતું, સ્માર્ટફોન ધરાવતા લોકોનું પ્રમાણ ૩૫ ટકા અને અન્ય પ્રકારના (એટલે કે સાદા) સેલફોન ધરાવતા લોકોનું પ્રમાણ ૪૮ ટકા હતું. બે વર્ષ પછી, મે ૨૦૧૩માં કોઈ સેલ ફોન ન ધરાવતા લોકોનું પ્રમાણ ૯ ટકા થયું, સ્માર્ટફોન ધરાવતા લોકોનું પ્રમાણ ૫૬ ટકા અને સાદા સેલફોન ધરાવતા લોકોનું પ્રમાણ ૩૫ ટકા થયું!
- તમારા પોતાના હાથમાં કઈ ઉંમરે પહેલો ફોન આવ્યો હતો? અને અત્યારે સરેરાશ કઈ ઉંમરે લોકોને પહેલો ફોન મળી જતો હોવાનું ધારો છો? આ ઈન્ફોગ્રાફિક કહે છે કે હવે વ્યક્તિ નહીં, બાળક સરેરાશ ૧૩ વર્ષનું થાય ત્યાં તેને પહેલો સેલફોન મળી જાય છે!
- ૨૦૧૩ના વર્ષમાં આખી દુનિયામાં ૨ અબજ કરતાં વધુ મોબાઇલ ડિવાઈસ બજારમાં આવ્યાં.
ટેક્નોલોજી કેટલી ઝડપે વિસ્તરે છે એ જુઓ. આ ઇન્ફોગ્ર્ાાફિક કહે છે કે ૫ કરોડ વપરાશકારો સુધી પહોંચતાં રેડિયોને ૩૮ વર્ષ લાગ્યાં હતાં, ટીવી ૧૩ વર્ષે એટલા લોકો સુધી પહોંચ્યું, ઇન્ટરનેટ ૪ વર્ષમાં, ફેસબુક ૩.૫ વર્ષમાં અને હવે કોઈ સારી મોબાઇલ એપ ૫૦ દિવસમાં એટલા લોકો સુધી પહોંચી જાય છે. (ગૂગલના સ્થાપકે ટાઇમ મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં એક વાર કહ્યું હતું કે સાવ શરૂઆતમાં ગૂગલની ટીમ ફક્ત ત્રીસેક લોકોની હતી ત્યારે ગૂગલની વેબસાઇટ પર ભૂલથી ગૂગલની ઓફિસનો ફોનનંબર લખાઈ ગયો. લોકોએ ફોનકોલ્સનો એવો મારો ચલાવ્યો કે પેલા ત્રીસ લોકો ક્યારેય પહોંચી શકે નહીં. એમના કહેવાનો મુદ્દો એ હતો કે કમ્યુનિકેશનનું સ્વરુપ બદલાય તો કેવો ફેર પડે એ જુઓ. એ જ ત્રીસ લોકોએ બનાવેલી વેબસાઇટ એક સાથે લાખો લોકોની જરૂરિયાત પૂરી કરી શકતી હતી!)- ઇન્ટરનેટની સુવિધાવાળો મોબાઇલ ધરાવતા લોકોમાંથી અડધોઅડધ લોકો ઓનલાઇન થવા માટે પહેલાં મોબાઇલનો ઉપયોગ કરે છે અને પછી પીસીનો. ફક્ત મોબાઇલ પર જ ઓનલાઇન થતા હોય એવા લોકોનું પ્રમાણ પણ બહુ મોટું છે.
- મોબાઇલ પર લોકોનો ૮૦ ટકા સમય એપ્સમાં વપરાય છે. આ ઈન્ફોગ્રાફિકના આંકડા કહે છે કે લોકોનો ૧૮ ટકા સમય વેબ બ્રાઉઝરમાં, ૩૨ ટકા સમય ગેમ્સમાં, ૧૮ ટકા સમય ફેસબુક પર અને ૮ ટકા સમય બીજા મનોરંજન માટે વપરાય છે. પ્રોડક્ટિવિટી માટે, એટલે કે કશુંક ઉપયોગી કામકાજ કરવા માટે મોબાઇલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા પાછળ ૨ ટકા સમય જ ખર્યાય છે!
- અલબત્ત, ઇન્ટરનેટ પરના તમામ ટ્રાફિકમાંથી મોબાઇલ ટ્રાફિકનું પ્રમાણ ૧૫ ટકા જ છે.
- અત્યારે લગભગ ૧.૨ અબજ લોકો પોતાના મોબાઇલ સાધનમાં વેબ એક્સેસ કરે છે.
- તમામ ઈ-મેઇલ્સમાંથી ૨૮.૮૫ ટકા ઈમેલ્સ મોબાઇલ ફોન પર અને ૧૦.૧૬ ટકા ઈ-મેઇલ્સ ટેબલેટ પર ઓપન થાય છે.
- દુનિયામાં ઇન્ટરનેટ પર જેટલું સર્ચ થાય છે તેમાંથી ચોથા ભાગનું સર્ચિંગ મોબાઇલ પર થાય છે.
મજાની વાત એ છે કે સ્માર્ટફોન ધરાવાત ૮૦ ટકા લોકો અને ટેબલેટ ધરાવતા ૮૧ ટકા લોકો ટીવીની સામે બેઠા હોય તો પણ પોતાના મોબાઇલ સાધનને મચડતા રહે છે (તમે આ ૮૦ ટકા લોકોમાંના એક છો કે નહીં?!).
લગભગ ૪૧ ટકા લોકો કોઈ ટીવી શો કે જાહેરાતમાં કોઈ પ્રોડક્ટ જોયા પછી તેના વિશે વધુ વિગતો જાણવા માટે ફટાફટ પોતાના મોબાઇલમાં સર્ચ કરે છે. એટલે જ હવે એવું કહેવાય છે કે તમારા બિઝનેસની મોબાઇલ ઓપ્ટિમાઇઝ્ડ વેબસાઇટ ન હોય તો એ વાત દિવસમાં એક દિવસ બિઝનેસ બંધ રાખવા બરાબર છે.
લોકો કોઈ સ્ટોરમાં ખરીદી કરી રહ્યા હોય ત્યારે એ જ ચીજવસ્તુ વેચતા નજીકમાંના બીજા સ્ટોરનું લોકેશન મોબાઇલ પર શોધી લે છે. આવા લોકોનું પ્રમાણ ૩૬ ટકા છે.
આ ઈન્ફોગ્રાફિકના અંતે તેણે કયા સ્રોતમાંથી આ માહિતી મેળવી છે એનું લાંબું લિસ્ટ છે અને તેમાં ઘણાં જાણીતાં નામ છે, એટલે તેના આંકડાને આપણે ઘણે અંશે સાચા માની શકીએ. આમ પણ આંકડાબાજીમાં ન પડીએ તોય આપણા ખુદની ટેબ કે સગાંસંબંધી મિત્રોનો મોબાઇલ ઉપયોગ તપાસીએ તો તરત સમજાય કે આ ઈન્ફોગ્રાફિકે લોકોની નસ ચોક્કસ પકડી પાડી છે!

