સવાલ લખી મોકલનારઃ મીનાબહેન ઠાકર
આ સૌ કોઈની સમસ્યા છે! આપણા માટે કામના ન હોય કે આપણે જે ઈ-મેઇલ મેળવવાની ક્યારેય ઇચ્છા દર્શાવ ન હોય એવા અનસોલિસિટેડ ઈ-મેઇલ્સ સ્પામ કે જંક મેઇલ તરીકે ઓળખાય છે. વિશ્ર્વઆખામાં આવા જંક મેઇલ્સનું બહુ મોટું પ્રમાણ છે અને દરેક ઈ-મેઇલ સર્વિસ પ્રોવાઇડ કંપની પોતાના જેન્યુઇન યુઝર – એટલે કે આપણે સૌ – નાં ઇનબોક્સમાં જંક મેઇલ્સનું પ્રમાણ ઘટાડવા માટે સતત પ્રયાસ કરતી રહે છે.
તમે જીમેઇલનો ઉપયોગ કરતા હો તો તેમાં ડાબી તરફની પેનલમાં સ્પામનું ફોલ્ડર તપાસશો તો એવા સંખ્યાબંધ મેઇલ્સ મળી આવશે જે તમારા કામના નહીં હોય અને જીમેઇલની સિસ્ટમે તેને આપોઆપ ફિલ્ટર કરીને ઇનબોક્સથી દૂર રાખ્યા હશે. આવા મેઇલ્સ ૩૦ દિવસ પછી સ્પામ ફોલ્ડરમાંથી પણ આપોઆપ દૂર થઈ જાય છે. કોઈ મેસેજ આપણે કામનો છે કે સ્પામ છે એ જીમેઇલ કેવી રીતે નક્કી કરે છે એ આખો અલગ વિષય છે, પણ સાદો સવાલ એ થાય કે જીમેઇલ ૩૦ દિવસ સુધી આવા નકામા મેઇલ્સ શા માટે સાચવે છે? આવે એ ભેગો તેને ડસ્ટબિનમાં કેમ નાખવામાં આવતો નથી? જવાબ એ છે કે જીમેઇલ (કે તેના જેવી બીજી કોઈ પણ ઈ-મેઇલ સર્વિસ) ભૂલ કરી શકે છે.
એ ક્યારેક કોઈ કામના મેઇલને ભૂલથી સ્પામ ફોલ્ડરમાં ધકેલી દે એવું બની શકે છે. એવા સંજોગમાં આપણને કોઈ અગત્યનો મેઇલ મોકલાયો હોવાની ખબર હોય, પણ ઇનબોક્સમાં એ દેખાય નહીં ત્યારે આપણે સ્પામનું ફોલ્ડર તપાસી, ત્યાં એ ઈ-મેઇલ મળે તો તેને ત્યાંથી પરત ઇનબોક્સમાં લાવી શકીએ છીએ. એ માટે આ ૩૦ દિવસની મયર્દિા કામની છે. તમે ચાહો તો ગમે ત્યારે સ્પામ ફોલ્ડરમાં જઈને તેમાં સૌથી ઉપર આપેલી લિંકની મદદથી, તમામ મેઇલ્સ એક ઝાટકે ડિલીટ કરી શકો છો.
એવો પણ સવાલ થવો જોઈએ કે આવા ઈ-મેઇલ્સ મોકલનાર પાસે આપણું ઈ-મેઇલ એડ્રેસ કેવી રીતે પહોંચ્યું? એના ઘણા બધા રસ્તા હોય છે. આપણે અનેક જગ્યાએ આપણા ઈ-મેઇલ એડ્રેસની લ્હાણી કરતા હોઈએ છીએ, ક્યારેક પેટ્રોલપંપ પર કે કોઈ એક્ઝિબિશનમાં ઇનામી ડ્રોની લાલચે આપણે કૂપન ભરીને તેમાં ઈ-મેઇલ એડ્રેસ આપતા હોઈએ છીએ. આ બધામાંથી કોઈ પણ જગ્યાએથી આપણું ઈ-મેઇલ એડ્રેસ લીક થઈને સ્પેમર્સના હાથમાં આવી શકે છે.
હવે મૂળ પ્રશ્નની વાત – જીમેઇલની નજર ચૂકાવીને આપણા ઇનબોક્સમાં પહોંચી ગયેલા પણ આપણે માટે નકામા હોય એવા વારંવાર આવી પડતા મેઇલ્સને કેવી રીતે દૂર કરવા? આના બે-ત્રણ રસ્તા છે.
આપણને જે ચોક્કસપણ બિનજરુરી લાગે તે ઈ-ઇમેલને, ફક્ત તેની આગળના ચેકબોક્સની મદદથી સિલેક્ટ કરીએ એટલે મથાળાના વિકલ્પો બદલાય છે. હવે તેમાં રિપોર્ટ સ્પામ એવો એક વિકલ્પ જોવા મળશે. એ બટન ક્લિક કરતાં, આપણે સિલેક્ટ કરેલો મેઇલ જીમેઇલની સિસ્ટમમાં સ્પામ તરીકે નોંધાઈ જાય છે અને આપણા ઇનબોક્સમાંથી ડિલીટ થાય છે. ક્યારેક કોઈ ચોક્કસ મેઇલિંગ લિસ્ટના આધારે આપણને સ્પામ ઈમેઇલ આવતા હોય તો ફક્ત એક મેઇલને સ્પામ તરીકે રીપોર્ટ કરવાથી કામ પતતું નથી. એક જ એડ્રેસ પરથી આપણને વારંવાર ઈ-મેઇલ આવતા હોય અને આપણે તે મેઇલિંગ લિસ્ટમાંથી આવતા કોઈ મેસેજ ક્યારેય મેળવવા ઇચ્છતા ન હોઈએ તો, જીમેઇલ – આપણા વતી – આવા મેઇલિંગ લિસ્ટમાંથી આપણું નામ દૂર કરવાની વિનંતી ઈ-મેઇલ મોકલનારને કરી શકે છે. આપણું ઈ-મેઇલ એડ્રેસ એ લિસ્ટમાંથી દૂર થતાં ત્રણ-ચાર દિવસ પણ લાગી શકે છે. આપણે ઈ-મેઇલ ઓપન કરીને તેમાં નીચે આપેલી અનસબસ્ક્રાઇબની લિંક પર ક્લિક કરીને પણ આપણને આવતા ઈ-મેઇલ્સ અટકાવી શકીએ છીએ.
બીજો, વધુ સચોટ રસ્તો એ ચોક્કસ એડ્રેસ પરથી આવતા ભવિષ્યના તમામ ઈ-મેઇલ્સ માટે એક ફિલ્ટર સેટ કરી, તેને એ મેઇલ આવે એ સાથે તેને આપોઆપ ડિલીટ કરવાનું સેટિંગ કરી શકાય છે. આ માટેની વિગતવાર સમજણ સાયબરસફરના ઓક્ટોબર ૨૦૧૨ના અંકમાં આપેલી છે, અહીં ટૂંકમાં ફરીથી સમજી લઈએ – જે તે ઇમેઇલને સિલેક્ટ કરી, ઉપર મોરના ડ્રોપડાઉન મેનુમાં જાઓ અને ફિલ્ટર મેસેજીસ લાઇક ધીસ વિકલ્પ પસંદ કરો. હવે ખૂલતા બોક્સમાં કોઈ વિગત ઉમેરવી હોય તો ઉમેરો અથવા સીધું જ ક્રિએટ ફિલ્ટર વીથ ધીસ સર્ચ પર ક્લિક કરો. હવે જે બોક્સ ખૂલે તેમાં જોઈતો વિકલ્પ પસંદ કરો (જંક મેઇલના સંદર્ભમાં, ડિલીટ ઇટનો વિકલ્પ પસંદ કરી, ક્રિએટ ફિલ્ટર પર ક્લિક કરી દો. હવે એ ચોક્કસ એડ્રેસ પરથી આવતા તમામ મેઇલ્સ સીધા જ ડિલીટ થઈ જશે (તમે જોશો તમે, ફિલ્ટરની સુવિધા ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે છે).
જીમેઇલની નવી સુવિધા મુજબ, હવે આપણા મેઇલ્સ જીમેઇલની સિસ્ટમ પ્રાઇમરી, સોશિયલ, પ્રમોશન્સ, અપડેટ્સ અને ફોરમ્સ એમ પાંચ અલગ અલગ ફોલ્ડરમાં આપોઆપ ફિલ્ટર થાય છે. માત્ર આપણા પર આવેલા અને આપણા પોતાના સંપર્કો તરફથી આવેલા ઈ-મેઇલ્સ પ્રાઇમરી ફોલ્ડરમાં આવે છે. બાકીનાં ફોલ્ડરમાં આવતા ઈ-મેઇલ બહુ મહત્ત્વના નહીં, અથવા ચોક્કસપણે સ્પામ કહી શકાય એવા હોઈ શકે છે. ખાસ કરીને પ્રાઇમરી ઇનબોક્સમાં જો વણમાગેલા ઈ-મેઇલ્સ જોવા મળે તો તેને નિયમિત રીતે સ્પામ તરીકે રીપોર્ટ કરવાની કે અનસબસ્ક્રાઈબ કરવાની ટેવ કેળવશો તો તમારું ઇનબોક્સ હંમેશા ચોખ્ખુંચણાક રહેશે!

