તમે પઝલ્સ ગમતી હોય તો આ ગેમ ગમશે. એન્ડ્રોઇડ પ્લે સ્ટોર અને એપલ આઇટ્યૂન્સ બંનેમાં આ ગેમ ‘હોટ લિસ્ટ’માં સામેલ થઈ ચૂકી છે. અત્યારે આ ગેમ પાંચમા વર્ષમાં પહોંચી હોવા છતાં તેની લોકપ્રિયતા અકબંધ છે!
સમજવામાં આ ગેમ બિલકુલ સરળ છે – ગેમ શરૂ કરીએ એટલે એક ચોરસ ખાનામાં નાના મોટા લંબચોરસ લાકડા જેવા બ્લોક્સ જોવા મળે. તેમાંથી એક અલગ રંગનો હોય. આખા ચોરસમાં એક છેડે, પેલો અલગ રંગનો બ્લોક બહાર નીકળી શકે એટલી જગ્યા હોય. આપણે એ અલગ બ્લોકને ચોરસથી બહાર કાઢી બતાવવાનો છે.
ચેલેન્જ એ છે કે તેા રસ્તામાં બીજા બ્લોક્સ આડા આવે છે. દરેક ઊભા બ્લોકે આપણને ફક્ત ઉપર કે નીચે ખસેડી શકીએ છીએ એ આડા બ્લોકને ડાબે કે જમણે ખસેડી શકાય છે. હવે દિમાગ દોડાવીને, બને તેટલી ઓછી ચાલમાં બધા બ્લોકને આમ તેમ ખસેડીને પેલા અલગ રંગના બ્લોક માટે બહાર નીકળવાો રસ્તો કરી આપવાનો છે.

પણ આ ગેમ ફક્ત સમજવામાં જ સરળ છે, રમવામાં નહીં! બિલકુલ પાયાના લેવલથી શરૂઆત કરીએ તો પણ ગેમ ચેલેન્જિંગ લાગશે. આ ગેમ બે મોડમાં રમી શકાય છે, એકમાં કોઈ પ્રકારના પ્રેશર વિના, શાંતિથી વિચારીને તમે રમી શકો છો, ચેલેન્જ મોડમાં દરેક પઝલમાં ૩ સ્ટાર પણ મેળવવા પડશે. ભેજાને સતત સતેજ રાખવું હોય કે ફુરસદનો સમય કંઈક મજાની રીતે વિતાવવો હોય તો આ ગેમ તમને ગમશે.
એટલું જાણી લો કે આ ફ્રી ગેમમાં બધું મળીને કુલ ૬૫૦૦ લેવલની પઝલ્સ રમી શકાય છે, લગભગ બીજી કોઈ ગેમમાં આટલાં લેવલ તમે મળશે નહીં.
આવી જ ગેમ જાતે બનાવો!
‘સાયબરસફરના એપ્રિલ ૨૦૧૨ અંકમાં, આ જ પ્રકારની ‘ટ્રાફિક જામ ગેમ’ વિશે માહિતી આપી છે. એ લેખમાં, ઇન્ટરનેટ પરની એક સાઇટ પરથી કેટલીક પીડીએફ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢી, આવી ગેમ જાતે બનાવવા વિશે પણ માહિતી મળશે. ગેમ એકલા રમવા કરતાં, સૌ સાથે મળી, જાતે બનાવીને રમવાની મજા જુદી જ છે!

