કમ્પ્યુટરને નુકસાન કરે તે વાઇરસ એવી આપણી એક સામાન્ય સમજ છે, પરંતુ વાઇરસ જેવા બીજા પણ ઘણા હાનિકારક સોફ્ટવેર હોય છે, આવો તેમાંના જાણીતા માલ્વેર વિશે માહિતી મેળવીએ.
આગળ શું વાંચશો?
- વાઈરસ
- વાઈરસના પ્રકાર
- ઈ-મેઈલ વાઈરસ
- વર્મ
- એડ્વેર
- સ્પાયવેર
- સ્પાયવેર શું કરી શકે છે?
- પહેલો જાણીતો વાઈરસ
- માલ્વેર કોણ તૈયાર કરે છે અને શા માટે?
- ડીપવેબનો વધતો પ્રચાર
- શું એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં પણ વાઈરસ હોઈ શકે?
આપણા કમ્પ્યુટરમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય તો આપણે માનીએ છીએ કે વાઈરસ હશે, આ દર વખતે સાચું હોતું નથી. હકીકતમાં આપણા કમ્પ્યુટરમાં હાનિકારક સોફ્ટવેર (Malicious+Software) એટલે કે ટૂંકમાં માલ્વેર તરીકે ઓળખાતા જુદા જુદા ઘણા પ્રકારના પ્રોગ્રામથી નુકસાન થઈ શકે છે. વાઇરસ એ માલવેરનો એક પ્રકાર માત્ર છે.
માલ્વેર એટલે એવા કમ્પ્યુટર પ્રોગ્રામ્સ કે જેનો હેતુ મુખ્યત્વે કમ્પ્યુટરને કે માહિતીને નુકસાન કરવાનો હોય. કમ્પ્યુટર યુગની શરૂઆતમાં જ્યારે કમ્પ્યુટર્સ એકબીજા સાથે સીધાં જોડાયેલાં નહોતાં ત્યારે માલ્વેર બહુ મોટી સમસ્યા નહોતી, પણ હવે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનો યુગ આવ્યા પછી અને માલવેરના ક્ષેત્રમાં, ગુનાઇત માનસ ધરાવતા પ્રોફેશનલ્સ સક્રિય બન્યા પછી માલ્વેરનું જોખમ અનેકગણું વધી ગયું છે.
ઉપર દર્શાવેલ ચિત્રમાં અલગ અલગ પ્રકારના માલ્વેર દર્શાવ્યા છે. જેમાંના મુખ્ય કેટલાક માલ્વેર વિશે આપણે વિસ્તૃત જાણકારી મેળવશું.
વાઇરસ
VIRUS નું આખું ફૂલ ફોર્મ છે Vital Inormation Resources Under Seize જેનો સામાન્ય મતલબ એવો તારવી શકાય કે આપણી મહત્ત્વની માહિતી કે ડેટા પર તોળાતો ખતરો! વાઇરસ એ બીજું કંઈ નહીં, એક પ્રકારનો પ્રોગ્રામ જ છે.
આ પ્રોગ્રામને વાઇરસ શા માટે કહેવામાં આવે છે? કારણ કે જેમ વાઇરસ એક માનવશરીરમાંથી બીજામાં ફેલાઈને બીમાર બનાવે છે તે જ રીતે આ પ્રકારના પ્રોગ્રામ પણ એક કમ્પ્યુટરથી બીજાને બીમાર બનાવે છે. જાણે અજાણે આ વાઇરસ કોઈ પણ સિસ્ટમમાં આવી શકે છે, જેનો મુખ્ય ઉદ્દેશ કમ્પ્યુટરમાં રહેલા પ્રોગ્રામ કે ઇન્ફર્મેશનને નુકસાન પહોંચાડવાનો હોય છે. વાઇરસ એ એક જાતનો સેલ્ફ રેપ્લિકેટેડ (જાતે જ પુનરાવર્તિત થતો) પ્રોગ્રામ છે જે કમ્પ્યુટરના કોઈ પણ પ્રોગ્રામ સાથે એટેચ થઈને પોતાનું કાર્ય કરે છે. દા.ત. ઈ-મેઇલમાં આવેલી નોર્મલ લગતી ફાઈલ કે ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી સિમ્પલ ગેમ સાથે વાઇરસ પણ આપણા કમ્પ્યુટરમાં ઘૂસી શકે છે.
એક રીતે જોઈએ તો એ આપણા હાથની વાત નથી કે આપણે જે તે ફાઈલમાંથી વાઇરસ શોધી કાઢીએ કેમ કે સામાન્ય રીતે કમ્પ્યુટર પર ફાઈલો ડાઉનલોડ થતી જ રહેવાની છે અને સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ થતા રહેવાના છે. ઘણા લોકો આ વાતને અવગણતા હોય છે, પરંતુ શું આપને ખ્યાલ છે કે કોઈ એક નાનકડો વાઇરસ પણ આપના કમ્પ્યુટરમાં ઘૂસીને શું શું કરી શકે છે?
- આપની સિસ્ટમમાં રહેલી ફાઈલને ડેમેજ કરી શકે છે.
- આપના કમ્પ્યુટરની સ્પિડ ઓછી કરી શકે છે.
- હેકર કે જે-તે વાઇરસ બનાવનાર તરફથી મુકાયેલો કોઈ મેસેજ બતાવી શકે છે.
- તમારા કમ્પ્યુટરનો ટોટલ ક્ધટ્રોલ બીજાને આપી શકે છે.
- તમારી આખી ઓપરેટિંગ સિસ્ટમ ઊડાડી શકે છે.
- તમારી હાર્ડ ડિસ્કને સાફ (વાઈપ) કરી શકે છે.
- તમારા સિસ્ટમ પર થઈ રહેલી પ્રવૃત્તિઓ કે ડેટાની જાસૂસી કરી શકે છે.
સામાન્ય રીતે આ વાઇરસ ઈ-મેઇલ કે ચેટ મેસેજ અથવા ઓનલાઈન ડાઉનલોડ થતા સોફ્ટવેરમાં આવતા હોય છે. ચેટિંગ સર્વિસ વાપરનારાઓએ કોઈ ને કોઈ વાર જોયું હશે કે તેમના સ્ક્રીન પર અચાનકથી જ પોપ-અપ્સ વિન્ડો ખૂલી જતી હોય છે જેમાં કોઈ ને કોઈ લિંક આપેલી હોય છે.
ચાલો જાણીએ વાઇરસ કઈ રીતે કામ કરે છે? વાઇરસ બંને પ્રકારની ફાઈલ પર એટેક કરી શકે છે – નોર્મલ યુઝર અને એડમિન!
ટૂંકમાં સમજીએ તો જો વાઇરસ એડમિન યુઝર દ્વારા ફિલ્ટર ના થયો તો તે એડમિનની નીચે આવતા દરેક યુઝર્સ કે પ્રોગ્રામ્સમાં ફેલાઈને નુકસાન કરી શકે છે. જ્યારે બીજી બાજુ માત્ર નોર્મલ યુઝરના દ્વારા જો એ વાઇરસ આવ્યો હોય તો તેની અસર યુઝરના કમ્પ્યુટર પૂરતી લિમિટેડ રહે છે. જ્યાં સુધી તે વાઇરસ કોઈ ફાઈલ સાથે એટેચ થઈને ફેલાય નહિ.
હવે કમ્પ્યુટર વાઇરસની વર્કિંગ કે ઇન્ફેકશન મેથડ વિશે જાણવા માટે બાજુમાં એક ચિત્ર આપવામાં આવ્યું છે તે જરા ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ વાંચો! આના પરથી તમે સહેલાઈથી સમજી શકશો કે કઈ રીતે વાઇરસ ફેલાય છે.
વાઇરસના પ્રકાર
આમ તો વાઇરસની વર્કિંગ કે ઇન્ફેકશન મેથડને આધારે વાઇરસનાં ઘણાં બધાં નામ અને પ્રકારો છે, પરંતુ આપને અહીં મુખ્ય અને સૌથી વધુ ત્રાસદાયક વાઇરસ વિશે માહિતી મેળવીશું!
ઈ-મેઇલ વાઇરસ
આમ તો નામ જોઈને જ આપને ખ્યાલ આવી ગયો હશે કે આ વાઇરસ કઈ રીતે કામ કરે છે. આ પ્રકારના વાઇરસ મોટા ભાગે માઇક્રોસોફ્ટ વર્ડ કે નોટપેડમાં બનાવવામાં આવે છે. ત્યાર બાદ આ વાઇરસને ઈન્ટરનેટ પર ઈ-મેઇલ દ્વારા ફેલાવવામાં આવે છે. જો કોઈ ઈ-મેઇલ યુઝર આવો મેઈલ મેળવે અને તેને ડાઉનલોડ કરે ત્યારે આ વાઇરસ ટ્રીગર થાય છે એટલે કે એકક્ટિવ થાય છે. ભૂતકાળમાં Mellisa, ILOVEU વગેરે નામના ઈ-મેઇલ વાઇરસે લાખો કમ્પ્યુટર્સને ઇનફેકટ કરેલા છે.
આવા વાઇરસથી બચવા માટેનો સરળ રસ્તો એ જ છે કે અજાણ્યા ઈ-મેઇલ પરથી કોઈ એટેચમેન્ટ ડાઉનલોડ ના કરવા! બીજી એક વાત જે આપણને સૌને લાગુ પડે તે એ છે કે ઈન્ટરનેટ પર સર્ફિંગ કરતી વખતે ઘણી વેબસાઈટ સબસ્ક્રાઈબ કરવાનો ઓપ્શન આપે છે. મોટા ભાગના લોકો તેમાં પોતાનું મેઈલ આઈડી આપી દેતા હોય છે અને પછી વાઇરસના જોખમમાં મૂકાય છે.
ઇન્ટરનેટ પરની બધી વેબસાઇટ ભરોસાપાત્ર હોતી નથી, પરિણામે ક્યારેક આપણા ઈ-મેઇલ પર વાઇરસના એટેચમેન્ટવાળી ફાઇલ પણ આવી શકે છે. જોકે હવે તો યાહૂ અને ગૂગલ મેઈલ સર્વિસ દ્વારા મેઈલ ફિલ્ટર થઈને જ આવતા હોય છે, પરંતુ ચાન્સ શા માટે લેવો? ઘણા એન્ટિવાઇરસ સોફ્ટવેર્સમાં ઈ-મેઇલ સ્કેનિંગ સિક્યોરિટીની સુવિધા હોય છે, તેની પણ મદદ લઈ શકાય.
વર્મ
શરૂઆતમાં જ કહ્યું તેમ, આપણા કમ્પ્યુટરમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે ત્યારે આપણે એમ જ માનતા હોય છે કે વાઇરસ આવ્યો, પરંતુ બધા જ પ્રોબ્લેમ પાછળ વાઇરસ જ જવાબદાર નથી હોતો! વાઇરસની જેમ જ વર્મ પણ કમ્પ્યુટર સિસ્ટમને ઇન્ફેક્ટ કરે છે.
વર્મ પણ એ એક રેપ્લિકેશન ફન્કશન પર કાર્ય કરતો માલ્વેર છે. તે પોતાની જાતે જ પોતાની અસર વધારતો રહે છે અને સતત એક કે બીજી ફાઈલને ઇન્ફેક્ટ કરે છે.
વર્મ આપણી સિસ્ટમમાં વાઇરસની જેમ નુકસાન નથી પહોંચાડતો પણ તેનું મુખ્ય કાર્ય કમ્પ્યુટરની મેમરીને રોકવાનું અને બિનજરૂરી અને નકામી ફાઈલ અને ફોલ્ડર બનાવવાનું હોય છે.
વર્મ એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર પર ઇન્ફેક્ટ પણ સહેલાઈથી થઈ જાય છે. વર્મની કાર્યશૈલી અને ઇન્ફેકશન ફેલાવવાની પદ્ધતિ સમજવા માટે ડાબે એક સરળ ચિત્ર દશર્વિવામાં આવ્યું છે.
Code Red worm, Morris worm, Slammer worm વગેરે જાણીતા વર્મના નામ છે જે દુનિયાભરના સંખ્યાબંધ કમ્પ્યુર્ટ્સને ઇન્ફેકટ કરી ચૂક્યા છે અને લાખો ડોલર્સની નુકસાની પણ કરી ચૂક્યા છે.
એડ્વેર
ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતી વખતે અચાનકથી ટપકી પડતા પોપ-અપ્સ વિન્ડો કે જેમાં કોઈ માલ્વેર હોઈ શકે છે તે Adware તરીકે ઓળખાય છે. જેમાં આપણને કોઈ ને કોઈ રીત ઈ-મેઇલ આઇડી કે અન્ય વિગતો આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આવા એડ્વેર્સથી બચવા માટે હવે બ્રાઉઝરમાં જ પોપ-અપ્સ બ્લોક કરવાનો ઓપ્શન હોય છે અને એન્ટિવાઇરસ સોફ્ટવેર પણ આવા એડ્વેર સામે રક્ષણ આપી શકે છે.
સ્પાયવેર
સ્પાયવેર પણ વાઇરસની જેમ વધારે હાનિકારક કેટેગરીમાં મૂકી શકાય તેવો માલ્વેર છે.
સાદી ભાષામાં સમજીએ તો સ્પાયવેર એ એવો સોફ્ટવેર કે જે કમ્પ્યુટર સિસ્ટમમાં તેના યુઝરની જાણકારી વિના જ ઇન્સ્ટોલ થઈ જાય છે અને યુઝર જે કંઈ પણ એક્ટિવિટી કરે તેની બધી જ માહિતી પોતાના મૂળ માલિક એટલે કે જેણે તે સ્પાયવેર દાખલ કર્યો હોય તેને પહોંચાડે છે (જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં આપણે ટ્રોજન વિશે જાણ્યું હતું)!
ટ્રોજન મુખ્યત્વે આવા સ્પાયવેર્સ ધરાવતો હોય છે. સ્પાયવેર કઈ રીતે ઈન્ફેક્ટ થાય છે તે જાણવા માટે એક ચિત્ર નીચે દશર્વિેલ છે.
સ્પાયવેર શું કરી શકે છે?
- પર્સનલ ઇન્ફર્મેશનની ચોરી
- ડેટાની ચોરી
- તમારા સિસ્ટમની જાસૂસી
- સિસ્ટમને ક્ન્ટોલ કરી શકે
આ ઉપરાંત બીજું ઘણું બધું નુકસાન થઈ શકે છે. કોર્પોરેટ તથા સરકારી ક્ષેત્રમાં સ્પાયવેરથી મોટા પાયે નુકસાની થઈ શકે છે.
આનાથી બચવું કઈ રીતે?
- કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતી વખતે ધડાધડ ઘઊં – ગયડ્ઢિં – ગયડ્ઢિં બટન ક્લિક ના કરો.
- ચેક કરો કે જે તે સોફ્ટવેર ક્યાંથી આવ્યો છે અથવા તો કોઈ અજાણી વેબસાઈટ પરથી તો નથી ડાઉનલોડ કરી રહ્યા.
- તમારા કમ્પ્યુટરમાં વારંવાર કોઈ અજાણી ફાઈલ કે ફોલ્ડર બનતું હોય તો ચેતજો.
- Spybot, Antispy, Spyware Removal જેવા સોફ્ટવેર રાખો અને નિયમિત રીતે સિસ્ટમ સ્કેન કરો.
આ સિવાય Zombia,Botnet, Rootkit વગેરે જેવા અન્ય માલ્વેર પણ ઈન્ટરનેટ પર હોય છે જે આપણી સિસ્ટમને યેન-કેન પ્રકારે નુકસાન કરી શકે છે.
આ બધા માલ્વેર્સથી સુરક્ષા માટે બજારમાં ઘણાબધા એન્ટિવાઇરસ ઉપલબ્ધ છે. આપ કોઈ પણ કંપનીનો એન્ટિવાઇરસ ખરીદો પણ લેટેસ્ટ વર્ઝન અને ટોટલ સિક્યોરિટીને પ્રાથમિકતા આપવી! બીજી વાત એ કે એન્ટિવાઇરસ સેટ કરી દીધો એટલે તમે સુરક્ષિત છો તે માનવું ભૂલ છે. ઇન્ફર્મેશન સિક્યોકિટીના પહેલાં જ ચેપ્ટરમાં એક વાક્ય છે : Security is not a tool that you can set and fortget. Security is a process.
કમ્પ્યુટર પર ઈન્ટરનેટ સર્ફિંગ કે ડાઉનલોડ કરતી વખતે સતર્કતા જ તમારું મુખ્ય હથિયાર હશે. આવા વાઇરલ એટેકથી બચવા માટે – Prevention is better than cure.
શું એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં પણ વાઇરસ હોઈ શકે?

હા, એન્ડ્રોઈડ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ હોવાથી તેમાં ચાલે તેવી સંખ્યાબંધ એપ્લિકેશન અને સોફ્ટવેર બનવા લાગ્યા છે અને તેના યુઝર્સની વધતી જતી સંખ્યાને જોઈને આ એપ્લિકેશન્સ પણ વધતી જ રહેવાની તેમ લાગે છે. સ્માર્ટફોનમાં વાઇરસ આવવા માટેનો સ્રોેત અજાણ્યા સોફ્ટવેર છે, જેને ઇન્સ્ટોલ કરવાથી તમારો ફોન ઇન્ફેક્ટેડ થઈ જાય છે. સામાન્ય રીતે ગૂગલ એપ્સ ચકાસીને પછી તેને પ્લેસ્ટોરમાં મૂકે છે, એટલે તેમાં જોખમ ઓછું રહે છે. ઇન્ટરનેટ પર અન્ય સાઇટ્સ પરથી સ્માર્ટફોનમાંની એપ્સ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવામાં ચોક્કસ જોખમ છે. સ્માર્ટફોનને સલામત રાખવા તેના માટેના એન્ટિવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ પણ કરી શકાય.
પહેલો જાણીતો વાઇરસ
૧૯૯૯માં ડેવિડ સ્મિથ નામના એક કમ્પ્યુટર ડેવલપરે ઈ-મેઇલ મેસેજ દ્વારા ફેલાઈ શકે એવો એક કમ્પ્યુટર વાઇરસ તૈયાર કર્યો અને એક ડાન્સરના નામ પરથી તેને નામ આપ્યું ‘મેલિસા’.
આ વાઇરસની ફાઇલ ઈ-મેઇલમાં એટેચમેન્ટ તરીકે મોકલવામાં આવતી હતી અને સબ્જેક્ટમાં ‘તમે મંગાવેલી ફાઇલ’ કે ‘આ એટેચમેન્ટ બીજા કોઈને બતાવશો નહીં’ જેવું લખવામાં આવતું, જેનાથી લોકો ફાઇલ એક વાર ડાઉનલોડ કરવા લલચાતા. એક વાર કમ્પ્યુટરમાં આ વાઇરસ એક્ટિવેટ થાય પછી તે જાતે જ તે કમ્પ્યુટરમાંની એડ્રેસ બુકમાંથી બીજા લોકોને ઈ-મેઇલ રવાના કરતો હતો.
આ વાઇરસે અમેરિકન સરકાર અને ખાનગી કંપનીઓનાં નેટવર્કમાં એવો હોબાળો મચાવ્યો અને એટલી મોટી સંખ્યામાં ઈ-મેઇલ્સ મોકલાવાનું શરૂ થઈ ગયું કે કેટલીય કંપનીઓએ પોતાના ઈ-પ્રોગ્રામ થોડા સમય માટે બંધ કરવા પડ્યા.
આખરે એફબીઆઈ આ વાઇરસના મૂળ સુધી પહોંચી અને સ્મિથને ૨૦ મહિનાની જેલ અને ૫,૦૦૦ ડોલરનો દંડ થયો. મેલિસાથી ઇન્ટરનેટ અટકી તો ન પડ્યું, પણ એ પહેલો કમ્પ્યુટર વાઇરસ હતો જે સૌના ધ્યાનમાં આવ્યો.
માલ્વેર કોણ તૈયાર કરે છે અને શા માટે?
કમ્પ્યુટર યુગની શરુઆતમાં મોટા ભાગે પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખી ગયેલા વિદ્યાર્થીઓ પોતાની ‘આવડત’ તપાસવા માટે વાઇરસ પ્રોગ્રામ લખતા હતા. એ સમયે મોટા ભાગનાં કમ્પ્યુટર્સ હજી ઇન્ટરનેટથી એકમેક સાથે જોડાયેલાં ન હોવાથી વાઇરસનો ફેલાવો પ્રમાણમાં મર્યિદિત રહેતો હતો.
પણ ઇન્ટરનેટ યુગ આવ્યા પછી શીખાઉ કે હોંશિયાર વિદ્યાર્થીઓ ઉપરાંત ગુનાખોર પ્રોફેશનલ્સ પણ આ ક્ષેત્રમાં આવ્યા. તેમનો ઇરાદો પોતાની આવડત બતાવવા કરતાં, બીજાની માહિતી ચોરીને નાણાં કમાવાનો હતો અને છેે. આવા પ્રોફેશનલ્સે બનાવેલા માલ્વેર્સ ફક્ત અકસ્માતે ડાઉનલોડ કે ક્લિક કરવા જેવી ભૂલથી જ ફેલાતા નથી, એ તો સિક્યોરિટી સિસ્ટમ્સમાં રહેલી ખામીઓ શોધીને તેનો ફાયદો ઉઠાવે છે.
માલ્વેરનો હેતુ ફક્ત વ્યક્તિગત સ્તરે નુકસાન પહોંચાડવાનો જ હોય એવું નથી. જૂન ૨૦૧૦માં, ઇરાનના અણુ કાર્યક્રમના નેટવર્કમાં કેટલાંક માલ્વેર ઘૂસાડવામાં આવ્યાં હતાં, જેનાથી અણુઊર્જા પેદા કરવાની આખી વ્યવસ્થામાં ગાબડાં પડ્યાં અને આખા મથકની ઓપરેશનલ કેપેસિટી ૩૦ ટકા જેટલી ઘટી ગઈ. આ માલ્વેર કોઈ એકલદોકલ હેકરનું કામ નહોતું પણ યુએસ કે ઇઝરાયેલની સરકારના પૂરતા ટેકા સાથે થયેલું એક પ્રોફેશનલ ટીમવર્ક હોવાનું કહેવાય છે!
‘ડીપ વેબ’નો વધતો પ્રસાર
જાણીતી એન્ટિવાઇરસ કંપની મેકઅફી તેની માલ્વેર લેબને ‘ઝૂ’ તરીકે ઓળખાવે છે અને ૨૦૧૩ના અંત ભાગમાં પ્રકાશિત થયેલા તેના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આ ઝૂમાં ૧૭.૨ કરોડ પ્રકારના વાઇરસનાં સેમ્પલ એકઠાં થયાં છે! ફક્ત આ ત્રિમાસિક ગાળામાં જ કંપનીને ૨ કરોડ જેટલા નવા પ્રકારના માલ્વેરની જાણ થઈ.
આ કંપની તેના રિપોર્ટમાં જણાવે છે કે મોબાઇલ અને તમામ પ્રકારના માલ્વેરમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્ર્વભરમાં સ્પામ મેઇલ્સમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.
બીજી તરફ, સાયબરક્રિમિનલ્સ તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ આગળ ધપાવવા માટે ડિજિટલ કરન્સીનો ઉપયોગ વધારવા લાગ્યા છે. આ રીતે ડ્રગ્સ અને અન્ય ગેરકાયદે પ્રોડક્ટ્સ વેચતી સિલ્ક રોડ નામની એક મેજર ઓનલાઇન માર્કેટ તો સિક્યોરિટી એજન્સીઝ બંધ કરાવી શકી છે, પણ તેના જેવી બીજી ઘણી ગેરકાયદે ઓનલાઇન માર્કેટ્સ હજી ચાલુ છે. એકબીજા સાથે સંકળાયેલી આ પ્રકારની ગેરકાયદે સાઇટ્સ હવે ‘ડીપ વેબ’ તરીકે ઓળખાય છે. આ બધું જ સરવાળે ઇન્ટરનેટ પર ગેરકાયદે પ્રવૃત્તિઓને આગળ ધપાવે છે અને માલ્વેર તેમાં મોટો ભાગ ભજવે છે.

