સાયબરસફરના જૂના વાચકોને યાદ હશે કે નવેમ્બર ૨૦૧૨ના અંકમાં આપણે ‘ભારતીય રેલવેના નવા મુકામ’ની વાત કરી હતી, જેમાં ગૂગલ મેપ પર દરરોજ ભારતભરમાં દોડતી સાડા છ હજાર જેટલી ટ્રેનનાં લાઇવ લોકેશન બતાવતી રેલરડાર સર્વિસની વાત કરી હતી.
એ સર્વિસ એક ખાનગી કંપનીએ બનાવી હોવાથી હવે તેનું એડ્રેસ બદલાઈ ગયું છે : http://railradar.railyatri.inએ સિવાય, જો તમે http://enquiry.indianrail.gov.in સાઇટ પર જશો તો નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ હેઠળ, ટેબલ સ્વરુપે બરાબર અત્યારે કઈ ટ્રેન ક્યાં પહોંચી છે તે જાણી શકાશે.
જેમ કે તમારા કોઈ સ્વજન મુંબઈથી બપોરે ૧.૪૦ વાગ્યે ઉપડતી કણર્વિતી એક્સપ્રેસમાં અમદાવાદ આવી રહ્યા હોય અને તમારે ટ્રેનનું સ્ટેટસ જાણવું હોય તો આ સાઇટ પર જઈને ટ્રેનનું નામ, કોઈ પણ સ્ટેશન, મુસાફરીની તારીખ વગેરે વિગતો આપશો એટલે જાણવા મળશે કે ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સમયસર ઉપડી હતી, પણ બોરીવલી પહોંચતાં તેને ૯ મિનિટ મોડું થયું, જોકે ટ્રેન વાપી તેના નિર્ધારિત સમય કરતાં ફક્ત ૨ મિનિટ મોડી પહોંચી હતી.
અત્યારે ટ્રેન પારડી સ્ટેશનથી આગળ નીકળી ગઈ છે. આગળનાં દરેક સ્ટેશન અને છેલ્લે અમદાવાદ ટ્રેન ક્યારે પહોંચશે તે આપણે અહીંથી જાણી શકીએ છીએ!

