“જો બકા! વોટ્સએપમાં તો ઈમેજીસનો મારો થવાનો જ, એનાથી થાકવાનું નહીં! એવું કોઈ કહે તો માની લેવાની જરૂર નથી. વોટ્સએપને તમે સહેલાઈથી અંકુશમાં રાખી શકો છો અને ડેટા બિલ તેમ જ ફોનની મેમરીની બચત કરી શકો છો.
તમે ‘હેપ્પી ન્યૂ યર’ ફિલ્મ જોઈ? તમારા ઓળખીતા-પાળખીતા સૌએ લગભગ એક અવાજે ફિલ્મને વખોડી હશે તોય તમે તો જોવા ગયા જ હશો. ફિલ્મ જોયા વિના રહેવાય નહીં અને પછી સહેવાય નહીં એવું ઘણા સાથે બન્યું હશે. કંઈક એવું જ વોટ્સએપનું છે.
મિત્રો કે નિકટના સ્વજનવર્તુળમાં સંપર્કમાં રહેવા માટે આ ખરેખર હાથવગી અને મજાની સર્વિસ છે (સાવ ‘હેપ્પી ન્યૂ યર’ જેવું નથી!), પણ આપણે જે કોઈ ગ્રૂપમાં જોડાયા હોઈએ એ ગ્રૂપમાંના લોકો કે આપણી કોન્ટેક્ટબુકમાંના લોકોમાંથી સંખ્યાબંધ લોકો એવા હોય છે જેમની ફૂલટાઇમ નોકરી વોટ્સએપ પર ચિત્રવિચિત્ર પોસ્ટ, ઇમેજીસ અને વીડિયોઝ શેર કરવાની જ હોય એવું લાગે.
આ બધું પાછું ઓટોમેટિકલી ડાઉનલોડ થઈને આપણી ગેલેરીમાં જમા થતું રહે અને આપણી ઓલરેડી ઓછી સ્પેસ પર ભારણ વધારતું રહે (એટલે જ તો કોઈએ ‘ફૂલટાઇમ વોટ્સએપની સાફસૂફી કરનાર જોઈએ છે’ એવી જાહેરાત પણ વોટ્સએપ પર જ શેર કરી હતી!).
પરિણામે થાય છે એવું કે જે સર્વિસ આપણે માટે સંપર્કની સરસ કડી હોય એ જ કંટાળાજનક પણ લાગવા માંડે. વોટ્સએપ જોયા વગર રહેવાય નહીં અને ગેલેરીમાં ભાર વધ્યા કરે એ સહેવાય નહીં.
સદભાગ્યે આનો ઉપાય છે, જેથી આપણે વોટ્સએપ પર એક્ટિવ પણ રહી શકીએ અને મિત્રોના સંખ્યાબંધ મીડિયા અપડેટ્સથી આપણી મહામૂલી સ્પેસ પર ભાર વધવાનો તેમ જ મોબાઇલ ડેટા બિલમાં વધારો થવાનો ડર રહે નહીં.
જો તમારા મિત્રોની તમારા પર સતત કૃપા વરસતી હોય, તેમના તરફથી ઇમેજીસનો સતત મારો થતો હોય અને તમને વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ ન હોય તો મોબાઇલમાં જે કંઈ આપણી જાણ સાથે કે જાણ વિના ડાઉનલોડ થતું રહે તેની અસર આપણા મોબાઇલ ડેટા બિલ પર પડે છે. ઉપરાંત વારંવાર ઇમેજીસની ગેલેરીમાં જઈ વોટ્સએપના ફોલ્ડર પર ત્રાટકીને ન જોઈતી ઇમેજીસ ડિલીટ કરવાની કસરત કરવી પડે એ વધારાની ઉપાધિ. તેમ કરવા જતાં ક્યારેક મિત્રો કે સ્વજનોએ મોકલેલા પરિવારના ફોટોગ્રાફ તારવીને ડિલીટ નહીં કરવાનું ધ્યાન રાખવું પડે, એ અલગ ચિંતા.
આવું થતું અટકાવવા માટેનાં પગલાં જાણી લઈએ.
- સૌથી પહેલાં તમારા મોબાઇલમાં વોટ્સએપ ઓપન કરો.
- તેમાં જ્યારે તમે મેઇન વિન્ડોમાં હો એટલે કે તમારી બધી જ ગ્રૂપ કે વ્યક્તિગત ચેટ્સ જોઈ શકાતી હોય ત્યારે ફોનના મેનુ બટન (મોડેલ મુજબ ત્રણ આડી લાઇન કે ત્રણ ઊભાં ટપકાં) પર ક્લિક કરી વોટ્સએપના સેટિંગ્સમાં જાઓ.
- તેમાં ચેટ સેટિંગ્સમાં જાઓ.
- અહીં મીડિયા ઓટો-ડાઉનલોડનો વિકલ્પ જોવા મળશે, આપણે તેનું કામ છે, તેના પર ક્લિક કરો.
- હવે તમે જોશો તેમ અહીં ત્રણ વિકલ્પ છે, એક, જ્યારે આપણે મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી રહ્યા હોઈએ તેવી સ્થિતિ.
- તેના પર ક્લિક કરતાં ફરી ત્રણ વિકલ્પ મળે છે અને આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણે મોબાઇલ ડેટા પર હોઈએ ત્યારે ઇમેજ, ઓડિયો અને વીડિયો ત્રણેય ઓટોમેડિક ડાઉનલોડ કરવા માગીએ છીએ કે નહીં? સામાન્ય રીતે આમાં ફક્ત ઇમેજ ઓટો-ડાઉનલોડ થાય એવું સેટિંગ હોય છે. તમે તેના બોક્સને અનચેક કરી ઓકે કરી દેશો તો પછી વોટ્સએપમાં જ્યારે પણ નવા મેસેજીસ આવશે અને તેમાં ઇમેજ હશે તો તે ઓટોમેટિક ડાઉનલોડ નહીં થાય.
- આ સ્થિતિમાં ફક્ત ધૂંધળી ઇમેજ દેખાશે અને તેના પર તે કેટલા કેબીની છે તે જોવા મળશે. ઇમેજ જોવામાં રસ હોય તો તેના પર ક્લિક કરતાં તે ડાઉનલોડ થઈને સ્પષ્ટ દેખાશે (અને આપણી ગેલેરીમાં પણ ઉમેરાઈ જશે). ઇમેજ ન જોવી હોય તો ફક્ત તેને અવગણીને આગળ વધો!
- મીડિયા ઓટો-ડાઉનલોડમાં બીજો વિકલ્પ વાઇ-ફાઇ પર કનેક્ટેડ હોઈએ ત્યારનો અને ત્રીજો ઓપ્શન રોમિંગ સમયનો છે. સામાન્ય રીતે આપણે મોબાઇલ ડેટા પ્લાન પર હોઈએ ત્યારે માત્ર ઇમેજ ઓટો-ડાઉનલોડ થાય, વાઇ-ફાઇ પર હોઈએ ત્યારે તમામ મીડિયા ઓટો-ડાઉનલોડ થાય અને રોમિંગ પર હોઈએ ત્યારે કોઈ મીડિયા ઓટો-ડાઉનલોડ ન થાય એવું સેટિંગ હોય છે. તમે દરેક સ્થિતિમાં કશું જ ઓટોમેટિક ડાઉનલોડ ન થાય એવું ઇચ્છતા હો તો ત્રણેય વિકલ્પમાં ઇમેજ, ઓડિયો અને વીડિયો માટેનાં બોક્સ અનચેક કરી દો!
હવે વોટ્સએપ પર તમારો કંટ્રોલ છે, ચાહો તે અને તેટલું જ ડાઉનલોડ કરો!
