ઓફિસના કામકાજથી કે અભ્યાસથી કંટાળ્યા હો અને ઘડી-બે ઘડી કંઈક જુદું કરવાનો વિચાર આવે ત્યારે વોશિંગ્ટનનું વ્હાઇટ હાઉસ, દિલ્હીનું સંસદ ભવન કે કન્યાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ કે હિમાલયમાંનું માનસરોવર કે પછી હોલીવૂડના સ્ટાર્સનાં ભવ્ય મેન્શન્સ વગેરે વગેરે સ્થળોએ લટાર મારવાની તક મળે તો? જેમ થોડી ફુરસદમાં આપણે બાઇક કે કાર લઈને લોંગડ્રાઇવ પર જઈએ એમ હવે થોડી મિનિટોની ફુરસદ મળે ત્યારે આપણે ગ્લોબટ્રોટિંગ કરી શકીએ છીએ, અલબત્ત, વર્ચ્યુઅલ!

તમે સમજી જ ગયા હશો કે વાત ગૂગલ મેપ્સ કે અર્થની હશે. તમે સાચા છો, પણ ૩૩ ટકા, કેમ કે વાત એવી કે સાઇટની છે, જેના પર આપણે ગૂગલની સાથોસાથ બિંગ અને યાહૂ મેપ્સનો પણ લાભ લઈ શકીએ છીએ.સાઇટ છે : http://virtualglobletrotting.com
દુનિયાને જરા જુદી નજરે જોવાના ઉત્સાહી કેટલાક લોકોએ સાથે મળીને આ સાઇટ તૈયાર કરી છે. વાસ્તમાં આ એક કોમ્યુનિટી પ્લેટફોર્મ છે, જેના પર કોઈ પણ વ્યક્તિ ગૂગલ, બિંગ કે યાહૂના મેપ પર કોઈ રસપ્રદ સ્થળ શોધીને તેનો નક્શો આ સાઇટ પર સબમિટ કરી શકે છે, જેને સાઇટના કોઈ પણ મુલાકાતી જોઈ શકે છે.
આ સાઇટ પર જઈને તમે જોશો તેમ, આ સાઇટ પર અત્યારે ૧,૮૧,૪૯૯ નક્શા અપલોડ થઈ ચૂક્યા છે. આ તમામ નક્શાને દુનિયાના જુદા જુદા દેશો અને અમેરિકાનાં જુદાં જુદાં રાજ્યો પ્રમાણે કેટેગરાઇટ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત, બિલ્ડિંગ, ઇવેન્ટ્સ, લેન્ડ, નેચરલ, સ્ટ્રીટ વ્યૂ, ટ્રાન્સપોર્ટેશન વગેરે કેટેગેરીમાં પણ દરેક નક્શાને વહેંચી નાખવામાં આવ્યા છે.
કંઈક અંશે વિકિપીડિયા પ્રકારની આ સાઇટને જુદા જુદા લોકો મોડરેટ કરે છે. સાઇટમાં એકાઉન્ટ ખોલાવીને તમે પણ તમને ગમતા મેપ તેમાં અપલોડ કરી શકો છો.
એટલા ઊંડા ઊતરવું ન હોય અને ફક્ત માઉસના ઇશારે દુનિયાની સફર ખેડવી હોય તો સાઇટનું નેવિગેશન પ્રમાણમાં સરળ છે. ચાહો તો સર્ચ બોક્સમાં કોઈ પણ સ્થળનું નામ લખીને આગળ વધો અથવા ગૂગલ, બિંગ કે યાહૂમાંથી કોઈ એક સોર્સ પસંદ કરીને આગળ વધો કે પછી બિલ્ડિંગ, સેલિબ્રિટી હોમ, સ્ટ્રીટ વ્યૂ વગેરેમાંથી પસંદ કરો, અથવા છેક જમણે છેડે આપેલ કંટ્રીઝની યાદી જુઓ. અહીં ભારતના ૮૦૩ નક્શા જોઈ શકાય છે.


ધારો કે આપણે આ સાઇટ પર જઈને સર્ચ બોક્સમાં ‘ક્ન્યાકુમારી’ સર્ચ કર્યું. તો આપણે ગૂગલ, બિંગ અને યાહૂ ત્રણેયની મેપ સર્વિસ પર ક્ન્યાકુમારીનાં દર્શન કરવાનો આપણે લ્હાવો લઈ શકીશું. વારાફરતી ત્રણેય મેપ ઓપન કરી જોશો તો આ ત્રણેય મેપ સર્વિસમાં કોણ ચઢિયાતું છે અને શા માટે એ પણ તમે સમજી શકશો.
જોકે આ સાઇટ પર આપેલી વિગતો મુજબ, ગૂગલ મેપ્સનું કવરેજ સૌથી સારું છે અને બિંગમાં ઓછી ઊંચાઈએ ઊડતાં પ્લેન્સથી લેવાયેલી તસવીરોના ‘બર્ડ્સ આઇ વ્યૂ’માં ઘણું વધુ સારું ડીટેઇલિંગ જોવા મળી શકે છે. ક્ધયાકુમારીના કેસમાં આવો બર્ડ્સ આઇ વ્યૂ ઉપલબ્ધ નથી, સરસ બર્ડ્સ આઇ વ્યૂ જોવો હોય તો તમારે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સનું ભવ્ય રહેઠાણ જોવું રહ્યું. એ માટે સર્ચ બોક્સમાં બિલ ગેટ્સ લખો અને આગળ વધો!
અલબત્ત, વર્ચ્યુઅલ ગ્લોબટ્રોટિંગ સાઇટ તો મેપ્સની રોમાંચક દુનિયામાં ઝંપલાવવા માટેના સ્ટેપિંગ સ્ટોન તરીકે જ ઉપયોગી છે. અહીંથી જુદી જુદી જગ્યાઓ જુઓ અને પછી ગૂગલ મેપ્સ કે અર્થ, બિંગ કે યાહૂ અને બીજી સુવિધાઓમાં ઝંપલાવો.
જેમ કે વર્ચ્યુઅલ ગ્લોબટ્રોટિંગ સાઇટમાં તમે બિલ ગેટ્સના હાઉસ સુધી પહોંચશો તો તેમાં મેપની સાથોસાથ, ડાબી તરફ બિલ ગેટ્સના ભવ્ય રહેઠાણની રસપ્રદ વિગતો આપતો લેખ જોવા મળશે. તેની નીચે, ગૂગલ અર્થના આઇકન પર ક્લિક કરશો (અને જો તમારા કમ્પ્યુટરમાં તમે ગૂગલ અર્થ ઇન્સ્ટોલ કરેલ હશે) તો ગૂગલ અર્થમાં દરિયાની અડોઅડ લીલીછમ હરિયાળીમાં વિસ્તરેલો બિગ ગેટ્સનો મહેલ જોવા મળશે.
હવે જો તમે http://www.bing.com/maps/ પર જઈને bill gates house સર્ચ કરશો તો પહેલાં સાદા નક્શા પર તેનું સ્થાન જોવા મળશે. તે પછી નક્શાની ઉપરની બાજુએ આપેલા વિકલ્પોમાંથી બર્ડ્ઝ આઇ વિકલ્પ પસંદ કરશો તો ઘણી વધુ સારી ક્લેરિટી સાથે બિલ ગેટ્સની આખી પ્રોપર્ટીની બારી વિગતો પર તમે નજર ફેરવી શકશો!
એ રીતે, વર્ચ્યુઅલ ગ્લોબટ્રોટિંગ સાઇટમાં ભારતના મેપ્સની યાદીના સહારે જો તમે નવી દિલ્હીમાંના સંસદ ભવન સુધી પહોંચ્યા હો, તો ત્યાંથી ફરી ગૂગલ અર્થમાં પહોંચો. અહીં ડાબી તરફની પેનલમાં ૩ડી બિલ્ડિંગ્સનો ઓપ્શન ઇનેબલ કરો અને પછી જમણી તરફ આપેલી માણસની આકૃતિને માઉસથી ડ્રેગ કરીને સંસદ ભવનના પ્રાંગણમાં લાવી મૂકો. આપણે પોતે સંસદ સામે ઊભા હોઈએ એવું દૃશ્ય જોવા મળશે.
હવે માઉસના બટનને સ્ક્રોલ કરશો તો તમે સંસદની દીવાલો ભેદીને તેની અંદર પહોંચશો અને અંદરનો ભાગ પણ જોવા મળશે! અલબત્ત, આ બહુ બેઝિક ૩ડી ઇમેજિંગ છે એટલે સંસદની અંદરનું કોઈ ડીટેઇલિંગ જોવા મળશે નહીં. આ રીતે ઇચ્છો તો વોશિંગ્ટનમાંના વ્હાઇટ હાઉસના બગીચામાં પણ આપણે લટાર મારી શકીએ છીએ.
વર્ચ્યુઅલ ગ્લોબટ્રોટિંગની મજા આ રીતે લૂંટશો તો દુનિયા ફરી વળવા માટે કેટલાય દિવસો ઓછા પડશે!

