ઓગસ્ટ ૬, ૧૯૪૫ના દિવસે જાપાનના શહેર હીરોશીમા પર અમેરિકન બી-૨૯ બોમ્બર પ્લેનમાંથી ‘લિટલ બોય’ નામ ધરાવતો અણુબોમ્બ ઝીંકાયો. એ સાથે એકસાથે ૮૦,૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા. અણુબોમ્બની પ્રચંડ તાકાતને કારણે શહેરનાં ૬૯ ટકા જેટલાં મકાનો તદ્દન ધરાશાયી થયાં અને બીજાં અનેક મકાનોને ગંભીર નુક્સાન થયું.
એ ઘટનાના ત્રણ જ દિવસ પછી, ઓગસ્ટ ૯ના દિવસે ફરી અમેરિકન બી-૨૯ બોમ્બર પ્લેને જાપાનના બીજા શહેર નાગાસાકી પર અણુબોમ્બ ઝીંક્યો, આ બોમ્બનું નામ હતું ‘ફેટ મેન’. આ બોમ્બનું અસલ ટારગેટ કોકુરા નામનું બીજું એક શહેર હતું પણ એ દિવસે એ શહેર પર વાદળો છવાયેલાં હોવાથી તેના બદલે નાગાસાકી પસંદ કરાયું.
એ દિવસે નાગાસાકી શહેરમાં ૨,૬૩,૦૦૦ લોકો હતા, તેમાંથી ૭૪,૦૦૦ જેટલા લોકો તત્કાળ મૃત્યુ પામ્યા. નાગાસાકીનો ‘ફેટ મેન’ હીરોશીમાના ‘લિટલ બોય’ કરતાં વધુ શક્તિશાળી હતો, પરંતુ નાગાસાકી શહેરની જમીન હીરોશીમા જેટલી સમથળ ન હોવાથી અહીં હીરોશીમા કરતાં થોડું ઓછું નુકસાન થયું. હીરોશીમા શહેરમાં વેરાયેલા વિનાશનો થોડો પરિચય મેળવવો હોય તો તમે ઉપરની તસવીરો ઇન્ટરનેટ પર તપાસી શકો છો.
http://oldnewmaps.com નામની એક વેબસાઇટ પર, તેના નામ પ્રમાણે વિશ્વના વિવિધ ઐતિહાસિક સ્થળોના જૂના અને નવા નક્શાઓ જોઈ-તપાસી શકાય છે. અહીં સમય સાથે આ સ્થળોમાં કેવું પરિવર્તન આવ્યું તે જૂના-નવા નક્શા પર સરખાવી શકાય છે.
વધુ જાણો અહીં : http://oldnewmaps.com/2014/0805/hiroshima-alomic-bomb-6-august-1945/આ પેજ પરના નક્શામાં, જૂના નક્શા પર નવો નક્શો ઓવરલેપ કરેલો છે અને વચ્ચેના કેટલાક ભાગમાં ટ્રાન્સપરન્સી આપેલી છે. નક્શો ફૂલ સ્ક્રીન કરો અને ઉપર જમણા ખૂણે આપેલા સ્લાઇડરને બિલકુલ ડાબી તરફ લઈ જશો તો ટ્રાન્સપરન્સી દૂર થશે અને અત્યારના હીરોશીમાનો નક્શો જોઈ શકાશે. સ્લાઇડરને બિલકુલ જમણે લઈ જશો તો જૂનો નક્શો દેખાશે અને એ સાથે બોમ્બ સમયનો વિનાશ પણ જોઈ શકાશે.

