આપણાં શહેરોમાં સામાન્ય કરતાં જરા વધુ વરસાદ પડે એટલે જુદા જુદા વિસ્તારો નેે રસ્તાઓ જળબંબાકાર થવા લાગે છે નેે અખબારોએ મોટા અક્ષરે હેડલાઇન્સ બાંધવી પડે છે કે સ્ટોર્મ વોટર મેેનેજમેન્ટ માટેનો બધો ખર્ચ ધોવાઈ ગયો.
શ્રેષ્ઠ સ્ટોર્મ વોટર મેેનેજમેન્ટ કેવું હોવું જોઈએ એ જોવા માટે આપણે જાપાન જવું પડે. ટોકિયો શહેરના ભૂગર્ભમાં રચાયેલી એક અજબ દુનિયા વિશ્વની સૌથી વિશાળ ફ્લડ પ્રોટેક્શન સિસ્ટમ ગણાય છે.

ટોકિયો શહેરની રચના કંઇક અંશે રકાબી જેવી છે, આજુબાજુની નદીઓનાં વરસાદી પાણી આ શહેર તરફ વહી આવે છે.પૂરના આ પાણીથી શહેરને રક્ષણ આપવા એન્જિીયરિંગ માર્વેલ ગણાતી આ રચના તૈયાર કરવામાં આવી. ૧૯૯૨ થી ૨૦૦૯ સુધી તેનું બાંધકામ ચાલ્યું. આ વ્યવસાયમાં, ટોકિયો શહેરના સૌથી નીચાણવાળા ભાગમાં પાંચ અત્યંત વિશાળ નળાકાર ટાંકા ભૂગર્ભમાં ઊભા ગોઠવવામાં આવ્યા છે.
વરસાદી પાણી આ પાંચેય ટાંકામાં ઠલવાય છે. બધા ટાંકા તળિયેથી, આખેઆખા મોટા ટ્રક સહેલાઈથી પસાર થઈ શકે એવી એક વિરાટભૂગર્ભ ટનલ દ્વારા એક બીજા સાથે જોડાયેલા છે. આ ટનલના એક છેડે, શહેરી બહાર પાણીનો વિશાળ ભૂગર્ભ ટાંકો છે. પાંચેય ટાંકાનું પાણી આ મુખ્ય ટાંકામાં જમા થાય છે. અને ટાંકામાં અત્યંત શક્તિશાળી પમ્પ અને ટર્બાઇન્સ લગાવેલાં છે, જે દર સેકન્ડે ૨૦૦ ઘનમીટર જેટલું પણી ટાંકામાંથી ઉલેચીને ટોકિયોથી વધુ નીચાણમાં આવેલી એક નદીમાં ઠાલવે છે. વરસાદી પાણીની આ આખી સફરનું કંટ્રોલ રુમમાંથી નિયમન થાય છે.
આ રચનાનું સત્તાવાર નામ ‘મેટ્રોપોલિટન એરિયા આઉટર અન્ડરગ્રાઉન્ડ ડિસ્ચાર્જ ચેનલ’ છે, પરંતુ તેનો છેવાડાનો ટાંકો જાયન્ટ કેવ (વિશાળ ગૂફા) જેવો હોવાથી તે ‘જી-કેન્સ’ નામે વધુ જાણીતી છે. ચોમાસા સિવાય અહીં પાણી ભરાતું ન હોવાથી તેનો ટુરિસ્ટ પોઇન્ટ તરીકે ઉપયોગ થાય છે અને અહીંથી ગાઇડેડ ટુર પણ ગોઠવવામાં આવે છે!
વધુ જાણો અહીઃ http://www.water-technology.net/projects/g-cans-project-tokyo-japan/
આ રચના સમજાવતો, જાપાનીઝ ભાષાનો આ વીડિયો જોવાનું ચૂકશો નહીં. http://youtu.be/0yTzSAbIB54

