આ લખાઈ રહ્યું છે ત્યારે મલેશિયા એરલાઇન્સનું પ્લેન ગૂમ થયાની ઘટનાને પૂરા ૧૫ દિવસ વીતી ગયા પછી, પ્લેન હિંદ મહાસાગરમાં તૂટી પડ્યું હોવાની જાહેરાત થઈ છે, છતાં આ ઘટના વિશે ઘણા પ્રશ્નો અનુત્તર રહ્યા છે. જેનો જવાબ મળ્યો નથી એ મુખ્ય સવાલ એ જ રહ્યો છે કે ટેક્નોલોજી આટલી આગળ વધી ગઈ હોવા છતાં, આવડું મોટું પ્લેન આકાશમાંથી એવું તે કેમ સાવ ગાયબ થઈ ગયું?
આગળ શું વાંચશો?
- રડાર
- એડીએસ-બી
‘સાયબરસફર’માં આપણું ફોકસ રસપ્રદ કે ઉપયોગી વેબસાઇટ પર હોય છે એટલે મલેશિયન ફ્લાઇટની ગૂંચમાં પણ અંતે તો આપણે વેબસાઇટ્સની જ વાત કરીશું, પણ તેની સાથોસાથ જાણી લઈએ કે સામાન્ય રીતે આકાશમાં ઊડતાં પ્લેન કઈ રીતે ટ્રેક થાય છે?
રડાર
છેક ૧૯૫૦ના દાયકાથી એર ટ્રાફિક કંટ્રોલર્સ રડારનો ઉપયોગ કરે છે અને પ્લેન ટ્રેક કરવા માટે હજી પણ એ જ મુખ્ય આધાર છે. રડાર બે પ્રકારના હોય છે, પ્રાઇમરી અને સેકન્ડરી પ્રાઇમરી રડાર આકાશમાં વીજચુંબકીય તરંગો મોકલે છે, જે કોઈ પદાર્થ – જેમ કે પ્લેન – ને અથડાઈને પરત ફરે તો રડારના સ્ક્રીન પર તે પ્લેન એક પોઇન્ટ તરીકે જોવા મળે. તેમાં એ ટપકાની ઓળખ થતી નથી. પ્રાઇમરી રડારનો મોટા ભાગે મિલિટરી એર ડીફેન્સ માટે ઉપયોગ થાય છે, સિવિલ એવિએશનમાં સેકન્ડરી રડારનો વધુ ઉપયોગ થાય છે. સેક્ન્ડરી રડાર પણ વીજચુંબકીય તરંગો જ મોકલે છે, પણ તેમાં પ્લેનમાંનું ટ્રાન્સપોન્ડર (ટ્રાન્સમીટર અને રીસ્પોન્ડરનું ટૂંકું નામ) આ તરંગો ઝીલીને વળતો, પોતાની ઓળખ સાથેનો સંદેશો મોકલે છે. આ સંદેશા ઝીલવા માટે જમીન પર લગભગ ૩૦૦ કિલોમીટરના અંતર સુધીમાં રડાર સ્ટેશન હોવાં જરી છે. આથી જ જ્યારે પ્લેન નીચેની જમીન છોડીને મહાસાગર પર આગળ વધે તે પછી તે સેક્ધડરી રડારના કવરેજમાં રહેતાં નથી.
ઉત્તર અમેરિકા અને યુરોપમાં તો એકબીજાને ઓવરલેપ થાય એ રીતે રડાર સ્ટેશનોની ભીડ છે, પણ એટલાન્ટિક ઓશનની મધ્યમાં રડાર કવરેજ રહેતું નથી. મલેશિયન પ્લેનના કિસ્સામાં એવું બન્યું છે કે પ્લેન હજી સેક્ધડરી કવરેજની રેન્જમાં જ હતું, પણ વળતો સંદેશો મોકલતું તેનું ટ્રાન્સપોન્ડર બંધ થઈ ગયું કે કરી દેવામાં આવ્યું. અલબત્ત, અનુભવી પાઇલટ્સ કહે છે કે ક્યારેક પાઇલટ માટે ટ્રાન્સપોન્ડરને ચાલુ-બંધ કરવાં જરૂરી હોય છે. બોઇંગ ૭૭૭ જેવાં પ્લેનમાં તો બેકઅપ તરીકે બીજું ટ્રાન્સપોન્ડર પણ હોય છે.
એડીએસ-બી
પ્લેન ટ્રેક કરવાની બીજી, પ્રમાણમાં નવી ટેક્નોલોજી છે એડીએસ-બી (ઓટોમેટિક ડીપેન્ડન્ટ સર્વેલન્સ-બ્રોડકાસ્ટ). આ ટેક્નોલોજીમાં, મોટા ભાગે પ્લેનના તળિયે બેસાડેલું એક જુદા પ્રકારનું ટ્રાન્સપોન્ડર રેડિયો વેવ્ઝ મોકલતું રહે છે, તેને કોકપીટમાંથી કંટ્રોલ કરી શકાય છે.
એડીએસ-બી ટ્રાન્સપોન્ડર, જુદા જુદા સેટેલાઇટના આધારે નક્કી થયેલી પ્લેનની જીપીએસ માહિતી, ફ્લાઇટ નંબર, સ્પીડ, પ્લેન ઊંચે ચઢી રહ્યું હોય તો તેની માહિતી વગેરે પણ મોકલતું રહે છે. આ ટેક્નોલોજીમાં સેક્ન્ડરી રડાર કરતાં ઘણા ઓછા ખર્ચે ઘણી વધુ માહિતી મળી શકે છે.
આ ટેક્નોલોજી આઠેક વર્ષ જૂની છે અને મોટા ભાગની પ્લેન બનાવતી કંપનીઓ પોતાના પ્લેનમાં એડીએસ-બી ટ્રાન્સપોન્ડર્સ ફીટ કરવા લાગી છે, પણ હજી એર ટ્રાફિક કંટ્રોલમાં તેનો પૂરતો ઉપયોગ થતો નથી. કેમ? નિષ્ણાતો કહે છે કે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં સલામતીને એટલી ગંભીરતાથી લેવામાં આવે છે કે તેને લગતો કોઈ પણ ફેરફાર અમલી બનતાં વર્ષો નીકળી જાય છે.
આ સિવાય પાઇલટ્સ રેડિયો કોમ્યુનિકેશનથી એર ટ્રાફિક કંટ્રોલ અને ગ્રાઉન્ડ સ્ટેશન્સના સંપર્કમાં રહે છે. લગભગ આપણા એસએમએસની જેમ કામ કરતી એસીએઆરએસ તરીકે ઓળખાતી એક સિસ્ટમથી પણ તેઓ જમીનના સંપર્કમાં રહી શકે છે. આ સિવાય પાઇલટ પોતે નેવિગેશનલ સેટેલાઇટ્સની મદદથી તેમનું પ્લેન અત્યારે આકાશમાં ક્યાં છે તે જાણી શકે છે. મલેશિયન પ્લેનના કિસ્સામાં આમાંનું કશું જ કામ લાગ્યું હોય તેવું જણાતું નથી.
તમે પણ શોધી શક્યા હોત મલેશિયન જેટ, આ રીતે…
દિવસો સુધી ‘ગાયબ’ રહેલા પ્લેનને શોધવા માટે વિવિધ દેશોની સરકારોએ પોતપોતાના એરફોર્સનાં પ્લેન્સ અને નેવલ શીપ્સને આકાશ અને દરિયો ડહોળવાના કામે લગાડ્યાં એ તો આપણે જાણીએ છીએ, પણ કોઈ તમને એમ કહે કે મારા-તમારા જેવા દુનિયાના અસંખ્ય લોકો પણ પ્લેનને શોધવાના કામે લાગ્યા હતા, એ પણ પોતાના ઘર કે ઓફિસના કમ્પ્યુટર સ્ક્રીન પર, તો તમે માનો?
અમેરિકામાં ડિજિટલગ્લોબ (http://www.digitalglobeblog.com/) નામની કંપની છે, જે દુનિયામાં સૌથી આધુનિક કમર્શિયલ સેટેલાઇટ નેટવર્કની માલિકી ધરાવે છે. આ કંપનીએ પ્લેન જ્યાં ક્રેશ થયું હોવાની સંભાવના હતી તે થાઇલેન્ડના અખાતના ૪૦૦ માઇલ ઊંચેથી અસંખ્ય ફોટોગ્રાફ્સ લીધા. આ ઇમેજીસ દરિયાના પાણીમાં ઘરની થાળી તરતી હોય તેને પણ પકડી પાડે એટલું હાઇ-રેઝોલ્યુશન ધરાવતી હતી. ડિજિટલગ્લોબ કંપનીની તકલીફ એ હતી કે પૂરા ૧,૨૩૫ ચોરસ માઇલના આ વિસ્તારની બધી તસવીરોને ઝીણવટથી તપાસી શકે એટલો મેનપાવર ક્યાંથી શોધવો?
કંપનીએ ‘ક્રાઉડસોર્સિંગ’નો કિમિયો કામે લગાડ્યો.
તેની વેબસાઇટ (www.tomnod.com/nod/) પર આ બધી જ ઇમેજીસ અપલોડ કરવામાં આવી અને દુનિયાભરના લોકોને અપીલ કરવામાં આવી કે તેઓ પોતાના કમ્પ્યુટરમાં આ બધી ઇમેજ તપાસતા રહે અને પ્લેન કે તેના ભંગાર જેવું કંઈ પણ દેખાય તો તેને ટેગ કરતા રહે.
કંપનીના ટેકનિશિયન્સે આ બધા ટેગિંગને તપાસીને તેને આધારે પ્લેન શોધવાના પ્રયાસો કર્યા પ્લેનનું આખરી તારણ સેટેલાઇટના ડેટાના આધારે જ નીકળ્યું, અલબત્ત એના સ્રોત અલગ હતા.

