(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્રિકેટમાં ટેક્નોલોજી : વ્યાપારીકરણ અને વિદ્રોહનો વારસો

ક્રિકેટમાં નવી ટેક્નોલોજીના વધા ઉપયોગ પાછળ મોટા ભાગે રમતની મૂળભૂત જરુરિયાત કરતાં, પ્રેક્ષકોના મનોરંજનનો મુદ્દો વધુ મહત્ત્વનો રહ્યો છે, છતાં વિવિધ ટેક્નોલોજીથી ક્રિકેટમાં ચોક્સાઈ અને રોમાંચ બંનેનો ઉમેરો થયો છે એ સ્વીકારવું રહ્યું!

આગળ શું વાંચશો?

  • હોક-આઈઃ બાજ-નજર નહીં, એક્સ-રે દૃષ્ટિ
  • કટ અડી કે નહીં એની કટકટ ટાળતી બે ટેકનોલોજી
  • સ્પીડગનઃ ગોળીની જેમ છૂટેલા દડાની ઝડપ માપતી ગન
  • સ્ટમ્પ કેમેરાઃ બેટ્સમેનની આંખે દેખ્યો અહેવાલ
  • ઝિંગ વિકેટ સિસ્ટમઃ દાંડિયા ડૂલ નહીં, કૂલ
  • સ્પાયડર કેમઃ સબકી ખબર રખતા હૂં
  • જોઈએ છેઃ નાે બોલ નક્કી કરી આપતી ટેકનોલોજી

બ્રાઝિલમાં ખેલાતા ફૂટબોલના વર્લ્ડ કપમાં પહોંચવા માટે ૨૦૦થી પણ વધુ દેશો વચ્ચે સ્પર્ધા થઈ હતી, જેમાંથી ૩૨ દેશો વચ્ચે છેવટનો મુકાબલો યોજાયો. તેની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા દેશોની સંખ્યા કેટલી? ગણીને દસ. આખા અમેરિકા ખંડનો એકેય દેશ વૈશ્વિક સ્તરે ક્રિકેટ રમતો નથી. એવું જ ચીન અને રશિયાનું. ત્યાં સ્થાનિક સ્તરે થોડું ઘણું ક્રિકેટ રમાય છે, પણ ટેસ્ટ મેચ, વન-ડે કે ટ્વેન્ટી-ટ્વેન્ટીમાં તેમની ટીમ હોતી નથી. ઓલિમ્પિક જેવા પ્રતિષ્ઠિત વૈશ્વિક રમતોત્સવમાં ક્રિકેટની રમતનો સમાવેશ થતો નથી.  છતાં જ્યાં ક્રિકેટ રમાય છે ત્યાં એવા કેટલાક દેશોમાં ઘણા ચાહકો માટે તેનો દરજ્જો ધર્મથી જરાય ઊતરતો નથી. ભારત-પાકિસ્તાન કે ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટ મુકાબલા હંમેશાં ઉત્તેજના જગાડે છે.

જેન્ટલમેન્સ ગેમ ગણાતી ક્રિકેટની રમતમાં આધુનિક ટેક્નોલોજીના પ્રવેશ માટે જોકે જેન્ટલમેનની વ્યાખ્યામાં પૂરેપૂરા ન આવે એવા કેરી પેકર કારણભૂત બન્યા. ઓસ્ટ્રેલિયન અબજોપતિ અને મીડિયાનું સામ્રાજ્ય ધરાવતા ક્રિકેટરસિક પેકરે દુનિયાભરમાંથી પચાસેક ઉત્તમ ખેલાડીઓને પોતાની વર્લ્ડ સિરીઝ ક્રિકેટમાં રમવા માટે મનાવી અને ખરીદી લીધા (તેમાં ભારતના એક પણ ખેલાડીનો સમાવેશ થતો ન હતો). સત્તાવાર ક્રિકેટજગતે પેકરની ટૂનર્મિેન્ટને માન્યતા આપી ન હતી, પણ તેની લોકપ્રિયતા અને પેકરની ટીવી ચેનલ ‘ચેનલ ૯’ દ્વારા થતા તેના અભૂતપૂર્વ પ્રસારણની સૌએ નોંધ લેવી પડી. એટલું જ નહીં, ઘણી બાબતોમાં તેનું અનુકરણ પણ કરવું પડ્યું.

ક્રિકેટ એટલે ટેસ્ટ મેચ, સફેદ કપડાં, લાલ બોલ અને ધીમી ગતિ એવી માન્યતા પ્રચલિત હતી ત્યારે પેકરે ફ્લડ લાઇટના ઝળાંહળાં અજવાળામાં રંગીન વસ્ત્રો અને સફેદ બોલથી ક્રિકેટ રમાડવાનું શરુ કર્યું. પહેલાં પીચની એક જ તરફ ટીવી કેમેરા તકાયેલા રહેતા. પેકરની ચેનલ નાઇનના પ્રસારણમાં પીચની બંને તરફ અને એ સિવાય પણ જુદા એન્ગલથી દૃશ્ય દેખાડતા કેમેરા મૂકવાનો રિવાજ શરૂ થયો.

બેટની કટ અડી છે કે નહીં એ જાણવા માટે સ્ટમ્પમાં ટચૂકડું માઇક્રોફોન ગોઠવવામાં આવતું હતું. ત્યાર પછી સ્ટમ્પ કેમેરા પણ આવ્યા. ચેનલ નાઇનના પ્રસારણમાં એક્શન રિપ્લેનો છૂટથી ઉપયોગ થતો હતો. બેટ્‌સમેન શૂન્ય રને આઉટ થાય ત્યારે ટીવી પર દેખાતું, રડતાં રડતાં પાછા ફરતા ડક (બતક)નું ગ્રાફિક્સ ઘણા ક્રિકેટપ્રેમીઓને યાદ હશે. શો બિઝનેસમાં પાવરધા પેકરે ક્રિકેટમેચમાં રમતની સાથે મનોરંજનની એવી ભેળ કરી કે તેમની વર્લ્ડ સિરીઝ ક્રિકેટને લોકો પેકર સર્કસ તરીકે ઓળખતા હતા.

પેકરયુગથી ક્રિકેટજગતમાં શરૂ થયેલી ઉત્ક્રાંતિની ક્રિયા ટ્વેન્ટી-ટ્વેન્ટી સુધી પહોંચી છે. ટેક્નોલોજી પણ તેની હારોહાર કદમ મિલાવતી રહી છે. માંડ એકાદ દાયકા જૂની ઘણી ટેક્નોલોજી એવી છે, જેમના વિના અત્યારે ક્રિકેટની રમત અને તેના રોમાંચક પ્રસારણની કલ્પના થઈ શકે એમ નથી.

હોક-આઇ : બાજ-નજર નહીં, એક્સ-રે દૃષ્ટિ

બ્રેઇન સર્જરીમાં અને મિસાઇલના રસ્તાનું ટ્રેકિંગ કરવામાં વપરાતી હોક-આઇ ટેક્નોલોજીનો ક્રિકેટના મેદાનમાં ઉપયોગ ૨૦૦૧થી શરૂ થયો. ત્યાર પહેલાંના સમયમાં, બોલરે ફેંકલો બોલ બેટ્‌સમેનના પેડ પર અથડાય અને એલબીડબ્લ્યૂની અપીલ થાય ત્યારે જુદા જુદા ખૂણેથી તેનું એક્શન રિપ્લે જોવા મળતું હતું, પણ બોલ પેડ પર ન અથડાયો હોય તો ક્યાં જાત, એવા સવાલનો જવાબ આપવામાં સીધાસાદા એક્શન રિપ્લેનો પનો ટૂંકો પડતો હતો.

હોક-આઇ ટેક્નોલોજીથી એ મહેણું ભાંગ્યું. આ પદ્ધતિ અંતર્ગત મેદાનમાં વ્યૂહાત્મક ઠેકાણે ગોઠવેલા છ કેમેરા જુદા જુદા ખૂણેથી બોલની ગતિ અને દિશાની વિગતો ઝીલીને કમ્પ્યુટરમાં મોકલે છે. એ માહિતીના આધારે કમ્પ્યુટર બોલની ગતિનો થ્રી-ડી રસ્તો આંકે છે, જેથી જોનારને ચોટડૂક રીતે ખ્યાલ આવે છે કે બોલ પેડથી રોકાયો ન હોત તો તે સ્ટમ્પની ઉપરથી નીકળી ગયો હોત કે પછી બેટ્‌સમેનની દાંડી ઊડી ગઈ હોત.

હોક-આઇથી પ્રેક્ષકોને જલસો પડી ગયો છે, પણ અમ્પાયરની કડક કસોટી થાય છે. કારણ કે એલબીડબ્લ્યૂનો નિર્ણય લેતી વખતે અમ્પાયરની માનવીય શક્તિ ઘણી વાર છ કેમેરા અને એક કમ્પ્યુટરની સામે ઊણી ઊતરે એવું બને. પરંતુ અમ્પાયરનો નિર્ણય સાચો છે કે નહીં એની હોક આઇના પ્રતાપે કમેન્ટેટર અને પ્રેક્ષકોને તરત ખબર પડી જાય છે. આવા ગોટાળા ટાળવા માટે સહેજ પણ અવઢવ હોય એવા ચુકાદા માટે મેદાન પરના અમ્પાયર થર્ડ અમ્પાયરની મદદ લે છે, જે હોક-આઇ વડે ઉપલબ્ધ માહિતીના આધારે બેટ્‌સમેન માટે લાલ કે લીલી લાઇટ ચમકાવે છે.

એલબીડબ્લ્યૂ જેવા કટોકટીના નિર્ણય ઉપરાંત રમતના રોમાંચમાં વધારો કરે એવી પૂરક માહિતી પણ હોક-આઇના કેમેરાથી મળી રહે છે. જેમ કે તેના છ બાજનજર કેમેરાનું સઘળું ધ્યાન બોલ પર કેન્દ્રિત રહેતું હોવાથી, પીચ પર બોલનો ટપ્પો ક્યાં પડ્યો તેનું ચોક્કસ સ્થાન જાણવા મળી શકે છે. આખી ઓવરમાં બોલરે કયા બોલનો ટપ્પો ક્યાં પાડ્યો, તે જોવામાં રસ પડતો હોય તો એના માટે હોક- આઇને થેન્ક્‌સ કહેવાં પડે. એવી જ રીતે, બોલરના હાથમાંથી છૂટતો બોલ કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બેટ્‌સમેન તરફ ફેંકાયો તેનું માપ પણ હોક-આઇના કેમેરાએ કમ્પ્યુટરને પૂરી પાડેલી વિગત પરથી જાણવા મળે છે. તેના આધારે ફલાણા બોલરની અમુકમી ઓવરનો અમુકમો બોલ આખી મેચનો સોથી ઝડપી બોલ હતો, એવી રસિક માહિતી ક્રિકેટપ્રેમીઓને આપી શકાય છે.


કટ અડી કે નહીં એની કટકટ ટાળતી બે ટેક્‌નોલોજી

બેટ્‌સમેન ફટકો મારવા માટે કે ફક્ત બોલને રોકવા માટે બેટ ઉપાડે, પણ બોલ તેને છેતરીને વિકેટકીપર પાસે પહોંચી જાય, ત્યારે ઘણી વાર કોટ બિહાઇન્ડની જોરદાર અપીલ થાય છે. એ વખતે બોલને બેટની કટ લાગી હતી કે નહીં, એ ચોક્સાઈથી કહેવું મુશ્કેલ બને છે. એવું જ ઘણી વાર બેટ્‌સમેનથી સાવ નજીક ઊભેલા ફિલ્ડરે પકડેલા કેચમાં પણ બને છે. બોલ બેટ્‌સમેનના બેટને અડક્યો હતો કે પછી ફક્ત પેડને અડીને ફિલ્ડરના હાથમાં પહોંચી ગયો? તેનો નિર્ણય કરવાનું અઘરું પડે છે. નરી આંખે, મેદાન પર તો ઠીક, ટીવી પર બે-ચાર ખૂણેથી એક્શન રિપ્લે જોયા પછી પણ ખાતરીથી કહી શકાય નહીં, એવું ક્યારેક બને છે. ટેક્નોલોજીનું ચલણ ન હતું ત્યારે આ પ્રકારના નિર્ણયો અમ્પાયરની મુન્સફી પર આધારિત હતા અને ક્રિકેટની ભવ્ય અનિશ્ચિતતામાં ખપી જતા હતા, પરંતુ હવે આ સ્થિતિમાં સો ટકા સચ્ચાઈ સાથે ચુકાદો આપી શકે એવી એક નહીં, બબ્બે ટેક્નોલોજી મોજૂદ છે.

હોટ સ્પોટ : અમ્પાયરના ખોટા નિર્ણયને કારણે મેચનું પરિણામ બદલાઈ શકે છે. એમાં પણ જો એ ભારત-પાકિસ્તાન કે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ જેવા કટ્ટર હરીફો વચ્ચે હોય તો પછી કકળાટનો પાર રહેતો નથી. વર્ષ ૨૦૦૬થી મેદાન પર વપરાતી હોટ સ્પોટ ટેક્નોલોજી બેટની કટને લગતા ચુકાદા ઘણી ચોક્સાઈથી આપે છે.

આ ટેક્‌નોલોજીમાં પીચના સામસામા છેડે બે-બે ઇન્ફ્રારેડ કેમેરા મેદાનની બહાર ગોઠવવામાં આવે છે. એ સતત બોલની ગતિ અને તેના ઘર્ષણથી સર્જાતી ગરમી પર નજર રાખે છે. બોલ જેના સંપર્કમાં આવે એ ચીજો બાકીની ચીજોની સરખામણીમાં વધારાની ગરમી દેખાડે છે. આ ગરમી સીધી રીતે, નરી આંખે જોઈ કે માપી શકાય એવી હોતી નથી, પણ ઇન્ફ્રારેડ કેમેરાની તસવીરમાં એ ગરમીનું ચકામું – હોટ સ્પોટ- ઊપસી આવે છે. જો બેટનો સંદેહાસ્પદ હિસ્સો ઇન્ફ્રારેડ તસવીરમાં આવું ચકામું દેખાડે તો બેટ્‌સમેને ચાલતી પકડવાની. એવી જ રીતે એલબીડબ્લ્યૂની અપીલમાં બોલ ફક્ત પેડને અડક્યો છે કે પછી બેટની કટ પણ લાગી છે, એ ઇન્ફ્રારેડ કેમેરાથી જાણી શકાય છે. બેટ્‌સમેનનાં કપડાં પર લાગેલા સ્પોન્સર કંપનીઓના રેડિયમ લોગો ક્યારેક હોટ સ્પોટને ગોટાળે ચડાવી શકે છે. આ ઉપરાંત ઇન્ફ્રારેડ કેમેરાને લીધે આ ટેક્‌નોલોજી મોંઘી પણ પડે છે. એટલે હવે તેની જગ્યાએ સ્નિકોમીટરનો ઉપયોગ થાય છે.

સ્નિકોમીટર :  સ્નિક એટલે સાદી ભાષામાં (બેટની) કટ. આ સાધન પણ ટૂંકમાં સ્નિકો તરીકે ઓળખાય છે. હોટ સ્પોટ કરતાં જુદી રીતે એ કટને બતાવે છે. સ્નિકો સિસ્ટમમાં અત્યંત સંવેદનશીલ માઇક્રોફોનને ત્રણમાંથી એક સ્ટમ્પમાં ઉતારવામાં આવે છે. તેનો બીજો છેડો ઓસિલોસ્કોપ તરીકે ઓળખાતા સાધન સાથે જોડાયેલો હોય છે. એ સાધન માઇક્રોફોનમાંથી આવતા અવાજનો આલેખ તૈયાર કરે છે. અવાજમાં ચડાવઉતાર થાય તો આલેખ પણ ઊંચોનીચો જાય. બોલ બેટને અડક્યો હોય તો તેની કટ માઇક્રોફોનમાં ઝિલાય અને સીધા ચાલતા આલેખમાં મોટા ઉછાળા તરીકે તે દેખાય.

બરાબર એ જ વખતે હાઈ સ્પીડ કેમેરાથી પણ શૂટિંગ ચાલતું હોય. તેનું દૃશ્ય સ્લો મોશનમાં ચલાવીને, તેની સાથે આલેખ મૂકીને જોવાથી ખુલાસો થઈ જાય. બોલ જ્યારે બેટ પાસેથી પસાર થતો હોય ત્યારે જ આલેખમાં મોટી હિલચાલ દેખાય અને કટ અવાજ સંભળાય, તેનો મતબલ બોલ-બેટનો સંગમ થયો છે.

સ્પીડ ગન : ગોળીની જેમ છૂટેલા દડાની ઝડપ માપતી ગન

ગન શબ્દથી ગેરસમજણ થવાનો સંભવ છે, પણ આ ગન તદ્દન અહિંસક છે. કારણ કે તેમાંથી ગોળી નહીં, પણ રેડિયો તરંગો નીકળે છે. સ્પીડ ગન ઉર્ફે રડાર ગનનો ઉપયોગ ક્રિકેટથી પણ પહેલાં ટેનિસમાં થતો હતો. જોશીલા ખેલાડીઓએ કરેલી સર્વિસ કે મારેલો વળતો ફટકો કેટલો ઝડપી હતો તેના આંકડા વાંચીને પ્રેક્ષકો ચકિત થઈ જતા હતા. એ જ ટેક્‌નોલોજી ૧૯૯૯થી ક્રિકેટમાં બોલિંગની સ્પીડ માપવા માટે વપરાવા લાગી. ક્રિકેટમાં સ્પીડ ગન સાઇટ સ્ક્રીનની પાસે એક થાંભલા પર ગોઠવવામાં આવે છે. તેના રડારના ટ્રાન્સમીટરમાંથી છૂટતા તરંગો ક્રિકેટની પીચ સુધી પહોંચે છે. બોલરે ફેંકેલો બોલ જેવો તરંગોના માર્ગમાં આવે કે તરત તેનો પડઘો રડાર ગનમાં રહેલા રિસીવરમાં પહોંચે છે. તેની સાથે જોડાયેલું કમ્પ્યુટર આ પડઘાના આધારે ચોક્સાઈપૂર્વક બોલની ઝડપ ગણી કાઢે છે, જે તરત સ્ટેડિયમના સ્ક્રીન પર ઝળકી ઊઠે છે.  રડારમાંથી છૂટતા તરંગો પર પવન જેવાં બાહ્ય પરિબળોની કશી અસર થતી નથી. એટલે રડાર ગન થકી મળતી ઝડપમાં ભૂલને ઝાઝો અવકાશ હોતો નથી.

ફાસ્ટ બોલરની વાત નીકળે ત્યારે તેની ઝડપનો મોટો મહિમા કરવામાં આવે છે. રડાર ગનથી ઝડપનો ચોક્કસ આંકડો મળતો થયો, એટલે એ વૃત્તિનું જોર વધ્યું છે. ઝડપની લાયમાં ઘણી વાર એ હકીકત ભૂલી જવામાં આવે છે કે ઝડપ સર્વસ્વ નથી. યુક્તિપૂર્વક બોલને સ્વિંગ કરવો અને બેટ્‌સમેનને મૂંઝવીને આઉટ કરવો એ સૌથી અગત્યનું છે. ભૂતકાળમાં અમુકથી વધુ ઝડપ ધરાવતા બોલરને જ ટીમમાં પ્રવેશ મળશે, એવું જાહેર કરીને પસંદગી સમિતિઓએ ટીકા વહોરી લીધી છે. સ્પીડ ગન કે રડાર ગન બોલરની ગુણવત્તા નહીં, કેવળ બોલની ઝડપ માપે છે એ ભૂલવા જેવું નથી. તેનાથી મળતી માહિતી ચટપટી છે, પણ રમતની પૌષ્ટિકતા સાથે તેને કશો સંબંધ નથી.

સ્ટમ્પ કેમેરા : બેટ્‌સમેનની આંખે દેખ્યો અહેવાલ

સ્ટમ્પમાં ટચૂકડાં માઇક્રોફોન ઉતારવાનો આઇડિયા કેરી પેકર યુગની દેન હતો. તેની પાછળનો મુખ્ય આશય વિકેટકીપરે કરેલા કેચમાં બેટની કટ ખરેખર લાગી કે નહીં, એ ચોક્સાઈથી નક્કી કરવાનો હતો. એ આશય તો સિદ્ધ થયો, પણ તેની સાથોસાથ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જેના માટે સવિશેષ કુખ્યાત છે એવી ગાળાગાળી અને પ્રતિસ્પર્ધી ખેલાડીઓને ચીઢવવા માટે કરાતી બેફામ ટોણાબાજી પણ સ્ટમ્પ માઇક્રોફોન થકી સંભળાવા લાગી. ખેલાડીઓના વર્તનમાં સુધારો શક્ય ન હતો. એટલે સ્ટમ્પ માઇક્રોફોનના ઉપયોગ પર અંકુશ આવ્યો. સ્ટમ્પમાં કેમેરા ઉતારવાની શ‚આત ૧૯૯૦ના દાયકાથી થઈ. એ વખતે મિડલ સ્ટમ્પમાં માઇક્રો લેન્સ ધરાવતો મોંઘોદાટ કલર કેમેરા મૂકવામાં આવતો હતો. માંડ ૮૦ ગ્રામ વજન ધરાવતા આ કેમેરાના લીધે દર્શકોને ઘરેબેઠાં બેટ્‌સમેનના દૃષ્ટિકોણથી દૃશ્ય જોવા મળતું થયું. બેટ્‌સમેન ક્લીન બોલ્ડ થાય ત્યારે આખું દૃશ્ય હચમચી જતું લાગે, પણ  સ્ટમ્પ કેમેરાની આંખે સ્ટ્રેટ ડ્રાઇવ જેવા ફટકા કે સ્ટમ્પિંગની ઘટનાઓ જોવાથી જુદા જ પ્રકારનો અનુભવ મળતો હતો. ૧૯૯૨ના વર્લ્ડ કપમાં સ્ટમ્પ કેમેરાના ઉપયોગે ધૂમ મચાવી. ત્યારથી એ ક્રિકેટ પ્રસારણનું અભિન્ન અંગ બની ગયો છે.

 ઝિંગ વિકેટ સિસ્ટમ : દાંડિયા ડૂલ નહીં, કૂલ

ટ્વેેન્ટી-ટ્વેન્ટી સ્પધર્ઓિ અને ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગ બેશ લીગની ક્રિકેટ ટૂનર્મિેન્ટમાં ક્રિકેટ જેટલું જ મહત્ત્વ મનોરંજનનું હોય છે. એ માટે રમત અને તેના પ્રસારણમાં શક્ય એટલી ઝાકઝમાળ ઉમેરવાની કોશિશ કરવામાં આવે છે. ઝિંગ વિકેટ સિસ્ટમ એવું જ એક મોંઘા ભાવનું રમકડું છે. તેનાથી ક્રિકેટની રમતને સીધી કોઈ અસર થતી નથી, પણ ક્લીન બોલ્ડ, સ્ટમ્પિંગ અને રન આઉટ જેવી ઘટનાઓ વખતે પ્રેક્ષકોનો રોમાંચ વધે છે. કેમ કે ઝિંગ વિકેટ સિસ્ટમનાં સ્ટમ્પ અને બેઇલ્સની ગોઠવણ જરા પણ ખોરવાય એ સાથે તે લાલ રંગમાં ઝળહળી ઊઠે છે.

ઝિંગ વિકેટ સિસ્ટમમાં બેઇલ્સ કરામતી હોય છે. તેમાં અને સ્ટમ્પમાં લાલ રંગની એલઇડી ગોઠવાયેલી હોય છે. બોલરના બોલથી કે ફિલ્ડરના થ્રોથી કે વિકેટકીપરના સ્ટમ્પિંગથી સ્ટમ્પ પરની ચકલીઓ (બેઇલ્સ) ઊડી જાય એ સાથે જ બેઇલ્સમાં રહેલી લાલ એલઇડી ઝળહળી ઊઠે છે. સાથોસાથ બેઇલ્સ રેડિયો સિગ્નલ પ્રસારિત કરે છે, જે સ્ટમ્પમાં ઝિલાય છે અને વિખરાયેલાં સ્ટમ્પ પણ એવી જ રીતે લાલ રંગમાં ઝળહળ થાય છે. આમ થવાથી અમ્પાયરના નિર્ણયમાં કશો ફરક પડતો નથી – તેમને મદદ થતી નથી કે ધ્યાનભંગ પણ થતો નથી, પણ પ્રેક્ષકોની ઉત્તેજનામાં વધારો થાય છે.

ત્રણ સ્ટમ્પ અને બે બેઇલ્સના એક સેટની કિંમત આશરે ૪૦ હજાર ડોલર છે. એક બેઇલની કિંમત આઈ-ફોન જેટલી હોય છે. એટલે કોઈ બોલર ધડાધડ બેટ્‌સમેનની દાંડી ઉડાડવા લાગે તો હરીફ ટીમ જેટલી જ ચિંતા આયોજકોને પણ થાય છે. જીત પછી યાદગીરી તરીકે એકાદ સ્ટમ્પ ઉપાડી લેતા હરખઘેલા ખેલાડીઓને ઝિંગ વિકેટ સિસ્ટમમાં એવી પરવાનગી મળતી નથી. આખરે, ચાળીસ હજાર ડોલરનો સવાલ છે.

સ્પાયડર કેમ :  સબકી ખબર રખતા હૂં

ક્રિકેટની રમતમાં વીસ ઓવરથી માંડીને ફ્રી હિટ જેવાં તત્ત્વો ઉમેર્યા પછી, રમતના મેદાનની બહાર પણ પૈસાવસૂલ મનોરંજનની માત્રા શી રીતે વધાર્યા  કરવી, એ ટ્વન્ટી-ટ્વેન્ટીના આયોજકોનો કાયમી પ્રશ્ન હોય છે. સ્પાઇડર કેમ એ માટેનું ઉત્તમ સાધન છે. ટ્વેન્ટી-ટ્વેન્ટીનું પ્રસારણ જોતી વખતે મેદાનની ઉપર ઊડતું ટચૂકડું અને જીવડાની યાદ અપાવે એવું સાધન દેખાય તો સમજવું કે એ સ્પાયડર કેમ છે. થ્રી ઇડિયટ્‌સ ફિલ્મમાં આપઘાત કરનાર વિદ્યાર્થીના પ્રોજેક્ટની યાદ અપાવે એવો આ ઊડતો કેમેરા છે. ફરક એટલો કે તે પોતાની જાતે ઊડતો નથી, પણ તેને પતંગની જેમ ચગાવવામાં આવે છે.

સ્પાયડર કેમને ચગાવવા માટે સ્ટેડિયમની ચાર બાજુએ ફ્લડ લાઇટના થાંભલા પર ચાર મજબૂત દોરડાં (મોટે ભાગે કેવલરના તાર) બાંધવામાં આવે છે. દરેકની સાથે ઓપ્ટિકલ ફાયબરના વાયરનો એક એક ફિરકો હોય છે. ફિરકાનો એક છેડો સ્પાયડર કેમ સાથે જોડાયેલો હોય છે. આમ ચારે બાજુથી એક એક ફિરકા સાથે બંધાયેલા સ્પાયડર કેમને ત્યાર પછી ચારે ખૂણે બેઠેલા ઓપરેટર આખા સ્ટેડિયમની ઉપર-નીચે, આગળ-પાછળ ચગાવે છે. મેચનું પ્રસારણ કરવા માટે ગોઠવાયેલા અન્ય સ્થિર કેમેરા માટે જે અશક્ય હોય, એવા બધા એન્ગલથી સ્પાયડર કેમ રમતનું પ્રસારણ કરીને ટીવીના દર્શકોને મજા કરાવે છે.

સ્પાયડર કેમમાં ઝિલાતું દૃશ્ય તેની સાથે જોડાયેલા ઓપ્ટિકલ ફાયબરના કેબલ થકી કમ્પ્યુટરમાં પહોંચે છે અને ત્યાંથી એને પ્રસારિત કરવામાં આવે છે. સ્પાયડર કેમનું સંચાલન કરતા ચારેય ઓપરેટર બને ત્યાં સુધી મેદાન પર ઊભેલા ખેલાડીને અડચણ ન આવે એ રીતે કેમેરાને ચગાવે છે. છતાં ઘણી વાર ખેલાડીઓને વાંધો પડે છે. ખાસ કરીને સ્પાયડર કેમ ઓછી ઊંચાઈએ અને બેટ્‌સમેન કે ફિલ્ડરની દૃષ્ટિમયર્દિામાં હોય ત્યારે એકાગ્રતામાં ખલેલ પડતી હોવાની ફરિયાદ કેટલાક ખેલાડીઓ કરી ચૂક્યા છે.

એક વાર એવું પણ બન્યું હતું કે દિનેશ કાર્તિકે ઊંચો ફટકો મારતાં બોલ સ્પાયડર કેમને અથડાયો હતો. એટલે નિયમ પ્રમાણે એ બોલને રદબાતલ (ડેડ બોલ) જાહેર કરીને, બોલરને ફરી એક બોલ નાખવા કહેવાયું હતું. એક દિવસનું ૭૫૦૦ ડોલર જેટલું તોતિંગ ભાડું ધરાવતો આ કેમેરા દરેક મેચમાં વપરાતો નથી, પરંતુ જ્યારે એ વપરાય ત્યારે ટીવી જોતા દર્શકોને મજા અને મેદાન પર રમતા ખેલાડીઓમાંથી કેટલાકને તકલીફ પડે છે.

 

જોઈએ છે : નો બોલ નક્કી કરી આપતી ટેક્‌નોલોજી

ક્રિકેટની રમત અને તેના પ્રસારણમાં ટેક્નોલોજીની ભરમાર લાગતી હોય તો પણ, રમતનાં કેટલાંક પાસાં હજુ એવાં રહી ગયાં છે, જેમાં ટેક્નોલોજીની મદદની જરૂર છે. જેમ કે બોલર થ્રો બોલિંગ કરે છે કે નહીં, એ તત્કાળ નક્કી કરવું અમ્પાયર માટે અઘરું બને છે, પરંતુ બોલિંગ એક્શન પર જ ધ્યાન આપતા કેમેરા કે ખાસ પ્રકારના સેન્સરની મદદથી થ્રો બોલિંગ પકડી શકાય.

થ્રો બોલિંગના ક્યારેક બનતા કિસ્સાની સરખામણીમાં નો બોલ વારંવાર બનતી ઘટના છે. બોલિંગ નાખતી વખતે બોલરનો પગ ક્રિઝની બહાર પડી જાય તો નો બોલ ગણાય. તેના માટે અમ્પાયરે બોલરના છેલ્લા પગલા તરફ ઝીણવટથી નજર રાખવી પડે છે અને તેમાં ભૂલ થવાનો સંભવ રહે છે. એને બદલે, બોલરનો પગ ક્રિઝને પાર કરી જાય તો બીપ અવાજ આવે, એવી ગોઠવણ ન કરી શકાય? ટેનિસ જેવી રમતોમાં બોલ લાઇન પર કે બહાર પડે એટલે તરત બીપ અવાજ આવે છે અને પ્રેક્ષકો-ખેલાડીઓ સૌને આઉટનો સંદેશો મળી જાય છે. ક્રિકેટમાં નો બોલ માટે તેનો સમાવેશ ક્યારે થશે? રાહ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!