(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભૂલથી ડિલીટ થયેલી ફાઇલમાં ફરી પ્રાણ ફૂંકતી સંજીવની સમાન સોફ્ટવેર

કમ્પ્યુટરમાં કામ કરતી વખતે કોઈ ફાઇલ અચાનક ઊડી ગઈ? કેટલાય ફોટોગ્રાફ્સ ખેંચ્યા પછી કેમેરાને પીસી સાથે કનેક્ટ કરતાં કાર્ડ ખાલીખમ દેખાય છે? આવું બને ત્યારે ડિલીટ થયેલી ફાઇલ્સ રીકવર કરવાના થોડા ચાન્સ છે, આ રીતે…

આગળ શું વાંચશો?

  • હાર્ડ ડ્રાઈવમાં ડેટા કેવી રીતે સ્ટોર થાય છે?
  • આ વાત આપણા માટે શી રીતે કામની છે?
  • તો શું કરવુ?
  • રીકુવા સોફ્ટવેરના પ્રકાર
  • રીકુવાનો ઉપયોગ કરો આ રીતે

ક્યારેક એવું બનતું હોય છે કે આપણે જે ન કરવા ઇચ્છતા હોઈએ એ જ થઈને રહે. આપણે કમ્પ્યુટરની સાફસફાઈ કરવા માટે વિન્ડોઝ એક્સપ્લોરરમાં ઝંપલાવીએ અને નકામી લાગતી ફાઇલ્સ ડિલીટ કરવાનું કામ ઉપાડીએ, તે પછી ક્યારે આપણે ગાફેલ બનીએ અને ક્યારે કામની ફાઇલ ડિલીટ કરી નાખીએ એ કહેવાય નહીં!

આમ તો આપણને ખબર હોય છે કે વિન્ડોઝમાં આપણે ડિલીટ કરેલી ફાઈલ સાવ ડિલીટ થતી નથી. એ પહેલાં રીસાયકલ બિનમાં જાય છે. આપણને સમજાય કે ભૂલથી કામની ફાઇલ ડિલીટ થઈ ગઈ, તો આપણે રીસાયકલ બિનમાં જઈ, એ કામની ફાઇલ શોધી, તેના પર માઉસથી રાઇટ ક્લિક કરીને ‘રીસ્ટોર’ પર કક્લિક કરી, એ ફાઇલને રીકવર કરી શકીએ છીએ.

સરસ, પણ ગફલતમાં એક કદમ આગળ વધી ગયા હોઈએ અને રીસાયકલ બિનને પણ ખાલી કરી નાખ્યું હોય તો? તો શું આપણી એ કામની ફાઇલને હંમેશ માટે ભૂલી જવાની?

ગયા મહિના લગભગ આખા ગુજરાતમાં બન્યું એમ કમોસમી વાવાઝોડામાં વીજળીનો પલકવાર માટે ગૂલ થાય, ચાલુ કામે કમ્પ્યુટર ઝપાક દઈને બંધ થાય અને આપણી કામની ફાઇલ ‘ઊડી’ જાય તો?

આવું ફક્ત કમ્પ્યુટરમાં નહીં, કેમેરા કે સ્માર્ટફોનના મેમરી કાર્ડમાં પણ બની શકે છે. વેકેશનમાં હોંશભેર ફોટોગ્રાફ લીધા હોય અને પરત ઘેર આવીને કેમેરા કે કાર્ડને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરતાં એમાં કશું દેખાય જ નહીં તો કેવો ધ્રાસ્કો પડે?

સદભાગ્યે, રીસાયકલ બિનમાંથી પણ ડિલીટ થયેલી ફાઇલ્સ કે મેમરી કાર્ડમાંથી ગાયબ થયેલી ઇમેજીસ કેઅન્ય ડેટા આપણે રીકવર કરી શકીએ છીએ.

હાર્ડ ડ્રાઇવમાં ડેટા કેવી રીતે સ્ટોર થાય છે?

ચિંતા ના કરશો, આપણે કશી જ ટેકનિકલ વાત કરવી નથી. આપણા કામની વાત એટલી છે કે હાર્ડ ડ્રાઇવમાં કે પેન ડ્રાઇવમાં કે મેમરી કાર્ડમાં ડેટા નાનાં નાનાં સેક્શનમાં રાઇટ થાય છે. આપણે ફાઇલને ભૂલથી ડિલીટ કરીએ કે મેમરી કાર્ડ કોઈ રીતે ડેમેજ થાય તો, સાદું ગણિત એવું માંડી શકાય કે ફાઇલ ડિલીટ થાય મતલબ કે ડ્રાઇવ પરનું એનું પેલું સેક્શન પણ ખાલીખમ થઈ જાય. હકીકતમાં કંઈક જુદું થાય છે.

વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ ડિલીટ થયેલી ફાઇલ જ્યાં ડિસ્ક પર જ્યાં રાઇટ થઈ હોય તે જગ્યા પર ‘જગ્યા ભાડે આપવાની છે’ એવા મલતબનું ફક્ત બોર્ડ લગાવી દે છે. મતલબ કે જૂનો ડેટા (આપણા માટે કામની ફાઇલ) એ ક્ષણે ભૂંસાતો નથી, પણ એ જગ્યાનો નવો માલિક (નવો ડેટા) આવે ત્યાં સુધી એ ત્યાંનો ત્યાં જ રહે છે! મેમરી કાર્ડમાં પણ આવું જ બને છે. પરિણામે, આપણે જ્યારે વિન્ડોઝ એક્સપ્લોરરમાં આપણા કામની ફાઇલવાળું ફોલ્ડર ઓપન કરીશું, તો આપણી ફાઇલ ત્યાં દેખાશે નહીં, પણ ડ્રાઇવમાં એ ડેટા હોય છે ખરો.

જ્યારે ડિસ્કમાં નવો ડેટા આવે અને એ આપણી ભૂલથી ડિલીટ કરેલી ફાઇલની જગ્યાએ જ સ્ટોર થાય ત્યારે આપણી માહિતી કાયમ માટે ડિલીટ થાય છે.


આને વિન્ડોઝની ખૂબી કહો કે ખામી, આપણે ભૂલથી કોઈ ડિલીટ કરીએ ત્યારે વિન્ડોઝની આ જ ખાસિયત આપણી મદદ કરે છે.

કમ્પ્યુટરમાં ડેટા સ્ટોર કરવા માટેની હાર્ડ ડ્રાઇવના મુખ્ય બે પ્રકાર હોય છે:

  1. મેગ્નેટિક હાર્ડ ડ્રાઇવ, જે સામાન્ય રીતે આપણા સૌના કમ્પ્યુટરમાં જોવા મળે છે
  2. સોલિડ સ્ટેટ ડ્રાઇવ, જે ગૂગલની ક્રોમબુક જેવાં સાધનોમાં જોવા મળે છે.

સોલિડ સ્ટેટ ડ્રાઇવમાં જે કંઈક ડિલીટ કરવામાં આવે તે તરત જ, પૂરેપૂરું ડિલીટ થઈ જાય છે. પરંતુ આપણે ઉપર જે વાત કરી – ડેટા બિલકુલ રીમૂવ કરવાને બદલે તે ‘ખાલી છે’ એવું લેબલ લગાવવાની વાત મેગ્નેટિક હાર્ડ ડ્રાઇવમાં શક્ય છે. એ જ રીતે ફોન કે કેમેરાનાં મેમરી કાર્ડ, યુએસબી પેન ડ્રાઇવ વગેરેમાં પણ આ જ રીતે ડેટા સ્ટોર થાય છે.

આ વાત આપણા માટે શી રીતે કામની છે?

આખી વાતમાં આપણા કામનો મુખ્ય મુદ્દો એ છે કે આપણી પોતાની ભૂલથી કે બીજા કોઈ પણ કારણસર, કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઇવ કે મેમરી કાર્ડ કે પેન ડ્રાઇવમાંનો ડેટા ડિલીટ થાય કે વિન્ડોઝ એક્સપ્લોરરમાં આપણને દેખાતો બંધ થાય એનો મલતબ એવો નથી કે આપણે એ બિલકુલ ગુમાવી દીધો છે.

નવો ડેટા તેના પર રાઇટ ન થાય ત્યાં સુધી તેને રીકવર કરી શકાય છે – ખાસ પ્રકારનાં સોફ્ટવેરથી.

હવે આગળની વાત ધ્યાનથી વાંચજો. જો તમને કમ્પ્યુટર પર કામ કરી રહ્યા હો અને ગમે તે કારણસર અગત્યની ફાઇલ ડિલીટ થાય તો સૌથી પહેલાં, બાજુના બોક્સમાં આપેલાં પગલાં લો. શક્ય છે કે તમારી ફાઇલ પરત મળી આવે. એ બધું જ કારગત ન નીવડે તો, પહેલું કામ એ કરો કે કમ્પ્યુટરમાંના બધા પ્રોગ્રામ બંધ કરો. જે પ્રોગ્રામમાંની ફાઇલને સેવ કરવી અનિવાર્ય ન હોય તેને સેવ કર્યા વિના બંધ કરો.

આમ કરવું એટલા માટે જરૂરી છે કે જો આપણે કામની ફાઇલની જગ્યા પર નવો ડેટા સેવ થઈ જાય તો પછી એ ફાઇલ આપણે કાયમ માટે ગુમાવી દઈશું.

કેટલાંક ખાસ પ્રકારનાં – છતાં ઉપયોગમાં બિલકુલ સહેલાં – સોફ્ટવેરથી આપણે ડેટા રીકવર કરી શકીએ છીએ, આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય એમ, ફાઇલ રીકવર કરવાની સ્થિતિ ઊભી થાય ત્યારે આ સોફ્ટવેર કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા ન જવાય, કેમ કે એ સોફ્ટવેરની ફાઇલ્સ પોતે જ આપણા કામના ડેટાની જગ્યાએ સેવ થાય એવું બની શકે છે.

તો શું કરવું?

પહેલેથી તમારા કમ્પ્યુટરમાં ડેટા રીકવરીનું સોફ્ટવેર હોવું જરુરી છે. આવું એક સોફ્ટવેર છે રીકુવા.

‘સાયબરસફર’ના વાચકો સીક્લિનર નામના એક કામઢા સોફ્ટવેરથી સુપેરે પરિચિત છે. આ સોફ્ટવેર કમ્પ્યુટરને બિલકુલ વાળીઝુડીને ચોખ્ખુંચણાક રાખી શકે છે. આ સોફ્ટવેર બનાવનારી કંપનીએ જ રીકુવા સોફ્ટવેર બનાવ્યું છે, જે બિલકુલ ફ્રીમાં ઉપલબ્ધ છે.

સાદા શબ્દોમાં એવું કહી શકાય કે સામાન્ય રીતે, આપણે વિન્ડોઝ એક્સપ્લોરરમાંથી કે બીજી કોઈ રીતે કોઈ ફાઇલને ઓપન કરવાનો કમાન્ડ આપીએ ત્યારે સિસ્ટમ સીધી હાર્ડ ડિસ્કમાંના ડેટાની જગ્યાએ જઈને તેને ઓપન કરતી નથી. કમ્પ્યુટરની સિસ્ટમ હાર્ડ ડિસ્કમાં કયો ડેટા ક્યાં સચવાયેલો છે તેનું એક ઇન્ડેક્સ તૈયાર કરે છે અને આ લિસ્ટ તપાસીને જ તે જે તે ફાઇલને ઓપન કરવાનો કમાન્ડ મોકલે છે. આપણે આગળ જોયું તેમ, ફાઇલ ડિલીટ થાય ત્યારે તેનો ડેટા ડિલીટ થવાને બદલે, ઇન્ડેક્સમાંનું તેનું લિસ્ટિંગ દૂર થાય છે. પરિણામે આપણને એ ફાઇલ દેખાતી નથી.

પરંતુ રીકુવે જેવા રીકવરી પ્રોગ્રામ ઇન્ડેક્સને બાયપાસ કરીને સીધા હાર્ડ ડિસ્કમાં ડેટાની જગ્યા સુધી પહોંચે છે અને ત્યાંથી એ ડેટા  – જો તેની પકડમાં આવે તો – આપણને બતાવે છે!

ન કરે નારાયણ, પણ તમારે કમ્પ્યુટરમાંની કોઈ ફાઇલ માટે કે મેમરી કાર્ડમાંના ફોટોગ્રાફ્સ માટે રીકુવાના ઉપયોગની જરૂર પડે તો તે માટેની સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ અહીં આપી છે. આ વિધિ એટલી સરળ છે કે ફાઇલ કે ફોટોગ્રાફ ગુમાવી બેસવાનું ટેન્શન હોવા છતાં આપણે શાંતિથી, સરળતાથી તેને રીકવર કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ!

ઓલ ધ બેસ્ટ!


ડિલીટ થયેલી ફાઇલ આ રીતે શોધી જુઓ

તમારા કામની ફાઇલ તમારી નજર સામેથી ગાયબ થાય તો એનો મતલબ એવો નથી કે એ ડિલીટ જ થઈ ગઈ હશે. આ સંજોગમાં આટલું કરી જુઓ…

શક્ય એ છે કે એ ખરેખર ડિલીટ થઈ હોય અને રીસાયકલ બીનમાં પહોંચી ગઈ હોય. ડેસ્કટોપ પર રીસાયકલ બીનના આઇકનને ક્લિક કરી, ત્યાં તપાસો. ફાઇલ મળી આવે તો માઉસથી રાઇટ ક્લિક કરી, ફાઇલને તેની મૂળ જગ્યાએ રીસ્ટોર કરી દો!

જો તમે ડ્રોપબોક્સ, ગૂગલ ડ્રાઇવ કે સ્કાયડ્રાઇવ જેવી ક્લાઉડ સ્ટોરેજ સર્વિસનો ઉપયોગ કરતા હો અને તમારા કમ્પ્યુટરનાં ફોલ્ડરમાંથી ડાયરેક્ટ ક્લાઉડમાં સ્ટોરેજ થાય એવી સુવિધાનો ઉપયોગ કરતા હો તો નેટ પર આ સર્વિસમાં લોગ-ઇન થઈ તેનાં ટ્રેશ ફોલ્ડર તપાસી જુઓ.

ફાઇલનું નામ કે તેનો અંશ યાદ હોય તો વિન્ડોઝ એક્સપ્લોરરમાં તેને સર્ચ કરી જુઓ, શક્ય છે કે ફાઇલ ભૂલથી બીજા કોઈ ફોલ્ડરમાં મૂવ થઈ ગઈ હોય. જો આમાંનું કંઈ મદદ ન કરે, તો પછી રીકુવા જેવા રીકવરી સોફ્ટવેરની મદદ લો.

રીકુવા સોફ્ટવેરના પ્રકાર

તમે ભવિષ્યમાં જરૂર પડે તો કામ લાગે એવા વિચારથી તમારા કમ્પ્યુટરમાં રીકુવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી રાખી શકો છો. પરંતુ ફાઇલ ડિલીટ થયા પછી રીકુવાની જરૂર પડે તો તેને એ જ કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાને બદલે, બીજા કમ્પ્યુટરની મદદથી તેનું પોર્ટેબલ વર્ઝન ડાઉનલોડ કરી, યુએસબી પેન ડ્રાઇવમાંથી તેને ઉપયોગમાં લઈ શકાય છે.  આમ રીકુવા સોફ્ટવેર બે સ્વરૂપમાં ઉપલબ્ધ છે.

એક, બીજાં બધાં સોફ્ટવેરની જેમ ડાઉનલોડ કરીને કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકાય તેવું સોફ્ટવેર. www.piriform.com/recuva પર જઈને આ સોફ્ટવેરની .exc ફાઇલ ડાઉનલોડ કરો અને તેને ડબલક્લિક કરવાથી ઇન્સ્ટોલ થશે અને બીજા સામાન્ય પ્રોગ્રામની જેમ તેને રન કરી શકાશે.

બીજો પ્રકાર છે, પોર્ટેબલ વર્ઝન. www.piriform.com/recuva/builds પર જઈને તેની ઝીપ ફાઇલ ડાઉનલોડ કરો. આ ઝીપ ફાઇલને અનઝીપ કરી, તેમાંની બધી ફાઇલને, એક યુએસબી પેન ડ્રાઇવમાં ‘રીકુવા’ નામનું ફોલ્ડર બનાવી તેમાં સેવ કરી લો. જ્યારે જરુર પડે ત્યારે આ પેન ડ્રાઇવને કમ્પ્યુટરમાં લગાવી, રીકુવા ફોલ્ડરમાંની છયભીદફ.યડ્ઢય ફાઇલને ડબલક્લિક કરવાથી પ્રોગ્રામ લોન્ચ  થશે.

રીકુવાનો ઉપયોગ કરો આ રીતે…

કમ્પ્યુટરમાં ભૂલથી ડિલીટ થયેલી ફાઇલ રીકવર કરવા માટે રીકુવા પ્રોગ્રામ ઓપન કરો. જો ફોન કે કેમેરાના મેમરી કાર્ડમાંનો ડેટા રીકવર કરવો હોય તો પહેલાં તેને મેમરી કાર્ડ રીડરની મદદથી કમ્પ્યુટર સાથે કનેક્ટ કરો. પેન ડ્રાઇવમાંના ડેટા માટે તેને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરો. તમે રીકુવા પ્રોગ્રામ ટેસ્ટ કરવા માગતા હો તો કોઈ પેનડ્રાઇવને કમ્પ્યુટરમાં કનેક્ટ કરીને રીકુવાને આ પેનડ્રાઇવ સ્કેન કરવા કહી શકો છો. પેનડ્રાઇવમાં પહેલી નજરે આપણને જે ફાઇલ ન દેખાય તે રીકુવામાં જોવા મળશે. રીકુવા આપણને એ પણ કહેશે કે આ ફાઇલ્સ પર બીજો ડેટા ઓવરરાઇટ થયો છે કે નહીં. ‘સાયબરસફર’ના ટેસ્ટમાં, ઇમેજ ફાઇલ્સને રીકવર કરવામાં સૌથી વધુ સફળતા મળી હતી.

રીકુવા પ્રોગ્રામ ઓપન કરતાં સિસ્ટમ તમને પૂછશે કે તમે કયા પ્રકારની ફાઇલ રીકવર કરવા માગો છો? તમે બે પ્રકારની ફાઇલ એક સાથે સિલેક્ટ કરી શકશો નહીં.

હવે તમને એટલો અંદાજ હોય કે તમારી ફાઇલ કમ્પ્યુટરની કઈ ડ્રાઇવમાં હતી (ડી, ઈ, વગેરે) તો તે જણાવો. મેમરી કાર્ડ કે પેનડ્રાઇવના કિસ્સામાં, તેનું લોકેશન જણાવો.

હવે રીકુવા સ્કેન કરવાની સૂચના આપતાં, તે આપણે બતાવેલા લોકેશનમાંથી રીકવર થઈ શકે તેવી ફાઇલ્સ શોધવાનું શરુ કરશે. રીકુવા અત્યંત તેજ ગતિએ સ્કેનિંગ કરી શકે છે.

રીકુવાને જેટલી ફાઇલ મળી હોય તે બધી ફાઇલની યાદી આપણને જોવા મળશે. ફાઇલના નામની આગળ લાલ, પીળા કે લીલા રંગના ગોળાકાર જોવા મળશે.  લાલનો અર્થ એ કે ફાઇલ બિલકુલ નકામી થઈ ગઈ છે, રીકવર થઈ શકશે નહીં, પીળામાં થોડા ચાન્સ છે અને લીલા ગોળાકારવાળી ફાઇલ હજી ચૂસ્ત-તંદુરસ્ત છે!

તમે કોઈ ચોક્કસ ફાઇલ જ શોધી રહ્યા હો તો પ્રોગ્રામના મથાળે સર્ચ બોક્સમાં તેનું નામ લખીને સર્ચ કરી જુઓ. તમે એડવાન્સ્ડ ઓપ્શન્સનો પણ ઉપયોગ કરી શકો છો. વ્યૂ ઓપ્શન્સમાં થમ્બનેઇલ્સનો વિકલ્પ રાખશો તો ઇમેજ જોઈ શકાશે.

હવે તમે જે ફાઇલ રીકવર કરવા માગતા હો તેમના નામની આગળનાં ચેકબોક્સ ટીક કરો અને રીકવર બટન પ્રેસ કરો. પ્રોગ્રામ આ ફાઇલ્સ કમ્પ્યુટરમાં કયા સ્થાને સ્ટોર કરવી છે તે પૂછશે. આપણે જે ડ્રાઇવ કે ફોલ્ડરને સ્કેન કરી રહ્યા હોઈએ તેના સિવાયની બીજી ડ્રાઇવ કે ફોલ્ડર જણાવો એટલે આપણી ફાઇલ ફરી ‘સજીવન’ થઈને આપણે ઉપયોગમાં લઈ શકીએ એવા સ્વરુપમાં આવી જશે!

તમે તમારા કમ્પ્યુટરમાં ગૂગલ ડ્રાઇવનું ફોલ્ડર બનાવી, તેમાં સેવ કરેલી ફાઇલ ગૂગલ ડ્રાઇવના ક્લાઉડ સ્ટોરેજમાં સ્ટોર થાય એ સુવિધાનો ઉપયોગ કરો છો? તમે ગૂગલપ્લસની ઓટો બેકઅપ સર્વિસની મદદથી તમારા ફોટોગ્રાફ મોબાઇલ કે કમ્પ્યુટરમાંથી ક્લાઉડમાં ઓટો બેકઅપ થાય, એ સુવિધાનો ઉપયોગ કરો છો? આપના અનુભવો editor@duplics.cybersafar.in પર જરુર મોકલશો. આપના અનુભવ અનેક વાચકોને લાભદાયી નીવડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!