‘અત્યારે જમાનો આઇ.ટી.નો છે’ વાતવાતમાં આપણે આવું સાંભળીએ છીએ, પણ આ સતત વિકસતા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને જ પૂરતી જાણકારી ન હોય તો તેમના વાલીને તો ક્યાંથી હોય! અહીં એમની પ્રાથમિક ગૂંચવણો ઉકેલવાનો પ્રયાસ કર્યો છે.
આગળ શું વાંચશો?
- સોફ્ટવેર અને આઈ.ટી.ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે
- સોફ્ટવેર અને આઈ.ટી. ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ધોરણ ૧૨માં વિજ્ઞાનપ્રવાહ લેવો પડે?
- શ્રેષ્ઠ વિદ્યાશાખા કઈ?
- ખાનગી કલાસીસમાં અભ્યાસ કરવાનો વિકલ્પ કેવો રહે?
- કોલેજ કે યુનિવર્સિટીની પસંદગી કરતી વખતે શું કાળજી રાખવી?
- સારી કોલેજ કે વિદ્યાશાખામાં પ્રવેશ પ્રવેશ મેળવી લીધા પછી શું ધ્યાન રાખવું પડે?
- આ ક્ષેત્રમાં કારકિર્દી માટે કઈ ટેકનોલોજી શ્રેષ્ઠ છે?
આઇ. ટી.માં કારકિર્દી બનાવવા માટે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને શરુઆત ક્યાંથી કરવી, બારમા ધોરણમાં કઈ વિદ્યાશાખા રાખવી વગેરે મૂંઝવણ હોય છે. પ્રસ્તુત લેખમાં એવા કેટલાક કોમન પ્રશ્રોની છણાવટ કરી છે.
સોફ્ટવેર અને આઇ. ટી. ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે કયા ધોરણથી તૈયારી કરવી પડે?
ધોરણ ૧૦ પાસ કર્યાં પછી નિર્ણય લઈ શકાય. અલબત્ત આ ક્ષેત્રની વિશિષ્ટતા એ છે કે અભ્યાસ અને કારકિર્દીના કોઈ પણ તબક્કે એમાં પ્રવેશી શકાય છે. જરત હોય છે ફક્ત યોગ્ય માહિતીની!
સોફ્ટવેર અને આઇ. ટી. ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ધોરણ ૧૨માં વિજ્ઞાનપ્રવાહ લેવો પડે?
ના, જરુરી નથી! કોમર્સ કે આર્ટસ લીધા પછી પણ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકાય છે. અલબત્ત જો અનૂકુળ હોય તો ૧૨ ધોરણ ગ્રુપ-એ (ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ) સાથે ઊંચી ટકાવારી સાથે પાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ૧૨ સાયન્સ ગ્રુપ-એમાં પાસ કરવાથી એન્જિનીયરિંગમાં પ્રવેશ મેળવી શકાય છે, જે આગળ ઉપર ખૂબ ઉપયોગી બની શકે.
સોફ્ટવેર અને આઇ. ટી. ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે શ્રેષ્ટ વિદ્યા શાખા કઈ?
કમ્પ્યુટર એન્જિનીયરિંગમાં B.Tech (Bachelor of Technology) કે B.E. (Bachelor of Enginer) તરીકે ઓળખાતી ડિગ્રી સૌથી શ્રેષ્ટ રહે છે. કારણ કે આ બ્રાન્ચમાં કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર બંનેનું સર્વગ્રાહી શિક્ષણ આપવામાં આવે છે. Be-IT, BE-CE, BE-CE (Electronics and Communication),MCA M.Sc (IT), PG-DCA વગેરે શાખાઓના જમા અને ઉધાર પાસાંની ચર્ચા આવનારા લેખોમાં કરીશું .
ખાનગી કલાસીસમાં આભ્યાસ કરવાનો વિકલ્પ કેવો રહે?
આજથી ૫-૬ વર્ષ પહેલાં સુધી એન્જિનીયરિંગ અને ખઈઅની બેઠકો મર્યાદિત હતી, ત્યાં સુંધી પ્રોગ્રામિંગ કે અન્ય આઇ. ટી. સ્કીલ્સ શીખવા માટે એપ્ટેક કે NIIT જેવા કલાસીસ સિવાય છુટકો નહોતો. ત્યારે આજના જેટલાં કમ્પ્યુટર પણ સુલભ નહોતાં, પણ હવે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. હવે એન્જિનીયરિંગ અને MCA ની વધેલી સીટોને પરિણામે આઇ. ટી.માં પ્રવેશવું પ્રમાણમાં સરળ બન્યું છે. માટે બને ત્યાં સુધી સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થાઓમાંથી PGDCA, BCA, એન્જિનીયરિંગ, M.Sc (IT) કે MCA જેવું ઔપચારિક શિક્ષણ લઈને કારકિર્દી ઘડવાનો પ્રયાસ કરવો.
હ! કોઈ ચોક્કસ સોફ્ટવેર કે ટૂલ શીખવા માટે ખાનગી કલાસીસની મદદ લઈ શકાય. દા.ત. PHP, LINUX, Maya 3D, Oracle વગેરે શીખવા માટે સારા ઇન્સ્ટ્રક્ટર હોય એવા કલાસીસની મદદ લેવાથી ચોક્કસ ફાયદો થઈ શકે.
કોલેજ કે યુનિવર્સિટીની પસંદગી કરતી વખતે શું કાળજી રાખવી? કોલેજ કે યુનિવર્સિટીની કારકિર્દી ઉપર શું અસર પડે?
કોલેજ કે યુનિવર્સિટીની કારકિર્દી ઉપર અસર તાત્કાલિક અને દૂરગામી એમ બંને હોય છે. આ ક્ષેત્રે (આમ તો દરેક ક્ષેત્રમાં) સૈદ્ધાંતિક પાયો મજબૂત હોવો જરી છે. જો મૂળભૂત સમજણમાં કચાશ હશે ભવિષ્યમાં ખૂબ મુશ્કેલી પડશે અને ક્યારેક એ સુધારવાનો સમય કે તક નહીં મળે. આ ઉપરાંત ભવિષ્યમાં તમે કઈ કોલેજ કે યુનિવર્સિટીમાં ભણ્યા છો, કઈ ડિગ્રી લીધી છે, કેટલા ટકા હતા વગેરે બાબતો પગાર વધારા કે પ્રમોશનમાં ખૂબ આગત્યનો ભાગ ભજવી શકે છે.
જે તે કોલેજ કે યુનિવર્સિટીની શિક્ષણની ગુણવત્તાને ગણતરીમાં લો! સારી કોલેજ કે યુનિવર્સિટી બીજા શહેરમાં હોય કે દૂર પડતી હોય તો પણ ત્યાં જ એડમિશન લેવાનો આગ્રહ રાખવો. સારા શિક્ષણની સામે અંતર, ફી, કે આપણા અન્ય મિત્રો એ કોલેજમાં છે કે નહીં એ બધા મુદ્દા ગૌણ છે, તે યાદ રાખશો.
આગળ ભણી ગયા હોય એવા મિત્રો કે અન્ય વ્યક્તિઓનો અભિપ્રાય લઈને વાસ્તવિક માહિતી લેવી જોઈએ. કેટલીક કોલેજ કે યુનિવર્સિટીનું નામ ઘણું આગળ પડતું હોય, પણ તાજેતરનાં વર્ષોમાં શિક્ષણ કથળ્યું હોય એ શક્ય છે. માટે પૂરી તપાસ કરી લેવી.
ઊંચી ટકાવારી ધરાવતા અને હોંશિયાર વિધાર્થીઓ શ્રેષ્ઠ કોલેજ કે યુનિવર્સિટીનો આગ્રહ રાખે છે. આવી સંસ્થામાં એડમિશન લેવાનો આગ્રહ રાખવો.
આનો ફાયદો એ થાય કે અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ પાસેથી શીખવા મળે, વત્તા જ્યાં સારા ઉમેદવાર મળતા હોય ત્યાં સ્વાભાવિક જ ગુણાત્મક અને સંખ્યાત્મક રીતે વધુ કંપનીઓ કેમ્પસ પ્લેસમેન્ટ માટે આવવાની.
કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીમાં ખૂબ જ સારું પ્લેસમેન્ટ (નોકરીની તકો) થતું હોય, ફક્ત એ જ કારણથી ત્યાં એડમિશન લેવાનો નિર્ણય ન લેવો. ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્ય માટે મૂળભૂત સિદ્ધાંતોનો પાયો (theory) મજબૂત હોય એ અનિવાર્ય છે. આ ઉપરાંત આઇ. ટી. જેવાં ક્ષેત્રમાં પ્રેક્ટિકલ સમજણ પણ એટલી જ જરુરી છે. માટે એવી કોલેજ પસંદ કરવી જોઈએ કે જ્યાં આ બંનેને સરખું મહત્ત્વ આપવામાં આવતું હોય. સાચી સૈદ્ધાંતિક સમજણ અને એનો વ્યવહારુ ઉપયોગ; જો આ બંને હશે તો સારી નોકરી આપોઆપ મળશે!
સારી કોલેજ કે યુનિવર્સિટીમાં સારી વિદ્યા શાખામાં પ્રવેશ મેળવી લીધા પછી શું ધ્યાન રાખવું પડે?
સારી કોલેજ કે યુનિવર્સિટીમાં સારી વિદ્યા શાખામાં પ્રવેશ મેળવવો એ પ્રથમ પગથિયું છે. ત્યાર પછીના પગથિયામાં દરેક સેમિસ્ટરમાં કમ સે કમ ૬૦ ટકા કે તેથી વધુ લાવવા. આ પછી બને એટલા પ્રોજેક્ટ્સ કરવા, આનાથી સૈદ્ધાંતિક સમજ ઉપરાંત ટેકનોલોજી સાથે કામ કરવાનો મહાવરો પણ થશે, જે અનિવાર્ય છે.
ભણી રહ્યા બાદ જે પ્રથમ નોકરી મળે એ કારકિર્દી માટે ખૂબ અગત્યની છે. ખાસ કરીને જો કોઈ મલ્ટિનેશનલ કે TCS, INFOSYS જેવી ભારતની અગ્રણી સોફ્ટવેર કંપનીમાં કામ કરવાની તક મળે તો ખૂબ લાભ થાય. પણ આ માટે સ્કૂલ અને કોલજમાં સારા ટકા, વ્યવહારુ જ્ઞાન, પ્રશ્રો ઉકેલવાની ક્ષમતા અને કોમ્યુનિકેશન સ્કીલ્સ હોવા જોઈએ. ટૂંકમાં ફક્ત ગોખણીયા બનવાને બદલે વ્યક્તિત્વ વિકાસ પર પણ ધ્યાન આપવું જોઈએ.
એન્જિનીયરિંગ, ખઈઅ અને અન્ય વિદ્યા શાખાઓની બેઠકો વધવાને લીધે હવે આઇ. ટી.માં પ્રવેશવું સરળ બન્યું છે, પણ આનો ગેરફાયદો એ થયો છે કે હવે સારી તાલીમ અને સારી નોકરી માટે સ્પર્ધા ખૂબ વધી છે, કારણ કે સામે પ્રમાણમાં નોકરીઓમાં એટલો વધારો થયો નથી. દરેક મોરચે તૈયારી વિના હવે ચાલે એમ નથી!
ગુજરાતમાં કોમ્યુનિકેશન સ્કીલ્સની હંમેશાં ફરિયાદ હોય છે. અમેરિકા કે યુરોપના ક્લાયન્ટ સાથે (સ્વાભાવિક જ) અંગ્રેજીમાં જ લેખિત અને મૌખિક વ્યવહાર ચલાવો પડે. હવે એ વખતે અંગ્રેજી નબળું હોય, કે આત્મવિશ્વાસ ન હોય તો કેમ ચાલે?
ઇન્ટરનેટ, મોબાઇલ, સોશિયલ નેટવર્કિંગ વગેરેના વધતા વ્યાપથી વિદ્યાર્થીઓમાં શું સુધારો આવ્યો છે? શું નવી તકો ઊભી થઇ છે?
આ સૌ સુવિધાઓ વધવાને લીધે વિદ્યાર્થીઓ પાસે ભૂતકાળમાં ક્યારેય નહોતી એવી તકો ઊભી થઈ છે. તેઓ હવે નિષ્ણાતો પાસેથી, બ્લોગ કે ઓનલાઇન ગ્રુપ્સના માધ્યમથી સીધું માર્ગદર્શન મેળવી શકે છે. ટ્રેનિંગ કે પ્લેસમેન્ટની આખા ભારતમાં શું તકો છે એ ઘરે બેઠાં જાણી શકે છે. SKYPE પર બેંગલોર કે હૈદરાબાદનો ધક્કો ખાધા વિના પર્સનલ ઇન્ટરવ્યૂ આપી શકે છે. Google+Hangout કે વેબિનાર વગેરે દ્વારા લેટેસ્ટ ટેકનોલોજીની ટ્રેનિંગ કે સેમિનારમાં ભાગ લઈ શકે છે, એ પણ મોટા ભાગે મફતમાં.
અલબત્ત, આ લખનારના મતે કમનસીબે આ બધી સુવિધાઓના લીધે વિધાર્થીઓને કંઈ ખાસ ફાયદો થયો નથી (આ વાત ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓને લાગુ પડે છે). કહો કે તેઓ ફાયદો લઈ નથી શક્યા!
સ્માર્ટફોન, લેપટોપ અને ૩ૠ કનેક્શન ધરાવતા વિદ્યાર્થીઓ પાસે ટેકનોલોજી, નવા ટ્રેન્ડ્ઝ વગેરેને લગતી સાવ સામાન્ય માહિતી પણ ન હોય, બાયોડેટાના ઠેકાણા ન હોય, જે ટેકનોલોજીમાં પ્રોજેકટ કર્યો હોય એમાં પણ સરળ પ્રશ્રોના જવાબ ન આપી શકે, ગાંધીનગર, અમદાવાદ કે વડોદરામાંની સારી સોફ્ટવેર કંપનીઓનાં નામ પણ ખબર ન હોય, એવું વ્યાપકપણે જોવા મળે છે. આ માટે જોકે તેમની ઉંમર સહજ અપરિપક્વતા કે માર્ગદર્શનનો અભાવ પણ કારણભૂત છે.
Todays youth has access to information but they are not informed!
આ ક્ષેત્રમાં કારકિર્દી માટે કઈ ટેકનોલોજી શ્રેષ્ઠ છે?
આ પ્રશ્રનો જવાબ થોડી પેચીદો છે. ટેકનોલોજીમાં તો ચઢાવ ઉતાર આવ્યા કરે છે. મહત્ત્વનું એ નથી કે તમે કઈ ટેકનોલોજીમાં કામ કરો છો. પણ એ ટેકનોલોજીમાં નિષ્ણાત છો કે નહિ અને કેટલા ઊંડાણ સુધી ગયા એ વધુ મહત્ત્વનું છે.
હા, એટલું ચોક્કસ ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ કે ખાસ ચલણમાં ન હોય, તમારા શહેરમાં કે આખા ભારતમાં એ ટેકનોલોજીની તકો ન હોય, શીખવામાં ખૂબ અઘરી હોય કે ખૂબ સરળ હોય કે એ ટેકનોલોજીમાં પુષ્કળ લોકો ઓલરેડી કામ કરતા હોય તો તેવી ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવાનું ટાળવું જોઈએ.
આવનારાં વર્ષો મોબાઇલ અને એને લગતા સંશોધન-વિકાસના છે. માટે એ ક્ષેત્રે ચોક્કસ ધ્યાન આપવા જેવું ખરું!
ઉપર ચર્ચેલા મુદ્દા સિવાય પણ સારી તાલીમ, સારું પ્લેસમેન્ટ અને ઉત્તરોઉત્તર કારકિર્દીના વિકાસ માટે શું કરવું જોઈએ એ બાબતે ઘણા મુદ્દા ચર્ચી શકાય એમ છે, જે આપણે આવનારા લેખોમાં જોઈશું. તમને કોઈ પ્રશ્રો હોય તો લખી મોકલાવશો.

