ઇન્ટરનેટ આપણા જીવનમાં વધુને વધુ પગપેસારો કરી રહ્યું છે ત્યારે ઓનલાઇન સલામતી માટેનાં કેટલાંક મહત્ત્વાં પગલાં જાણી લેવાં જરુરી છે, તેના પર અમલ કરવાનું એથી પણ વધુ અગત્યનું છે!
આગળ શુ વાંચશો?
- કમ્પ્યૂટર, ફોન, ટેબલેટ વગેરેને પાસવર્ડ પ્રોટેકટેડ રાખો
- પેટ્રોલ પંપ પર સાવધ રહો।
- ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન
- સોશિયલ સાઈટના પ્રાઈવસી સેટિંગ્સ સમજો
- કમ્પ્યુટરની યાદશક્તિ કમજોર બનાવો

આવું તમારી સાથે પણ બનતું હશે – આપણે કોઈ મિત્ર કે પરિચિતને ઘરે મળવા જઈએ કે કોઈ પ્રસંગે સહુ ભેગા થઈએ ત્યારે વાતવાતમાં કોઈ આપણો સ્માર્ટફોન જોવા માગે! આપણે જો ફોન નવોનવો લીધો હોય તો તો હોંશભેર, ફટ દઈને એમના હાથમાં આપણો ફોન આપીએ. પછી એ મિત્ર જુદી જુદી એપ ઓપન કરવા લાગે ને એમાં આપણી ફોટોગેલેરી ને વોટ્સએપ પણ ઓપન થાય અને મેઇલ પણ ચેક થવા લાગે! ત્યારે છેક આપણને મનમાં ચરચરાટી થાય કે ફોન આપ્યો ન હોત તો સારું, અથવા ફોન લોક રાખ્યો હોત સારું થાત!
પોતાનો ફોન પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવો જોઈએ એ સાવ સાદી વાત લગભગ આપણામાંથી કોઈને મહત્ત્વની લાગતી નથી. વાત ફક્ત ફોનની નથી, ઓનલાઇન આપણી પ્રાઇવસી જાળવી રાખવા માટે નાની નાની વાતની ઘણી કાળજી રાખવી જરૂરી હોય છે. નીચે આવા કેટલાક મુદ્દા આપ્યા છે, સાયબરસફરના અગાઉના અંકોમાં અલગ અલગ તેમની વાત થઈ પણ હશે, છતાં એક સાથે મૂકવા જરુરી હોવાથી અહીં આપ્યા છે. તપાસી જુઓ, એમાંથી કેટલાકનું તમે પાલન કરો છો!
કમ્પ્યુટર, ફોન, ટેબલેટ વગેરેને પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખો
દર વખતે ફોનનો ઉપયોગ કરતાં પહેલાં પાસવર્ડના ચાર આંકડા નાખવાનો કે પેટર્ન ડ્રો કરવાનો તમને ક્ંટાળો આવતો હોય તો એટલું વિચારો કે બહાર જતી વખતે ઘર કે કારને લોક કરતાં તમને કંટાળો આવે છે? ફોનનો ઉપયોગ વારંવાર કરવાનો હોય એ દલીલ સાચી, પણ પાસવર્ડનું મહત્ત્વ સમજવા માટે ઓફિસમાં કોઈ કલીગ કે કોલેજમાં કોઈ ટીખળી દોસ્ત તમારા ફોનમાંથી કંઈક ન કરવા જેવું સ્ટેટસ અપડેટ કરી દે ત્યાં સુધી રાહ શા માટે જોવી?
મેઇલ અને સોશિયલ મીડિયામાંથી સાઇન-આઉટ થાવ
જ્યારે પણ કામ પૂરું થઈ જાય ત્યારે ઈ-મેઇલ, ફેસબુક, ટવીટર વગેરેમાંથી સાઇન-આઉટ થવાની ટેવ કેળવો. બેન્કની સાઇટ પર અમુક સમય સુધી આપણે કોઈ એક્શન ન લઈએ તો આપોઆપ આપણું સેશન ટાઇમ-આઉટ થઈ જતું હોય છે. મેઈલ કે સોશિયલ મીડિયામાં આવી સુવિધા મળતી નથી. તમારા કમ્પ્યુટરનો બીજા લોકો પણ ઉપયોગ કરતા હોય તો તો આ કાળજી ખાસ જરુરી છે. જીમેઇલની વાત કરીએ તો ઇનબોક્સમાં છેક નીચેના જમણા ખૂણે, લાસ્ટ એકાઉન્ટ એક્ટિવિટી એટલે કે આપણે છેલ્લે આપણા જીમેઇલ એકાઉન્ટમાં ક્યારે લોગ-ઇન થયા હતા તેની વિગતો જોઈ શકાય છે.
અહીં ડિટેઇલ્સ પર ક્લિક કરતાં, આપણું એકાઉન્ટ બીજા કોઈ લોકેશન પર ઓન છે કે નહીં તે જોઈ શકાય છે, અહીંથી આપણે બીજાં તમામ સેશન્સમાંથી સાઇન-આઉટ પણ થઈ શકીએ છીએ. એકાઉન્ટમાં કોઈ શંકાસ્પદ એક્ટિવિટી જોવા મળે, જેમ કે કાયમ આપણે ભારતમાંના કોઈ સ્થળેથી લોગ-ઇન થતા હોઈએ અને અચાનક નાઇજિરિયા જેવા દેશમાંથી પણ આપણા એકાઉન્ટમાં કોઈ સાઇન-ઇન થાય તો ગૂગલ તરત આપણે જાણ કરે એવી વ્યવસ્થા પણ ગોઠવી શકાય છે. આ સુવિધાઓનો પૂરો લાભ લો.
પેેટ્રોલ પંપ પર સાવધ રહો!
ઇન્ટરનેટની વાતમાં પેટ્રોલ પંપં ક્યાંથી આવ્યો, એવો વિચાર ના કરશો! પંપં પર પેટ્રોલ પૂરાવતાં કે મોલમાં કરિયાણું ખરીદતી વખતે કે મલ્ટિપ્લેક્સમાં કાર પાર્ક કરતી વખતે અચાનક કોઈ પેન અને પેપર સ્લિપ સાથે આવી ટપકે અને લકી ડ્રોમાં ભાગ લેવા લલચાવે ત્યારે તમે કંઈ વિચાર્યા વિના મોબાઇલ નંબર કે ઈ-મેઇલ આઇડી આપી દેતા હો, તો હવે ના આપશો. આપણી આ વિગતો જાણવા માગતા લોકો પાસે બીજા પણ ઘણા રસ્તા છે એ વાત સાચી, પણ આપણે પોતે સામે ચાલીને અજાણી વ્યક્તિે આ વિગતો શા માટે આપવી?
ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન
જીમેઇલ, ફેસબુક એ વર્ડપ્રેસ સહિત લગભગ ઘણી ખરી પ્રતિષ્ઠિત વેબ સર્વિસમાં હવે ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન સર્વિસ ઉપલબ્ધ છે (જીમેઇલમાં તેની સમજણ માટે જુઓ સાયબરસફર અંક ૧૫, મે ૨૦૧૩). બેન્કની જેમ આપણા એકાઉન્ટમાં લોગ-ઇન થવા કાયમી પાસવર્ડ આપતાં, આપણા મોબાઇલ પર એક નવો, વન ટાઇમ કોડ મળે, જે નાખીએ તો જ લોગ-ઇન થઈ શકાય એવી આ સગવડ બહુ કામની છે. આપણા પોતાના એ કાયમી કમ્પ્યુટર પર તેેને બંધ પણ રાખી શકાય છે.
સોશિયલ સાઇટનાં પ્રાઇવસી સેટિંગ્સ સમજો
ફેસબુક જેવી સાઇટ પર તમે આખી દુનિયા સાથે બધું જ શેર કરવા માગતા હો તો તેનાં પ્રાઇવસી સેટિંગ્સ યોગ્ય રીતે ગોઠવીને તમે જેમની સાથે અનુકૂળ લાગતું હોય તેવા એ સાચા મિત્રો સાથે તમારાં સ્ટેટસ અપડેટ્સ શેર કરવાની ગોઠવણ કરી શકાય છે. ગૂગલ પ્લસમાં તમારા કોઈને તમારા ફોટોગ્રાફ મોકલો એ તેે આગળ ફોરવર્ડ કરી શકે એવી ગોઠવણ પણ કરી શકાય છે. આ બધાં સેટિંગ્સ આપણે કામનાં લાગતાં હોય તો થોડો સમય કાઢીને તેે બરાબર સમજી લેવામાં સાર છે.
કમ્પ્યુટરી યાદશક્તિ કમજોર બનાવો
આપણું કમ્પ્યુટર અને તેમાંનાં બ્રાઉઝર આપણી પર બાજ નજર રાખતાં હોય છે. તે આપણી લગભગ બધી ગતિવિધિ બરાબર યાદ રાખે છે. એ તો ઠીક, બીજા લોકો તેનો સાચો કે ખોટો લાભ પણ લઈ શકે છે. આપણા બ્રાઉઝરના સેટિંગ્સમાં જઈને આપની બ્રાઉઝિંગ હિસ્ટ્રી, કૂકીઝ વગેરેની નિયમિત સફાઈ જરુરી છે. ચાહો તો જાતે આ કામ કરો, અથવા બ્રાઉઝરને કશું જ યાદ રાખવાની સૂચના આપો અથવા આ અંકમાં આગળ સ્ટેપ-બાય-સ્ટેપ સમજણ આપી છે તે સીક્લિરને નિયમિત, આપોઆપ સફાઇ કરવાનું કામ સોંપી દો.
હેડિંગમાં સાત પગલાં લખ્યાં છે એ અહીં તો ફક્ત ૬ પગલાં લખ્યાં છે એવો સવાલ થયો? સાતમું પગલું, આ છએ છ સ્ટેપ પર ખરેખર અમલ કરવાનું છે!
અહીં સૂચવેલાં બધાં સ્ટેપ્સ કાં તો સરળ છે અથવા તેના વિશે આપણે અગાઉ વિગતવાર વાત કરી છે, છતાં તમને કોઈ સ્ટેપ સમજાતું ન હોય તો એફએક્યુ વિભાગમાં તેનો સવાલ જરુર મોકલી શકો છો! editor@duplics.cybersafar.in પર એક ઈ-મેઇલ મોકલી દો, વિષયમાં એફએક્યુ લખવાનું ભૂલશો નહીં.

