લાંબો સમય રાહ જોવડાવ્યા પછી હવે એલઆઇસીએ પણ ઓનલાઇન ટર્મ પોલિસી રજૂ કરી છે. તમે ઓનલાઇન વીમો ખરીદ્યો હોય કે ખરીદવા માગતા હો તો તેનાં જમા-ઉધાર પાસાં જાણી લેવા જેવાં છે.
આગળ શું વાંચશો?
- ભારતમાં વીમાની સ્થિતિ
- ઓનલાઈન પોલિસીનું વેચાણ
- ઈન્ટરનેટ પર પોલિસી ખરીદાય?
- લાભ
- ગેરલાભ
- આટલું ધ્યાન રાખશો?
- ઓનલાઈન પોલિસી ખરીદી શકાય આ રીતે?
એક નાનકડું ઉખાણું – એવી કઈ વસ્તુ છે જેનો ખરીદ્યા પછી ઉપયોગ કરવો ન પડે તો તમે રાજી રહો? જવાબ ઘણા હોઈ શકે, જેમ કે રીવોલ્વર કે આગ હોલવવાનું પેલું હાથવગું સાધન, પણ એ બધામાં ટોચ પર આવે વીમો, ખાસ તો જીવનવીમો.
આપણા દેશમાં જીવનવીમાને એની મૂળ ખાસિયત કરતાં જુદા કારણસર ખરીદવામાં આવે છે. જીવનવીમાનો મૂળ હેતુ બહુ સાદો, છતાં સ્પષ્ટ છે : આપણે પોતે હયાત ન રહીએ ત્યારે પરિવારની આવક બંધ ન થાય અને તેમની જીવનશૈલી હાલના જેવી જ જળવાઈ રહે એટલી આવક જીવનવીમામાંથી થવી જોઈએ. જો તમારા જીવનવીમાના પોર્ટફોલિયોમાં ટર્મ ઇન્સ્યોરન્સ ન હોય તો આવું શક્ય ન બને. મોટા ભાગના લોકો જીવનવીમાને બચતના એક સાધન તરીકે જુએ છે, પરિણામે જીવનવીમામાં રોકેલાં નાણાં – વ્યાજ સાથે – પરત મળવાં જોઈએ એવી સૌની અપેક્ષા રહે છે. પરિણામે દર વર્ષે ઘણી મોટી રકમ જીવનવીમા પાછળ રોકવા છતાં, મોટી રકમનું રક્ષાકવચ આપણને મળતું નથી. ટર્મ ઇન્સ્યોરન્સ ઓછામાં ઓછા ખર્ચે – પણ રોકેલી રકમની એક પાઈ પાછી ન મળવાની શરતે – વધુમાં વધુ રકમનું સુરક્ષાકવચ આપે છે.
આવી સાવ સાદી વાતથી ઘણા બધા લોકો અજાણ રહેવાનું એક મોટું કારણ એ પણ છે કે ખુદ વીમાકંપનીઓ અને તેમના એજન્ટ વીમાને બચતના સાધન તરીકે વધુ પ્રમોટ કરે છે.
આ મેગેઝિનના પાને, જ્યાં ઇન્ટરનેટ ને સ્માર્ટફોનની જ વાતો થાય છે ત્યાં જીવનવીમા પુરાણ ઉખેળવાનાં કારણ બે છે : એક, યુવા વર્ગને જીવનવીમાના મહત્ત્વના પાસાથી વાકેફ કરવો અને બીજું, યુવા વર્ગમાં વધુ લોકપ્રિય થયેલી ઓનલાઇન ટર્મ પોલિસીનાં લેખાં-જોખાં કરવાં.
થેન્ક્સ ટુ ઇન્ટરનેટ, જીવનવીમા તરફની લોકોની દૃષ્ટિ હવે બદલાઈ રહી છે. વર્ષ ૨૦૦૯થી જુદી જુદી ખાનગી વીમાકંપનીઓ ડાયરેક્ટ ઇન્ટરનેટ પરથી ટર્મ ઇન્સ્યોરન્સ વેચી રહી છે અને તેને જબરી લોકપ્રિયતા સાંપડી રહી છે. ઓનલાઇન ટર્મ પોલિસીના વેચાણની સતત વધતી લોકપ્રિયતાને પગલે આ ક્ષેત્રના મહારથી લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને પણ ગયા મહિને ઇ-ટર્મ ઇન્સ્યોરન્સને નામે જીવનવીમાના ક્ષેત્રે નાનકડી ક્રાંતિનાં મંડાણ કરી દીધાં છે.
આપણે સૌ જાણીએ છીએ અને વારંવાર સાંભળીએ છીએ તેમ ‘વીમો એક આગ્રહની વિષયવસ્તુ છે’. મૂળ અંગ્રેજી વાક્ય ‘ઇન્સ્યોરન્સ ઇઝ એ મેટર ઓફ સોલિસિટેશન’નો મૂળ ભાવાર્થ એ છે કે વીમા ખરીદવા વિશે તમને આગ્રહપૂર્વક સમજાવવામાં આવે, પણ અંતે તો તમારે જ નિર્ણય કરવાનો છે. અત્યાર સુધી જીવનવીમાના વેચાણમાં, તેનું મહત્ત્વ આગ્રહપૂર્વક સમજાવતા એજન્ટની ભૂમિકા બહુ અગત્યની હતી, પણ હવે વીમાકંપનીઓ ઇન્ટરનેટના માધ્યમથી ડાયરેક્ટ લોકો સુધી પહોંચી રહી છે અને તેમને ડાયરેક્ટ પોલિસી વેચી રહી છે. આપણા સૌના જીવન માટે મહત્ત્વની આ બાબતમાં આવી રહેલું પરિવર્તન શું છે તે તપાસીએ.
ભારતમાં વીમાની સ્થિતિ
ભારતમાં વીમો ખરીદવાનું પ્રમાણ વર્ષોથી ઘણું ઓછું છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આઇઆરડીએ)ના ૧ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલા વર્ષ ૨૦૧૨-૧૩ માટેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા અનુસાર, આપણા દેશની કુલ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં વીમાના પ્રીમિયમનું પ્રમાણ માંડ પાંચ જેટલું પણ નથી. બીજા દેશોમાં આ પ્રમાણ આપણા કરતાં ઘણું ઊંચું છે. બચતમાં ખાસ ન માનતા અમેરિકા જેવા દેશ અને યુકે, ઇટાલી, સ્પેન અને જર્મનીમાં વીમો લેવાનું પ્રમાણ આપણા કરતાં ઘણું વધુ છે. આપણા દેશમાં પૂરી બાવન કંપનીઓ જીવનવીમો અને અન્ય પ્રકારના વીમા વેચે છે, છતાં આ સ્થિતિ કેમ છે?
નિષ્ણાતો માને છે કે ભારત બહુ વિશાળ અને ભાષાવૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી અહીં વીમાનું મહત્ત્વ લોકો સુધી પહોંચાડવું મુશ્કેલ છે. બીજા દેશોમાં ઘણા સમયથી ઇન્ટરનેટ પર પોલિસીનું વેચાણ થાય છે, જ્યારે ભારતમાં છેક ૨૦૦૯માં આ શઆત થઈ અને તેમાં સૌથી મોટી કંપની એલઆઇસીએ તો હવે છેક તેની શરૂઆત કરી છે. આગળ બતાવેલા પાંચેય દેશમાં કુલ જેટલી પોલિસી વેચાય છે તેમાંથી ૩૦ ટકા વેચાણ ઇન્ટરનેટ પર થાય છે, જ્યારે ભારતમાં આ પ્રમાણ માંડ ૩ ટકા છે.
પરંતુ ભારતમાં ઇન્ટરનેટનો ફેલાવો અને ઉપયોગ સતત તેજ ગતિએ વધી રહ્યો છે અને એની સાથોસાથ ઓનલાઇન ઇન્સ્યોરન્સનું વેચાણ પણ સતત વધી રહ્યું છે. વાસ્તવમાં, ખાનગી કંપનીઓએ ફક્ત અખતરા તરીકે ઓનલાઇન પોલિસીના વેચાણની સુવિધા આપી હતી, પણ ભારતમાં તેને એવો જબ્બર પ્રતિસાદ સાંપડ્યો છે કે આ કંપનીઓએ વાર્ષિક વેચાણના જે અંદાજ બાંધ્યા હતા તે પહેલા બે મહિનામાં જ પૂરા થઈ ગયા.
ઓનલાઇન પોલિસીનું વેચાણ
સામાન્ય ચિત્ર એવું છે કે લોકો સાધારણ અને ટૂંકી મુદતના વીમામાં ખાનગી કંપની પર વિશ્વાસ મૂકે છે, પણ જીવનવીમાની વાત આવે એટલે સરકારી એલઆઇસી પર જ ભરોસો મૂકે છે. જીવનવીમાના દાવાની ભરપાઈ કરવામાં એલઆઇસીનો સ્કોર ઘણો ઊંચો છે એ વાત પણ તેની તરફેણમાં રહે છે, પરંતુ ખાનગી કંપનીઓએ ઓનલાઇન ટર્મ ઇન્સ્યોરન્સનું વેચાણ શરૂ કર્યું તે ખાસ કરીને શહેરોના યુવા વર્ગમાં હીટ નીવડ્યું. ધીમે ધીમે એવી સ્થિતિ આવી કે ભારતમાં દર ૧૮ મિનિટે એક ઓનલાઇન પોલિસી વેચાવા લાગી. ભારતમાં અત્યારે તમામ ખાનગી કંપનીઓ ઓનલાઇન ટર્મ પોલિસી ઓફર કરે છે. એલઆઇસીએ પણ લગભગ બે વર્ષથી તેની તૈયારી શરુ કરી હતી, પણ તેના એજન્ટ્સના જોરદાર વિરોધ અને દબાણને પગલે કંપની તેના પ્લાનમાં આગળ વધી શકી નહોતી.
અત્યારે એલઆઇસીની ઇ-ટર્મ પોલિસી ખાનગી કંપની કરતાં મોંઘી છે, પણ તેનું સરકારી લેબલ એલઆઇસીને કામ લાગશે.
આપણે એજન્ટ દ્વારા પોલિસી લઈએ તેની સરખામણીમાં ઓનલાઇન પોલિસી ઘણી સસ્તી પણ છે. ખાનગી કંપનીઓની પોલિસી સરેરાશ ૪૦થી ૬૦ ટકા જેટલી સસ્તી પડે છે. એલઆઇસીની ઇ-ટર્મ પોલિસી પણ રોજિંદી પોલિસી કરતાં ૩૭ ટકા સસ્તી છે. ઓનલાઇન પોલિસીમાં વીમેદારને ઓછા પ્રીમિયમે વધુ લાંબી મુદતનો લાભ પણ મળી શકે છે.
આવા ભેદભાવનું કારણ? એક તો એ કે પોલિસી ઓનલાઇન ડાયરેક્ટ વેચવામાં આવે એટલે એજન્ટના કમિશન સહિત કંપનીનો ખર્ચ ઘણો ઘટી જાય છે, જેનો લગભગ બધો લાભ અત્યારે કંપનીઓ ગ્રાહકને આપી રહી છે. બીજું, ઓનલાઇન પોલિસી ખરીદનાર સરેરાશ ગ્રાહક કરતાં ઓછા જોખમી ગણાય છે. કમ્પ્યુટર પર ઇન્ટરનેટ પર જઈને ઓનલાઇન પોલિસી ખરીદી શકે છે એ વ્યક્તિ ભણેલગણેલ, સુખીસંપન્ન પરિવારની અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લઈ શકે એવી તો હોય જ એમ માનીને કંપનીઓ તેમના કિસ્સામાં વીમો પાકે અને રકમ આવી પડે એવું જોખમ ઓછું હોવાનું માને છે!
ઇન્ટરનેટ પર પોલિસી ખરીદાય?
એનો હા કે નામાં જવાબ આપવો મુશ્કેલ છે! થોડા સમય પહેલાં આપણે મોબાઇલ ખરીદવો હોય તો પહેલાં ઘણી બધી ઓનલાઇન શોપ્સ પર મોડેલ્સ તપાસી લઈએ અને સૌથી પસંદ પડેલું મોડેલ નજીકના સ્ટોરમાં જઈને જાતે ખરીદી લાવતા હતા, પરંતુ પછી ધીમે ધીમે લોકો ઓનલાઇન સાઇટ્સ પર જ ઓર્ડર આપવા લાગ્યા છે. એમ જુદી જુદી કંપનીઓના વીમાને તપાસવા અને સરખાવવા માટે Bimadeals.com, Policy-bazaar.com કે Insurancepandit,com જેવી ઘણી બધી સાઇટ મેદાનમાં આવી ગઈ છે. પહેલાં લોકો તેના પર બધું જોઈ તપાસી લેતા અને પછી પોતાના એજન્ટ પાસે એ જ પ્રકારના વીમાની માગણી કરતા. પરંતુ હવે લોકો જાતે જ ઓનલાઇન પોલિસી ખરીદવા લાગ્યા છે.
તમે ઓનલાઇન પોલિસી ખરીદવી કે નહીં તેની મૂંઝવણમાં હો તો નીચે આપેલા લાભ-ગેરલાભના મુદ્દાઓ તપાસ્યા પછી જાતે નિર્ણય કરો :
લાભ
જો તમને ઓનલાઇન શોપિંગનો અનુભવ હોય તો આ રીત તમારા માટે ઘણી સરળ છે. કંપનીની વેબસાઇટ પર જાઓ, તમારી પ્રાથમિક વિગતો આપો, વીમાની રકમ અને મુદત નાખો એટલે સિસ્ટમ તમને અંદાજિત પ્રીમિયમ કહેશે, પછી પ્રીમિયમ ભરવા તરફ આગળ વધો. કંપની તમને પોલિસી મોકલી આપશે અને આપણે કંપનીને જરુરી દસ્તાવેજો મોકલી આપવાના. આગળ કહ્યું તેમ, ઓનલાઇન પોલિસી ઘણી સસ્તી પડે છે. ઓછા પ્રીમિયમે વધુ મુદતનો લાભ મળી શકે. આ રીતે પોલિસી ખરીદતાં હેલ્થ ચેકઅપની જરૂર ઊભી ન થાય એવું પણ બની શકે છે.
ગેરલાભ
ઓનલાઇન મળતા પ્લાન મોટા ભાગે પ્રી-સેટ હોય છે. એટલે કે આપણે તેને આપણી જરુરિયાત અનુસાર કસ્ટમાઇઝ કરી શકતા નથી.
સાદા જીવનવીમામાં આપણે અકસ્માત વિકલાંગતાના લાભ, ગંભીર બિમારીની સ્થિતિમાં પ્રીમિયમમાં માફી વગેરે જુદા જુદા લાભ, વધુ કિંમત ચૂકવીને મેળવી શકીએ છીએ. ઓનલાઇન પોલિસીમાં મોટા ભાગે આવી રાઇડર્સનો લાભ મળતો નથી.
તમે જાતે તમારા માટે યોગ્ય પ્લાન પસંદ કરી શકતા હોય તો જુદી વાત છે, બાકી તમારી ભરોસાપાત્ર એજન્ટની જે સલાહનો લાભ વીમા ખરીદીની સામાન્ય રીતમાં મળે તે ઓનલાઇન ખરીદીમાં મળશે નહીં.ઓનલાઇન પ્રીમિયમની જે ગણતરી કરવામાં આવે છે તે માત્ર અંદાજ હોય છે. કંપનીઓ સ્પષ્ટ કહે છે કે તમારી વિગતો તપાસ્યા પછી તેમાં ફેરફાર થઈ શકે છે અને તે તમારે સ્વીકારવો પડશે.
વીમા કંપનીઓ હજી ક્લેઇમને પ્રોસેસ કરવાની ઓનલાઇન વ્યવસ્થા ગોઠવી શકી નથી. વિશ્વાસુ એજન્ટ ક્લેઇમ સમયે સૌથી વધુ મદદરૂપ થતા હોય છે. તેમની મદદ જ્યારે સૌથી વધુ જરુર હોય ત્યારે તે મદદ આપણને મળે નહીં એવું ઓનલાઇન ખરીદીમાં બની શકે છે.
મોબાઇલ, પુસ્તકો કે કપડાંની ઓનલાઇન ખરીદી કરવી એ એક વાત છે, પણ જીવનવીમા જેવી, આપણા પોતાના કરતાં, આપણી ગેરહાજરીમાં પરિવાર માટે વધુ મહત્ત્વની બાબતની ઓનલાઇન ખરીદીમાં આ બાબતો ચોક્કસ ધ્યાને લેવા જેવી છે.
આટલું ધ્યાન રાખશો :
ઓનલાઇન પોલિસીની ખરીદી સસ્તી, સરળ અને ઝડપી છે, એ વિધિમાં કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખવું જરુરી છે, પછી ભલે તમે ગમે તે કંપનીની પોલિસી ખરીદો :
- તમારી જરુરિયાત સ્પષ્ટ રીતે નક્કી કરો. તમારો હેતુ અને જરૂર બંને બરાબર સમજી, તેને સૌથી સારી રીતે પૂરી કરે તેવી પોલિસી પસંદ કરો. ‘ઓનલાઇન પોલિસીમાં ઝંઝટ ન હોવાથી એ ખરીદી લઈએ’ એવું કરશો નહીં.
- જીવનવીમાના પ્રીમિયમનો આધાર આપણા સ્વાસ્થ્ય પર હોય છે. ઓનલાઇન પોલિસી ખરીદતી વખતે સ્વાસ્થ્ય સંબંધિત સવાલોના સાચા જવાબ આપો. પાછળથી મેડિકલ ચેકઅપ કરાવવાનું થાય અને તેમાં આપણે ઓનલાઇન આપેલા જવાબો ખોટા પડે તો તમે મુશ્કેલીમાં મૂકાશો. આ સ્થિતિમાં ક્લેઇમ પાસ કરાવવામાં પણ પરિવારને અનેક અંતરાય ઊભા થાય એવું બની શકે છે. ઓનલાઇન પોલિસી ખરીદતી વખતે સ્વાસ્થ્ય સંબંધિત ઘણા બધા સવાલોનો જવાબ માગતી પ્રશ્નોત્તરી ભરવાની થશે. તેના આધારે જ આપણું પ્રીમિયમ નક્કી થશે. જો તેના વગર પ્રીમિયમ જણાવવામાં આવશે તો એ નીચું હશે, પણ મેડિકલ રીપોર્ટ્સ જોયા પછી કંપની પ્રીમિયમ વધારી દે એવું બની શકે છે.
- તમે ફક્ત જુદી જુદી કંપનીને સરખાવી જોવા માગતા હો તો શક્ય એટલી અંગત માહિતી આપીને પ્રીમિયમનો અંદાજ મેળવવાનો પ્રયાસ કરી શકાય. કંપનીએ ફરજિયાત કહી ન હોય એવી માહિતી ન આપો તો ચાલે.
- જે કંપનીનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો ઊંચો હોય તે કંપનીને પસંદ કરો. આ બાબતમાં એલઆઇસી સૌથી આગળ છે, બીજી કેટલીક બેન્કિંગ સાથે ઇન્સ્યોરન્સની સેવા આપતી પ્રતિષ્ઠિત કંપનીઓ પણ વિશ્વસનીય ગણાય.
- તમારે સાદી ટર્મ પોલિસી ઉપરાંત વધારાના લાભ લેવા જોઈએ કે નહીં તે વિશે બીજા અનુભવી લોકોનો અભિપ્રાય લઈ જુઓ. મોટા ભાગની ઓનલાઇન પોલિસીમાં આવી સગવડ મળશે નહીં.
- તમે છેવટે ઓનલાઇન પોલિસી ખરીદો તો ખરીદી અને પેમેન્ટ સંબધિત પેજનો સ્ક્રીનશોટ, ઇમેઇલમાં ક્ધફર્મેશન વગેરે તમામ પુરાવા કાળજીપૂર્વક સાચવી રાખો.
ઓનલાઇન પોલિસી ખરીદી શકાય આ રીતે…

- જો તમે એલઆઇસીની ઈ-ટર્મ પોલિસી ખરીદવા માગતા હો તો તેની સાઇટ (http://www.licindia.in) પર જાઓ.
- ઇ-ટર્મ પોલિસીની લિંક પર ક્લિક કરો.
- ઉપલબ્ધ બે પોલિસીની વિગતો તપાસો અને જોઈતી પોલિસી માટે ‘બાય ઓનલાઇન’ ક્લિક કરો. હવે જે પેજ ખૂલે તેમાં એક પછી જરુરી વિગતો આપો. પ્રાથમિક વિગતો આપ્યા પછી સિસ્ટમ આપણો એક આઇડી જનરેટ કરીને આપણા મોબાઇલ-ઈ-મેઇલ પર મોકલશે. તેની મદદથી આગળ વધો અને બાકીની વિગતો ભરો.
- અંતે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ કરી દો.
- જરુર જણાયે એફએક્યુ જુઓ, પરંતુ તેમાં વીમાયોજના સંબંધિત માહિતી વધુ છે, ઓનલાઇન ખરીદીની પ્રક્રિયા વિશેના સવાલ-જવાબ ઓછા છે.


