‘એક્સપોર્ટનો ઓર્ડર કેન્સલ થતાં અમે પાણીના ભાવે માલ વેચી રહ્યા છે. આથી ઓછા ભાવે મળે તો જાહેરમાં ફાંસીએ ચઢી જઈશું…’ આપણે ત્યાં અખબારોમાં સેલની આવી જાહેરખબરો અવારનવાર જોવા મળે છે. તહેવારના દિવસોમાં સાડીઓના મોટા શો રૂમ સેલ યોજે ત્યારે તેમણે પણ ફરજિયાત પોતાના સેલ માટે ‘અસલી સેલ’, ‘જેન્યુઇન સેલ’ જેવાં વિશેષણ વાપરવા પડે છે. કેમ કે લોકોને સેલની સચ્ચાઈમાં ભરોસો રહ્યો નથી.
ઓનલાઇન શોપિંગ લોકપ્રિય બન્યા પછી લોકોની ખરીદવાની રીત બદલાઈ છે, પણ તેમાંય સેલને નામે ગ્રાહકોને આકર્ષીને પછી ઉલ્લુ બનાવવાની રીત બદલાઈ નથી. ભારતમાં ઓનલાઇન શોપિંગને લોકપ્રિય અને વિશ્વસનિય બનાવવામાં જેનો સિંહ ફાળો છે એ ફ્લિપકાર્ટે ગયા મહિેને ફક્ત એક દિવસના સેલમાં પોતાની પ્રતિષ્ઠા ધોઈ નાખી.
સ્માર્ટ લોકોએ સોશિયલ સાઇટ્સ પર પૂરવાર કર્યું કે સેલમાં ઘણી પ્રોડક્ટના પહેલાં ભાવ વધારીને પછી ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યું હતું!
બીજી તરફ જબરી જાહેરાતોથી લલચાઈને જે રીતે લોકોએ ડિસ્કાઉન્ટનો લાભ લેવા દોટ મૂકી એ બતાવે છે કે આપણે ત્યાં ઓનલાઇન શોપિંગનો કોઈ ખચકાટ રહ્યો નથી. ઓનલાઇન શોપિંગ ઘણી રીતે ફાયદાકારક છે, જો શોપિંગ સાઇટ ખરેખર ઇમાનદાર હોય એ ખરીદનાર ખરેખર સ્માર્ટ હોય તો.
દિવાળીના સેલ દરમિયાન કે ગમે ત્યારે તમે ઓનલાઇન શોપિંગ શરૂ કર્યું હોય એ તેમાં સારા-નરસા અનુભવો થયા હોય તો મને જરૂર મોકલી આપશો, ‘સાયબરસફર’ના ઘણા વાચકોને તેનો લાભ મળશે!
– હિમાંશુ

