પળ પળનો પાક્કો હિસાબ
એકધારું કમ્પ્યુટર પર કામ કરીને થાક્યા, ૧૦ મિનિટનો બ્રેક લેવા માગો છો? અથવા કોઈ મહત્ત્વનું કામ હાથ પર લીધું છે અને બરાબર અડધા કલાકમાં પૂરું કરવા માગો છો? કોઈ પણ કામમાં સમયનો પાકો હિસાબ રાખવામાં પણ હવે ગૂગલની મદદ લઈ શકાય છે.
ગૂગલ સર્ચ બોક્સમાં Set timer for 30 minites લખશો એટલે સર્ચ રિઝલ્ટ પેજમાં ઉપર એક બોક્સ ઓપન થઈ જશે અને તેમાં આપણે જણાવેલી મિનિટ્સનું કાઉન્ડડાઉન શરૂ થઈ જશે.
કાઉન્ટડાઉન દરમિયાન આપણે બીજા પ્રોગ્રામ કે બીજી ટેબમાં કામ આગળ ધપાવી શકીએ છીએ, પણ કાઉન્ટડાઉનવાળી ટેબમાં બીજું વેબપેજ ઓપન કરી લઈએ તો કાઉન્ટડાઉન અટકી પડશે. નિર્ધિરિત સમય પૂરો થતાં તેનું વોઇસ નોટિફિકેશન મળશે.
આપણે આ કાઉન્ટડાઉનને ફૂલસ્ક્રીનમાં પણ જોઈ શકીએ છીએ અને અધવચ્ચેથી સ્ટોપ પણ કરી શકીએ છીએ.
મોબાઇલમાં ગૂગલ નાઉમાં આ જ સુવિધાનો લાભ લઈ શકાય છે, પણ તેમાં વાતમાં જરા ટવીસ્ટ આવે છે. અહીં ગૂગલ નાઉ મોબાઇલની જ એલાર્મ સગવડનો લાભ ઉઠાવે છે એટલે આપણે પાંચ-દસ મિનિટ માટે ટાઇમર સેટ કરવાનો ઓર્ડર આપીએ તો એ એટલી મિનિટનું કાઉન્ટડાઉન બતાવવાને બદલે ફક્ત એટલા સમય પછીનો મોબાઇલમાં એલાર્મ ગોઠવી આપે છે.
તો એમાં વાંધો શું એવો વિચાર આવ્યો? વાંધો એ કે ધારો કે આપણે સવારના આઠ વાગ્યે એકાદ મિનિટનું કાઉન્ટડાઉન સેટ કરવા માગતા હોઈએ તો ગૂગલ નાઉને આદેશ આપીએ અને એ મોબાઇલમાં એલાર્મ સેટ કરે એટલી વારમાં જો મોબાઇલની ઘડિયાળમાં મિનિટ બદલાઈ જાય તો મોાબાઇલમાં ૦૮.૦૧ એએમનો એલાર્મ સેટ તો થાય છે, પણ એલાર્મ વાગે છે પૂરા ૨૪ કલાક પછી, બીજા દિવસે સવારે ૦૮.૦૧ કલાકે! ટેક્નોલોજીની ભાષામાં આ ‘બગ’ કહેવાય અને એન્ડ્રોઇડનું નવું વર્ઝન આવ્યા છતાં તેમાં કોઈ સુધારો થયો નથી!
જો તમે વધુ વિગતવાર રીતે ટાઇમટ્રેકિંગ કરવા માગતા હો તો ગૂગલ ક્રોમના વેબસ્ટોરમાં જઈને Task Timer નામની એક એપ ડાઉનલોડ કરી લો. તેમાં તમે અલગ અલગ ટાસ્ક માટે ટાઇમ ટ્રેક કરી શકો છો, જેમ કે તમે આવતા બે કલાક હોમવર્ક કરવા માગો છો અને તેમાં મેથ્સ અને સાયન્સ બંનેનું હોમવર્ક કરવાનું છે.
તમે બંને માટે ટાઇમ સેટ કરી દો અને પછી બધું ધ્યાન હોમવર્ક પર આપો! પછી જુઓ કે તમે નક્કી કરેલા સમયમાં બંને હોમવર્ક પૂરાં કરી શક્યા ખરા?
આખી જિંદગી ઘડિયાળના કાંટે ન જીવાય, પણ જ્યારે જરૂરી હોય ત્યારે પળપળનો પાક્કો હિસાબ જીવનમાં તમને ઘણા આગળ લઈ જશે.
ધ ઇન્ટરનેટ મેપ
ઇન્ટરનેટ પર કઈ સાઇટનો કેટલો દબદબો છે એ જાણવામાં તમને રસ હોય તો જોવો પડે ઇન્ટરનેટનો નક્શો!
એક રશિયન ડેવલપરે ૨૦૧૧ના અંત સુધીની સ્થિતિ અનુસાર, કુલ ૩,૫૦,૦૦૦ વેબસાઇટ્સને તેમના પર જોવા મળતા ટ્રાફિક અનુસાર નાના-મોટા સર્કલમાં દર્શાવે છે અને દરેક દેશની વેબસાઇટને ચોક્કસ રંગમાં દર્શાવી છે. બાજુની ઇમેજમાં google.comની બાજુમાં જે લીલા રંગનું સૌથી મોટું વર્તુળ દેખાય છે તે google.com.in એટલે કે ગૂગલ.કોમની ભારતીય વેબસાઇટનું છે.
જે તે વર્તુળ પર ક્લિક કરતાં તેના વિશે વધુ માહિતી પણ મળે છે. ગૂગલ મેપની જેમ જ અહીં પણ માઉસથી નક્શાને ડ્રેગ કરીને ઝૂમ-ઇન અને ઝૂમ-આઉટ કરી શકાય છે કે કોઈ પણ બાજુ ખસેડી શકાય છે.
આઇટીના વિદ્યાર્થીઓને આ મેપ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે એ જાણવામાં રસ હોય તો તેના બ્લોગની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.

