બજારમાં હવે ફોરકે ટીવીની ચર્ચા શરુ થઈ છે. વધુ શાર્પ, વધુ ક્લિયરની આ રેસ ક્યાં અટકશે એ તો ખબર નથી, પણ ટીવીની ખરીદીમાં આપણે ક્યાં અટકવું એ નક્કી કરવામાં આ માહિતી તમને કામ લાગશે.
છેલ્લા થોડા સમયથી તમે ટીવી લેવાનું વિચારતા હો તો ટીવીના શોરૂમમાં સેલ્સમેનને ફોરકે ટીવી વિશે થોડા ગૂગલી સવાલો પૂછી જુઓ. શરુઆતમાં તો સેલ્સમેન “સાહેબ એ આપણે કામનું નથી કહીને વાત ટાળશે, પણ તમે ફોરકે ખરેખર છે શું એમ પૂછશો તો એ પણ ગૂંચવાઈ જશે.
હકીકતમાં સેલ્સમેનનો વાંક નથી. ટચૂકડા સ્માર્ટફોનથી માંડીને જાયન્ટ ટીવી સ્ક્રીન સુધી ડિસ્પ્લેની ટેક્નોલોજી એટલી ઝડપે બદલાઈ રહી છે કે આપણે સૌ ગૂંચવાતા રહીએ. સાદા ટીવીના એસડી (સ્ટાન્ડર્ડ ડેફિનેશન) અને ઇડી (એન્હેન્સ્ડ ડેફિનેશન)થી વાત આગળ વધીને એચડી (હાઇ-ડેફિનેશન) રેડી, ક્યુ એચડી (ક્વાર્ટર એચડી), એચડી, ફૂલ એચડી વગેરે જાતભાતના એચડી સુધી પહોંચી ગઈ છે. હજી તો આપણે આ એચડીમાં અટવાતા હતા ત્યાં યુએચડી (અલ્ટ્રા એચડી)ની વાત આવી અને હવે ફોરકે – એઇટકે જેવા શબ્દોનો મારો થવા લાગ્યો છે.પેલા સેલ્સમેનની વાત સાચી છે કે અત્યારે આ ફોરકે ટીવી આપણે કામનું નથી અને એની કિંમત પણ હાલ પૂરતી તો લાખોમાં છે, પણ આ ફોરકે છે શું એ આપણે જાણી લઈએ. આ વર્ષના ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં પણ આ ફોરકે ટીવીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
એકડેએકથી વાત કરીએ તો ટીવીમાં પિક્ચરની ક્લેરિટીનો આધાર બે વાત પર હોય છે : એક, આપણા ટીવીના સ્ક્રીનનું રેઝોલ્યુશન અને બીજું, વીડિયો સોર્સ (કેબલ કનેક્શન કે ડીવીડી પ્લેયર)નું રેઝોલ્યુશન. આ રેઝોલ્યુશન ખરેખર શું છે એ પણ સમજીએ. આપણે જાણીએ છીએ કે ડિજિટલ ઇમેજ આડી અને ઊભી હરોળમાં ગોઠવાયેલાં નાનાં નાનાં અસંખ્ય ટપકાંથી બનેલી હોય છે. આ ટપકાંને પિક્સેલ કહે છે અને એ ખરેખર અસંખ્ય નહીં, પણ નિશ્ચિત, ચોક્કસ સંખ્યામાં હોય છે.


જૂનાં સાદાં ટીવીમાં સામાન્ય રીતે ૩ લાખ પિક્સેલથી ઇમેજ સર્જાતી હતી, જ્યારે આજના એચડીટીવીમાં લગભગ ૨૦ લાખ પિક્સેલ હોય છે. જેમ પિક્સેલ વધુ તેમ દૃશ્યોની સ્પષ્ટતા વધુ સારી. (તો પછી ડિજિટલ કેમેરામાં આ જ વાત કેમ લાગુ પડતી નથી એવો સવાલ પણ વાજબી છે. તેમાં વધુ પિક્સેલ ઉપરાંત કેમેરાનો લેન્સ કેવો છે એ પણ અગત્યનું છે અને જો આપણે મોબાઇલ કે કમ્પ્યુટરના નાના સ્ક્રીન પર જ ફોટોગ્રાફ જોવાના હોઇએ તો તેને માટે મોટી સંખ્યામાં પિક્સેલની જરુર પડતી નથી).
મોબાઇલ કે ટીવી ખરીદવા જઈએ ત્યારે તેના સ્ક્રીનનાં
રેઝોલ્યુશન ૪૮૦x૮૫૪ (મોબાઇલના કિસ્સામાં) કે ૧૯૨૦x૧૦૮૦ (એચડીટીવીના કિસ્સામાં) જેવાં લખેલાં હોય છે. આ બંને આંકડા દર સેક્ન્ડે સ્ક્રીન પર આડી અને ઊભી હરોળમાં ચોક્કસ કેટલા પિક્સેલ દશર્વિાશે તે બતાવે છે. બંનેનો ગુણાકાર કરતાં સ્ક્રીન પરના કુલ પિક્સેલની સંખ્યા જાણવા મળે.
જેમ કે એચડીટીવીમાં ૧૯૦૨૦x૧૦૮૦ = ૨૦,૭૩,૬૦૦ પિક્સેલ.ફોરકે ટીવીમાં પિક્સેલની સંખ્યા ૩૮૪૦x૨૧૬૦ (જે વાસ્તવમાં અલ્ટ્રા એચડી કહેવાય છે) અથવા તેનાથી પણ વધુ ૪૦૯૬x૨૧૬૦ (પ્રચલિત ફોરકે) જેટલી હોય છે. પહેલો આંકડો ચાર હજારની નજીક હોવાથી રાઉન્ડ ફિગર તરીકે ફોરકે (વાયટુકે – યર ટુ થાઉઝન્ડ યાદ છેને?) શબ્દ ચલણી બન્યો છે. ૩૮૪૦x૨૧૬૦ = ૮૨,૯૪,૪૦૦ પિક્સેલ!
પરંતુ માત્ર ટીવીનું રેઝોલ્યુશન ઊંચું હોવાથી કામ પૂરું થતું નથી.તેને મળતાં સિગ્નલ કેવાં છે એ પણ મહત્ત્વનું છે. ટીવીને મળતાં સિગ્નલ સામાન્ય રીતે ૭૨૦પી અને ૧૦૮૦આઇ તરીકે ઓળખાય છે. આ પી અને આઇ સમજવા જેવાં છે. વીડિયોનાં સિગ્નલ, ટીવીના સ્ક્રીન પર દશર્વિવાની બે ટેક્નોલોજી છે – ઇન્ટરલેસ્ડ (આઇ) અને પ્રોગ્રેસિવ સ્કેન (પી). વીડિયો સિગ્નલ દર સેકન્ડે ૩૦ સ્થિર ઇમેજ ફ્રેમ ટીવીને પહોંચાડે છે, જે એકદમ ઝડપથી આપણી સામે આવતાં તે મૂવિંગ વીડિયોનો આભાસ ઊભો કરે છે. આ ફ્રેમ્સ એક પછી એક લાઇન સ્વરૂપે સ્ક્રીન પર ઝબકે છે. જૂની ઇન્ટરલેસ્ડ ટેક્નોલોજીમાં પહેલાં એકી ક્રમની લાઇન્સ ઝીલાય પછી બેકી ક્રમની લાઇન્સ ઝીલાય અને ત્યારે આખું ચિત્ર પૂર્ણ થાય. આ પ્રમાણમાં ધીમી પ્રક્રિયા છે, એટલે પછી ૧,૨,૩… એમ સળંગ ક્રમમાં જ લાઇન્સ ફટાફટ દર્શાવાય એવી પ્રોગ્રેસિવ સ્કેનની ટેક્નોલોજી વિકસી.
અત્યારે એચડીમાં વધુ પ્રચલિત ૧૦૮૦પી પ્રકારનાં સિગ્નલમાં વધુ સારું રેઝોલ્યુશન અને પ્રોગ્રેસિવ સ્કેન બંનેનો લાભ મળે છે.
પરંતુ મૂળ મુદ્દો અહીં જ છે. ટીવીનાં રેઝોલ્યુશન ફોરકે સુધી પહોંચ્યાં છે, પણ તેમાં જે ક્ન્ટેન્ટ જોવાનું છે તેનું રેઝોલ્યુશન એટલું વધ્યું નથી. આપણું ટીવી એચડીટીવી હોય, પણ કેબલ કનેક્શન એચડીને બદલે એસડી લીધું હોય તો ટીવીમાંનાં દૃશ્યો એસડી ક્વોલિટીનાં જ મળશે. એ કારણે, ફરી પેલા સેલ્સમેનને યાદ કરીએ તો ફોરકે ટીવી અત્યારે આપણે કામનાં નથી કેમ કે અત્યારે ફોરકે ટીવીનો પૂરો લાભ લઈ શકાય એવું વીડિયો ક્ન્ટેન્ટ કે તેને ટીવી સુધી પહોંચાડી શકે તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરદેશમાં ઝડપથી વિકસી રહ્યું છે, પણ આપણા દેશમાં હજી નથી.
(વધુ માહિતી માટે સપ્ટેમ્બર ૨૦૧૩ના અંકમાં, ટીવી ખરીદતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતોની ચર્ચા કરતો લેખ જોશો.)


