હાલમાં જ આપણા દેશમાં લોકસભા ચૂંટણી સંપન્ન થઈ તેમાં ભાજપને અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને મળેલી સફળતાનાં રહસ્યો કોઈ પૂછે તો નાનું છોકરું પણ સોશિયલ મીડિયાનું નામ અચૂક લે! આ વખતની ચૂંટણીમાં સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વીટરની ભૂમિકા મહત્ત્વની રહી. નવી સરકાર રચાઈ તેમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સાથી મંત્રીઓને ટ્વીટર જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું કહ્યું છે.
આગળ શું વાંચશો?
- લંડન ડિજિટલી પાવરફુલ બનશેઃ ડિજિટલ ટેકનોલોજીમાં ભરશે હરણફાળ
- ટેકનોલોજીએ સર્જી મૂંઝવણ
- કેટલી ચા પીવી જોઈએ? તમારો કપ જ તમને કહેશે।
- તિરુવનંથપુરમના ટેકનોપાર્કમાં ૪૫,૦૦૦ નવી નોકરીની તક
- વોલમાર્ટનું ઓનલાઈન સાહસઃ
- નોકરીવાંચ્છુઓ માટે લિન્કડલાઈનની નવી એપ
અગાઉની સરકારને અવારનવાર સોશિયલ મીડિયા સાથે વાંકું પડતું હતું પણ હવે વાત જુદી છે. ટેકસેવી નરેન્દ્રભાઈએ પોતાના પક્ષને તો ચૂંટણી પહેલાં જ ટેકસેવી બનાવી દીધો હતો, હવે ચૂંટણી પછી તેઓ પોતાની આખી સરકાર પણ સમય સાથે ચાલે તે માટે પ્રયત્નશીલ છે.
મોદી કેબિનેટના લગભગ ૯૦ ટકા મંત્રીઓ સોશિયલ નેટવર્ક પર સક્રિય છે અને બાકી હવે જોડાઈ રહ્યા છે. લોકો સાથે જોડાવાના આ પ્રયાસથી સંતોષ ન માની લઈને હવે મોદી સરકાર ટ્વીટ અને સોશિયલ મીડિયા ટ્રેન્ડની અસરો વિશે પણ અભ્યાસ કરે છે. એક અહેવાલ અનુસાર ટ્વીટર ટ્રેન્ડઝનો દરરોજનો અહેવાલ વડાપ્રધાન કાયર્લિય (પીએમઓ), ગૃહ મંત્રાલય અને અન્ય મંત્રાલયો સુધી પહોંચે છે.
લંડન ડિજિટલી પાવરફુલ બનશે : ડિજિટલ ટેક્નોલોજીમાં ભરશે હરણફાળ

લંડનના ડિજિટલ ટેક્નોલોજી સેક્ટરમાં તેજીનો તોખાર જોવા મળી શકે છે. આગામી ૧૦ વર્ષમાં ડિજિટલ ટેક્નોલોજી સેક્ટર પ્રતિ વર્ષ ૫.૧ ટકાના દરે વિકાસ પામે એવી શક્યતા ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ ફોર લંડન દ્વારા દશર્વિવામાં આવી છે. આ અભ્યાસમાં નોંધ છે કે ઇમિગ્રેશનના કાયદામાં થયેલા ફેરફારો પણ ડિજિટલ ટેક્નોલોજીના વિકાસમાં મદદરૂપ થશે. જેના કારણે ટેક્નોલોજી ફર્મ્સ ઇચ્છિત પ્રતિભાઓને કંપનીઓમાં સ્થાન આપી શકશે. આ સ્થિતિમાં ૨૦૨૪ સુધીમાં ૪૬,૦૦૦ નવી જોબ્સનું સર્જન થઈ શકે છે.
લંડન આજે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી (ફિનટેક)માં વૈશ્વિક નેતૃત્વ કરી રહ્યું છે અને આ સેક્ટરમાં ન્યૂ યોર્ક અને સાન ફ્રાન્સિસ્કો કરતાં પણ વધુ કર્મચારીઓને રોજગારી આપે છે. લંડનમાં ૨૫ માઈલના વિસ્તારમાં ૪૪,૦૦૦ ફિનટેક કર્મચારીઓ કાર્યરત છે જે ન્યૂ યોર્કના ૪૩,૦૦૦ અને સાન ફ્રાન્સિસ્કોના ૧૧,૦૦૦ કર્મચારીઓથી વધુ છે. ટેક એન્ડ ઇન્ફોર્મેશન બિઝનેસ લંડન, સાઉથ-ઈસ્ટ અને ઈસ્ટ ઇંગ્લેન્ડમાં તેમ જ ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજમાં પણ કેલિફોર્નિયા કરતાં વધુ ઝડપથી વિકાસ પામી રહ્યો છે.
ટેક્નોલોજીએ સર્જી મૂંઝવણ

હમણાં અમેરિકામાં રસપ્રદ પરિસ્થિતિ ઊભી થઈ છે.
બે વર્ષ પહેલાં, વોશિંગ્ટન પોલીસે એક નાઇટક્લબના માલિકની જીપમાં જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ ફિટ બેસાડ્યું, જેની મદદથી પોલીસ ડ્રગ્સનો મોટો જથ્થો પકડી શકી. પરંતુ થયું એવું કે પોલીસે માન્ય વોરંટ વિના જીપીએસ ટ્રેકિંગ કર્યું હતું. જાન્યુઆરી ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો કે આ પોલીસની ભૂલ હતી!
હવે ગૂંચવણ એ ઊભી થઈ છે કે પોલીસે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો કે નહીં તે સ્પષ્ટ થતું નથી. ટેક્નોલોજી તો પ્રકાશવેગે આગળ વધી રહી છે, પણ તેની સામે અમેરિકામાં પણ ન્યાયતંત્ર ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યું છે.
આ મામલે વિવિધ કોર્ટ દ્વારા વિવિધ મત પ્રકટ થયા. આ સાથે બંધારણીય પ્રશ્નો પણ ઊભા થયા છે. એક કેસમાં પોલીસને આરોપી ગુનાના સ્થળે હાજર હતો એવું સાબિત કરવા સેલફોન ટાવર ટ્રેકિંગ ડેટાની જરૂર હતી તો એક રાજ્યની અદાલતે કહ્યું કે પોલીસે પહેલાં વોરંટ મેળવીને પછી જ આવો ડેટા મેળવી શકાય.
તેની સામે બીજા એક રાજ્યમાં આવા જ કેસમાં અદાલતે કહ્યું કે પોલીસ વોરંટ વિના આ ડેટા મેળવી શકે છે! ટૂંકમાં, અમેરિકામાં કાયદાનો અમલ કરતી એજન્સીઝ હવે મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે કે નવી ટેકનોલોજી તેને કામની તો છે, પણ તેમાંથી કેટલું અદાલતમાં માન્ય રહેશે એ બિલકુલ સ્પષ્ટ થતું નથી!
કેટલી ચા પીવી જોઈએ? તમારો કપ જ તમને કહેશે!

એક એવો સ્માર્ટકપ કે જે તમારા પીણાને ઓળખી શકે અને કેટલી કેલરી તમારી અંદર જાય છે તેના પર નજર રાખી શકે! સાન ફ્રાન્સિસ્કો સ્થિત કંપની માર્ક વન દ્વારા એક નવતર ઉપકરણ વિકસાવવામાં આવ્યું છે. જેના દ્વારા પીણાને ચોક્કસપણે ઓળખી શકાય છે અને એ તમને જણાવે છે કે તમે કેટલી કેલરી લીધી છે. આ ઉપરાંત તમારે ફરીથી કોઈ ડ્રિન્ક લેવાનું હોય તો તેની પણ યાદ આ સ્માર્ટ કપ તમને અપાવશે.
આ સ્માર્ટ કપમાં ડિસ્પ્લે હોય છે અને તેને તમે સેટ કરેલો ડેટા જણાવવા કહી શકો છે. સ્માર્ટ કપ તમને આ રીતે સલાહસૂચન આપીને વજન ઉતારવામાં અને કેફિનનું નિયમન કરવામાં પણ મદદ કરશે. કાચ જેવા મટીરિયલથી બનેલા આ સ્માર્ટ કપમાં ૩૮૫ એમએલ પ્રવાહી આવી શકે છે. જ્યારે પ્રવાહી તેમાં રેડવામાં આવે ત્યારે તેની સપાટી પર ટેક્સ્ટ જોવા મળે છે જે દર્શાવે છે કે કપમાં કયું પ્રવાહી છે.
કપની સ્લાઇડિંગ લીડ સ્પીલપ્રૂફ છે અને તેની આંતરિક બાજુ નોનસ્ટિક છે. આ કપ તમારા પીણામાં કેટલું કેફિન છે એ દર્શાવે છે એટલું જ નહીં તેમાં કેટલાં સુગર, પ્રોટીન, કેલરી અને ફેટ છે એ પણ દશર્વિી આપે છે. સ્માર્ટ દુનિયાની દિશામાં વધુ એક પગલું!
તિરુવનંથપુરમ્ના ટેક્નોપાર્કમાં ૪૫,૦૦૦ નવી નોકરીઓની તક
આઇટીના વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. દેશના પ્રથમ અને સૌથી વિશાળ આઇટી પાર્ક ટેક્નોપાર્કમાં ૨૦૧૪-૧૬ના ગાળામાં ૪૫,૦૦૦ નવી નોકરીઓની તક ઊભી થશે. આમ થશે ત્યારે અહીં રોજગારી મેળવતા કર્મચારીઓની સંખ્યા ૯,૦૦૦૦ સુધી પહોંચી જશે. થિરુવનંતપુરમ્માં આવેલો આ ટેક્નોપાર્ક આવતા વર્ષે તેની રજતજયંતિ ઉજવશે. અત્યારે ૩૩૦ જેટલી આઇટી કંપનીઓ દ્વારા ૪૫,૦૦૦ કર્મચારીઓને સીધી રોજગારી આપવામાં આવી છે. ટીસીએસ, ઇન્ફોસિસ, યુએસટી ગ્લોબલ, આઇબીએસ સહિતની અનેક ગ્લોબલ જાયન્ટ કંપની અહીં પોતાની હાજરી વિસ્તારી રહી છે. આ બધાને કારણે અહીં ૩,૫૦,૦૦૦ લોકોને આડકતરી રોજગારી પણ મળશે. ટેક્નોપાર્કનું ટર્નઓવર ૨૦૧૩-૧૪માં રૂ. ૫૦૦૦ કરોડ રહ્યું હતું.
વોલમાર્ટનું ઓનલાઈન સાહસ : ઈ-કોમર્સ વેન્ચરની લખનૌ-હૈદરાબાદમાં શરૂઆત થશે
યુએસની કદાવર રિટેલ કંપની વોલમાર્ટે હૈદરાબાદ અને લખનૌમાં તેના બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) ઈ-કોમર્સ વેન્ચરની શરૂઆત કરવા આયોજન કર્યું છે, જે આગામી મહિને શરૂ થઈ શકે છે.
આ પાઇલટ પ્રોજેક્ટમાં વોલમાર્ટે આ સાહસ અન્ય શહેરો સુધી વિસ્તારવાનો પણ નિર્ણય લીધો છે. વોલમાર્ટ ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને સીઈઓ ક્રિશ ઐય્યરે કહ્યું હતું કે વોલમાર્ટની આ સાઇટ પર ૪૦ કિમીની ત્રિજ્યામાં સભ્યોને વસ્તુઓ ખરીદવાની તક મળશે.
હાલ બીટુસી (બિઝનેસ ટુ ક્ધઝ્યુમર્સ) ઈ-કોમર્સ સેવા સામાન્ય ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી. કેમ કે બીટુસી ઈ-કોમર્સમાં એફડીઆઈ માટે પ્રતિબંધ છે. ગત વર્ષે ભારતી એન્ટરપ્રાઇઝીસ સાથેના તકલીફજનક ઓફલાઈન રિટેલના કારોબાર પછી વોલમાર્ટે આ વર્ષે એપ્રિલમાં ઓફલાઇન કેશ એન કેરી ફોર્મેટની પોતાના સભ્યો માટે જાહેરાત કરી હતી.
વોલમાર્ટે સરકારને ઈ-કોમર્સમાં વિદેશી રોકાણ માટે અનુમતિ આપવા વિનંતી પણ કરી છે.
અત્યારે આ કંપની ભારતનાં આઠ રાજ્યોમાં ‘બેસ્ટ પ્રાઇસ મોડર્ન હોલસેલ’ બ્રાન્ડ હેઠળ ૨૦ હોલસેલ ઓફલાઇન સ્ટોર તો ચલાવે જ છે.
આ વોલમાર્ટ કંપની કેટલી મોટી છે તેનો અંદાજ આ આંકડા પરથી આવશે : ૨૭ દેશોમાં તેના ૧૧ હજાર જેટલા વિશાળ સ્ટોર છે અને ૧૦ દેશોમાં તેનો કારોબાર ઇ-કોમર્સ સાઇટ્સથી ચાલે છે.
દર અઠવાડિયે લગબગ ૨૫ કરોડ લોકો વોલમાર્ટમાંથી ખરીદી કરે છે. વર્ષ ૨૦૧૪ માટે તેનું વેચાણ ૪૭૩ અબજ ડોલર રહેવાની ધારણા છે!
રીટેઇલ શોપિંગમાં આ કંપનીની એવી ધાક છે કે મેન્યુફેક્ચરર્સ કંપનીની દરેક શરત માનીને તેના સ્ટોરમાં પોતાની પ્રોડક્ટ વેચવા ઇચ્છે છે. વોલમાર્ટ માટે એવું કહેવાય છે કે મેન્યુફેક્ચરર્સ તેના સ્ટોરમાં પોતાની પ્રોડક્ટ વેચાણ મૂકી જાય અને જ્યારે એ પ્રોડક્ટ વેચાય, વોલમાર્ટને તેનાં નાણાં મળે, તે પછી જ મેન્યુફેક્ચરરને તેનું પેમેન્ટ મળે છે!
નોકરીવાંચ્છુઓ માટે લિન્ક્ડઈનની નવી એપ

જો તમે નોકરીની શોધમાં છો અને લિન્ક્ડઈન યુઝર છો તો આ એપ તમારા માટે છે. લિન્ક્ડઈનની આ નવી એપમાં લિન્ક્ડઈનની નવીનતમ ખાસ વિશેષતાઓ મળી શકે છે જે તમારી નોકરીની શોધને મેનેજ કરી શકે છે. આ એપનું નામ જોબ સર્ચ છે અને તે ખૂબ જ ગુપ્તતા જાળવીને તેમ જ અન્ય કોઈ નેટવર્ક પર તમારી માહિતી શેર કર્યા વિના તમારા માટે નોકરીની શોધ કરે છે. આ એપ દ્વારા તેના સભ્યો નોકરીની શોધ કરી શકે છે, તેના વિશે સંશોધન કરી શકે છે અને નોકરી માટે અરજી પણ કરી શકે છે. હાલમાં જો કે આ એપ માત્ર યુએસમાં આઈઓએસ માટે જ ઉપલબ્ધ છે. આ એપમાં જોબ સર્ચ ફિલ્ટર્સ પણ છે જેમાં તમે સિનિયોરિટી લેવલ, ઇન્ડસ્ટ્રી અને લોકેશન પ્રમાણે જોબ સર્ચ કરી શકો છો.

