(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોટો ઇ : ઘણી ઓછી કિંમતે ઘણાં સારાં સ્પેસિફિકેશન્સ

જો તમે નવો સ્માર્ટફોન લેવાનું કે જૂનો બદલવાનું વિચારી રહ્યા હો તો ગયા મહિને અખબારોમાં આખા પેજની એક જાહેરખબરે જરુર તમારું ધ્યાન ખેચ્યું હશે. મોટોરોલા કંપનીએ મોટો જી પછી હવે મોટો ઇ ફોન ફક્ત રુ.૬૯૯૯/-ની કિંમતે રજૂ કર્યો છે. જો તમને નાની સ્ક્રીન સાઇઝનો વાંધો ન હોય તો બીજાં બધાં સ્પેસિફિકેશનની રીતે આ ફોનમાં જે બધું, આ કિંમતે લગભગ બીજી કોઈ પ્રતિષ્ઠિત, ઇન્ટરનેશનલ બ્રાન્ડમાં મળતું નથી.

આગળ શું વાંચશો?

  • માઈક્રોસોફ્ટ સરફેસ પ્રોઃ લેપટોપ અને ટેબલેટનું મિશ્રણ, પણ ચાલશે, ખરું?
  • આવે છે સેમસંગની નવી પ્રોડક્ટ
  • ફેસબુકમાં પ્રાઈવસી સેટિંગ્સ ફરી બદલાયાં

મોટો ઇ હાર્ડવેર અને સોફ્ટવેર બંનેની રીતે આપણને લલચાવી શકે તેવો છે. પહેલી વાત તો એ કે તેમાં પહેલેથી લેટેસ્ટ એન્ડ્રોઇડ કિટકેટ ૪.૪ વર્ઝન મળે છે. તેમાં એન્ડ્રોઇડનાં ભવિષ્યના અપડેટ્સ પણ મળી રહેવાની ખાતરી છે. બેટરી લાઇફ આખો દિવસ ચાલે તેટલી હોવાનો દાવો છે. સ્ક્રીન ક્યુએચડી ક્વોલિટીનો છે અને એ પણ ગોરિલા ગ્લાસ ૩ સાથે, જેથી સ્કેચીઝ પડવાની ચિંતા નહીં. તેનું પ્રોસેસર ૧.૨ ગીગાહર્ટ્ઝ ડ્યુઅલ કોર સ્નેપડ્રેગન ૨૦૦ છે, ૧ જીબી રેમ છે અને ૫ એમપીનો રીયર કેમેરા છે.

આ ફોન ફક્ત ત્રણ વાતે ઉતરતો છે. એક, તેનો સ્ક્રીન ૪.૩ ઇંચનો નાનો છે, સેક્ન્ડરી કેમેરા નથી (તમારે ગૂગલ હેન્ગઆઉટ કે સ્કાઇપ પર વીડિયો કોલિંગ કરવું હોય તો આમાં ન થઈ શકે) અને ત્રીજું કેમેરામાં ફ્લેશ નથી.

અલબત્ત, કિંમત એટલી ઓછી છે કે આ ફાયદા ન હોવાની ફરિયાદ થઈ શકે તેમ નથી.

વિચારવાનો મુદ્દો ફક્ત એટલો રહે છે કે ઇન્ટરનેશનલ બ્રાન્ડમાં આ કિંમતે આવાં સ્પેસિફિકેશન્સ નથી જ મળતાં, પણ ઇન્ડિયન બ્રાન્ડમાં આ કિંમતે આનાથી ચઢિયાતાં સ્પેસિફિકેશનવાળા ફોન ચોક્કસ મળે છે, તો શું કરવું?

જો તમે સ્માર્ટફોનનો ફોન તરીકે વધુ અને વેબ બ્રાઉઝર તરીકે ઓછો ઉપયોગ કરવા માગતા હો અને લેટેસ્ટ ફીચર્સ સાથે પીસ ઓફ માઇન્ડનો અનુભવ કરવા માગતા હો તો મોટો ઇ ચોક્કસ લેવાય. ઇન્ડિયન બ્રાન્ડમાં આફ્ટર સેલ્સ સર્વિસ લગભગ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદ છે, એ મહત્ત્વનો મુદ્દો બાજુએ રાખી શકતા હો અને ઓછી કિંમતે, સારાં ફીચર્સવાળો ફોન એકાદ વર્ષ ચાલ્યો તોય ઘણું એવું વિચારતા હો તો પછી મોટો ઇને બદલે ઇન્ડિયન કંપનીના બીજા ફોન તપાસી શકાય.


માઇક્રોસોફ્ટ સરફેસ પ્રો : લેપટોપ અને ટેબલેટનું મિશ્રણ, પણ ચાલશે ખરું?

આપણી વ્યસ્ત જિંદગીની જુદી જુદી જરુ‚રિયાત મુજબ હવે અલગ અલગ કામ માટે અલગ અલગ ડિવાઇસ વધુ અનુકૂળ પડે છે. જેમ કે ફક્ત વાતચીતની વાત હોય તો સ્માર્ટફોન વધુ સગવડદાયક છે. મુસાફરી દરમિયાન કે ટીવી સામે કે વેઇટિંગ રુમ જેવી જગ્યાએ થોડું બ્રાઉઝિંગ કરી લેવું હોય કે થોડું ઓનલાઇન વાંચવું હોય તો ટેબલેટ વધુ અનુકૂળ પડે. લાંબું લખવાનું હોય કે ફોટો એડિટિંગ કરવું હોય તો લેપટોપ કે પીસી જોઈએ, વીડિયો પ્લે કરવા હોય કે ગેમિંગની મજા લૂંટવી હોય તો નેટ સાથે કનેક્ટેડ લાર્જ સ્ક્રીનના ટીવીની જરૂર પડે… આ બધું એક સાધન મળે તો સારું, પણ એ હાલ પૂરતું તો શક્ય લાગતું નથી.

માઇક્રોસોફ્ટ એ દિશામાં પ્રયત્નશીલ હોય એવું લાગે છે. તેનું લેટેસ્ટ ટેબલેટ કમ્પ્યુટર સરફેસ પ્રોગ ૩ ટેબલેટ અને લેપટોપ બંને રીતે કામ કરી શકાય એ રીતે ડિઝાઇન થયું છે.

જોકે સામાન્ય રીતે અત્યાર સુધી જોવા મળ્યું છે એવું જ આ ડિવાઇસમાં થયું છે. તમે લેપટોપ અને ટેબલેટ અલગ અલગ ખરીદવા જાઓ તો ચોક્કસ વધુ ખર્ચ થાય, પણ ઓછી કિંમતે બંને સાથે લેવા જાવ તો બંનેમાં સ્પેસિફિકેશન આપણને જોઈએ તેવાં ન મળે! સરફેસ પ્રો ૩નો સ્ક્રીન ખાસ્સો મોટો (૧૨ ઈંચ)નો હોવાથી એ લેપટોપ તરીકે ઉપયોગી છે, પણ ટેબલેટ જેવી મોબિલીટી એમાં મળતી નથી.


આવે છે સેમસંગની નવી પ્રોડક્ટ

અત્યાર સુધી સેમસંગને આપણે ટીવી, રેફ્રિજરેટર, મોબાઇલ અને ટેબલેટ બનાવતી કંપની તરીકે ઓળખીએ છીએ. હમણાં તેણે સ્માર્ટવોચ પણ રજૂ કરી, પણ હવે આ કંપની એક નવા ક્ષેત્રમાં કદમ માંડી રહી છે, વર્ચ્યુઅલ રીયાલિટી હેડસેટ્સ (હેન્ડસેટ નહીં!). અત્યારે આ ડિવાઇસ માટે સેમસંગના મોબાઇલ ડિવિઝનમાં જ કામ ચાલી રહ્યું હોવાના અહેવાલ છે. માથા પર પહેરી શકાતું આ ડિવાઇસ ખાસ કરીને ગેમિંગમાં કામ લાગશે અને ગૂગલ ગ્લાસ કરતાં આ બિલકુલ જુદી વાત હશે.


અત્યારે વર્ચ્યુઅલ રીયાલિટીનું ક્ષેત્ર આમ પણ ગરમ બની રહ્યું છે, ફેસબુક અને સોની જેવી કંપનીઓ પણ આ દિશામાં આગળ વધી રહી છે. સેમસંગ એટલે જ ઉતાવળ કરીને પોતાનું ડિવાઇસ આ વર્ષમાં જ લોન્ચ કરે તેવી શક્યતા છે.


ફેસબુકમાં પ્રાઇવસી સેટિંગ્સ ફરી બદલાયાં

ફેસબુકનાં પ્રાઇવસી સેટિંગ્સમાં વધુ એક વખત પરિવર્તન આવ્યું છે. અલબત્ત, આ પરિવર્તન ફેસબુકમાં નવા જોડાતા લોકોને લાગુ પડશે. જૂના લોકો ચાહે તો આ સેટિંગ્સનો લાભ લઈ શકે છે ખરા.

ફેસબુકનો નિયમિત ઉપયોગ કરતા હો તમે કદાચ નોંધ્યું હશે કે જ્યારે પણ આપણે નવું સ્ટેટસ પોસ્ટ કરીએ ત્યારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આ પોસ્ટ કોણ જોઈ શકે : માત્ર તમે પોતે (જોકે તો ફેસબુક પર જવાનો શો અર્થ?!), તમારા મિત્રો કે પછી પબ્લિક – આખી દુનિયા. પબ્લિકની ફેસબુકની વ્યાખ્યા ખરેખર વિશાળ છે, જો આપણે પબ્લિક રાખીને સ્ટેટસ પોસ્ટ કરીએ તો એ આપણા મિત્રો સિવાયના લોકો, ફેસબુક બહારના લોકો, ઇન્ટરનેટ પરની અન્ય સાઇટ પર ક્ન્ટેન્ટ વાંચતા લોકો, કે પછી પ્રિન્ટ, ટીવી વગેરેમાં ક્ન્ટેન્ટ જોતા લોકો… એ બધાને ફેસબુક પબ્લિક ગણે છે અને ફેસબુક પોતાની મરજી મુજબ આ તમામ લોકોને આપણી પોસ્ટ બતાવી શકે છે (તો એમાં વાંધો શું? એવું વિચારતા તો ફરી વિચારો. ફેસબુક પર તમે કંઈ પણ પબ્લિકલી લખો એનો ફેસબુક કોઈ પણ પ્રોડક્ટની જાહેરાતમાં પણ ઉપયોગ કરી શકે છે).

અત્યાર સુધી પોસ્ટ અપડેટ કરતી વખતે બાય ડિફોલ્ટ ‘પબ્લિક’ સેટિંગ રહેતું હતું (અને જૂના યુઝર્સ માટે એ જ રહેશે), પણ નવા યુઝર માટે બાય ડિફોલ્ટ ‘ફ્રેન્ડ્ઝ’ સેટિંગ રહેશે. પછી ચાહે તો તેઓ તેને બદલી શકશે.

એ જ રીતે જૂના યુઝર્સ પણ હંમેશની જેમ સેટિંગ્સમાં જઈ, પ્રાઇવસી સેટિંગ્સમાં ‘હુ કેન સી માય સ્ટફ?’ સવાલના જવાબને એડિટ કરીને તમારી નવી પોસ્ટ્સ માત્ર મિત્રો જ જોઈ શકે એવું સેટિંગ કરી શકો છો.

ફેસબુકમાં એક નવું પરિવર્તન પણ આવી રહ્યું છે. થોડા સમયમાં જ્યારે તમે નવું સ્ટેટસ પોસ્ટ કરશો ત્યારે એક ડાયનોસોર જેવું કાર્ટૂન કેરેક્ટર તમને કહેશે કે ‘રુકાવટ કે લિએ ખેદ હૈ, પણ તમને યાદ અપાવું છું કે તમે ઘણા સમયથી તમારી પોસ્ટ કોણ જોઈ શકે એનાં સેટિંગ્સ બદલ્યાં નથી. જરા જોઈ લોને…! ફેસબુકમાં પ્રાઇવસી હંમેશા વિવાદનો મુદ્દો રહ્યો છે, તેનો સામનો કરવા ફેસબુક તરફથી પ્રયાસો પણ થાય છે, પણ તેમા કાર્ટૂન કેરેક્ટર કેટલી મદદ કરશે એ ઘણાને સમજાતું નથી. કેટલાક તો અ ડાયનોસોરને ઝકરસોર કહેવા લાગ્યા છે!

અગાઉ માઇક્રોસોફ્ટ અને ટવીટરે પણ યુઝર સાથે કમ્પ્યુનિકેટ કરવા માટે કાર્ટૂન કેરેક્ટર્સનો ઉપયોગ કર્યો છે. માઇક્રોસોફ્ટને ઓફિસ આસિસ્ટન્ટ તરીકે પેલા જાદૂગર કાકા, સર્ચ કરતી વખતે પેલું પાનાં ઉથલાવતું ડોગી કે મોટી આંખોવાળી યુપિન યાદ છેને? ફેસબુકને કેટલી સફળતા મળે છે તે જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!