(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઈલ, સ્માર્ટફોન્સ અને એપ્સ: વર્તમાન અને ભવિષ્ય

જેટલી ઝડપે ઇન્ટરનેટે આપણા જીવનમાં પગપેસારો કર્યો તેના કરતાં ઘણી વધુ ઝડપે મોબાઇલ્સ પોતાની અસર ઊભી કરી રહ્યા છે. ઇન્ફર્મેશન ટેક્નોલોજીને ખરા અર્થમાં સૌના હાથમાં લાવી મૂકતા આ ક્ષેત્રમાં તમારા માટે કેવી તકો વિકસી રહી છે એ જાણો આ લેખમાં…

આગળ શું વાંચશો?

  • મોબાઈલ ટેસ્ટિંગ
  • મોબાઈલ હાર્ડવેર ડેવલપમેન્ટ
  • મોબાઈલ રીપેરિંગ
  • મોબાઈલ એપ્સ ડેવલપમેન્ટ
  • મોબાઈલ પ્લેટફોર્મ
  • નેટીવ એપ્સ
  • ક્રોસ પ્લેટફોર્મ એપ્સ
  • ભવિષ્ય

એપ્સને લીધે સ્માર્ટફોન વધુ વેચાય છે કે સ્માર્ટફોનો વપરાશ વધવાને લીધે એપ્સનું ચલણ વધ્યું છે એ કહેવું મુશ્કેલ છે. સ્માર્ટફોનનું ચલણ, જરુરિયાત અને વળગણ જે રીતે વધી રહ્યાં છે એ જોતા કદાચ આવતાં ૩-૫ વર્ષમાં ૯૦ ટકા ઉપરના ફોન સ્માર્ટફોન હશે એવું કહી શકાય. આ ઉપરાંત આવનારાં વર્ષોમાં ૫૦ ડોલર (રુ. ૨૫૦૦-૩૦૦૦)માં બ્રાન્ડેડ અને સારી ક્વોલિટીના સ્માર્ટફોન મળતા થઈ જશે અને ઇન્ટરનેટ વધુ ને વધુ સસ્તું અને ઝડપી થશે.

કદાચ ઝાઝી અતિશયોક્તિ વિના કહી શકાય આજે નવી ઊભી થતી દરેક ત્રણ તકોમાંથી બે મોબાઈલ ક્ષેત્રે ઊભી થઈ રહી છે. નીચેના ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે મોબાઈલ ક્ષેત્રે ઘણી અલગ અલગ પ્રકારની તકો ઊભી થઈ છે. હાર્ડવેર અને સોફ્ટવેર બંને પ્રકારની.

મોબાઈલ ટેસ્ટિંગ

આપણે જૂન ૨૦૧૩ના અંકમાં સોફ્ટવેર ટેસ્ટિંગ વિશે વિસ્તૃત ચર્ચા કરી ગયા છીએ. મોબાઈલ ક્ષેત્રે ટેસ્ટિંગ થોડું અલગ પડે છે. મોબાઈલ ટેસ્ટિંગમાં મોબઈલ હેન્ડસેટ, ફીચર્સ, સિગ્નલ સ્ટ્રેન્થ વગેરેનું પણ ટેસ્ટિંગ  આવે છે. આ ઉપરાંત મોબઈલ ઓપરેટિંગ સિસ્ટમ (એન્ડ્રોઇડ, iOS), એપ્સ, કમ્યુનિકેશન પ્રોટોકોલ્સ (Blutooth, GPRS) વગેરેનું ટેસ્ટિંગ કરવાનું આવે છે. આ કામ મેન્યુઅલી અને ઓટોમેટિક સોફ્ટવેરથી બંને રીતે થાય છે.

મોબાઈલ હાર્ડવેર ડેવલપમેન્ટ

મોબાઈલને વધુ ને વધુ શક્તિશાળી અને નવી સુવિધાઓથી ભરેલો બનાવવા માટે ચીપ્સ, બોર્ડ અને અન્ય ડિજિટલ પૂર્જાઓને સતત સંશોધન અને નવી ડિઝાઈન વડે વિકસવવા પડે છે. આ પ્રકારનું કામ Embeded, ASIC (Application Specific integrated Circuits) અને VLSI (Very Large Scale Integration) કહેવાય છે. સરળતાથી કહેવું હોય તો આ ડિજિટલ ઇલેક્ટ્રોનિકસનું ક્ષેત્ર છે. ભારતમાં હાલમાં તો આ પ્રકારનું કામ ઓછું થાય છે, પણ આવનારા દિવસોમાં આ ક્ષેત્રે પણ તકો વધશે. Embeded, ASIC અને VLSI ઉપર આપણે એક સ્વતંત્ર લેખ કરીશું.

 મોબાઈલ રીપેરિંગ

ફોન પાણીમાં પલળ્યો છે, સ્પીકર નથી ચાલતું, બેટરીનો પ્રોબ્લેમ છે, iPhone jailbreak કરાવવો છે, Andriod rooting કરાવવું છે. શું કરવું? સિમ્પલ ગલીના નાકે મોબાઈલ રીપેરિંગની દુકાન છે, પહોંચી જાવ. ટેકનિશિયન લેવલના આ કામમાં ખાસ્સા પૈસા પણ મળે છે અને સ્વતંત્ર વ્યવસાયની તક પણ છે. સ્વતંત્ર વ્યવસાય ન કરવો હોય તો બ્રાન્ડેડ મોબાઈલના સર્વિસ સેન્ટરમાં પણ જોબ સ્વીકારી શકાય છે. ધોરણ ૧૦/૧૨ પછી મોબાઈલ રીપેરિંગનું કામ શીખીને આવકનો સ્ત્રોત ઊભો કરી શકાય છે અને એ પણ ઘરઆંગણે. શક્ય હશે તો આ દિશામાં પણ ક્યારેક આપણે સ્વતંત્ર લેખ કરીશું.

મોબાઈલ એપ્સ ડેવલપમેન્ટ

છેલ્લાં બે-ત્રણ વર્ષથી આ ક્ષેત્રે અનેક નવી તકો ઊભી થઈ છે અને અનેક યુવામિત્રો આમાં રસ લેતા થયા છે. આગળ વાત કરીએ એ પહેલાં એ સમજી લઈએ કે મોબાઈલ એપ્સ ડેવલપમેન્ટ એ કોઈ પણ અન્ય વેબસાઇટ કે કમ્પ્યુટર એપ્લિકેશનની જેમ જ સોફ્ટવેર એન્જિનીયરિંની જ એક પ્રક્રિયા છે. આ ક્ષેત્રે આવવા માટે B.Tech (Computers/IT), MCA M.Sc. (Computer/IT) જેવું ઔપચારિક શિક્ષણ લઈને આવી શકાય છે. BA/B.Com/B.Sc કર્યા પછી પણ આ ક્ષેત્રે આવી શકાય છે. કોઈ સારા ખાનગી ક્લાસમાં iPhone  કે Android એપ્સ ડેવલપમેન્ટની તાલીમ લઈને પણ દિશામાં કારકિર્દી બનાવી શકાય છે.

ગુજરાત યુનિવર્સિટીમાં તો M.Sc. (Mobile Application)નો કોર્સ પણ શરુ થયો છે (http://goo.gl/na3o2k)

મોબાઈલ મન્ડે નામના એક વૈશ્વિકમંડળનું અમદાવાદમાં ચેપ્ટર છે અને તે લોકો નિયમિત મળીને મોબાઈલ અંગે માહિતીની આપ લે કરે છે. મોબાઈલ મન્ડેમાં પણ શીખવાનું ઘણું બધું મળી શકે (momo-ahmedabad.in/)
આ ઉપરાંત અનેક સંસ્થાઓ અને કોલેજો મોબાઈલ એપ્સ માટેના વર્કશોપ્સ અને કોમ્પિટીશન રાખતા હોય છે જેમાં ભાગ લેવાથી ખૂબ નવું શીખવાની તકો મળી શકે. અમદાવાદ સ્થિત eChai નામની સંસ્થાએ જાન્યુઆરીમાં એપ કોમ્પિટીશન રાખી હતી જેનો અહેવાલ અહીં વાંચી શકાશે http:/echai.co/events/echai-app-challenge

મોબાઈલ એપ્સ ડેવલપમેન્ટ વિશે વધુ ચર્ચા કરતાં પહેલાં કેટલીક પ્રાથમિક બાબતો સમજી લઈએ :


મોબાઈલ પ્લેટફોર્મ

  1. iOS: એપલના આઈફોન અને આઈપેડ બંને iOS કહેવાતી ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. હવે આઈફોન કે આઈપેડના અલગથી એપ્સ મોટે ભાગે નથી બનતા. એક જ એપ બંને ડિવાઈસ પર ચાલે એવી રીતે બનાવવામાં આવે છે.
  2. Android: ગૂગલે ૨૦૦૭માં રજૂ કરેલી આ ઓપરેટિંગ સિસ્ટમ શઘજથી વિરુદ્ધ એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે અને હવે વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ બની ચૂકી છે. આ ઓપરેટિંગ સિસ્ટમ પણ મોબાઈલ, ટેબ અને હવે તો લેપટોપ પણ ચલાવે છે. આ ઉપરાંત વીડિયો ગેમ કોન્સોલ અને અનેક બીજા ડિવાઈસમાં તેનો ઉપયોગ થવા માંડ્યો છે.
  3. Windows Phone:  આ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ નવી છે. તેને પહેલાંના Windows Mobile કહેવાતા વર્ઝન સાથે સંબંધ નથી. Windows સિસ્ટમનું વ્યાપક પ્રચલન અને Windows Mobile નું અન્ય માઈક્રોસોફ્ટ સોફ્ટવેર સાથેનું ઇન્ટીગ્રેશન જોતા Windows Mobile આવનારા દિવસોમાં Android અને iOSને સારી સ્પર્ધા પૂરી પડશે એ નક્કી છે. Windows Mobile ૮.૧ તો હજી હમણાં એપ્રિલ ૨૦૧૪માં જ આવી છે.
  4. Blackberry: થોડાં વર્ષો પહેલાં નંબર ૧નો દબદબો ધરાવતી (ખાસ તો કોર્પોરેટ જગતમાં) આ ઓપરેટિંગ સિસ્ટમ હવે નવા વપરાશકર્તા મેળવવા અને જૂના વપરાશકર્તા ટકાવી રાખવા સંઘર્ષ કરી રહી છે. તેમ છતાં એ પ્લેટફોર્મ પર પણ ઘણી એપ્સ બને છે.

નેટીવ એપ્સ

આ પ્રકારની એપ્સ કોઈ ખાસ ઓપરેટિંગ સિસ્ટમ (અથવા ડિવાઈસ) માટે જ બનાવવામાં આવી હોય છે, માટે સ્વાભાવિક જ તે અન્ય ડિવાઈસ અને ઓપરેટિંગ સિસ્ટમ પર ન ચાલે.

ક્રોસ-પ્લેટફોર્મ એપ્સ

આ પ્રકારની એપ્સ PhoneGap  કે Titanium જેવા ફ્રેમવર્કનો ઉપયોગ કરીને બનાવામાં આવે છે. નેટીવ એપ્સથી વિરુદ્ધ ક્રોસ-પ્લેટફોર્મ સ્ટ્રેટેજીમાં એપ સમાંતર રીતે બે કે તેથી વધુ ઓપરેટિંગ સિસ્ટમ  માટે બનાવવામાં આવે છે.

જો પહેલાં આઇફોન માટે, પછી એન્ડ્રોઇડ માટે અને એ પછી વિન્ડોઝ માટે એ રીતે એપ બનાવવામાં આવે તો ખર્ચ અને સમય બંને ખૂબ થાય જે આજના ઝડપી યુગમાં ન પોસાય. ક્રોસ-પ્લેટફોર્મ સ્ટ્રેટેજી થકી ૬૦-૭૦ ટકા જેટલો સમય અને ખર્ચ બચાવી શકાય છે. PhoneGap, Titanium, IBM Work Light કે Mosync જેવા અનેક ક્રોસ-પ્લેટફોર્મ ફ્રેમવર્ક (ઓપન-સોર્સ અને લાઇસન્સ્ડ) હાલમાં ઉપલબ્ધ છે. અલબત જાણકારોના મતે આ ટેકનિકની મયર્દિા એ છે કે તેમાં નેટીવ એપ્સ જેટલી સારી એપ્સ બનાવી શકાતી નથી.

ભવિષ્ય

આમ તો એપલ આઇસ્ટોર અને ગૂગલ પ્લેસ્ટોર બંનેમાં ૧૦-૧૦ લાખ એપ્સ છે, તો સ્વાભાવિક જ આપણને પ્રશ્ન થાય કે હવે નવી એપ્સની શું જરુરત પડે? વાસ્તવિકતા એ છે આ તો હજુ શરુઆત છે. આવનારા સમયમાં તો આના કરતાં અનેક ગણી વધુ એપ્સની આપણને જરુર પડશે, પણ એ સમજવા માટે મોબાઈલ અને સ્માર્ટફોન ક્ષેત્રે આવી રહેલા નવા ટ્રેન્ડ્ઝ પર નજર નાખીએ :

  • દરેક મોબાઈલ એપ ક્લાઉડ સાથે ઇન્ટીગ્રેટેડ હશે, જેથી તે મોટા પ્રમાણમાં ડેટા સાથે સરળતાથી કામ પાર પાડી શકશે.
  • એપ્સ વધુ ને વધુ સ્માર્ટ થશે અને બટન્સ દાબવાની જરૂર નહીં પડે. ટચ કરીને, બોલીને કે જેેસ્ચરથી જ મોટા ભાગનાં કાર્યો થઈ શકશે.
  • એપલની iBeacon જેવી ટેકનોલોજીના પ્રતાપે શર્ટના બટનની સાઇઝના બ્લ્યુટૂથ ડિવાઈસ હશે જે પોતાની જગ્યા મોબાઈલને પીન પોઈન્ટ કરી બતાવશે. આ ટેકનોલોજી અનેક ઉપયોગમાં આવી શકે જેમ કે ભાંખોડિયાં ભરતા બાળકોનું ધ્યાન રાખવું હોય, ગાડીની ચાવી કે પાળેલી બિલાડી ક્યાં છે એ જાણવા માટે વગેરે. મોટા મોલમાં આવા ડિવાઈસ કયો સમાન ક્યાં છે, તેનો ભાવ શું છે, શું ડિસ્કાઉન્ટ છે વગેરે માહિતી આપી શકે. આ ટેક્નોલોજી હોસ્પિટલ, સ્કૂલ, મ્યુઝિયમ અને અનેક બીજા ઠેકાણે વાપરી શકાય. આવનારા સમયમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘણી અચરજભરી એપ્સ બનશે.
  • ગેમિંગ (એન્ગ્રી બર્ડ કે કેન્ડી ક્રશ) અને કમ્યુનિકેશન (વોટ્સએપ કે સ્કાઈપ) બાદ શિક્ષણ માટે એપ્સનો ખૂબ ઉપયોગ થવાનો. આવનારા સમયમાં સ્કૂલે જતાં બાળકોને પ-ફ-બ-ભ-મ શિખવાડવાથી માંડીને ઓફિસ – કારખાનામાં કામ કરતા કર્મચારીઓને ટ્રેનિંગ આપવા માટે અઢળક નવી એપ્સ બનશે.
  • એપલ કંપની નજીકના ભવિષ્યમાં એવા ઇઅર ફોન્સ લાવી રહી છે જે મ્યુઝિક સંભાળવા કે વાતચીત કરવા ઉપરાંત તમારા સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખશે. આવા ઇઅર ફોન્સ બ્લડ પ્રેશર, સ્ટ્રેસ, મૂડ વગેરેને પણ માપીને આગોતરા ચેતવી દેશે. હાલમાં કાંડા પર પેહેરી શકાય એવા બેન્ડ મળે છે જે બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા વગેરે સતત મોનિટર કરી શકે છે. આવી હેલ્થ કેર અને મોનિટરિંગ ટેક્નોલોજીને લીધે અનેક નવી એપ્સ અને અન્ય જરૂરી સોફ્ટવેર્સ બનશે. બ્લડપ્રેશર માપવા માટેની એપ્સ તો અત્યારે પણ મળે છે જે સ્માર્ટફોનના  ફ્લેશ અને કેમેરાનો ઉપયોગ કરીને તરત જ બ્લડ પ્રેશર માપી આપે છે.
  • મોબાઈલ અન્ય સાધનો જેમ કે ચશ્મા કે ગોગલ્સ સાથે પણ ઇન્ટીગ્રેટ થશે અને ઓગમેન્ટેડ રિયાલીટીની સુવિધા આપશે. ઓગમેન્ટેડ રિયાલીટી એટલે આપણે જે આંખોથી જોઈએ છીએ એમાં વધારાની માહિતી કે અનુભવ ઉમેરીને આપે એવી સિસ્ટમ. આ સમજવા માટે એવું કલ્પો કે તમે ફરવા માટે ચીન કે જાપાન ગયા છો, ત્યાં બધા જ બોર્ડ સ્થાનિક ભાષામાં છે. હવે તમે પહેરેલા ઓગમેન્ટેડ રિયાલીટીવાળા ચશ્મા કામે આવે છે. આ ચશ્મા તમારા મોબાઈલ સાથે સંલગ્ન છે. મોબાઈલ જીપીએસ વડે જાણી લેશે કે તમે એકઝેટલી ક્યાં ઊભા છો, તમારી સામેની ગલી કઈ છે અને તેમાં તમારે નાસ્તો કરવા લાયક કોઈ રેસ્ટોરા છે કે નહીં. આ બધી માહિતી રજૂ થશે ચશ્માની અંદરની બાજુએ આવેલા એક નાનકડાં પારદર્શી સ્ક્રીન પર અને એવી રીતે કે જાણે માહિતી તમારી સામે હવામાં તરવરતી હોય. ઓગમેન્ટેડ રિયાલીટીના અનેક ઉપયોગો અને પ્રકારો છે અને આ ટેક્નોલોજી પણ એક સ્વતંત્ર લેખ માંગી લે તેવી દિલચસ્પ છે.

હવેના મોબાઈલમાં બેઝિક ટેલીફોની એટલે કે ફોન કરવો કે રિસીવ કરવો એ એ મૂળભૂત કાર્યને બદલે ઘણા બધા ફિચર્સમાંનું એક ફિચર બનતું જાય છે. નવી નવી એપ્સ, ૪ૠ અને કઝઊ જેવા નેટવર્ક્સ, અકલ્પ્ય શક્તિ ધરાવતા મોબઈલ હેન્ડસેટ્સ, વગેરેને લીધે થોડા જ વર્ષોમાં આપણે સાયન્સ ફિક્શન ફિલ્મો જેવી જિંદગી જીવતા હશું અને તેણે પગલે ઢગલાબંધ નવી તકો ઊભી થશે. તમે તૈયાર છો?

નોંધ : આ લેખ SpaceOTechnologies શ્રી રાકેશ પટેલ અને Indusaના શ્રી નેકીન વાછાણીનાં માર્ગદર્શન વિના શક્ય ન બન્યો હોત. તેમનો હાર્દિક આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!