તમે પોતે પૃથ્વી પરના અફાટ આકાશમાં ઊડી રહેલાં વિવિધ પ્લેનને ટ્રેક કરવા માગતા હો તો પહોંચો આ વેબસાઇટ પર:

તમે આ સાઇટ પર જઈને જોશો તો શરુઆતમાં ભારતના નક્શા પર ગણ્યાંગાઠ્યાં પ્લેન જોવા મળશે, પણ સ્ક્રીન પર જમણા ખૂણે ‘જમ્પ ટુ એરિયા’ ડ્રોપ ડાઉન મેનુમાં યુરોપ કે નોર્થ અમેરિકા સિલેક્ટ કરશો તો કીડિયારું ઊભરાતું હોય એમ પાર વગરનાં પ્લેન્સ જોવા મળશે. સહેજ ધીરજ ધરીને જોયા કરશો તો બધાં પ્લેનને જરાતરા ખસતાં પણ જોઈ શકશો. સાઇટની સિસ્ટમ તેની પાસે જે પ્લેનનો ડેટા ઉપલબ્ધ હોય તેને ગૂગલ મેપ સાથે સાંકળે છે.
તમે કોઈ પણ પ્લેન પર ક્લિક કરશો એટલે સ્ક્રીન પર ડાબી તરફની પેનલમાં એ પ્લેન કઈ એરલાઇન્સનું છે, કઈ ફ્લાઇટ છે, ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે વગેરે માહિતી જોવા મળશે. એ ક્ષણે પ્લેન નક્શા પર ક્યાં છે, તેની મુસાફરીનો રૂટ શો છે, તે કેટલી ઊંચાઈએ, કેટલી સ્પીડે આગળ વધી રહ્યું છે એ બધું અહીં આપણે જાણી શકીએ છીએ. પ્લેને તેની કુલ મુસાફરીમાંથી કેટલા કિલોમીટરનું અંતર કાપી લીધું છે એ પણ અહીં જોવા મળે છે.જેમ કે આ લેખ માટે અમે એક પ્લેન પર ક્લિક કર્યું. તે કેથે પેસિફિક એરલાઇન્સનું હતું અને હોંગકોંગથી રિયાધ જવા નીકળ્યું હતું. ડાબી પેનલમાં રૂટની લિંક પર ક્લિક કરતાં, પ્લેનનો હોંગકોંગથી રિયાધ સુધીનો રૂટ બતાવવામાં આવે છે. પેનલમાં ૩ડીની લિંક પર ક્લિક કરતાં, પ્લેનની કોકપીટમાંથી પાયલટને દેખાતો વ્યૂ જોવા મળે છે. એ પેનલમાં એરક્રાફ્ટના ઓપ્શનને ઓન કરીએ તો કોકપીટને બદલે, આપણે પોતે આકાશમાં હોઈએ અને પ્લેનને ઊડતું જોઈ રહ્યા હોઈએ એવો વ્યૂ જોવા મળે છે.
તમારું નેટ કનેક્શન અને કમ્પ્યુટર સારી કેપેસિટીનું હોય તો આ વ્યૂ ઘણો સારો જોઈ શકો છો. અલબત્ત, પ્લેનનું નક્શા પરનું સ્થાન સાચું હોય છે, પણ તેના વ્યૂ વાસ્તવિક નથી હોતા, માત્ર નક્શા પર તેનો આભાસ ઊભો કરવામાં આવે છે.
અમે હોંગકોંગ-રિયાધનું પ્લેન તપાસ્યું ત્યારે એ નક્શા પર દીવ અને ઊના પરથી પસાર થઈ રહ્યું હતું અને થોડી જ વારમાં એ વેરાવળને વટાવી, ગુજરાતને પાછળ મૂકીને અરબી સમુદ્ર પર આગળ વધ્યું એ પણ જોઈ શકાયું!
આવું કઈ રીતે શક્ય બને છે?
આ વેબસાઇટ આખી દુનિયામાં ૩૦૦૦થી વધુ સ્થળે એડીએસ-બી નાં સિગ્નલ ઝીલી શકે તેવાં રીસિવર્સનું નેટવર્ક ધરાવે છે.
આ સાઇટ પર જણાવ્યા મુજબ યુરોપનાં લગભગ ૭૦ ટકા પ્લેન્સ અને યુએસનાં ૩૦ ટકા પ્લેન્સમાં એડીએસ-બી ટ્રાન્સપોન્ડર્સ હોય છે. ફ્લાઇટરડાર૨૪નાં રીસિવર્સ આ બધાં પ્લેન્સનાં સિગ્નલ્સ ઝીલીને તેને ગૂગલ મેપ પર બતાવે છે!
વાસ્તવમાં આ સાઇટ મોટા ભાગે એડીએસ-બી ટેકનોલોજી પર આધાર રાખે છે (એ વિશે વધુ જાણો મુખ્ય લેખમાં). એ સિવાય તેમાં પ્લેનનું સ્થળ નક્કી કરવાની મલ્ટિલેટરેશન નામે ઓળખાતી પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. સાઇટ પર અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)ના ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ડેટા, એફએએના નિયમો પ્રમાણે મૂળ સમય કરતાં પાંચ મિનિટ મોડો હોય છે. સાઇટ પર રિયલ ટાઇમ ફ્લાઇટ્સ પીળા કલરમાં અને પાંચ મિનિટ મોડી ફ્લાઇટ્સ કેસરી કલરમાં દેખાય છે.ફ્લાઇટરડાર સાઇટ પર યુરોપના લગભગ ૯૫ ટકા ભાગને અને યુએસ તથા કેનેડાના તમામ ભાગને આવરી લેવાયા છે. ભારત સહિત અન્ય દેશોમાં પણ તેનું સારું એવું કવરેજ છે.
આ સાઇટની મોબાઇલ ડિવાઇસ માટેની એપ પણ ઉપલબ્ધ છે. ફ્લાઇટરડાર૨૪ એપ એપલના એપ સ્ટોરમાં ૪૮ દેશોમાં નંબર વન એપ રહી ચૂકી છે અને ૧૪૩ દેશોમાં તે નંબર વન ટ્રાવેલ એપ રહી ચૂકી છે!
જો તમે આ એપનું પ્રો વર્ઝન ખરીદો તો ચોક્કસ ફ્લાઇટને સર્ચ કરી શકાય છે. એમાં ઓગમેન્ટેડ રિયાલિટી વ્યૂની મજા પણ મળે છે, એટલે કે કંપનીના દાવા મુજબ આપણા માથેથી કોઈ પ્લેન પસાર થઈ રહ્યું હોય તો મોબાઇલના કેમેરાને ઓન કરી, એ પ્લેન સામે ધરતાં ફ્લાઇટરડાર૨૪ એપ એ પ્લેનને ‘ઓળખી’ લે છે અને તેની બધી વિગતો આપણને આપે છે!
છેલ્લી વાત, સાઇટને આ ડેટા વિશ્વભરમાં પથરાયેલા ને એવિએશનમાં રસ ધરાવતા ૩૦૦૦ જેટલા સ્વયંસેવકો પાસેથી મળે છે. આ લોકો પોતાના એડીએસ-બી રીસિવરથી પોતાના કવરેજમાં ઊડતાં પ્લેનનાં સિગ્નલ્સ મેળવે છે ને ફ્લાઇડરડાર૨૪ના નેટવર્કને પહોંચાડે છે!

