સવાલ મોકલનાર- કિશોર રાવલ, માણાવદર

તમે જીમેઇલ સિવાયની કોઈ ઈ-મેલ સર્વિસનો ઉપયોગ કરતા હો અને સાથોસાથ ફેસબુક કે ટવીટર જેવી સોશિયલ સાઇટ પર પણ સક્રિય હો તો તમે તમારા મેઇલના ઇનબોક્સમાં આવી પડતાં સોશિયલ નોટિફિકેશન્સથી પરેશાન હશો.
સોશિયલ નોટિફિકેશન્સ મેઇલ એટલે જે તે સોશિયલ સાઇટ પર તમારા મિત્રોએ, તમને લાગતી-વળગતી કે એ સિવાયની જે પ્રવૃત્તિઓ કરી હોય તેની તમને જાણ કરતા મેઇલ.
જીમેઇલનો ઉપયોગ કરતા લોકો થોડા સદભાગી હોય છે કેમ કે જીમેઇલ આપણા પર આવતા મેઇલ્સને પોતાના અનુભવના આધારે જુદા જુદા તારવી લે છે અને ઇનબોક્સને પાંચ કેટેગરીમાં વહેંચી નાખે છે. પરિણામે ફેસબુક કે ટવીટર જેવી સાઇટ પરથી આવતા નોટિફિકેશન મેઇલ્સ સોશિયલના અલગ ખાનામાં જમા થાય છે, જે આપણા કામના મેઇલ્સમાં બાધારુપ બનતા નથી.
જો તમે આવા ઈ-મેઇલ્સ બંધ કરવા માગતા હો તો વાત સહેલી છે. આવા નોટિફિકેશન ઈ-મેઇલ્સના અંતે, આવા ઈ-મેઇલ્સની સંખ્યા ઘટાડવા કે સદંતર બંધ કરવા માટે જે તે સર્વિસનાં સેટિંગ્સ પેજ સુધી પહોંચવાની લિંક આપેલી હોય છે. તેનો ઉપયોગ કરો, જે તે સાઇટ પર પહોંચતાં લોગ-ઇન થાઓ અને જરી સેટિંગકરી લો.
અહીં ફેસબુક અને ટવીટર માટેનાં સેટિંગ્સ સમજાવ્યાં છે.
ફેસબુકના ઈ-મેઇલ નોટિફિકેશન બંધ કરવા માટે
ફેસબુકમાં લોગ-ઇન થઈ, જમણી તરફના ડ્રોપ-ડાઉન એરોની મદદથી સેટિંગ્સમાં જાઓ.
તેમાં ડાબી પેનલમાં નોટિફિકેશન્સ પર ક્લિક કરો. હવે પહેલા જ મુદ્દામાં ઈ-મેઇલની સામે લખેલ એડિટ પર ક્લિક કરી તેનાં સેટિંગ્સમાં જાઓ.
તેમાં, ફેસબુક તમને કયા કયા સંજોગમાં નોટિફિકેશન્સ મોકલી શકે છે તે બતાવ્યું છે. અહીં ફક્ત તમારા એકાઉન્ટ, સિક્યુરિટી અને પ્રાઇવસી સંબંધિત નોટિફિકેશન્સને ઓન રાખી, બાકીના વિકલ્પ બંધ કરો અને પછી ક્લોઝ પર ક્લિક કરી દો.
અહીં તમે જોશો તેમ ‘પુશ નોટિફિકેશન્સ’ વિભાગમાં મોબાઇલ્સ પર મોકલાતા એલર્ટની પણ માહિતી છે, એ પણ તપાસી જુઓ. ફોન પર આવતાં નોટિફિકેશન્સથી કંટાળો તો અહીં તેને તમારા ફોન અનુસાર કઈ રીતે બંધ કરી શકાય તે સમજાવેલું છે.
ટવીટરના ઈ-મેઇલ નોટિફિકેશન બંધ કરવા માટે
ટવીટરમાં લોગ-ઇન થઈ, જમણી તરફના ગિયર પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ.
અહીં પણ ડાબી પેનલમાં ઈ-મેઇલ નોટિફિકેશન્સ પર ક્લિક કરો.
સૌથી ઉપર ‘ટર્ન ઓફ’ બટન ક્લિક કરીને તમે તમામ ઈ-મેઇલ બંધ કરી શકો છો, અથવા તેની નીચે આપેલા વિવિધ વિકલ્પોમાંથી કયા સંજોગોમાં તમે ઈ-મેઇલ નોટિફિકેશન મેળવવા ઇચ્છો છો તે નક્કી કરી લો. હવે તમારા પર આવતા ઈ-મેઇલ્સની સંખ્યા ખાસ્સી ઘટી જશે.

