આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે લોકસભાની ચૂંટણીનો પહેલો તબક્કો શરુ થવામાં હશે કે શરુ થઈ ગયો હશે. આ ચૂંટણીમાં કુલ ૮૧.૪ કરોડ લોકો મત આપી શકશે (આખા યુરોપના બધા દેશોની કુલ વસતિ આના કરતાં ઓછી છે), વર્ષ ૨૦૦૯ની ચૂંટણીમાં આના કરતાં ૧૦ કરોડ ઓછા મતદાર હતા. ભારતમાં કુલ ૯,૩૦,૦૦૦ મતમથકો પર મતદાન થશે! આ વખતે પહેલી વાર મતદારોને ‘નન ઓફ ધ અબાવ – કોઈ ઉમેદવારને મારો મત નહીં’ કહેવાનો વિકલ્પ મળશે.
ભારત વિશ્વનો સૌથી વિશાળ લોકશાહી દેશ છે. અમેરિકામાં લોકશાહી ખરી, પણ તેમાં પ્રમુખશાહી આધારિત લોકશાહી છે. અમેરિકા કરતાં આપણી ચૂંટણી પદ્ધતિ પ્રમાણમાં વધુ સરળ છે, છતાં તમે અભ્યાસ સમયે નાગરિકશાસ્ત્રમાં ઊંડો રસ ન લીધો હોય અને ભારતીય ચૂંટણી વ્યવસ્થાને હવે ઝપાટાભેર સમજી લેવી હોય તો તમારે માટે જ એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ એક ઇન્ફોગ્રાફિક તૈયાર કર્યું છે. અહીં તેના મુખ્ય મુદ્દા સમજી લઈએ :
- ભારતમાં મતદારો રાજ્યોની વિધાનસભા અને લોકસભા માટે સભ્યો ચૂંટે છે.
- વિધાનસભા, લોકસભા અને રાજ્યસભાના સભ્યો સાથે મળીને રાષ્ટ્રપતિને ચૂંટે છે.
- વિધાનસભાના સભ્યો રાજ્યસભા માટે ૨૩૮ સભ્યો ચૂંટે છે. રાષ્ટ્રપતિ તેમાં બીજા ૧૨ સભ્યો નીમે છે.
- હાલની ચૂંટણી લોકસભાના ૫૪૩ સભ્યો માટે યોજાઈ રહી છે. લોકસભાની કુલ સભ્ય સંખ્યા ૫૪૫ છે, બાકીના બે સભ્ય રાષ્ટ્રપતિ પસંદ કરે છે, જેથી ભારતમાં બહુ ઓછી સંખ્યા ધરાવતા એંગ્લો-ઇન્ડિયન્સ લોકોને પણ પ્રતિનિધિત્વ મળે.
- લોકસભાના સભ્યો વડા પ્રધાન પસંદ કરે છે અને વડાપ્રધાન લોકસભા અને રાજ્ય સભાના સભ્યોમાંથી કેબિનેટ પ્રધાનો પસંદ કરે છે.
- ભારતની સૌ પ્રથમ ચૂંટણી ૧૯૫૨માં યોજાઈ હતી.
- સરકારથી સ્વાયત્ત ચૂંટણીપંચ ચૂંટણી યોજે છે, તે ચૂંટણીની તારીખો સાથે આચારસંહિતાનો અમલ જાહેર કરે છે.
- ચૂંટણી પંચે દરેક મતદારે વધુમાં વધુ ૨ કિલોમીટર ચાલવું પડે એટલાં નજીક મતદાનમથક ગોઠવવાં પડે છે.
- હાલની સંસદમાં કુલ ૩૯ પક્ષો પ્રતિનિધિત્વ ધરાવે છે.
- ૧૯૮૯ પછી ક્યારેય કોઈ એક પક્ષને સંસદમાં બહુમતી મળી નથી.
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ એ બે મુખ્ય પક્ષને ૨૦૦૯માં કુલ ૫૯ ટકા બેઠકો અને ૪૭ ટકા મત મળ્યા હતા. બાકીની બેઠકો સ્થાનિક સ્તરે મજબૂત પક્ષોએ જીતી હતી.
- ૧૯૫૨ પછીની તમામ ચૂંટણીમાં, વિજયી ઉમેદવાર અને તેના સૌથી નજીકના હરીફ વચ્ચેના મતનો સરેરાશ તફાવત ૨૦૦૯ની ચૂંટણીમાં સૌથી ઓછો હતો, મતલબ કે બહુ ઓછા મત આમ-તેમ થવાથી પરિણામ બદલાઈ શકે છે!
થોડું સર્ફિંગ કરશો ચૂંટણીલક્ષી ઘણાં રસપ્રદ ઇન્ફોગ્રાફિક મળી આવશે.
