જો તમે વિન્ડોઝ ૭ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હો તો તમારે જાણવા જેવી એક સુવિધા છે ટાસ્કબારમાંનાં જમ્પ લિસ્ટ્સ.
કમ્પ્યુટર ઓન થયા પછી, મોનિટર પર સૌથી નીચે દેખાતી પટ્ટીને ટાસ્કબાર કહે છે એ તો તમે જાણતા જ હશો. આપણે જે પ્રોગ્રામ કે ફોલ્ડર ઓપન કરીએ તેના આઇકન આ ટાસ્કબારમાં જોવા મળતા હોય છે, જેથી આપણે એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડર કે પ્રોગ્રામમાં જવું હોય તો તેના આઇકન પર માઉસથી લેફ્ટ ક્લિક કરીને તેમાં જઈ શકીએ.
જમ્પ લિસ્ટની સુવિધા માઉસથી
રાઇટ ક્લિક કરવાથી મળે છે. એક રીતે આ જમ્પ લિસ્ટ આપણા માટે શોર્ટકટનું કામ કરે છે, જેની મદદથી આપણે કમ્પ્યુટરમાં ઓપન હોય તેવા કોઈ પણ પ્રોગ્રામમાં, આપણે વારંવાર ઓપન કરતા હોઈએ તે ફાઇલ સહેલાઈથી એક્સેસ કરી શકીએ છીએ.
જેમ કે તમે ફાયરફોક્સ ઓપન કરીને બીજા કોઈ પ્રોગ્રામમાં કામ કરી રહ્યા હો અને ફાયરફોક્સમાં આપણે જોયેલી કોઈ સાઇટ ફરી જોવાની જરુર પડે, તો ટાસ્ટબારમાં ફાયરફોક્સના આઇકન પર રાઇટ ક્લિક કરતાં, તેમાં આપણે વારંવાર જે વેબપેજની મુલાકાત લીધી હોય તેની લિંક્સ અહીં જોવા મળશે.
હવે આમાંથી કોઈ પેજ એવું હોય, જેમ કે જીમેઇલનું પેજ, જે તમે અવારનવાર ઓપન કરતા હો, તેના પર માઉસનું કર્સર લઈ જતાં, તે હાઇલાઇટ થાય છે અને તેની જમણી તરફ, એ પેજને જમ્પ લિસ્ટમાં કાયમ માટે પિન કરી દેવાનો વિકલ્પ મળે છે. જીમેઇલને પિન કરી દો, એટલે જમ્પ લિસ્ટમાંનાં બીજાં બધાં પેજ બદલાતાં રહે તોય, જીમેઇલની લિંક તો ટોચ પર અચૂક જોવા મળે!
જમ્પ લિસ્ટમાં આ ઉપરાંત, ફાયરફોક્સમાં નવી ટેબ કે નવી વિન્ડો ઓપન કરવા જેવા ટાસ્કની લિંક પણ મળશે. ફાયરફોક્સની બધી વિન્ડો એક સાથે બંધ કરવી હોય તો તે પણ અહીંથી કરી શકાશે.
દરેક પ્રોગ્રામ મુજબ, જમ્પ લિસ્ટમાં જોવા મળતી માહિતી બદલાય છે. આમ જોવા જાવ તો સાવ નાની સગવડ છે, પણ આદત પાડી દે એવી છે!

