(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને આપણી યાદશક્તિ

એક સમય એવો હતો જ્યારે લોકો પોતાની યાદશક્તિ માટે પોરસાતા. હવે યાદશક્તિ કરતાં, શોધશક્તિનું મહત્ત્વ વધી ગયું છે – કેમ કે વાંચીને યાદ રાખવાને બદલે શોધી લેવાની ટેવ વધી રહી છે! ઇન્ટરનેટની આપણા વાંચન અને વિચાર પર કેવી અસર થઈ રહી છે એ વિશે થોડા વિચારો…વર્ષો પહેલાંના સમયમાં, કદાચ આજથી ત્રણ ચાર દાયકાઓ પહેલાં વાંચનનો – મનોરંજન અને માહિતી પ્રાપ્ત કરવાનો પ્રાથમિક અને મહત્ત્વપૂર્ણ સ્ત્રોત હતો પુસ્તકાલય. અનેક વિષયોને આવરી લેતાં પુસ્તકો વાંચવા માટે મેળવવાનો ફક્ત એ એક જ સરળ, સસ્તો અને હાથવગો ઉપાય હતો.

એ સમયે પુસ્તકાલય પણ જૂજ હતાં. નવલકથાઓ, વાર્તા સંગ્રહો, કાવ્ય સંગ્રહો, વિવેચન, ચિંતન નિબંધ, બાળ સાહિત્ય, પ્રવાસ વિષયક પુસ્તકો, આત્મકથાઓ, અનુભવકથાઓ, વિવેચન, ધર્મ અધ્યાત્મ વગેરે જેવા વિભિન્ન વિષયની સાથે વિજ્ઞાનની નવી શોધ વિશે જાણવા તથા અભ્યાસુઓને તથા કોલેજના વિદ્યાર્થીઓને કોઈ વિષય વિશેષના ઊંડાણપૂર્વકના અને વિગતે અભ્યાસ માટે પણ પુસ્તકાલયનો ઉપયોગ થતો. તો માહિતી મેળવવાનો બીજો ઉપયોગી સ્ત્રોત હતો એ વિશેના જાણકારોને પૂછવાનો અને તેમની મદદથી સંશયો દૂર કરીને જોઈતી જે તે માહિતીને ચોક્કસ કરવાનો.

પણ આજે ચિત્ર સાવ નોખું જ છે. એવું નથી કે પુસ્તકાલયો નામશેષ થઈ ગયાં છે અથવા તેમનો ઉપયોગ ઘટી ગયો છે, ભારતમાં પુસ્તકાલયોની સંખ્યા વિશે હાલ સાવ નિરાશાજનક વાતાવરણ નથી, પરંતુ એક સત્ય એ પણ છે કે તેના વપરાશકારોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જે તે વિષયના નિષ્ણાતોની સંખ્યામાં પણ આજે વધારો જ થયો છે અને તેમની સેવાઓ સાર્વત્રિક રીતે ઉપલબ્ધ છે.

આજે જ્યારે માહિતીનો અઢળક ખજાનો આપણા આંગળીના ટેરવે રમે છે ત્યારે પુસ્તકાલયમાં જઈને શોધ કરવાની અથવા એ વિષયના નિષ્ણાતને મળીને તેને જાણવાની જ‚રુરત જૂજ કિસ્સાઓમાં ઉદ્ભવે છે. ઇન્ટરનેટના માધ્યમે સર્ચએન્જિન દ્વારા સૂચવાતા એક વિષયના અનેક સંદર્ભો અને ઓનલાઈન મફત અથવા નજીવી કિંમતે ઉપલબ્ધ વિશ્વકોશ, વિશાળ ડેટાબેઝ વગેરેને લીધે લોકોની વાંચનપદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર આવ્યો છે.

હવે પુસ્તકાલયોમાં – ભૌતિક સ્વરુ‚પે માહિતી શોધવા જવું પડતું નથી. કમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટઅથવા મોબાઇલ જેવા વિવિધ વિકલ્પો પર ઇન્ટરનેટ મારફત માહિતીનો ખુલ્લો ખજાનો સતત આપણને આકર્ષતો રહે છે. એ ખજાનો સર્વે માટે સમાન તકો લઈને ઊભો છે. અભ્યાસુઓને અભ્યાસ માટેની સામગ્રી, મનોરંજન મેળવવા માગતા લોકો માટે એ પ્રકારની સામગ્રી એમ બધું ઇન્ટરનેટ આપણી સમક્ષ ધરી દે છે.

પરંતુ તાજેતરના એક સંશોધન મુજબ જેમ સરળતાથી માહિતી અને જ્ઞાન ઉપલબ્ધ થતું રહ્યું તેમ તેમ માહિતીને યાદ રાખવાની આપણી ટેવો ઘટતી ગઈ છે. હવે કોઈ પણ વાત યાદ રાખવાને બદલે તેને ઇન્ટરનેટ પર શોધી લેવાની આદત સર્વસામાન્ય બની રહી છે અને એ નવી પેઢીમાં તો ખૂબ ઊંડાં મૂળ પ્રસારી ચૂકી છે.જેમ પહેલાંના જમાનામાં પહાડા યાદ કરવામાં આવતા, પલાખા પૂછાતા તે ટેવ હવે કેલ્ક્યુલેટરના આવવાથી નામશેષ થઈ ગઈ, એ જ રીતે માહિતી અને યાદ રાખવાની ટેવ આંગળીને ટેરવે સતત રહેતાં ઇન્ટરનેટને લીધે ઘટી છે. કયા દેશના રાષ્ટ્રધ્વજમાં ફક્ત એક જ રંગ છે એ પ્રશ્ર્નનો ઉત્તર શોધવા આપણે વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજ વિશે વિચારીશું કે જવાબ ગૂગલ અથવા એના જેવા જ કોઈક સર્ચએન્જિન કે ડેટાબેઝ પર શોધવા વિશે? એ જ રીતે રોજબરોજના જીવનના સામાન્ય પ્રશ્નો પણ મોબાઈલ મારફત ‘ગૂગલ’ કરવાનું વલણ વધી ગયું છે.

કોલંબિયા યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ (મનોવૈજ્ઞાની) ડો. બેટ્સીસ્પેરો અને તેમના સહ સંશોધકો – હાર્વર્ડના ડેનિયલવેગનર અને વિસ્કોન્સિન વિશ્વવિદ્યાલયના જેની લીઉ દ્વારા યાદશક્તિને લગતા ચાર અનોખા અખતરાઓ કરવામાં આવ્યા. તેમાંના એક અખતરામાં તેમણે લોકોને ૪૦ સર્વસામાન્ય વાતો કમ્પ્યુટર પર કોપી કરવાનું કહ્યું, અડધાને કહેવાયું કે આ માહિતી સંગ્રહીને રખાશે. જ્યારે અડધાને કહેવાયું કે એ ડિલીટ કરી દેવામાં આવશે. જોવામાં આવ્યું કે જેમને કહેવાયું હતું કે માહિતી ડિલીટ કરાશે તેમને તેમાંનું વધુ યાદ હતું. આ સંશોધકોના અભ્યાસોના તારણો રસપ્રદ છે, તો સાથેસાથે ચેતવણી પણ આપે છે.

આ સંશોધકોએ એવું શોધી કાઢ્યું છે કે જે માહિતી ઇન્ટરનેટ દ્વારા મળવાની સંભાવના હોય તેવી માહિતી લોકો દ્વારા યાદ રખાય એવી શક્યતાઓ ઘટી જાય છે, પરંતુ કઈ વેબસાઈટ પરથી તે માહિતી મળશે એ યાદ રહેવાની શક્યતાઓ વધી જાય છે. જો અજાગ્રત મનમાં એવું ઠસી જાય કે અમુક માહિતી સરળતાથી ઇન્ટરનેટના માધ્યમથી મેળવી શકાય છે તો તેને યાદ રાખવાનો પ્રયત્ન માનવમગજ કરતું નથી.

એટલે જેમ કમ્પ્યુટરમાં બે પ્રકારની મેમરી હોય છે, આંતરિક અને બાહ્ય તેમ આપણા પોતાના મગજની આંતરિક યાદદાશ્તને બદલે આપણે બાહ્ય સ્રોત પર વધુ આધારિત રહેતા થઈ ગયા છીએ. અભ્યાસ દ્વારા એવું સાબિત કરવામાં આવ્યું છે કે ઇન્ટરનેટના વપરાશ વધવા સાથે માણસના અજ્ઞાનમાં સતત વધારો થઈ રહ્યો છે, તે ડોબો થઈ રહ્યો છે! આ ઉપરાંત કમ્પ્યુટર તથા ઇન્ટરનેટની સરળતાથી ઉપલબ્ધ સગવડોને લીધે સોશિયલ નેટવર્ક અને સોશિયલ શેરિંગ વધ્યું છે, આ સગવડોને લીધે માહિતીની વહેંચણી વધી છે કારણ કે જ્યારે કોઈ માહિતી અથવા વિગત શોધવાની થાય તો સૌ પ્રથમ ઇન્ટરનેટને સાંકળતા સાધનની યાદ આવે છે.

ઇન્ટરનેટ પરથી જે માહિતી મળવાની આશા ઓછી હોય તે લોકો વધુ યાદ રાખે છે. કમ્પ્યુટરના કયા ફોલ્ડરમાં જોઈતી માહિતી વિશેષ સંગ્રહી છે એ સ્વયં, માહિતી કરતાં વધુ યાદ રહેતી બાબત છે. ‘શું’ કરતાં ‘ક્યાં’નું મહત્ત્વ વધી રહ્યું છે એમ આ સંશોધકોને લાગે છે.


આ વાતના સમર્થનમાં એક તર્ક એવો પણ છે કે કમ્પ્યુટરના આગમન પહેલેથી યાદશક્તિની આવી વહેંચણી અસ્તિત્વમાં છે જ, જેમ કે કોઈક સંબંધી અથવા મિત્રની વર્ષગાંઠ યાદ રાખવાનું કામ પત્નીનું છે, તેમ માની મોટા ભાગના પતિદેવો આવી તારીખ યાદ રાખવાને બદલે પત્નીને પૂછી લેવાનું વધુ પસંદ કરે છે. કોઈક પૂજાવિધિ અથવા પ્રસંગમાં વિધિ અને વ્યવહારની વાતો વિશે પરિવારના જાણકાર સભ્યનું નામ સદા આગળ હશે. તેમને જ આવી વાતો પૂછાય છે, કારણ કે એમ માનવામાં આવે છે કે એ વિષયની જાણકારી તેમની પાસે જ શ્રેષ્ઠ હશે. તેમ જ કોઈક વિષય વિશેષને યાદ રાખવાને બદલે તેના વિશે ક્યાંથી જાણકારી મળશે એ સ્રોત યાદ રાખવું આસાન ગણાય છે.

આવી યાદશક્તિને ટ્રાન્સએક્ટિવ મેમરી અથવા પરોક્ષ રીતે સક્રિય યાદશક્તિ કહેવાય છે. સામાન્ય અર્થમાં કહીએ તો ઇન્ટરનેટ આપણી બાહ્ય યાદશક્તિ થઈ રહી છે, મહદંશે વિકસિત દેશોના યુવાનોમાં એ થઈ પણ ગઈ છે. પહેલાંના જમાનામાં જે વડીલો, માતા-પિતા અને દાદા-દાદી શીખવતા તે વાતો હવે ગૂગલ અને વિકિપીડેયા પરથી તરત મળી રહે છે. એટલે એમને યાદ રાખવાનું વલણ ઘટી રહ્યું છે.આમ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ તથા સંપર્કની વિવિધ સુવિધાઓના વધતા પ્રભાવને લીધે માનવ યાદશક્તિની આખીય પ્રક્રિયા બદલાઈ રહી છે, સાથે સાથે કેટલીક અગત્યની જાણકાર વ્યક્તિઓનું સ્થાન પણ ઇન્ટરનેટ લઈ રહ્યું છે. જેમ આપણા મિત્રવર્તુળ અને પરિવારમાં કઈ વ્યક્તિને કઈ બાબતની માહિતી હશે, તે યાદ રાખવું એ સ્વયં માહિતી યાદ રાખવાથી પણ વધુ અગત્યતા ધરાવતું હોય. એ રીતે આપણી યાદશક્તિમાં સંગ્રહાઈ જાય છે, તેમ હવે ઈન્ટરનેટ પર માહિતીના સ્રોતને યાદ રાખવાનું વલણ જોર પકડતું જાય છે. કમ્પ્યુટર નેટવર્કની જેમ આપણે પણ હવે માહિતી માટે આંતરજાળ સ્વ‚પે એક બીજા પર આધારિત થઈને એક નેટવર્ક બનાવી રહ્યા છીએ. માટે હવે આપણા કમ્પ્યુટર સાધનો પર ઓછા આધારિત રહેવાની આપણી ઈચ્છાઓ પૂરી થવાની શક્યતાઓ આવનારા દિવસોમાં ઘટતી જવાની છે.

આપણું લેપટોપ અથવા કમ્પ્યુટર, મોબાઈલ, ટેબલેટ અને એ સર્વેને આંતરજાળ એટલે કે ઇન્ટરનેટ સાથે સાંકળતું જોડાણ આપણા માટે એક અંગત મિત્રથી વધુ મહત્ત્વ ધરાવતું થઈ રહ્યું છે, કારણ કે માહિતી જાણતા મિત્ર ઇન્ટરનેટની જેમ સતત આપણા ટેરવે ઉપલબ્ધ હોતા નથી, એટલે એ જાણકાર મિત્રથી પણ વધુ આપણે નેટના ભરોસે રહીએ છીએ અને તેથી એમ કહી શકાય કે ઇન્ટરનેટની અને આપણા કમ્પ્યુટર/લેપટોપની સંગ્રહશક્તિ સતત વધારવાની જ‚રુર પડે છે, કારણ કે આપણી પોતાની યાદશક્તિ ઘટી રહી છે!

અહીં મને બે બાબતો વધુ સ્પર્શે છે. એક – કારણ કે આંગળીના ટેરવે માહિતીનો સ્રોતને ઘૂઘવે છે, માહિતી કામની હોય કે નહીં, પરંતુ ભવિષ્યમાં જરુ‚ર પડશે ત્યારે કામ લાગશે. અથવા તો કોઈકની સામે એ માહિતીની જ‚રુર પડી ત્યારે તેને વ્યક્ત કરવામાં ‘મને એ આવડે છે’ અથવા ‘મને ખબર છે’  જેવા અહં સંતોષાવામાં તેની જ‚રુર પડતી હોય તેવા કિસ્સા ઓછા નથી.

જેમ કમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં માહિતી સંગ્રહની એક સીમા છે તેમ માનવ મગજને પણ કોઈ એક ચોક્કસ સીમા હશે જ, જેને સંગ્રહશક્તિ કહી શકીએ. તેથી જ્યારે આવી નિરુપયોગી માહિતીનો ઢગલો – જેને કમ્પ્યુટરની ભાષામાં ડમ્પ કહેવાય છે – થાય ત્યારે તેમાં જરુ‚રી અને બિનજરુ‚રી  માહિતી – ચોક્કસ અને ધારણા વચ્ચેનો ફરક પાડવો મુશ્કેલ બને છે, તેથી પોતાની યાદશક્તિ કરતાં કમ્પ્યુટર અથવા ઇન્ટરનેટ પર વધુ વિશ્વાસ રહે છે. આમ યાદશક્તિ સ્વથી પર તરફ ફંટાય છે.

બીજી બાબત એ કે આપણે ત્યાં પેઢી દર પેઢી કર્ણોપકર્ણ ચાલી આવતી અનેક વાતો છે, જેનો સંગ્રહ ઘણા વર્ષો સુધી થયો નહોતો અને આંશિક ફેરફારો સાથે તે અનેક પેઢીઓમાં થઈને આપણા સુધી પહોંચી.

કંઠ:સ્થ પરંપરા આપણી સંસ્કૃતિનો એક અગ્રગણ્ય ભાગ છે જે ખૂબ ઉપયોગી અને ઉપકારક માહિતીનો સ્રોત છે, પરંતુ પેઢી દર પેઢી પ્રસારિત થતી આ માહિતી અથવા સંસ્કૃતિના સ્ત્રોતમાં એવું ઘણું હતું જે દેખીતી રીતે ઉપયોગી નહોતું, ધાર્મિક અથવા અન્ય જ‚રુરતોને લીધે તે પેઢી દર પેઢી ઉતરતું રહ્યું, પરંતુ ગાઈને અથવા વારંવાર તેને બોલીને યાદ રાખવાની જ‚રુરત પડતી, આમ તે પણ એક પ્રકારનો મેમરીડમ્પ હતો જે પ્રમાણમાં ઓછો હતો. તેના લીધે એ નિશ્ચિત માહિતી સ્રોતની ચોકસાઈ જળવાઈ રહેતી, પરંતુ આજનો સોફ્ટ મેમરીડમ્પ તેથી વધુ અચોક્કસ અને નકામો છે. ઉપરાંત હવે કોઈક વસ્તુ શોધવા માટે કઈ વેબસાઈટ પર જવું જોઈએ એવું પૂછવા માટે પણ આસપાસના ટેકસેવી એટલે કે ટેક્નોલોજીના ઉપયોગમાં ડૂબેલા લોકોને આપણું માનસ શોધી જ રાખે છે, જેમ કે તમારા સ્માર્ટફોનમાં કોઈક વિશેષ કામ માટે એપ્લિકેશનની જ‚રુર છે, એ એપ્લિકેશન વિશે જાણવા કોને પૂછશો?

ભારતમાં, ગુજરાતમાં, આપણી આસપાસ હજુ પણ એવા અનેક લોકો છે જેમણે ક્યારેય ઇન્ટરનેટનો વપરાશ કર્યો નથી, એટલે હજુ પણ આપણા ગામડાંમાં માહિતી યાદ રાખીને જ વહેંચવાનો કે પુસ્તકોમાં શોધવાનો ઉપક્રમ થતો રહે છે, જોકે એ હવે અમૂક સમયમાં નાશ પામશે એ પણ ચોક્કસ છે.

આઇન્સ્ટાઇનના સમયમાં ગૂગલ ક્યાં હતું? છતાંય તેમણે કહ્યું છે કે ‘જે વસ્તુઓએ તમે શોધી શક્તા હોવ તેને યાદ રાખવાની જરુ‚રત નથી.’ એટલે હાલ તો ઇન્ટરનેટ અને ટેક્નોલોજીએ આપેલ આ સુવિધા માનવ મગજને પોતાના આધારિત બનાવી દેશે એ  વિશે ચિંતા કરવાને બદલે તેનો હકારાત્મક અને ખપ પૂરતો ઉપયોગ કરતા શીખીએ એ જ ઘણું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!