મારા મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ દેખાતા નથી શું કરવું?
સવાલ મોકલનારઃ દિગંત અંતાણી, ભૂજ
‘સાયબરસફર’ના અંક જુલાઈ ૨૦૧૩માં આપણે આ વિશે વિગતવાર વાત કરી ચૂક્યા છીએ છતાં, એક મિત્રોનો આ સવાલ હોવાથી અહીં ટૂંકમાં વાત કરી લઈએ. મોબાઇલ અને ટેબલેટમાં બ્રાઉઝરમાં વિવિધ સાઇટ્સ અને એપ્સમાં ગુજરાતી વાંચવા માટે ફોનમાં ગુજરાતી ફોન્ટ હોવા જરૂરી છે (કેટલીક એપની અંદર ગુજરાતી એમ્બેડ કરેલા હોવાથી તેના પૂરતું ગુજરાતી લખાણ વાંચી શકાય છે). પીસી/લેપટોપમાં આપણે જરૂરી વધારાના ફોન્ટ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, મોબાઇલ/ટેબલેટમાં અમુક હદ પછી સિસ્ટમ લોક કરેલી હોય છે અને ફોન્ટ અને હદની પેલે પાર ઇન્સ્ટોલ કરેલા હોવા જરૂરી છે. જો આપણે આ લોક ‘તોડી નાખીએ’ તો ગુજરાતી ફોન્ટ ઉમેરી શકીએ, પણ આ પ્રક્રિયામાં ભૂલ થાય તો ફોન નકામો થઈ જવાનું જોખમ છે અને તેમ કરવા જતાં વોરંટી તો અચૂક રદ થાય છે.
છતાં, ફક્ત બ્રાઉઝરમાં ગુજરાતી વેબસાઇટ્સ વાંચવાનો એક રસ્તો છે.
ઓપેરા મિની બ્રાઉઝરમાં બિટમેટ ફોન્ટ ઇનેબલ કરવાથી આ કામ થઈ શકે છે. એ માટે સૌથી પહેલાં, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ઓપેરા મિની બ્રાઉઝર ડાઉનલોડ કરીને ફોનમાં ઇન્સ્ટોલ કરી લો.
હવે તેના એડ્રેસ બારમાં Opera:config લખીને ઓકે/ગો બટન પ્રેસ કરો (કોલન પછી સ્પેસ રાખશો નહીં). જે વિન્ડો ઓપન થાય તેમાં છેક નીચે, છેલ્લેથી બીજા ઓપ્શનમાં Use bitmap fonts for complex scripts માં Yes સિલેક્ટ કરીને સેવ કરી લો. આ રીતે, વેબસાઇટમાંનું લખાણ બતાવવા માટે બ્રાઉઝર ફોનમાં ગુજરાતી ફોન્ટ શોધવાને બદલે તેના સર્વિસમાં રહેલી સગવડનો ઉપયોગ કરશે. હવે તમે ઓપેરા મિની બ્રાઉઝરમાં ગુજરાતી લખાણ બરાબર જોઈ શકશો.
આ સગવડ માત્ર ઓપેરા મીની બ્રાઉઝરમાં હોવાનું જાણમાં છે. જીમેઇલ કે ફેસબુક જેવી એપમાં ગુજરાતી વાંચવા માટે આ સગવડ કામ લાગતી નથી.

