સવાલ લખી મોકલનારઃ રિયાઝખાન પઠાણ, અમદાવાદ
આ સવાલનો ટૂંકો જવાબ જાણવાને બદલે, આપણે મૂળમાંથી બ્રાઉઝરનાં સેટિંગ્સ સમજીએ કેમ કે ઘણા વાચકમિત્રો સાથેની વાતચીતથી લાગે છે કે બ્રાઉઝરના ઉપયોગ વિશે વિવિધ પ્રકારની ઘણી મૂંઝવણ ને ગૂંચવણ છે. આપણે એના ઉકેલ જાણીએ.
ઘણા બધા મિત્રો ઇન્ટરનેટ એક્સપ્લોરરને બદલે ફાયરફોક્સ કે ગૂગલ ક્રોમ જેવાં બ્રાઉઝરનો ઉપયોગ કરવા ઇચ્છે છે, પણ તેનાં કેટલાંક સેટિંગનો પૂરતો અંદાજ ન હોવાથી આ નવા બ્રાઉઝરને પોતાનું ડિફોલ્ટ બ્રાઉઝર બનાવતાં ખચકાય છે.
તેમની ગૂંચવણોનો લંબાણથી જવાબ આપવાની શઆત કરતાં આ ‘ડિફોલ્ટ બ્રાઉઝર’ શું છે એ જાણી લઈએ.
ડિફોલ્ટ બ્રાઉઝર
પહેલી વાત તો એ કે ઘણા લોકો પોતાના કમ્પ્યુટરમાં એકથી વધુ ઇન્ટરનેટ બ્રાઉઝર ઇન્સ્ટોલ કરતાં ખચકાય છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર ઉપરાંત બીજાં બ્રાઉઝર પણ ઇન્સ્ટોલ કરી શકો છો. હવે સવાલ એ રહે કે જ્યારે આપણે કોઈ ડોક્યુમેન્ટમાં કે બીજે ક્યાંય કોઈ વેબપેજની લિંક પર ક્લિક કરીએ, ત્યારે કમ્પ્યુટર કેવી રીતે નક્કી કરે કે તેણે આ વેબપેજ આઇઈમાં ઓપન કરવાનું છે કે ફાયરફોક્સ કે ગૂગલ ક્રોમમાં? આ મૂંઝવણનો ઉપાય એ છે કે દર વખતે જે તે વેબપેજ આપણા ફેવરિટ નંબર વન બ્રાઉઝરમાં જ ઓપન થાય એ નક્કી કરી, કમ્પ્યુટર મહાશયને તે જણાવી દેવું. આ માટે, ધારો કે ગૂગલ ક્રોમને આપણે ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરવું હોય તો તેને ઓપન કરી, તેના સેટિંગ્સમાં જઈ, ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે ક્રોમની પસંદગી પર મહોર મારી દો.
ફક્ત ક્રોમ નહીં, બધાં બ્રાઉઝર ઘણી ખરી વાતે આપણી મરજીનાં ગુલામ હોય છે. આપણે હોમપેજ કયું સેટ કરવું, ડાઉનલોડ થયેલી ફાઇલ ક્યાં સેવ કરવી, ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે કોના શિરે કળશ ઢોળવો વગેરે બધું જ આપણે નક્કી કરી શકીએ છીએ. આપણે ફક્ત યોગ્ય સેટિંગ્સ કરવાનાં હોય છે. હવે મોટા ભાગના લોકો ક્રોમ તરફ વળ્યા હોવાથી આપણે તેના સંદર્ભે વાત કરીએ.
ડિફોલ્ટ હોમપેજ
શરુઆત કરીએ ઘરથી, હોમપેજથી. ક્રોમ ઓપન કયર્િ પછી સ્ક્રીન પર ઉપર જમણે ખૂણે આપેલ ત્રણ આડી લીટીના નિશાન પર ક્લિક કરતાં જે ડ્રોપડાઉન મેનુ ખૂલે છે તેમાંથી આપણે સેટિંગ્સમાં જઈ શકીએ છીએ. અહીં પહેલો વિકલ્પ સાઇન-ઇનનો છે, આપણે ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થઈને ક્રોમમાં પોતાની મરજીનાં જે સેટિંગ્સ કરીએ તેનો લાભ બીજા કોઈ પણ કમ્પ્યુટરમાં પણ મેળવવો હોય તો આ સગવડ આપણે કામની છે. જેમ કે સાઇન-ઇન થયા પછી આપણે હોમપેજ તરીકે કોઈ ચોક્કસ વેબસાઇટ સેટ કરીએ તો બીજા કોઈ પણ કમ્પ્યુટરમાં આપણે ક્રોમ ઓપન કરી સાઇન-ઇન થઈએ તો ત્યાં પણ એ જ સાઇટ હોમપેજ તરીકે ઓપન થાય.
ક્રોમ ઓપન કરતાં કોઈ એક વેબસાઇટ કે એકથી વધુ વેબસાઇટ આપોઆપ ખૂલી જાય એવી ગોઠવણ કરી શકાય છે. એ માટે સેટિંગ્સમાં આપેલો બીજો વિકલ્પ છે ઓન સ્ટાર્ટઅપ. અહીં ત્રીજા વિકલ્પને પસંદ કરીને આપણે નિયમિત રીતે જોતા હોઈએ તે વેબસાઇટ્સ એક સાથે ખૂલી જાય એવી વ્યવસ્થા કરી શકીએ છીએ.
બુકમાર્ક્સ
જો તમે ગમતી સાઇટ યાદ રાખવા માટે બુકમાર્કનો ઉપયોગ કરતા હો તો સેટિંગ્સમાંનો બીજો વિકલ્પ – અપીયરન્સ કામનો છે. તેમાં પહેલો વિકલ્પ ક્રોમની મનગમતી થીમ સેટ કરવાનો છે, એ પણ તપાસી જુઓ અને બીજો વિકલ્પ આપણે બુકમાર્ક કરેલી સાઇટ્સની લિંક સતત માઉસવગી રહે એ માટે બુકમાર્ક બાર ક્રોમના મથાળે સતત દેખાય એવું સેટ કરવાનો છે (વેબપેજ બુકમાર્ક કરવા માટે એ પેજ ઓપન હોય ત્યારે એડ્રેસબારમાં છેડે આપેલા સ્ટાર પર ક્લિક કરી દો એટલે કામ પત્યું!).
ડિફોલ્ટ સર્ચ એન્જિન
તમને બધી રીતે ગૂગલ ક્રોમ ગમતું હોય, પણ સર્ચ એન્જિન તરીકે તમારી પહેલી પસંદ ગૂગલ નહીં પણ બિંગ (કે યાહૂ કે આસ્ક કે એઓએલ…) હોય તો એમાંના કોઈને પણ ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે સેટ કરી શકાય છે.
પ્રાઇવસી
હજી થોડાં વધુ સેટિંગ્સ કરવા માટે શો એડવાન્સ્ડ સેટિંગ્સ પર ક્લિક કરો.
અહીં પહેલો વિકલ્પ પ્રાઇવસીનો છે. અહીં કન્ટેન્ટને લગતાં વિવિધ સેટિંગ્સ થઈ શકે છે. મોટા ભાગે ક્રોમ પોતે જેની ભલામણ કરતું હોય તે વિકલ્પ પસંદ કરી લેશો એટલે કામ ચાલી જશે. અહીં છેક છેલ્લે ઓટોમેટિક ડાઉનલોડ્સનો વિકલ્પ આપેલો છે તે ખાસ ચકાસી લો. તેમાં બીજો વિકલ્પ એવો છે કે આપણે કોઈ ફાઇલ ડાઉનલોડ કર્યા પછી આપોઆપ બીજી ફાઇલ ડાઉનલોડ થવાનું શરૂ થાય તો ક્રોમ આપણને પહેલાં પૂછી શકે છે કે આગળ વધવું છે? સ્વાભાવિક છે કે ક્રોમ આપણી સલામતી માટે આ વિકલ્પ સેટ કરવાની ભલામણ કરે છે.
પ્રાઇવસીમાં બીજું બટન ક્લિયર બ્રાઉઝિંગ ડેટાનું છે. તેને થોડા થોડા વખતે તપાસી આપણે આપણી બ્રાઉઝિંગ હિસ્ટ્રી ક્લિન કરતા રહેવું જોઈએ.
ડાઉનલોડના વિકલ્પો
હવે આપણા મૂળ સવાલનો જવાબ. સેટિંગ્સમાં આગળ વધતાં ડાઉનલોડ્સનો વિકલ્પ જોવા મળે છે. સામાન્ય રીતે ક્રોમ ડાઉનલોડ કરેલી ફાઇલ આપોઆપ ડાઉનલોડ્સ ફોલ્ડરમાં સેવ કરે છે. આપણે આ લોકેશન બદલીને કોઈ ચોક્કસ ફોલ્ડર સેટ કરી શકીએ છીએ અથવા દર વખતે ક્રોમ ફાઇલ ક્યાં સેવ કરવી છે એવું પૂછે, એવું સેટિંગ કરી શકાય છે (આગળ કહ્યું તેમ, આ સગવડ દરેક બ્રાઉઝરમાં હોય છે).
ડાઉનલોડ કરેલી ફાઇલ તરત ઓપન થાય એવું પણ કરી શકાય. તળિયે જોવા મળતા ડાઉનલોડ બારમાં ડાઉનલોડિંગની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે તેના પર ક્લિક કરી દેશો એટલે ફાઇલ ડાઉનલોડ થતાં તરત ઓપન થશે. કોઈ ચોક્કસ પ્રકારની ફાઇલ (જેમ કે .MP૩ પ્રકારની ગીતોની ફાઇલ) હંમેશા આ રીતે તરત ઓપન કરવા માગતા હોય તો ડાઉનલોડ બારમાંના ડ્રોપડાઉન મેનુની મદદથી આ સેટિંગ કરી શકાય છે. ડાઉનલોડ થયેલી ફાઇલ ક્રોમના તળિયેથી, માઉસથી ખેંચીને ડેસ્કટોપ પર કે બીજા કોઈ પણ ઓપન ફોલ્ડરમાં લઈ જઈ શકાય છે. પીડીએફ જેવી ફાઇલ હવે ક્રોમમાં જ ઓપન થઈ જતી હોય છે, આવી ફાઇલને ક્લિક કરતાં તે ઓપન થવાને બદલે ડાઉનલોડ થાય એવું કરવું હોય તો તેને માઉસથી રાઇટ ક્લિક કરી, સેવ એઝ કે સેવ લિંક એઝનો વિકલ્પ પસંદ કરી શકાય.
આપણે કશુંક ડાઉનલોડ કરી રહ્યા હોઈએ અને ભૂલથી ક્રોમ બંધ કરી દઈએ તો ચિંતા કરવાની જરૂર નથી, ક્રોમ આપણને પૂછશે કે તમે એક ફાઇલ ડાઉનલોડ કરી રહ્યા છો, તમે તેને કેન્સલ કરીને ખરેખર ક્રોમ બંધ કરવા માગો છો? ટૂંકમાં, બ્રાઉઝરને લગતી આપણી બધી મૂંઝવણનો ઉકેલ બાબા સેટિંગ્સદેવ પાસે હોય છે. આપણે ફક્ત એનું શરણ લેવાનું છે!

