તમે તમારી સિસ્ટમમાંના ડિજિટલ ડેટાની સાફસફાઈ કરી રહ્યા છો, સિસ્ટમની સ્ટોરેજ કેપેસિટી વધારવા તમે નકામી ફાઇલ્સ ડિલીટ કરી રહ્યા છો અને એ ઉત્સાહમાં કોઈ કામની ફાઇલ કે ફોલ્ડર પણ ઉડાવી દીધું! હવે? તમે કહેશો, નો પ્રોબ્લેમ – રીસાયકલ બીનમાં જઈ, એ ફાઇલ કે ફોલ્ડર શોધીને તેને રીસ્ટોર કરી લઈશું! ફાઇન, આ અંકમાં આપણે તેનાથી પણ એક સ્ટેપ આગળ વધીને, રીકુવા જેવા રીકવરી સોફ્ટવેરની પણ વાત કરી છે.
પણ, વાત પીસી કે લેપટોપની નહીં પણ તમારા સ્માર્ટફોન કે ટેબલેટની હોય તો? યાદ રહે, મોબાઇલ ડિવાઇસમાં રીસાયકલ બીન જેવી કોઈ વ્યવસ્થા હોતી નથી! હા, તમે ફોન કે ટેબલેટને પીસી સાથે કનેક્ટ કરી, તેને રીકુવા જેવા રીકવરી સોફ્ટવેરથી સ્કેન કરીને ફાઇલ્સ પરત મેળવવાનો ચાન્સ લઈ શકો છો, પણ એ રસ્તો રીસાયકલ બીન જેટલો કારગત નથી હોતો.
જો તમે જાગ્યા ત્યારથી સવાર કરવામાં માનતા હો તો પ્લે સ્ટોરમાં જઈને એક એપ ડાઉનલોડ કરી શકો છો. આમ તો ફોનમાં રીસાયકલ બીન જેવું કામ આપતી ઘણી બધી એપ્સ મળી આવશે, પણ તેમાંની કેટલીક માટે ફોનનું રૂટિંગ કર્યું હોવું જરૂરી છે. એ સિવાય, ડિવાઇસની મૂળ સિસ્ટમ સાથે કોઈ છેડછાડ કર્યા વિના વિના એન્ડ્રોઇડ ડિવાઇસમાં રીસાયકલ બીનની સુવિધા ઉમેરવી હોય તો કામની એપ છે – ડમ્પસ્ટર (Dumpster-Recycle.Bin)
આ એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરીને પહેલી વાર ઓપન કરશો ત્યારે, વેબ સર્વિસીઝ કે સોફ્ટવેર કરતી વખતે પૂછવામાં આવે છે એવા એક એગ્રીમેન્ટને આપણે મંજૂરી આપવી પડશે. તે પછી, એપ તમને પૂછશે કે તમે કયા પ્રકારની આઇટેમ્સ પ્રોટેક્ટ કરવા માગો છો, જેમ કે ઇમેજીસ, ઓડિયો, વીડિયો વગેરે.
આ બધું જ સિલેક્ટ કરી લો, તે પછી આપણે ફોનમાં આ પ્રકારની કોઈ પણ ફાઇલ ડિલીટ કરો તે બિલકુલ ગાયબ થવાને બદલે કમ્પ્યુટરના રીસાયકલ બીનની જેમ ડમ્પસ્ટરમાં સચવાઈ રહે છે.
સેટિંગ્સમાં જઈને તમે ધારો તો, તમે ખાલી ન કરો ત્યાં સુધી કાયમ માટે આ ફાઇલ્સ ડમ્પસ્ટરમાં રાખી શકો છો અથવા અમુક અઠવાડિયા કે મહિના પછી તે ડમ્પસ્ટરમાંથી આપોઆપ ડિલીટ થાય એવું સેટિંગ કરી શકો છો. પછી જ્યારે પણ તમે કોઈ ફાઇલ ભૂલથી ડિલીટ કરો ત્યારે ડમ્પ્સ્ટર ઓપન કરી, તેમાં એ ફાઇલ શોધીને તેને રીસ્ટોર કરી શકો છો.
યાદ રાખશો કે આ એપ કશુંક ભૂલથી ડિલીટ કર્યા પહેલાં ઇન્સ્ટોલ કરી લેવાની એપ છે. આ એપની ટાઇમ મેગેઝિને પણ નોંધ લીધી છે.

