કોફીશોપ હોય કે એરપોર્ટ, લેપટોપ હોય કે સ્માર્ટફોન, ફ્રી વાઇફાઇનો ઉપયોગ સતત વધી રહ્યો છે, મફતમાં મજાની લાગતી આ સુવિધાનાં જમા-ઉધાર પાસાં જાણી લેવાં જરૂરી છે
પબ્લિક પ્લેસમાં ઓપન વાઇફાઇના ઉપયોગ અંગે ઘણા લોકોને ખાસ જાણકારી નથી હોતી અને જે લોકોને છે તેમાંથી પણ ઘણાખરા તેના સિક્યોરિટી રિસ્ક અંગે વાકેફ નથી હોતા.
આગળ શું વાંચશો?
- કઈ રીતે હેકિંગ શક્ય છે, ઓપન વાઈફાઈ પર?
- વાઈફાઈ પર સલામતીના ઉપાય
- વાઈફાઈ થોડું બેઝિક
ગયા ફેબ્રુઆરી મહિનામાં જ્યારે હું બેંગ્લોર હતો ત્યારે એક ન્યૂઝ વાચવા મળ્યા હતા કે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તે વખતે અમદાવાદમાં E-nagar નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, જેના અંતર્ગત અમદાવાદ શહેરમાં ૮ જેટલા પ્રાઇમ લોકેશન્સ પર વાઇફાઇ હોટસ્પોટ બનાવવામાં આવશે અને જેમ જેમ આ પ્રોજેક્ટ આગળ વધશે તેમ ગુજરાતના કુલ ૫૩ નાનાં મોટાં શહેરોમાં આ રીતે મફત વાઇફાઇની સુવિધા આપવામાં આવશે અને આ બધું ટૂંક સમયમાં સમુંસુતરું પાર પડ્યું તો આવનારા સમયમાં ગુજરાત દેશનું સૌથી મોટું wi-fi hub બની જશે અને લગભગ બધા જ ઇન્ટરનેટ યુઝર્સ તેનો યુઝ કરશે.
આવનારા સમયમાં આપણે બધા ફ્રી વાઇફાઇ સુવિધાથી સજ્જ થઈ જવાના છીએ. મોટા ભાગનાં જાહેર સ્થળો જેવાં કે એરપોર્ટ, રેલવે સ્ટેશન, કોલેજ કેમ્પસ, બ્રાન્ડેડ રેસ્ટોરન્ટસ, હોટેલ્સ, કોફીશોપ વગેરે જગ્યાઓ પર આજે પણ ફ્રી વાઇફાઇ ઉપલબ્ધ હોય છે. તો આ સુવિધાનો સદુપયોગ કઈ રીતે કરી શકાય અને તેનો બને તેટલો સારો અને સુરક્ષિત કઈ રીતે ઉપયોગ થાય તે આપણે જાણીએ.
સૌ પ્રથમ તો એ જાણીએ કે વાઇફાઇ દ્વારા આપણે કઈ કઈ ડિવાઇસ કે ગેજેટ્સનો ઉપયોગ કરી શકીએ.
- પર્સનલ કમ્પ્યુટર્સ
- વીડિયોગેમ ડિવાઇસ
- ડિજિટલ ઓડિયો પ્લેયર્સ
- લેપટોપ
- અમુક ડિજિટલ કેમેરા
- પ્રિન્ટર્સ
- સ્માર્ટફોન
- ટેબલેટ્સ વગેરે…
આવનારા સમયમાં આ લિસ્ટ વધુ લાંબું બનવાનું છે.
પબ્લિક પ્લેસમાં ઓપન વાઇફાઇના ઉપયોગ અંગે ઘણા લોકોને ખાસ જાણકારી નથી હોતી અને જે લોકોને છે તેમાંથી પણ ઘણાખરા તેના સિક્યોરિટી રિસ્ક અંગે વાકેફ નથી હોતા. ખુલ્લા વાઇફાઇ સ્પોટ્સ આમ તો અસુરક્ષિત નેટવર્ક જ છે, જેનો દૂપયોગ હેકર્સ દ્વારા થઈ શકે છે. આપની અગત્યની માહિતી જેમ કે એકાઉન્ટ ઇન્ફર્મેશન, પાસવર્ડ, ગૂગલ સર્ચ, ફાયનાન્સિયલ ડેટા વગેરે હેકર્સ પાસે જઈ શકે છે.
મૂળ વાત પર જતાં પહેલાં આપણે ફ્રી વાઇફાઇના ફાયદા વિશે જાણીએ. સૌથી પહેલાં તો પાક્કા ગુજરાતી તરીકે કોઈ વસ્તુ ફ્રીમાં મળે તેનો આનંદ અલગ જ હોય છે! ઉપરાંત વાઇફાઇ માટે જે સેટઅપ હોય તે પણ સરળતાથી થઈ જાય છે. સેટઅપ કરનાર ગ્રાહકોને વાઇફાઇ દ્વારા આકર્ષીને પોતાનો બિઝનેસ વધારી શકે છે. ઉપરાંત ઇન્ટરનેટ યુઝ કરનારને પણ આનંદ આવે તેવા કમ્ફર્ટેબલ વાતાવરણમાં ફ્રી વાઇફાઇની સુવિધા સાર્થક ગણાય. આપણામાંથી ઘણા લોકો જાણીતી કોફીશોપ્સમાં કોફીની સાથે સાથે ચેટિંગની સુવિધાનો લાભ જરૂર લેતા હશે અથવા તો એરપોર્ટ પર ફ્લાઇટનો વેઇટ કરતાં કરતાં ઈ-મેઇલ્સ ચેક કરતા હશે.
તો આ બધી સુવિધાઓના ઉપયોગ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, તે વિશે જાણીએ.
સર્ફિંગ, બ્રાઉઝિંગ, ઈ-મેઇલ, ચેટિંગ વગેરે એક એવા નેટવર્ક પર કરવું કે જેમાં સલામતીનો ભરોસો હોય. ઓપન વાઇફિામાં રીમોટ મોનિટરિંગ, કોમ્પ્યુનિકેશન, હાઇજેકિંગની શક્યતા રહે છે. સરળ ભાષામાં કહું તો આપના કમ્પ્યુટરમાં થતી બધી જ એક્ટિવિટી કોઈ અજાણ્યો શખ્સ જોઈ શકે છે અથવા તો તમારા આઈપી એડ્રેસને ટ્રેસ કરી શકે છે. આ માટે નેટવર્ક સ્કેનિંગના ઘણા સોફ્ટવેર્સ ઉપલબ્ધ છે. જેમાંથી કોઈનો ઉપયોગ હેકર્સ કરી શકે છે. ઇન્ફર્મેશન સિક્યોરિટી ફર્મ ટ્રસ્ટેડસેકના ચેરમેન અને ફાઉન્ડર ડ્રેઇડ કેનેડીના માતાનુસાર “હેકર પોતાના બેગપેકમાં છુપાવેલી નાનકડી આઇપેડ જેવડી ડિવાઇસથી પણ નેટવર્ક ટ્રાફિકનું મોનિટરિંગ કરી શકે છે. વર્ષો પહેલા આવેલી પ્રખ્યાત મૂવી ‘ઇટાલિયન જોબ’ જો આપે જોઈ હશે તો ખ્યાલ હશે કે હેકર એરપોર્ટ પરના ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરીને કઈ રીતે સિક્યોરિટી હેક કરે છે.
સવાલ માત્ર નેટવર્કની સિક્યોરિટી કે વિકનેસનો નથી, પરંતુ તેના યુઝર્સના પર્સનલ ડેટા અને અગત્યની અન્ય માહિતીની સિક્યોરિટીનો છે.
કઈ રીતે હેકિંગ શક્ય છે, ઓપન વાઇફાઇ પર?
ધારો કે તમે કોઈ વેબસાઇટ પર લોગઇન કરો તો અને તેની કોઈ એપ્લિકેશન વડે કોઈ પણ માહિતીને સિમ્પલ ટેક્સ્ટ ફોર્મેટમાં નેટવર્ક દ્વારા મોકલો છો તો આ ઇન્ફર્મેશન હેકર્સ દ્વારા સહેલાઈથી કેપ્ચર થઈ શકે છે. દા.ત. તમારો ઈ-મેઇલ લોગઇન ડેટા જો તમે સિક્યોરલી ટ્રાન્સફર ન કર્યો તો બની શકે કે તેની માહિતી હેકર્સ દ્વારા મોનિટર થતી હોય અને એ પણ આપની જાણકારી વગર.
આ ઉપરાંત ફાઇલ શેરિંગ કરતી વખતે પણ હેકર્સ તમારો ડેટા એક્સેસ કરી શકે છે.
આવું કરવા માટે તેને માત્ર ૫૦-૧૦૦ ડોલરના અમુક ટૂલ્સ અને તેના ઉપયોગ વિશેની જાણકારી પૂરતી છે. આવા ટૂલ્સ ડેટાની ચોરી સરળ બનાવે છે. આ પ્રવૃત્તિ ૧૦૦ ટકા ગેરકાયદેસર અને સજાપાત્ર છે.
વાઇફાઇ પર સલામતીના ઉપાય
આગળ જણાવ્યા તેવા વાઇફાઇ નેટવર્ક પરના કોઈ પણ પ્રકારના હેકિંગથી આપણે કઈ રીતે બચી શકીએ તે આપણે આગળ જોઈએ.
નેટવર્ક નેમ વેરિફિકેશન : સામાન્ય રીતે ફ્રી ઓપન વાયફાઇનું સિગ્નલ મળતાં જ આપણે લેપટોપ કે સ્માર્ટફોનને કનેક્ટ કરી દેતા હોઈએ છીએ, પરંતુ કેટલીક વાર હેકર્સ પોતે જે તે ઓપન વાઇફાઇના ડિવાઇસ જેવા જ ભળતા નામે પોતાનું ફ્રી નેટવર્ક ગોઠવી દેતા હોય છે. આવા નેટવર્કને Evittwiru કહેવાય છે. દા.ત. ડોમિનોઝ રેસ્ટોરન્ટની ડિવાઇસનું નામ Dominozz-home છે તો હેકર્સ તેના જેવું જ Dominozz-Pizz કે એવા કોઈ નામથી પોતાની જ હોસ્પોટ ડિવાઇસ ગોઠવી શકે છે. માટે જ કનેક્ટ થતાં પહેલા કોઈ પણ ઓથોરાઇઝડ વ્યક્તિ પાસેથી ડિવાઇસની જાણકારી લેવી જરૂરી છે.
URL બારમાં ‘’https.’’ ચેક કરો : એન્ક્રીપ્શન વગરનું કોમ્યુનિકેશન તાળા વગરની તિજોરી જેવું છે. સદભાગ્યે મોટા ભાગની વેબસાઇટ લોગઇન માટે “https” ની સુવિધા આપે છે. જે લોકોને ખ્યાલ નથી તે લોકોને જણાવી httpsમાં ’s’ એ ssl (સિક્યોર સોકેટ લેયર) દર્શાવે છે. જેનો સરળ અર્થ એવો થાય છે કે તમારા દ્વારા કરવામાં આવેલ કોમ્યુનિકેશન સિક્યોર કે એન્ફ્રીપ્ટેડ છે. ઉપરાંત અંગત સલાહ એ પણ છે કે જાહેર સ્થળોએ અથવા તો ઓપન વાઇફાઇ કોઈ પણ પ્રકારની ફાયનાશિયલ કે બેંકિંગ પ્રક્રિયા કરવી નહીં.
VPNનો ઉપયોગ કરો : હેકર્સ માટે સોથી વધુ ઉપયોગી આપનું આઈપી એડ્રેસ હોય છે. આ કારણે જ તમારું આઈપી એડ્રેસ શેર ન થાય તે વાતનું ધ્યાન રાખવું આવશ્યક છે. VPN-Virtual Prirate Network આપના આઇપી એડ્રેસને છુપાવી રાખે છે અને રેન્ડમલી કોઈ અન્ય આઇપી એડ્રેસનો ઉપયોગ કરીને બ્રાઉઝિંગ સર્વિસ પ્રોવાઇડ કરે છે. આ માટે આપ TOP (The Onion Router), Epic વગેરે બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો. ઉપરાંત ઘણી VPN સર્વિસ ફ્રીમાં મળી રહેશે. જેમ કે Hotspot sheild, proxpn, Jpredator, strongvpn વગેરે.
સિક્યોરિટી સોફ્ટવેર અપડેટ રાખો : ડેટા સિક્યોરિટી એ કોઈ જાદુ નથી. એક પ્રોસેસ છે. જેમ યુદ્ધમાં વપરાતી તલવારની ધાર ન કાઢીએ તો લડાઈમાં કામ ન આવે તેમ આપણી ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરેલ સોફ્ટવેર્સને અપડેટ ન રાખીએ તો તેમાં સિક્યોરિટીની શક્યતા કે ખાતરી નથી રહેતી. આ સોફ્ટવેર્સમાં વિન્ડોઝ અપડેટ, ફાયરવોલ, એન્ટિવાઇરસનો સમાવેસ થાય છે, જેને રેગ્યુલર રીતે અપટુડેટ રાખવા જરૂરી છે. જેથી કોઈ પણ હેકિંગ અટેક વખતે એવર્ટ આપી શકે.
શેરિંગ બંધ કરો: જરૂરી ફાઇલ કે ડેટાની આપલે કરતી વખતે થતું શેરિંગ કામ પૂરું કર્યા બાદ ઓફ કરી દેવું જોઈએ. જેથી કોઈ પણ અનધિકૃત વ્યક્તિ દ્વારા આપની ડિવાઇસ એક્સેસ ન થઈ શકે. ચાલો એ પણ જણાવી દઉં કે શેરિંગ કદાચ આપની જાણ બહાર ઓન હોય તો બંધ કઈ રીતે કરી શકાય.
(૧) Windows:
- સૌપ્રથમ Contro lPanel ખોલો
- Network and Internet પર ક્લિક કરો.
- Network & sharing enter પર સિલેક્ટ કરો.
- Homepage and sharing optains સિલેક્ટ કરો.
- Change Advance sharing setting જઈને turn of કરો.
(૨) Mac os:
- System Preferences માં જાઓ.
- Sharing પર ક્લિક કરો અને બધા જ બોક્સ uncheck કરો.
Firewall ઓન રાખો : મોટા ભાગની ઓપરેટિંગ સિસ્ટમમાં ઇનબિલ્ટ ફાયરવોલ આપેલી હોય છે. જેના દ્વારા કોઈ પણ અજાણ્યા શેરિંગથી બચી શકો છો. સૌપ્રથમ Control Panel માં જાઓ.
- System and Security પર ક્લિક કરો.
- Windows Firewall ક્લિક કરીને ઓન કરો.
- Macમાં સૌથી પહેલા Preference પર ક્લિક કરો.
- ત્યાર બાદ Security પર ક્લિક કરીને Firewall ને ઓન કરો.
વાઇફાઇ ઓનઓફ કરો : ઓપન વાઇફાઇ વિનામૂલ્યે હોવાથી આપણે વાઇફોઇનો ઉપયોગ તો કરીએ છીએ, પણ પછી તેને બંધ કરવાનું ટાળતા હોઈએ છીએ. ફ્રી સેવાનો બને એટલો સદ્પયોગ (?) થાય એટલા માટે છોને ચાલુ રહેતું એમ સમજીને આપણે વાઇફોઇ ઓફ નથી કરતા. જેને લીધે તેના પર થતા એટેક પર આપણું ધ્યાન નથી જતું અને આપણે બેફિકર થઈ જઈએ છીએ.
પાસવર્ડને સુરક્ષિત રાખો : આપના સિસ્ટમમાં કોઈ સેવ્ડ પાસવર્ડ છે તો બને ત્યાં સુધી શેરિંગ ટાળવું જોઈએ. હેકર્સ વાઇફાઇ નેટવર્ક પર કિલોગર્સ સેટ કરીને તમારા સેવ્ડ પાસવર્ડને જાણી શકે છે. કેટલાક લોકોને પાસવર્ડ યાદ ન રાખવા પડે તે માટે બ્રાઉઝરમાં સેવ્ડ પાસવર્ડનો ઓપ્શન સિલેક્ટ કરી રાખે છે જે ખરેખર કોઈ અન્ય અજાણી વ્યક્તિ પાસે જઈ શકે છે. પાસવર્ડ યાદ રાખવાની આદત પાડો અને પાસવર્ડ પોતે યાદ રાખવામાં સહેલો, પણ બીજા માટે અટપટો રાખી શકો.
સિક્યોરિટી ટૂલ્સ ઇન્સ્ટોલ કરી રાખો : Mac OS, Windows બંનેમાં ઇનબિલ્ટ ઉપરાંત અન્ય બહારના પણ સોફ્ટવેર ઉપલબ્ધ છે જે કોઈ પણ જાતના શેરિંગ ડાઉન્ડલોડિંગ કે અનઓથોરાઇઝ્ડ એક્સેસ વખતે યુઝરને એલર્ટ કરે છે. એન્ટિવાઇરસ અને અમુક એન્ટિ-સ્પાયવેર આ પ્રકારની સુવિધા આપે છે. જેથી આપ નિશ્ચિત રહી શકો.
કોમન સેન્સ વાપરો : દરેક ખુલ્લા વાઇફાઇમાં સિક્યોરિટીની રિસ્ક રહેવાની જ છે તેમ માનીને જ કામ કરવું જોઈએ. ફ્રીમાં મળેલી બધી વસ્તુ આપણા માટે ફાયદાકારક જ હોય એ જરૂરી નથી. તો બેંકિંગ કે અન્ય ફાયનાન્સિયલ અથવા તો પોતાની કંપનીની વેબસાઇટ ખોલીને કામ કરવું સલાહભર્યું નથી. આ માટે તમારી પોતાની યુએસબી ડેટા સ્ટિકનો ઉપયોગ વધુ હિતાવહ રહેશે.
ફ્રી વાઇફાઇની સગવડનો ઉપયોગ ઘણા અંશે ટાઇમપાસ માટે અથવા જરૂરી કામ પૂરતો મર્યાદિત રાખશો તો આ સુવિધા આપના માટે આનંદદાયક અને આશીર્વાદરૂપ બની રહેશે. સાવ લડીલેવાની ભાવના રાખવા જતા હોય એ પણ ગુમાવવાનો વારો આવી પડે. આપની ઇન્ફોર્મેશન એ આપની પોતાની મિલ્કત છે જેને સાચવવાની જવાબદારી આપના પર છે. ચેતતા નર સદા સુખી.
વાઇફાઇ થોડું બેઝિક
૨૦ વર્ષ પહેલાં ઇન્ટરનેટ ચલાવવા માટે તમારી પાસે ટેલિફોન નેટવર્ક કેબલ અને ક્નેકશન જરૂરી મનાતું હતું. લેપટોપ ડિવાઇસની કલ્પના કરવી મુશ્કેલ હતી.
ત્યાર બાદ વાઇફાઇની શોધ થતાં જ ઇન્ટરનેટ વાપરવાનો આખો અંદાજ બદલાઈ ગયો. કનેક્શન લઈને કોઈ પણ વાયર વગર લેપટોપ લઈને ઘરમાં કે ઓફિસમાં ગમે ત્યાં બેસીને કામ કરી શકો. જોતજોતામાં આ ટેક્નોલોજીને દુનિયાભરમાં આવકાર મળ્યો. આજે નાનકડા મોબાઇલથી માંડીને ઘણી ગેમીંગ, ફોટોગ્રાફી માટેની ડિવાઇસમાં વાઇફાઇ આવી ગયું છે. વાઇફાઇ કઈ રીતે કાર્ય કરે છે તે આપણે અહીં દશર્વિેલ ચિત્ર દ્વારા વધુ સ્પષ્ટ થઈ જશે.

