મોબાઇલ ફોનની શોધને ૪૦ વર્ષ થઈ ગયાં હોવા છતાં, તેનાથી માનવમગજને નુક્સાન થાય છે કે નહીં એ વિષે નિષ્ણાતો એકમત નથી. એમની દલીલો ચાલુ છે ત્યારે, નવાં ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ અને વાઇ-ફાઈ પણ જોખમી હોવાનો સૂર ઊઠી રહ્યો છે.
આગળ શું વાંચશો?
- મોબાઈલ હાનિકારક છે?
- સાર શું છે?
- રેડિએશનનું વિરાટ આવરણ
- નુકસાન શી રીતે થાય છે?
- સાવચેતીનાં પગલા
તમે નવો ફોન ખરીદતી વખતે કઈ કઈ બાબત તપાસો? આપણે સૌ મોટા ભાગે બજેટ, કંપની, સ્ક્રીન સાઇઝ, સ્ટોરેજ કેપેસિટી વગેરે બાબત ધ્યાને લઈએ, પણ તમે નજરમાં આવેલા મોડેલ્સની ‘સાર વેલ્યુ’ કેટલી છે એ ક્યારેય ચેક કરો છો?
મોબાઇલના વધુ પડતા ઉપયોગથી કેન્સર થઈ શકે છે એવી એક સામાન્ય માન્યતા છે, જેના વિશે સતત મતમતાંતર થયા કરે છે, પણ પરંતુ તમે ‘ચેતતો નર સદા’ સુખી એ કહેવતમાં માનતા હો તો આ ‘સાર’નો મુદ્દો સમજી લેવામાં સાર છે! પરંતુ એ પહેલાં, એ સમજીએ કે મોબાઇલ ફોનની શોધને પૂરા ચાર દાયકા થઈ ગયાં છે, છતાં મોબાઇલથી કેન્સર થાય કે નહીં એ વિશે વૈજ્ઞાનિકો સ્પષ્ટ મંતવ્ય કેમ આપી શકતા નથી?
મોબાઇલ હાનિકારક છે?
એક્સ-રે કે તેના જેવાં બીજાં ઊંચી તીવ્રતાનાં કિરણો શરીરમાં ઊંડે સુધી જઈ શકે છે, પરંતુ મોબાઇલમાંથી નીકળતા નીચી તીવ્રતાનાં વિકિરણોમાં માનવ શરીરના કોષમાં ઘૂસીને ડીએનએને નુકસાન કરવા જેટલી શક્તિ હોતી નથી. જો મોબાઇલમાંથી નીકળતું રેડિએશન મોટા પ્રમાણમાં માનવમગજમાંના કોષમાં દાખલ થાય તો તેને નુક્સાન કરી શકે, પરંતુ આપણે મોબાઇલ ફોન કાને મૂકીને વાત કરીએ ત્યારે તેમાંથી નીકળતું રેડિએશન ચોક્કસ કેટલા પ્રમાણમાં મગજ સુધી પહોંચે છે તે વૈજ્ઞાનિકો નક્કી કરી શકતા નથી. મોબાઇલનું રેડિએશન મગજના કોષ સુધી પહોંચે એટલે ગરમીમાં પરિવર્તિત થાય છે, તેને એમઆરઆઇ પરીક્ષણ એટલે કે મેેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગથી તપાસી શકાય, પરંતુ મોબાઇલ હેન્ડસેટમાં બહુ બધા ધાતુના પાર્ટસ હોવાથી કોઈ વ્યક્તિને કાને મોબાઇલ મૂકીને તેને એમઆરઆઇમાં દાખલ કરી શકાતી નથી!
આમ મોબાઇલના રેડિએશનની સ્વાસ્થ્ય પર અસર વિશે ચોક્કસ સ્પષ્ટતા ન હોવા છતાં તેનાથી સાવધ રહેવામાં જ સાર છે.
‘સાર’ શું છે?
ફક્ત મોબાઇલ હેન્ડસેટ નહીં, મોબાઇલ કંપનીઓના ટાવરમાંથી નીકળતાં વિકિરણ પણ જોખમી ગણાય છે. શરીર પર તેની અસર ‘સાર’ એટલે કે એસએઆર-સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટથી માપવામાં આવે છે. દુનિયાના જુદા જુદા દેશોએ પોતાના દેશમાં મોબાઇલ હેન્ડસેટ માટે સારની ચોક્કસ મયર્દિા નક્કી કરી છે. જેમ કે યુએસમાં શરીરના ૧ ગ્રામ ટીસ્યુ પર વધુમાં વધુ ૧.૬ વોટ્સ/ કિલોગ્રામની સાર વેલ્યુ ધરાવતા મોબાઇલ હેન્ડસેટના વેચાણની જ છૂટ છે. યુરોપમાં આ મયર્દિા ૧૦ ગ્રામ ટીસ્યુ પર વધુમાં વધુ ૨ વોટ્સ/કિલોગ્રામની છે.
ભારતમાં પણ પહેલી સપ્ટેમ્બર, ૨૦૧૨થી, ભારતમાં વેચાણ થતા કે આયાત થતા મોબાઇલ હેન્ડસેટ માટે શરીરના ૧ ગ્રામ ટીસ્યુ પર વધુમાં વધુ ૧.૬ વોટ્સ/ કિલોગ્રામની સાર વેલ્યુની મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. એ અગાઉ ભારતમાં પણ યુરોપ જેવી મર્યાદા હતી. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સે જારી કરેલા આદેશો મુજબ, ભારતમાં વેચાતા મોબાઇલ હેન્ડસેટ્સના બોક્સ પર આઇએમઇઆઇ (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબરની જેમ જે તે હેન્ડસેટ રેડિએશન સેફ છે એ દર્શાવવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
રેડિએશનનું વિરાટ આવરણ
પરંતુ વાત ફક્ત મોબાઇલ ફોનની નથી. વિશ્ર્વના ઘણા નિષ્ણાતો માની રહ્યા છે કે એક સદી પહેલાં જગતને વીજળીની ભેટ મળી અને પૃથ્વી પર વીજળીના તાર વીંટળાવા લાગ્યા ત્યારથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ (વીજ-ચુંબકીય ક્ષેત્રો)થી પેદા થતું રેડિયેશન માનવજાત માટે જોખમી બની રહ્યું છે.
પાવર લાઇન્સ, ઘરમાંનું વીજળીનું વાયરિંગ, સેલફોન, રેડિયો, ટીવી, વાઇ-ફાઇ ટ્રાન્સમીટર્સ વગેરે દરેકને કારણે આખા જગતમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સનું વિરાટ આવરણ છવાઈ રહ્યું છે, જેના કારણે આપણે વિવિધ પ્રકારના રોગ થઈ શકે છે.
એટલું ઓછું હોય તેમ, વીજળીનો વધુમાં વધુ કાર્યક્ષમ ઉપયોગ કરવાની લ્હાયમાં આપણે એક ખતરનાક જોખમને નોતર્યું હોય એવી શક્યતા પણ દેખાઈ રહી છે. તમે જાણતા હશો કે કમ્પ્યુટર્સ, રેફ્રિજરેટર્સ, પ્લાઝ્મા ટીવી, કોમ્પેક્ટ ફ્લુરોસન્ટ લાઇટબલ્બ કે બલ્બનો પ્રકાશ ઘટાડતી ડીમર સ્વીચ વગેરેમાં વીજળીની ખપત ઘટાડી નાખવાની ટેકનિકનો ઉપયોગ થતો હોય છે. નિષ્ણાતો માને છે કે પાવર કરન્ટ સાથેની આ ‘રમત’ને કારણે તીવ્રપણે વધઘટ પામતું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ રચાય છે, જે જોખમી હોઈ શકે છે.
લેપટોપના પાવર કોર્ડ, પ્રિન્ટરના કેબલ કે સેલફોનના ચાર્જરના છેડે રહેલ ડબ્બા જેવાં સાધન પણ જે તે સાધનમાં આવતા પાવરને ઘટાડે છે. આપણે લગભગ રોજેરોજ અનુભવીએ છીએ કે આ સાધનોને પ્લગમાં નાખીને ઉપયોગમાં લઈએ ત્યારે તે ગરમ થઈ જાય છે.
નુક્સાન શી રીતે થાય છે?
આ વિશે પણ મતમતાંતર છે, પણ કેટલાક નિષ્ણાતો કહે છે કે ઇલેક્ટ્રોનિક્સ સાધનોમાં જતા પાવર કરન્ટમાં સતત અવરોધ ઊભો થતો હોય છે, અને સતત જેમ લોહચુંબકમાં જુદા જુદા ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય છે તેમ સાધનમાંનો પાવર ઓન થાય ત્યારે તેના સંપર્કમાં રહેલા આપણા શરીરમાંના નેગેટિવલી ચાર્જ્ડ ઇલેક્ટ્રોન્સ તેના તરફ આકર્ષાય છે. જ્યારે સાધનમાંનો પાવર અવરોધ સર્જવા ઓફ થાય ત્યારે તે નેગેટિવલી ચાર્જ્ડ થાય છે અને પરિણામે આપણા શરીરમાંના ઇલેક્ક્ટ્રોન્સને ઊંધો ધક્કો લાગે છે. જે તે સાધનમાં આવું દર સેક્ન્ડે મોટી માત્રામાં થાય છે, પરિણામે શરીરમાંના ઇલેક્ટ્રોન્સ પણ દર સેક્ન્ડે – તળપદી ભાષામાં કહીએ તો – હડિયાપટ્ટી કરતા રહે છે, પરિણામે શરીરમાં ગરમી પેદા થાય છે, જે નુક્સાન કરી શકે છે.
ડાયાબિટિસના દર્દીઓ જાણે છે કે આપણા શરીરમાં સ્વાદુપીંડ ઇન્સ્યુલિન બનાવવાનું કામ સંભાળે છે. આપણે પણ ભણી ગયા છીએ કે શરીરમાં ક્યાંય ચેપ લાગે તો લોહીમાંના શ્વેતતકણો સજાગ થઈને ‘ઘટનાસ્થળે’ પહોંચી જાય છે અને રોગની સંભાવના સામે લડત આપે છે. સ્વાદુપીંડ કે શ્વેતતકણોને તેમણે ક્યાં, ક્યારે, કયું કામ કરવાનું છે તેની સૂચના મગજ આપે છે, પણ સૂચના મગજથી તેમના સુધી પહોંચે છે કઈ રીતે? જવાબ છે ચેતાતંત્રમાં વહેતી ઇલેક્ટ્રિસિટી અથવા ઇલેક્ટ્રોનના પરિવર્તનોથી. આપણા શરીરમાં ઇલેક્ટ્રોન્સ દ્વારા શરીરના વિવિધ ખૂણે સંદેશા મોકલવાની આ પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે, પરંતુ પાવર કનેક્ટેડ ઇલેક્ટ્રોાનિક્સ સાધનો નજીક હોય ત્યારે શરીરમાંના ઇલેક્ટ્રોન્સ પોતાનું મૂળ કામ પડતું મૂકીને કારણ વગરની દોડાદોડીમાં લાગી પડે છે.
પરિણામે, જેમ ચૂંટણી આવતાં શિક્ષકોને ચૂંટણીના કામમાં જોતરી દેવામાં આવે અને તેમનું મૂળ શિક્ષણનું કામ ખોરવાઈ પડે તેવું જ શરીરમાં થાય છે. ચૂંટણી તો વેકેશનમાં યોજવાની કાળજી લેવાય છે, પણ શરીરના ચેતાતંત્રમાં તો ક્યારેય વેકેશન હોતું નથી!અલબત્ત, આ બધી જ વાત હજી શક્યતાઓ અને સંભાવનાઓ આધારિત છે. નિષ્ણાતો કહે છે કે રેડિએશન બે પ્રકારનાં હોય છે : આયોનાઇઝિંગ અને નોન-આયોનાઇઝિંગ. આપણે અગાઉ જે જોખમોની વાત કરી તે બધામાં નોન-આયોનાઇઝિંગ રેડિશન પેદા થતું હોવાથી તે માનવશરીર માટે જોખમી ન હોવાનો મત પણ છે.
છેવટે હકીકત એ જ રહે છે કે વિશ્ર્વની ૬-૭ અબજની વસતિમાંથી પોણા ભાગના લોકો મોબાઇલ ફોન વાપરતા થઈ ગયા છે, છતાં મોબાઇલ નુક્સાનકારક છે કે નહીં એ સવાલનો નક્કર જવાબ મળતો નથી. જવાબ મળવાની શક્યતા પણ નથી કેમ કે જગત આખાના બધા દેશોની સરકારોનાં હેલ્થબજેટનો ઘણો ખરો હિસ્સો જુદા જુદા રોગની સારવારની વ્યવસ્થા ગોઠવવામાં જ ખચર્ઈિ જાય છે.
રોગનાં કારણ શોધવાનું કામ હાંસિયામાં જ ધકેલાતું રહે છે. વધારામાં, મોબાઇલ ટેલિફોનીનો ઉદ્યોગ એટલો ફૂલીફાલી રહ્યો છે કે તેનાં સંભવિત જોખમો લોકો સુધી ન પહોંચે એમાં જ ઘણાને રસ હશે!
સાવચેતીનાં પગલાં
સેલફોનથી નુક્સાન છે કે નહીં એ માટે વૈજ્ઞાનિકો એકમત થાય ત્યાં સુધી રાહ જોવા ન માગતા હો તો આટલું ધ્યાન રાખો…
સેલફોન પર વાત કરો ત્યારે બને ત્યાં સુધી સ્પીકરફોન પર વાત કરો. બીજો વિકલ્પ વાયર્ડ હેન્ડસેટનો અને ત્રીજો બ્લુટૂથનો છે.
- દિવસે સેલફોનને શરીરથી દૂર રાખો. રાત્રે ઓશિકા પાસે ન રાખો.
- પાવરફૂલ સિગ્નલ્સ મળતાં હોય ત્યારે જ ફોનનો ઉપયોગ કરો.
- લિફ્ટ, કાર, ટ્રેન કે પ્લેનમાં સેલફોનનો ઉપયોગ ટાળો. ધાતુનાં આવરણો વચ્ચે સેલફોને વધુ પાવરથી કામ કરવું પડે છે.
- વાત બને એટલી ટૂંકી કરો. એસએમએસથી કામ પતે તો વધુ સારું!
- શક્ય હોય તો વાયર્ડ લેન્ડલાઇન વાપરો.
- ઘરમાં વાયરલેસ રાઉટર હોય તો તેને સૌથી ઓછા વપરાતા રુમમાં રાખો અને રાત્રે બંધ કરી દો.
- જરુરી ન હોય ત્યારે કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટફોન વગેરેમાં વાયરલેસ કનેક્ટિવિટી બંધ રાખો.


