તમે તમારી પોતાની કે પરિવારની મેડિકલ ફાઇલ વ્યવસ્થિત રીતે જાળવો છો? ત્રણ વર્ષ પહેલાં દાંતની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવી હતી, એ પછી એક વાર પગમાં મોચ આવી હતી, હમણાં હમણાંથી ડાયાબિટીસ કે કોલેસ્ટરોલના ટેસ્ટ કરાવવાના શરૂ થયા છે… તમારી હેલ્થને લગતી આવી બધી જ માહિતી તમારી પાસે બિલકુલ હાથવગી છે? લગભગ નહીં જ હોય.
પરંતુ તમને યાદ હોય તો ગૂગલે ૨૦૦૮માં ગૂગલ હેલ્થ નામનો એક પ્રોજેક્ટ શરુ કર્યો હતો, જેમાં વિવિધ હોસ્પિટલ, પેથોલોજી લેબ અને ડોક્ટર્સ પાસે સચવાયેલી આપણી બધી માહિતી ગૂગલ હેલ્થમાં એક જ સ્થળે એકઠી થાય અને આપણે ઇચ્છીએ ત્યારે આપણી મેડિકલ હિસ્ટ્રી પોતે જોઈ શકીએ કે કોઈ ડોક્ટરને બતાવી શકીએ એવી એમાં વ્યવસ્થા હતી. લોકોએ ગૂગલના આ પ્રોજેક્ટમાં ખાસ રસ બતાવ્યો નહીં, પ્રોજેક્ટ પોતે માંદો પડ્યો અને જાન્યુઆરી ૨૦૧૩માં તેનું મૃત્યુ પણ થઈ ગયું.
પરંતુ હવે ગૂગલ, એપલ અને સેમસંગ જેવી કંપનીઓને ફરી હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં ઊંડો રસ પડ્યો છે અને આ કંપનીઓ વિવિધ એપ્લિકેશન્સ કે પ્લેટફોર્મ દ્વારા આપણા રોગોના રામબાણ ઇલાજ આપવાની વેતરણમાં પડી છે.
આ બધી કંપનીઓ આરોગ્યસેવા માટે ઉતાવળી થઈ હોય તો ફેસબુક કેમ પાછળ રહે? હમણાં હમણાં આવેલા સમાચારો મુજબ, ફેસબુક પણ હેલ્થકેર એપ્સ અને ઓનલાઇન ‘સપોર્ટ કમ્યુનિટિઝ’ ડેવલપ કરવાનું વિચારી રહી છે, જેથી “લોકોને હેલ્ધી લાઇફસ્ટાઇલ જાળવવામાં મદદ મળે!
જોકે ફેસબુક મારફતે આખી દુનિયાને આપના બ્લડ પ્રેશર વિશે માહિતી મળે એ વિચારથી જ ઘણાનાં બ્લડ પ્રેશર વધે તેમ છે, એટલે ફેસબુક પહેલાં કોઈ જુદા જ નામે આવી સર્વિસ આપીને લોકો કેવોક પ્રતિસાદ આપે છે એ તપાસે તેવી શક્યતા છે.
ગૂગલની જેમ ફેસબુક પાસે પણ દુનિયાભરના અનેક લોકોની સારી એવી માહિતી છે. જેમ કે આપણાં નામ, કોણ ક્યાં રહે છે, આપણા મિત્રો કોણ છે, કોને શામાં રસ છે, કોણ શું વાંચે છે, જુએ છે વગેરે ઘણું બધું ફેસબુક જાણે છે. જો તેમાં આપણી સ્વાસ્થ્યને લગતી માહિતી પણ ઉમેરાય તો ફેસબુકનો ડેટાને થેલો બધુ ભરાય. ફેસબુકે આ વર્ષની શરૂઆતમાં મૂવ્સ નામની એક ફિટનેસ અને હેલ્થ ટ્રેકિંગ એપ્લિકેશન ખરીદીને આ દિશામાં ગતિ પકડી લીધી છે.

