જો તમે બીજાથી કંઈક જુદું વિચારી શકતા હો એ એ વિચારે સાકાર પણ કરી શકતા હો તો ગૂગલ તમને આવતી આખી સદી માટે ઇલેક્ટ્રિસિટી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું આહ્વાન આપે છે
‘૩ ઇડિયટ્સ’ ફિલ્મનો રેન્ચો યાદ છે? કોઈના રીસેપ્શનમાં ઘૂસી ગયા પછી ત્રણેય જણા પકડાય છે અને ભરેલી થાળીએ પ્રિન્સિપાલ સામે ઊભા રહેવું પડે છે ત્યારે આમીર ખાન કહે છે કે એ લોકો તો પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી સંખ્યાબંધ કાર્સની બેટરીમાંથી પાવર જનરેટ કરવાનો રીસર્ચ કરવા આવ્યા હતા! ફિલ્મના અંતે, એ જ આઇડિયા કામે લગાડીને ત્રણેય ઇડિયટ્સ પ્રિન્સિપાલની દીકરીની ડિલિવરી પાર પાડે છે.
સો મોરલ ઓફ ધ સ્ટોરી? વાતનો બોધપાઠ? એન્જિનીયરિંગમાં શક્યતાઓ અસીમ છે. પુસ્તકિયા જ્ઞાનથી ઉપર ઊઠીને વિચારવું પડે.
હમણાં ગૂગલે દુનિયાભરના એન્જિનીયર્સમાં સૂતેલા આપણા ‘ઇડિયટ રેન્ચો’ને જગાડવાની કોશિશ કરી છે. આઇડિયા એ જ છે – દુનિયાને જેની સખત જર છે એવું, કંઈક જુદી જ જાતનું પાવર ઇન્વર્ટર બનાવવું. ગૂગલે, દુનિયાના સૌથી વિશાળ પ્રોફેશનલ એસોસિએશન – ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનીયર્સ (આઇઇઇઇ)ના સાથમાં, આખા વિશ્વના તમામ એન્જિનીયરિંગ સ્ટુડન્ટ્સ, એન્જિનીયર્સ, યુનિવર્સિટીઝ, પ્રાઇવેટ કંપનીઝ અને એન્જિનીયરની જેમ વિચારી શકે એવી કોઈ પણ વ્યક્તિને ચેલેન્જ આપી છે કે તેઓ અત્યંત નાનું પાવર ઇન્વર્ટર બનાવી આપે, જેમાં જોરદાર પાવર સમાયેલો હોય. ઇનામ છે ૧૦ લાખ ડોલર (લગભગ છ કરોડ રુપિયા)!
આપણામાંથી જે એન્જિનીયર્સ છે અને આ ચેલેન્જમાં જેમને રસ પડ્યો છે તેઓ સીધા જ https://www.littleboxchallenge.com/ પર જઈને વધુ વિગતો મેળવી શકે છે. અત્યારે ટૂંકમાં એટલું જાણી લો કે આ ચેલેન્જ માટે નામ નોંધાવવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૪ છે, જુલાઈ ૨૦૧૫ સુધીમાં ભાગ લેનારી વ્યક્તિ કે ટીમે પોતાના પ્રારંભિક રીસર્ચનાં પરિણામ સોંપવાં પડશે. નિષ્ણાતો તેમાંથી ૧૮ જેટલા ફાઇનલિસ્ટ પસંદ કરી, તેમને વધુ રીસર્ચ માટે ફંડિગ પણ આપશે. પછી ઓક્ટોબર ૨૧, ૨૦૧૫ સુધીમાં ફાઇનલ ટેસ્ટિંગ થશે અને જાન્યુઆરી ૨૦૧૬માં પહેલું ઇનામ જાહેર થશે.
ગૂગલ કહે છે કે જે એન્જિનીયર ટેબલેટ જેવડું, પણ પાવરફૂલ ઇન્વર્ટર બનાવી આપશે તે આવતી આખી સદી માટે ઇલેક્ટ્રિસિટીમાં ક્રાંતિ લાવી દેશે.હવે આપણામાંથી જે એન્જિનીયર્સ નથી એમના મનમાં ઘોળાતા સવાલોની વાત. આપણને પહેલો સવાલ તો એ થાય કે આ પાવર ઇન્વર્ટર છે શું અને એમાં ગૂગલને આટલો રસ શા માટે પડ્યો?
આપણે સૌ એટલું તો જાણીએ છીએ કે પાવર કરન્ટ બે પ્રકારના હોય છે, ડાયરેક્ટ કરન્ટ (ડીસી) અને ઓલ્ટરનેટિવ કરન્ટ (એસી). આપણા ઘર વપરાશનાં બધાં વીજ ઉપકરણો એસી પાવર પર ચાલે છે. ઇન્વર્ટર એટલે એવું સાધન જે ડીસી પાવર ને એસીમાં ફેરવી આપે. આપણે કારમાં મોબાઇલ ચાર્જ કરવા માટે કે લેપટોપને પાવર આપવા માટે જે સાધનનો ઉપયોગ કરીએ છે તેના એક છેડે આપણા ઘરમાં હોય છે તેવું પ્લગ હોય છે અને તેનો બીજો છેડો આપણે કારના લાઇટર ચાર્જર માટેના સોકેટમાં નાખીએ છીએ. આ પણ એક પ્રકારનું ઇન્વર્ટર છે, જે કારની બેટરીમાંથી ડીસી પાવર લઈને એસીમાં ક્ન્વર્ટ કરી આપે છે, જેનો આપણે ઘર કે ઓફિસની જેમ લેપટોપમાં ઉપયોગ કરી શકીએ છીએ.
પરંતુ જો ફોન કે લેપટોપને બદલે ફ્રીજ કે વોશિંગ મશીન જેવાં સાધનો ચલાવવાં હોય તો બેટરીના ડીસી પાવરને એસીમાં ક્ધવર્ટ કરવા માટે વધુ પાવરફૂલ ઇન્વર્ટરની જર પડે. ગુજરાતમાં વારંવાર વીજળી ડૂલ થવાની સમસ્યા ઓછી છે, પણ બીજાં રાજ્યો અને શહેરોમાં ઘણા પરિવારો કે ઓફિસમાં પાવર ફેઇલ્યોર વખતે મુશ્કેલી ન પડે એટલા માટે ઇન્વર્ટર વસાવવામાં આવે છે. અત્યારે આવાં ઇન્વર્ટર લગભગ કૂલરની સાઇઝનાં હોય છે, ગૂગલ ઇચ્છે છે કે તે ટેબલેટ જેવડાં બનવાં જોઈએ.
કેમ? કેમ કે આપણે ત્યાં મોટા ભાગે મેઇન પાવર સપ્લાય બંધ થાય ત્યારે ઇન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ અમેરિકા જેવા વિકસિત દેશોમાં ઘરની ઘણી ખરી વીજજરિયાત સૂર્યશક્તિથી પૂરી કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં સોલાર ઇન્વર્ટરનો ઉપયોગ થાય છે. સૂર્યકિરણોમાંથી મળતી ઊર્જા ઝીલતી ફોટોવોલ્ટેક પેનલ્સ જે ઇલેક્ટ્રિસિટી પેદા કરે છે તે ડાયરેક્ટ કરન્ટ પ્રકારની હોય છે, ઘર વપરાશનાં સાધનો ચલાવવા, એ પાવરને એસીમાં ફેરવવા માટે સોલાર ઇન્વર્ટરની જરુર પડે છે.
હવે આ આખી વ્યવસ્થાની મજા જુઓ. એક આખા ઘરને સૂર્યઊર્જાથી ચલાવવા માટે મુખ્ય બે બાબતો જરુરી છે, ૧) ફોટોસેલ્સ અને ૨) ઇન્વર્ટર. થયું છે એવું કે છેલ્લા એક દાયકામાં ફોટોસેલ્સ બનાવવાની ટેક્નોલોજી ઘણી વિકસી છે અને તેની કિંમત સતત નીચી આવી છે, પણ ઇન્વર્ટરનાં કદ અને કિંમત બંને યથાવત રહ્યાં છે. સાવ કાલ્પનિક આંકડાનો ઉપયોગ કરીને કંઈક એવું કહી શકાય કે એક ઘર માટે સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો કુલ ખર્ચ રુ. ૧૦૦ થતો હોય, તો ૧૦ વર્ષ પહેલાં તેમાંથી ૫૦ પિયા ફોટોસેલ્સ પાછળ અને બાકીના ૫૦ પિયા ઇન્વર્ટર પાછળ ખર્ચાતા હતા. હવે ફોટોસેલ્સની કિંમત ઘટીને માંડ ૧૦ રુપિયા થઈ ગઈ છે, પણ ઇન્વર્ટરની કિંમત જેમની તેમ હોવાથી ખર્ચ હજી પણ ૬૦ પિયા આવે છે.
એટલે ગૂગલ ઇન્વર્ટરની સાઇઝ ઘટાડવા ઉપરાંત તે ઓછી કિંમતે વધુ પાવર આપે એવું પણ ઇચ્છે છે. ગૂગલ તેની સાઇટ પર સ્પષ્ટ લખે છે કે “તમે ઇન્વર્ટરની અંદર શું કરો છો એ અમારે જોવું નથી. અમને તો તમે બનાવેલા ઇન્વર્ટરને એક છેડે ડીસી પાવર સપ્લાય માટે બે તાર અને બીજા છેડે એસી સપ્લાયના બે તાર અને એક તાર અર્થિંગ માટે જોઈશે. અમે તમારા ઇન્વર્ટરને સતત ૧૦૦ કલાક ચલાવીશું અને જોઈશું કે અમારાં ટેકનિકલ સ્પેસિફિકેશન્સ અનુસાર એ પાવર સપ્લાય આપી શકે છે કે નહીં.
ગૂગલ માને છે કે આખી દુનિયાના અર્થતંત્ર અને પયર્વિરણ માટે ઇન્વર્ટર વધુ ને વધુ મહત્ત્વનાં બનતાં જશે. જો તેનું કદ અને કિંમત ઘટશે તો વિશ્વને વધુ કાર્યદક્ષ અને વધુ સલામત ઊર્જા મળશે અને આજે આપણને જેની કલ્પના નથી એવા ઇન્વર્ટરના નવા નવા ઉપયોગો પણ શક્ય બનશે.
રેન્ચોના વિચાર પણ આવા જ કંઈક હતાને?!


