(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ, ફેસબુકની હરીફાઇ આકાશે પહોંચી

ગયા મહિને ગૂગલે ટાઇટન એરોસ્પેસ નામની એક કંપની ખરીદી. આ કંપની ડ્રોન (એક પ્રકારનાં માનવરહિત પ્લેન) બનાવે છે. ગૂગલ કહે છે કે આ કંપનીએ બનાવેલા ડ્રોનથી પૃથ્વીના ફોટોગ્રાફ્સ લેવામાં અને લોકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં તેને મદદ મળશે.

આગળ શું વાંચશો?

  • પૃથ્વી ખરેખર ગરમ થઈ રહી છે?
  • વાત એક જીવંત તસવીરની
  • ભારતમાં સતત વધી રહ્યો છે વોટ્સએપનો ફેલાવો
  • સ્માર્ટફોન માટે નવી કેમેરા એપ
  • પીસી કરતાં ટેબલેટનું વેચાણ વધી રહ્યું છે
  • વિદ્યાર્થીઓ માટે ખાસ
  • સીડી, ડીવીડી, બીડી અને હવે એડી

ગૂગલની હરીફ કંપની ફેસબુકે પણ આ જ પ્રકારના ડ્રોન બનાવતી એક બ્રિટિશ કંપની ખરીદી છે. ટાઇટન એરોસ્પેસ કંપની ખરીદવામાં ફેસબુકને પણ રસ હતો. ટાઇટન એરોસ્પેસ કંપનીના ડ્રોન સોલારપાવર્ડ છે અને તે વર્ષો સુધી પૃથ્વીના વાતાવરણની સીમા જેટલી ઊંચાઈએ ઊડતા રહી શકે છે. જે વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટેનું ઇન્ફ્રસ્ટ્રક્ચર તૈયાર ન હોય ત્યાં આવાં ડ્રોન્સની મદદથી ઝડપથી અને પ્રમાણમાં ઓછા ખર્ચે નેટ કનેક્ટિવિટી આપી શકાય છે. આ જ કારણે ગૂગલ અને ફેસબુક વચ્ચે અત્યારે ડ્રોન ખરીદવાની રેસ ચાલી છે.

 પૃથ્વી ખરેખર ગરમ થઈ રહી છે?

ગયા મહિને ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસાનો અનુભવ કરાવતું વાવાઝોડું આવ્યું અને ઘણાં સ્થળોએ તો કરા પણ પડ્યા! ઠંડીના દિવસોમાં ગરમી, ગરમીના દિવસોમાં વરસાદ, ચોમાસામાં કોરાધાકોડ દિવસો… હવામાનમાં આવી ઊલટપૂલટ કેમ થવા લાગી છે?

આખી પૃથ્વી વિશેનો તલસ્પર્શી ડેટા તો શોધવો મુશ્કેલ છે, પણ યુએસ માટે ક્લાઇમેટ સેન્ટ્રલ નામની સંશોધન અને પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત સંસ્થાએ એક રસપ્રદ ઇન્ટરએક્ટિવ મેપ તૈયાર કર્યો છે.

વિશ્વમાં ૧૯૭૦થી પૃથ્વી દિન ઉજવાય છે અને આજ સુધીનાં આ ૪૪ વર્ષમાં, અમેરિકાના દરેક રાજ્યનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે. તમે https://www.climatecentral.org/news/since-first-earty-day-u.s.temps-marching-upward-17330 પર જઈને આ મેપ પર યુએસના કોઈ પણ સ્ટેટ પર ક્લિક કરશો એટલે એ રાજ્યમાં છેલ્લાં ૪૪ વર્ષમાં તાપમાનના પારામાં કેવી ઊંચનીચ થઈ છે તે જોવા મળશે.

અમેરિકાની જ એક રાષ્ટ્રીય સંસ્થા નેશનલ ઓશિયેનિક એન્ડ એટમોસ્ફરિક એડમિનિસ્ટ્રેશનનો ડેટા પણ કહે છે કે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે અને હમણાં ગયો તે માર્ચ મહિનો, પૃથ્વી માટેનો અત્યાર સુધીનો ચોથા ક્રમનો સૌથી ગરમ મહિનો રહ્યો છે.

વાત એક જીવંત તસવીરની

જરા કહેશો, આ સાથેની તસવીર તમે જીવનમાં કેટલી વાર જોઈ હશે? વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમનો સપોર્ટ માઇક્રોસોફ્ટ કંપનીએ બંધ કરી દીધો છે, પણ હજી પણ દુનિયામાં લગભગ ૫૦ કરોડ લોકો વિન્ડોઝ એક્સપીનો ઉપયોગ કરી રહ્યા હોવાનો અંદાજ છે. આ સિસ્ટમનું ડિફોલ્ટ વોલપેપર એટલું લોકપ્રિય છે કે લોકો ગમે તેટલા વોલપેપર બદલે તોય અંતે હરી-ફરીને આ જ વોલપેપર સેટ કરતા રહ્યા છે.

લીલીછમ હરીયાળી પર પથરાતા એટલા જ કૂણા તડકાનો આ મજાનો ફોટોગ્રાફ – જે પછી બ્લિસ તરીકે જાણીતો થયો – અમેરિકાના કેલિફોર્નિયાની નેપા વેલીમાં ચાર્લ્સ ઓરીયર નામના એક ફોટોગ્રાફરે ૧૯૯૮માં ક્લિક કર્યો હતો.  ચાર્લ્સ નેશનલ જ્યોગ્રાફિક માટે ફોટોગ્રાફી કરતા એક વેટરન ફોટોગ્રાફર છે. તેમણે પોતાના ફોટોગ્રાફ્સ કોરબીસ નામની એક ફોટોસર્વિસ સાઇટ પર અપલોડ કરીને તેનું લાઇસન્સ મેળવ્યું હતું. એ સમયે કોરબીસના માલિક માઇક્રોસોફ્ટના સીઇઓ બિલ ગેટ્સ હતા! ચાર્લ્સને પોતાના આ ફોટોગ્રાફ માટે માઇક્રોસોફ્ટ તરફથી કેટલી રકમ મળી તે તેઓ જણાવતા નથી. ચાર્લ્સે આ તસવીર ખેંચી એ જ અરસામાં તેઓ એક મહિલાને મળ્યા, જે પાછળથી તેમનાં પત્ની બન્યાં!

બાળકો માટે ખાસ યુટ્યૂબ?

આપણે સૌ જાણીએ છીએ કે જેમ પૃથ્વી પરનું બધું પાણી અંતે મહાસાગરોમાં ઠલવાય છે તેમ, પૃથ્વી પરના બધા વીડિયો અંતે યુટ્યૂબ પર ખડકાય છે! યુટ્યૂબ પર ફેંદવા બેસો તો ઘણું બધું ઉપયોગ કે મજા પડે એવું મળી શકે છે, પણ આ કામ રીતસર કચરાનો ઢગ ફંફોસવા જેવું હોય છે. જો તમે બાળકો સાથે આ કામ કરી રહ્યા હો તો તેમણે ન જોવા જેવા વીડિયો સામે આવી પડવાની પૂરી શક્યતા. હવે એક ખુશખબર છે કે ખાસ બાળકો માટેનું જ કન્ટેન્ટ ધરાવતું યુટ્યૂબનું એક અલગ વર્ઝન તૈયાર થઈ રહ્યું છે. અલબત્ત, અત્યારે તો આ બધું ‘કહેવાય છે, ચચર્યિ છે, સંભાવના છે…’ વગેરેના તબક્કે છે, પણ જો આવું નજીકના ભાવિમાં બને તો શિક્ષણમાં યુટ્યૂબ બહુ મોટો ભાગ ભજવશે એ નક્કી.

ભારતમાં સતત વધી રહ્યો છે વોટ્સએપનો ફેલાવો

મોબાઇલ મેસેજિંગ એપ વોટ્સએપના સીઇઓએ હમણાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે વોટ્સએપ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે કેમ કે ભારતમાં દર મહિને ૪.૮ કરોડ લોકો વોટ્સએપ પર સક્રિય હોય છે.
છેલ્લા બે મહિનામાં જ, ભારતમાં વોટ્સએપના યુઝર્સની સંખ્યામાં ૮૦ લાખનો વધારો થયો છે. ફક્ત આઠ મહિનામાં ભારતમાં વોટ્સએપના સક્રિય યુઝર્સની સંખ્યા બમણી થઈ ગઈ છે.
દુનિયાભરમાં વોટ્સએપના ૫૦ કરોડ એક્ટિવ યુઝર્સ હોવાનો કંપનીનો દાવો છે.


 સ્માર્ટફોન માટે નવી કેમેરા એપ

ક્લોઝઅપ ફોટોગ્રાફ્સ આપણને જોવા વધુ ગમે છે એનું એક કારણ એ હોય છે કે તેમાં જેનો ક્લોઝઅપ લેવાયો હોય તે સિવાયનું બેકગ્રાઉન્ડ ધૂંધળું થઈ ગયું હોય છે. સારી ક્વૉલિટીનો એસએલઆર કેમેરા હોય તો આવી સરસ તસવીરો ખેંચી શકાય. અત્યાર સુધી સ્માર્ટફોનથી આવી ફોટોગ્રાફી મુશ્કેલ હતી, પણ જો તમારી પાસે એન્ડ્રોઇડ કિટકેટ ૪.૪ તે તેના પછીના વર્ઝનવાળો સ્માર્ટફોન કે ટેબલેટ હોય તો તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ગૂગલની સ્ટેન્ડએલોન કેમેરા અપ ઇન્સ્ટોલ કરી શકો છો. ગૂગલના કહેવા પ્રમાણે, કિટકેટ સિવાયના એન્ડ્રોઇડવાળાં સાધનોમાં પણ આ નવી એપનો લાભ મળે એ માટેના પ્રયાસો ચાલુ છે!

 પીસી કરતાં ટેબલેટનું વેચાણ વધી રહ્યું છે

તમે નવું કમ્પ્યુટર ખરીદવાનો વિચાર કરતા હો તો પીસી કે લેપટોપ લેવું કે પછી ટેબલેટ, એની મૂંઝવણ અનુભવો છો? તમારે કયું સાધન ખરીદવું એનો બધો આધાર તમે તેનો કેવો ઉપયોગ કરવા ઇચ્છો છો તેના પર છે, પણ સ્ટેટિસ્ટા નામની એક કંપની અને અને સોશિયલ મીડિયા સાઇટ મેશેબલે તૈયાર કરેલા એક ચાર્ટ મુજબ, વર્ષ ૨૦૧૫ સુધીમાં ડેસ્ટકોપ પીસી અને લેપટોપ બંનેના સરવાળા કરતાં પણ ટેબલેટનું વેચાણ વધી જશે. જાતે જ જોઈ લો આ ચાર્ટ.

વિદ્યાર્થીઓ માટે ખાસ ટેબલેટ

માઇક્રોસોફ્ટ, એચપી અને પિયરસન કંપની સાથે મળીને એન્જિનીયરિંગ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી થાય તેવું એક ટેબલેટ લોન્ચ કરી રહી છે. વિન્ડોઝ ૮.૧ સાથેના, ૧૦.૧ ઇંચના આ એચપી ઓમ્ની ૧૦ ટેબલેટમાં પિયરસન કંપની તરફથી  એજ્યુકેશનલ ક્ધટેન્ટ અને માઇક્રોસોફ્ટ ઓફિસની સુવિધા હશે. કિંમત હશે રૂા. ૨૯,૯૯૯/-. ટેબલેટમાં ૮.૫ કલાકની બેટરી લાઇફ, ૨ જીબી રેમ અને ૩૨ જીબીની બિલ્ટ-ઇન સ્ટોરેજ રહેશે. તેમાં ૮ એમપીનો રીયર અને ૨ એમપીનો ફ્રન્ટ કેમેરા પણ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!