આ વખતના અંકમાં અખબારોએ જેની ખાસ નોંધ લીધી નથી એવી બે બાબતો તરફ વધુ ધ્યાન આપ્યું છે. દુનિયાઆખીને અત્યારે ફૂટબોલજ્વર ચઢ્યો છે, અખબારો પાનેપાનાં ભરીને દરેક મેચની ઝીણવટભરી વાતો લખે છે, પણ ટીવી પર વર્લ્ડકપની મેચીઝ લાઇવ જોવાની મજા જેનાથી ચાર ગણી ચઢી જાય છે એ ટેક્નોલોજીસ વિશે ભાગ્યે જ ક્યાંય કશું વાંચવા મળ્યું છે. અત્યારે ભલે ફૂટબોલનો વર્લ્ડકપ છે એટલે એની વાત કરીએ, પણ ક્રિકેટની વાત કર્યા વિના સ્પોર્ટ્સની વાત અધૂરી જ રહે. ઉર્વીશ કોઠારીએ ફૂટબોલ અને ક્રિકેટ બંનેમાં ચોક્સાઈ અને મનોરંજન ઉમેરતી વિવિધ ટેક્નોલોજીની વાત ઊંડાણપૂર્વક આલેખી છે.
એપ્રિલ મહિનામાં થયેલી એવરેસ્ટ આરોહણના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના એ બીજો મુદ્દો છે, જેના પર ધ્યાન આપવું જરુરી છે. એવરેસ્ટનું આરોહણ ટેક્નોલોજીની મદદથી પ્રમાણમાં સરળ થઈ રહ્યું છે અને હવે તો એક વિરાટ બિઝનેસનું સ્વરુપ લઈ રહ્યું છે, પણ રોજીના બીજા કોઈ સ્રોત વિના પર્વતારોહકો માટે મજૂરી કરતા શેરપાઓનું જીવન સતત મૃત્યુની ધાર પર રહે છે. એપ્રિલની દુર્ઘટના પછી, ડિસ્કવરી ચેનલે એક વેબસાઇટ તૈયાર કરીને આ દુર્ઘટનાનાં વિવિધ પાસાંને જગત સમક્ષ મૂક્યાં છે અને વિશ્વને શેરપા સમુદાયને મદદ કરવાની અપીલ કરી છે.
ફરી એકવાર લખું, સાયબર સફર માત્ર કમ્પ્યુટર,ઈન્ટરનેટ કે સ્માર્ટફોનના ઉપયોગ વિશેની ટિપ્સ આપતું મેગેઝિન નથી. ટેકનોલોજીથી આપણું જીવન કેવું બદલાઈ રહ્યું છે અને વાસ્તવિક જિંદગીની મજા અકબંધ રાખીને ટેકનોલોજીનો ફક્ત ઉપયોગ કેવી રીતે કરવો એ મુદ્દા પર તેનો વિશેષ ભાર છે.
‘સાયબરસફર’ પાસેથી આપ શું અપેક્ષા રાખો છો એ જરુર જણાવતા રહેશો.
– હિમાંશુ
