આજના સમયમાં દિવસમાં લાંબો સમય કમ્પ્યુટર સામે બેસીને કામ કરવું ઘણા લોકો માટે અનિવાર્ય થઈ પડ્યું છે, જેની લાંબા ગાળે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે, જો અહીં આપેલી બાબતોને સદંતર અવગણીએ તો!
આગળ શું વાંચશો?
- કમરને આધાર આપવા….
- કાંડા અને આંગળીઓની યોગ્ય સ્થિતિ
- ગરદનની યોગ્ય સ્થિતિ
- આંખ પર તણાવ ઓછો કરો
- હળવાશ રાખો
- શરીર પર આવાં બળોની અસર ઓછી કરવા માટે
- કામકાજ વખતે થોડીવાર બ્રેક લો
- તમારી રોજિંદી ક્રિયાઓને ગોઠવો અે પરિણામલક્ષી કામ કરો
- સ્વસ્થ રહો
- મૂળ મુદ્દાની વાત
તમને હાથમાં, કાંડામાં, ગરદનમાં કે ખભાઓમાં વારંવાર દુ:ખાવો થાય છે? તમે કમ્પ્યુટર પર લાંબો સમય કામ કરતા હો તો આવું થવું સ્વાભાવિક છે. આજનો સમય એવો છે કે આપણે કમ્પ્યુટર પર કામકાજનો સમય ખાસ ઘટાડી ન શકીએ, પણ એની સ્વાસ્થ્ય પરની અસરો ચોક્કસ ઘટાડી શકીએ.
માઇક્રોસોફ્ટ કંપનીએ, ખાસ કરીને પીસી પર કામ કરતા લોકોના સ્વાસ્થ્ય પર થતી અસરો ઓછી કરવા એક ‘હેલ્ધી કમ્પ્યુટર ગાઇડ’ તૈયાર કરી છે. અહીં તેનો ભાવાનુવાદ આપ્યો છે.
અહીંથી આગળ તમે જે વાંચશો તેમાં કદાચ તમારે માટે બિલકુલ નવી વાત કોઈ નહીં હોય, પણ જાણતા હોવા છતાં આપણે તેને અવગણીને સ્વાસ્થ્ય પર અસર થવા દઈએ છીએ એ પણ હકીકત છે. માટે, માત્ર વાંચવાને બદલે, અમલમાં મૂકવાના નિર્ધાર સાથે આગળ વધશો!
કમરને આધાર આપવા…
એવી ખુરશીનો ઉપયોગ કરો કે જે તમારી કમરને નીચેની બાજુએથી આધાર આપે.- તમારા ટેબલ અને ખુરશીની ઊંચાઈ એ રીતે રાખો કે તમારા શરીરને કુદરતી રીતે જ આરામદાયક સ્થિતિ મળે.
- તમારા પગને આરામદાયક સ્થિતિમાં રાખવા માટે ડેસ્ક નીચે પડેલી ચીજોને દૂર કરો જેથી તમારા પગને યોગ્ય સ્થિતિમાં રાખવા અનુકૂળતા મળે અને હલનચલન કરી શકાય.
- જો તમારા પગ જમીન પર બરાબર મૂકી શકાતા ન હોય તો ફૂટરેસ્ટનો ઉપયોગ કરો.
- કમ્પ્યુટર સાથેનાં સાધનો હાથવેંતમાં રાખો અને તમારા ખભા તથા કાંડાને યોગ્ય સ્થિતિમાં રાખો.
- તમારું કીબોર્ડ અને માઉસ એ રીતે રાખો કે બંને સમાન ઊંચાઈ પર રહે. બંને કોણીના લેવલ પર રહે એ જરુરી છે.
- કોણીથી ઉપરનો હાથનો ભાગ આરામદાયક સ્થિતિમાં તમારી બાજુએ રહી શકે એમ રાખીને કામ કરો.
- જ્યારે તમે ટાઈપ કરી રહ્યા હો ત્યારે કીબોર્ડને બરાબર તમારી સામે રાખો અને માઉસ નજીકમાં જ રાખો.
કાંડા અને આંગળીઓની યોગ્ય સ્થિતિ
- તમારા કાંડાને ટાઈપ કરી વખતે કે માઉસનો ઉપયોગ કરતી વખતે સીધા રાખો. કાંડા વળેલાં ન રહે એ જુઓ.
- જો તમારા કી-બોર્ડમાં નીચેની બાજુએ પાયા હોય તો તે ખોલો કે જેથી તમને અનુકૂળ રીતે તેના પર કામ કરવાની સ્થિતિ મળે.
- હાથ અને કાંડાને કી-બોર્ડ પર થોડા ઉપર રાખીને ટાઈપ કરો તેથી તમે દૂરની કી સુધી પહોંચવા તમારા આખા હાથનો ઉપયોગ કરી શકશો.
ગરદનની યોગ્ય સ્થિતિ
- કમ્પ્યુટર સ્ક્રીનને એવી રીતે ગોઠવો કે તે તમારી આંખોની બરાબર સામે આવે. બાયફોકલ પહેરતા લોકોએ સ્ક્રીન થોડો નીચો રાખવો જોઈએ અથવા તો કમ્પ્યુટર વર્ક માટે તમારા માટે યોગ્ય ચશ્મા વિશે તબીબની સલાહ લો.
- આસપાસ કાગળો રાખી કામ કરવાનું હોય તો એ કાગળ તમે બરાબર જોઈ-વાંચી શકો એટલા નજીક રાખો.
આંખ પર તણાવ ઓછો કરો
- મોનિટરને એ સ્થિતિમાં રાખો કે જેથી તમને બેસવામાં તો આરામ મળે પણ સાથે તમારી આંખો પર તણાવ ઓછો આવે.
- મોનિટર સ્ક્રીન પર ગ્લેર ન થાય એ માટે તેને અન્ય પ્રકાશ સ્ત્રોતથી દૂર રાખો અથવા પ્રકાશને નિયંત્રિત કરવા પડદા કે વિન્ડો બ્લાઈન્ડ્ઝનો ઉપયોગ કરો.
- સ્ક્રીનને સાફ રાખવાનું ભૂલશો નહીં તમે જો ચશ્મા પહેરતા હો તો એ પણ સાફ કરતા રહો.
- મોનિટરની બ્રાઈટનેસ અને કોન્ટ્રાસ્ટ યોગ્ય પ્રમાણમાં રાખો.
- ઓનસ્ક્રીન ફોન્ટ સાઈઝ એ રીતે રાખો કે તમારી આંખોને આારામ મળે.
હળવાશ રાખો
કમ્પ્યુટર પર કામ કરતી વખતે શારિરીક સ્થિતિ પર લક્ષ આપતા રહો. આપણું શરીર દરરોજ સતત વિવિધ બળનો સામનો કરતું રહે છે. કારમાં જતા હોઈએ અને અકસ્માત થાય ત્યારે જ ઈજા થાય એવું નથી પણ જો શરીરને સતત થાક, પ્રતિકૂળ સ્થિતિનો સામનો કરવો પડે તો પણ આપણા શરીર પર પ્રતિકૂળ અસરો થાય છે. આ પ્રકારનું નુકસાન લાંબા ગાળે અને ખબર ન પડે એ રીતે થતું રહે છે.
આવાં કેટલાંક પરિબળો છે જેના પર આપણે ખાસ ધ્યાન નથી આપતા.
ડાઈનેમિક ફોર્સ : આપણે સતત ટાઇપિંગ કરતી વખતે કી પ્રેસ કરીએ કે માઉસને વારંવાર પ્રેસ કરવાનું થાય ત્યારે શરીર પર થતી અસર.
સ્ટેટિક ફોર્સ : આપણે લાંબા સમય સુધી માઉસ પકડી રાખીએ કે ફોન પકડી રાખીએ ત્યારે આ પ્રકારનું બળ પેદા થાય છે.
કોન્ટેક્ટ ફોર્સ: આપણે ટેબલની ધાર પર કે કી-બોર્ડ પાસેની કિનાર પણ કાંડાં ટેકવીને કામ કરીએ ત્યારે આ પ્રકારનું બળ ઉત્પન્ન થાય છે.
શરીર પર આવાં બળોની અસર ઓછી કરવા માટે…
- હળવાશથી ટાઈપ કરો, તમારી આંગળીઓ અને હાથને આરામદાયક સ્થિતિમાં રાખો કેમ કે કી-બોર્ડ માટે સહેજ પ્રયત્નની જ જરૂર હોય છે.
- જ્યારે માઉસનું બટન દબાવો ત્યારે હળવું દબાણ આપો.જ્યારે જોયસ્ટીક કે અન્ય ગેમ ક્ન્ટ્રોલરનો ઉપયોગ કરો ત્યારે પણ આ વાત ધ્યાનમાં રાખો.
- આરામદાયક રીતે માઉસને પકડો.
- હથેળી કે કાંડાને ટાઈપ કરતી વખતે ધાર પર ટેકવવાનું ટાળો. હથેળીને આરામ આપવો હોય ત્યારે થોડો બ્રેક લઈ લો.
- ટાઇપ ન કરતા હો ત્યારે હાથ અને કાંડાને આરામદાયક સ્થિતિમાં રાખો. આવે વખતે પણ હાથ કે કાંડાને કોઈ ધાર પર ટેકવી ન રાખો.
- તમારી ખુરશી એવી રીતે ગોઠવો કે તમે બેસો ત્યારે ગોઠણના પાછલા ભાગ પર ખુરશીનું દબાણ ન આવે.
કામકાજ વખતે થોડી વાર બ્રેક લો
થોડા સમયનો બ્રેક તમારા શરીરને કોઈ પણ પ્રવૃતિમાંથી આરામ લેવામાં મદદરૂપ થશે. બ્રેક કેટલા સમયનો રાખવો એ તમારા પર નિર્ભર છે, પણ કામ અટકાવી આરામ મેળવવો એ બ્રેક લેવાની એક રીત છે, પરંતુ આ સિવાય પણ અન્ય ઉપાયો છે કે જેનાથી બ્રેક મળી શકે છે.
જેમ કે કામમાં ફેરફાર કરવો, ટાઈપ કરતી વખતે બેસો પણ ફોન પર વાત કરો તો ઊભા થઈને વાત કરો જેનાથી તમારા સ્નાયુઓને મૂવમેન્ટ મળશે અને તમે રિલેક્સ થશો.
તમારી રોજિંદી ક્રિયાઓને ગોઠવો અને પરિણામલક્ષી કામ કરો
- તમારા કામનું આયોજન કરો જેથી તમે એકની એક પ્રવૃત્તિ લાંબા સમય સુધી ન કરતા રહો. કેમ કે એક જ પ્રવૃત્તિ કરતા રહેવાથી શરીરનો કોઈ એક જ ભાગ સક્રિય રહે છે.
- એક સરખું કામ કરવા માટે વિવિધ ઈનપૂટ ડિવાઈસનો ઉપયોગ કરો. જેમ કે પેજ સ્ક્રોલ કરવાનું હોય તો તમારે સ્ક્રોલિંગનું કામ છે તો માઉસના વ્હીલથી થઈ શકે અને કી-બોર્ડની એરો કીથી પણ થઈ શકે. બંનેનો વારાફરતી ઉપયોગ કરતા રહો.
- અસરકારક રીતે કામ કરવા માટે સોફ્ટવેર અને હાર્ડવેરનો પૂરતો ઉપયોગ કરો જેનાથી તમારા પ્રયાસોનું પ્રમાણ ઘટશે અને પ્રોડક્ટિવિટી વધશે. જેમ કે વિન્ડોઝ સ્ટાર્ટ મેનુ ખોલવા માટે વિન્ડોઝ લોગો કી દબાવીને પણ કામ ચલાવી શકાય.
- સોફ્ટવેર અને હાર્ડવેરની વિશેષતાઓ જાણતા રહો. વિન્ડોઝ અને તેના વિવિધ પ્રોગ્રામમાં એવી પાર વગરની ખૂબીઓ છે જેનાથી આપણું કામ ઝડપી થઈ શકે છે, કમ્પ્યુટર પર લાંબો સમય બેસવું જ શા માટે પડે?!
સ્વસ્થ રહો
- સંતુલિત આહાર લો અને પૂરતો આરામ કરો.
- સમગ્રપણે ફિટનેસ મેળવવા કસરત કરો અને તમારા શરીરની ક્ષમતા વધારો. તબીબને મળી તમારા માટે યોગ્ય કસરત અને સ્ટ્રેચીસ વિશે જાણો.
- તણાવને મેનેજ કરો. તણાવ ઓછો કરવાનો એક માર્ગ એ છે કે તમે તમારા કામનું આયોજન કરો અને તેનું એક નિશ્ચિત શિડ્યુલ બનાવો. જેથી ધાંધલ ઓછી થશે.
- સાંધા અને સ્નાયુને લગતી તમારી તબીબી અને શારીરિક સ્થિતિ વિશે કોઈ પ્રશ્ન હોય તો તબીબને વાત કરો. સંશોધકો પાસે આવી તકલીફો વિશેના પ્રશ્ર્નોના તમામ જવાબ નથી, પણ એક સામાન્ય મંતવ્ય એવું છે કે આ સમસ્યા માટે અનેક પરિબળો કામ કરે છે, જેમાં અગાઉની ઈજાઓ, ડાયાબિટીસ, હોર્મોન્સમાં ફેરફાર (ગર્ભાવસ્થા વખતે થાય છે એ રીતે) અને રયુમેટોઈડ આર્થરાઈટીસની પણ તેમાં ભૂમિકા હોઈ શકે છે.
મૂળ મુદ્દાની વાત
સૌથી પહેલાં જણાવ્યું તેમ, કામ હળવાશથી કરો, પણ અહીં આપેલા મુદ્દાઓને ગંભીરતાથી લો.આરામદાયક રીતે કામ કરવાની પદ્ધતિઓ વિશે વધુ જાણકારી મેળવતા રહો, સાથે તમારા સ્વાસ્થ્ય અંગે પણ જાણકારી મેળવો જેનાથી તમે કમ્પ્યુટિંગને આનંદમય બનાવી શકશો!
કમ્પ્યુટર પર કામ કરતી વખતે શરીરની યોગ્ય સ્થિતિ



