ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપણે સૌ એક ટેક્નોસેવી વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. તેઓ પોતે તો સોશિયલ મીડિયાનો પૂરો ઉપયોગ કરી જ જાણે છે, પણ ગુજરાતનાં ગામડાંની શાળાઓ સુધી કમ્પ્યુટર અને તેનું શિક્ષણ પહોંચાડવા માટે પણ વ્યાપક પ્રયાસો કરી રહ્યા છે. ગયા મહિને એક મુલાકાત દરમિયાન તેમને ‘સાયબરસફર’ના અંકો ભેટ આપવામાં આવ્યા ત્યારે તેમણે આ પહેલને પ્રેમથી બિરદાવી હતી.
મારા જેવા સાયબર નિરક્ષરને સ્માર્ટફોનનો સ્માર્ટ યુઝર બનાવવા બદલ ધન્યવાદ! તમારી કોલમ નિયમિત વાંચતી વખતે કોણ લખે છે તે ધ્યાન બહાર હતું, પરંતુ સાયબરસફર મેગેઝિન હાથમાં આવ્યા બાદ સંબંધ વધુ ગાઢ બન્યો. આખું મેગેઝિન પ્રથમ બેઠકે પૂરું કરવાની મને મજા પડે છે. આવી જ ધગશ જાળવી રાખજો, હજી વધુ વૈવિધ્યસભર અને સમૃદ્ધ વાંચનસામગ્રી પીરસો તેવી અપેક્ષા વધતી જાય છે. દરેક અંકમાં એડિટર્સ નોટ ખરેખર વિચારપ્રેરક હોય છે.
– ડો. હાર્દિક બી. ભટ્ટ
મને તમારું મેગેઝિન ખરેખર ગમે છે, એમાં ઘણી ઉપયોગી માહિતી હોય છે. તેમ છતાં મને લાગે છે કે તમારી ટીમ હજી વધુ આધુનિક બની શકે. આજકાલ સૌની પાસે ઇન્ટરનેટ સાથેના સ્માર્ટફોન હોય છે, તમે લેખ સાથે ક્યુઆર કોડ મૂકો (જેમાં એ લેખ સંબંધિત લિંક્ કે વીડિયો હોય) તો કોઈ પણ વ્યક્તિ તેને સ્કેન કરી શકે અને વધુ સર્ચ કરી શકે. તમે દરેક અંકમાં કોઈ નવો શબ્દ – જેમ કે ઈન્ટરનેટ – અને તેનો અર્થ સમજાવતું બોક્સ પણ મૂકી શકો. સવાલ-જવાબનો એકવિભાગ પણ શરુ કરવા જેવો છે.
– રવિયાંક પટેલ
કિશોરાવસ્થામાં વાંચેલી અરેબિયન રાત્રિઓની યાદ આવી જાય એવો ખજાનો તમે ખુલ્લો મૂક્યો છે! ખુલ જા સિમ સિમ કહેવુંય ન પડે એટલો હાથવગો ને શિરાની જેમ ગળે ઊતરી જાય તેવી સમજાવટ! તમારાં લખાણોનાં શીર્ષકો તો મારા જેવા ભાષાના વિદ્યાર્થીનું એક આકર્ષણ છે. સાભાર અભિનંદન!
– જુગલકિશોર વ્યાસ
(નેટ ગુર્જરી http://jjkishor.wordpress.com/
આપની કળશમાંની કોલમ નિયમિત વાંચું છું. આપ ખરેખર ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો. ખૂબ જ જાણકારી મળે ચે ને ખૂબ જ આનંદઆવે છે. ખરેખર દર બુધવારની રાહ જોઉં છું, દરેક કળશના કટિંગ કરીને સાચવી રાખુું છું. હવેના બુધવારથી બંધ તો નહીં થઈ જાય ને એમ દર બુધવારે ડર પણ લાગે છે!
આપના જે લેખમાં સમજ આપવાની રીત છે તે ખરેખર ખૂબ જ સરળ છે, સામાન્ય માણસને પણ તરત ખ્યાલ આવી જાય એ રીતે લખો છો અને ખૂબ જ કામની વાત હોય છે. એવી ટીપ્સ ઇન્ટરનેટ પર શોધતાં પણ મળતી નથી. ધન્યવાદ.
– પ્રકાશ પટેલ
મને નવી અને ઉપયોગી એન્ડ્રોઇડ એપ્સ વિશે જાણવું ખૂબ ગમે છે. વિવિધ પ્રકારનાં સેન્સર્સ વિશે કોઈ લેખ કરશો. નવાં નવાં સાધનો વિશે જાણકારી મળે છે, પરંતુ આ સેન્સર્સ વિશે કંઈ લખાયું નથી. એ વિશે લખશો.
– પ્રફુલ્લ કક્કડ
માઇક્રસોફ્ટ વર્ડ સંબંધિત લેખો અને માહિતી મને ગમ્યાં, પરંતુ હું એમએસ એક્સેલ વિશે વધુ જાણવા માગું છું. મારે એક્સેલમાં વધુ કામ રહેતું હોવાથી શક્ય હોય તો એ વિશે વધુ જાણકારી આપશો.
– વેબસાઇટ પરની કમેન્ટ
સાયબરસફરના તમામ અંકો વાંચું છું. બહુ જ સરસ માહિતી મળે છે અને નવું ખૂબ જ જાણવા મળે છે.
– હરીશ પટેલ
‘સાયબરસફર’ મેગેઝિનના બધા અંકોનું નિયમિત વાંચન કરું છું અને તેના થકી અમારા જ્ઞાનમાં ઘણઓ વધારો થયો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન! હવે જો શક્ય હોય તો હવે પછીના આગામી અંકોમાં ગુજરાતી લાઇબ્રેરી, હિન્દી લાઇબ્રેરીના પુસ્તકો પૂરાં ફ્રીમાં વાંચન કરવા મળે તેવી કોઈ ટિપ્સ લિંક કે પછી સોફ્ટવેરની માહિતી આપજો જેથી અમારા જ્ઞાનમાં ઓર વધારો થાય.
શક્ય હોય તો આયુર્વેદનાં જૂનાં પુસ્તકો વાંચી શકાય તેવી કોઈ લાઇબ્રેરી અથવા ડાઉનલોડ કરી શકાય એવી લિંક આપજો અથવા ટિપ્સ આપજો.
– ચંદ્રશેખર લાલુ, (આચાર્યશ્રી, નવા દેરાળા)


