‘સાયબરસફર’ મેગેઝિનના બધા અંકો નિયમિત વાંચન કરું છું અને તેના થકી અમારા જ્ઞાનમાં ઘણો વધારો થયો એ બદલ આપ સૌે મારા વતી ખૂબ ખૂબ અભિનંદન.
હવે જો શક્ય હોય તો આગામી અંકોમાં ગુજરાતી લાઇબ્રેરી, હિન્દી લાઇબ્રેરીના પુસ્તકો પૂરાં ફ્રીમાં વાચન કરવા મળે તેવી કોઈ ટિપ્સ, લિંક કે પછી સોફ્ટવેરની માહિતી આપજો. જેથી અમારા જ્ઞાનમાં ઓર વધારો થાય.
શક્ય હોય તો આયુર્વેદનાં જૂનાં પુસ્તકો વાંચી શકાય તેવી કોઈ લાઇબ્રેરી અથવા ડાઉનલોડ કરી શકાય એવી લિંક આપજો અથવા ટિપ્સ આપજો.
– ચંદ્રશેખર (આચાર્ય શ્રી નવા દેરાળા)
જાન્યુઆરીનો અંક એકી બેઠકે વાંચી નાખ્યો, “તમારી શાળામાં ગૂગલને એડમિશન આપવું છે લેખ મારા જેવા ટેક્નોલોજી પ્રિય શિક્ષક માટે પ્રોત્સાહક. મારા તમામ સ્ટાફના શિક્ષકોને વંચાવ્યો. ખૂબ માહિતી સભર લેખ બદલ આપની લેખક ટીમને અભિનંદન!
– મહેન્દ્ર આર. જોશી કોંઢ કુમાર શાળા, તા, ધ્રાંગધ્રા
આધુનિક જમાનામાં ઇન્ટરનેટ એ એક પથદર્શક ભોમિયા તરીકે ભૂમિકા ભજવે છે. મોડર્ન લાઇફનો પંથ બતાવે છે. એ ન્યાયે આપનું ‘સાયબરસફર’ મેગેઝિન મારા માટે તો અતિ પ્રેરકબળ આપનારું રહ્યું છે જ પરંતુ જે વ્યક્તિને પ્રેક્ટિકલમાં કશી જ સમજ ના પડતી હોય તેના માટે આ ગુજરાતી મેગેઝિનના પ્રેરણાદાયી લેખો એક વાર વાંચી જાય તો કમ્પ્યુટર પર બેસીને પ્રેક્ટિસ પણ ના કરવી પડે એવો મને મારા અંતરનો વિશ્વાસ છે. આપના લેખોમાં સમજ આપવાની જે રીત છે તે અદ્ભુત છે. સામાન્ય માણસને પણ ઓછી મહેનતે ખ્યાલ આવી જાય છે. ઘણી વાર ગૂગલમાં સર્ચ કરીએ છતાં પણ જાણકારીમાં ઊણપ જણાતી હોય એવું લાગે છે. ત્યારે આપના લેખોમાં જાણકારી સરળ અને સહજતાથી પ્રાપ્ત થાય છે. જેમ જેમ આ પ્રેરકલેખો વાંચતો જાઉં છું તેમ તેમ મને આ દુનિયાનું કંઈક નવું જ ભાથું પ્રાપ્ત થતું જાય છે.
શ્રી રાજેશભાઈ ભોંકિયાના લેખો પણ અતિ પ્રેરકબળ આપનારા અને અલ્પ પ્રયાસમાં સરળતાથી સમજાય તેવા અદભુત હોય છે. આવું પ્રશંસનીય સમાજ માટે સત્કાર્ય કરવા બદલ આપને મારા અંતરના આત્મીય વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન.
ઇન્ટરનેટની દુનિયામાં આપનું ‘સાયબરસફર’ ઔર આગળ વિકસિત થાય એવી ભગવાનના શ્રીચરણોમાં પ્રાર્થના સહ ખૂબ ખૂબ અભિનંદન…
– શાસ્ત્રી સ્વામી જયસ્વરૂપ દાસજી, ટ્રસ્ટીશ્રી, સ્વામિનારાયણ ગુરુકુળ, અંકલેશ્વર


