‘સાયબરસફર’ ખૂબ સરસ મેગેઝિન છે, પણ મારું એક સૂચન છે. જ્યારે પણ સ્માર્ટફોન, મોબાઇલ કે તેની એપ્સ વિશે માહિતી આપવામાં આવેશે ત્યારે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને લગતી માહિતી હોય છે. મારું સૂચન છે કે વિન્ડોઝ ૮, વિન્ડોઝ ફોન ૮ અને લુમિયા સ્માર્ટફોન વિશે માહિતી આપવા વિનંતી છે.
– અવનિશ ગોર, ભુજ-કચ્છ
‘સાયબરસફર’ ખરેખર માહિતીના ભંડાર સમાન છે. ઇન્ફર્મેશન ટેક્નોલોજીને લગતી બહુ ઉપયોગી માહિતી તેમાંથી મળે છે અને ઘણી સારી વેબસાઇટ્સ વિશે પણ જાણવા મળે છે. શ્રી રોશન રાવલ દ્વારા ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં કારકિર્દી માટે માર્ગદર્શન આપતી કોલમ અમારા જેવા વિદ્યાર્થી માટે બહુ ઉપયોગી છે. મેં કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે, મારું નાનપણનું સ્વપ્ન વેબસાઇટ ડેવલપર બનવાનું છે. કોલેજમાં હતો ત્યારે બાઇક ખરીદવાના રૂપિયામાંથી મેં વેબડિઝાઇનના કોર્સ કર્યા પણ મને સંતોષ થયો નહીં. આ વિશે વિગતવાર માહિતી આપશો.
– પિંકલ પટેલ, અમદાવાદ
એક અંક વાંચ્યો નથી તો એવું લાગે છે કે, એક વર્ષથી અંક મળ્યો નથી.અમારી શાળાની ઢીંગલીઓ પણ મીઠો ઠપકો આપે છે. એક છોકરીએ કીધું કે તમારી પાસે પૈસા ના હોય તો હું આપું, પણ ‘સાયબરસફર’ મંગાવી લેજો. મને એમ હતું કે મને કોઈ વ્યસન નથી, પણ એ વાત આજે ખોટી પડી છે… જલ્દીથી ઇન્તઝારનો અંત લાવશો.
– રોહીત ચૌહાણકરદેજ ક્ન્યાશાળા, ભાવનગર
એકદમ સરસ અંક. નવા જ પ્રકારના વાઇરસ, પ્રેપોઝિશન શીખવાની રીત, વિન્ડો ૭ વિશે સારી ઉપયોગી માહિતી છે. પ્રિન્ટર ફ્રેન્ડલી ઇન્સ્ટોલ કરી દીધું એનાથી પ્રિન્ટીંગમાં ખૂબ જ ફાયદો થયો અને ઇન્કમાં ઘણી જ બચત થઈ. સ્કૂલ માટે એના દ્વારા જ સેવ કરીને પ્રિન્ટ કાઢું છું. કમ્પ્યુટર સામે બેસવાની સ્થિતિ જ બદલી નાખી. ફોટોશોપ વિશે થોડી વધુ માહિતી આપશો. ક્યારેક એમ.એસ.એક્સેસની માહિતી આપશો. એના વિશે બિલકુલ માહિતી નથી.
– રાજેન્દ્ર ચૌહાણ,સિક્કા – ચિત્ર શિક્ષક
વાચકમિત્રો તરફથી એફએક્યુ વિભાગ માટે પ્રશ્નો અને અન્ય વિભાગોમાં સમાવવા જેવાં લખાણો પ્રવાહ સતત વધી રહ્યો છે – આભાર. આ વખતે સમયોચિત લેખોની વધુ સંખ્યાને કારણે એફએક્યુ માટે ઓછાં પાનાં ફાળવી શકાયાં છે. આવતા અંકમાં ચોક્કસ વધુ પ્રશ્નો આવરીશું!
– સંપાદક


