(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એપ્રિલ મહિનામાં, એવરેસ્ટની સૌથી મોટી દુર્ઘટનામાં એક સાથે ૧૬ શેરપાનાં મૃત્યુ થયાં. ડિસ્કવરી ચેનલે શેરપા સમુદાયને મદદરુપ થવા અને તેમનું કામ કેટલું મુશ્કેલ છે એ હૂબહૂ દશર્વિતી એક વેબસાઇટ તૈયાર કરી છે.

આગળ શું વાંચશો?

  • મોબાઈલમાં એવરેસ્ટનો ૩ડી મેપ

ઉનાળાની શરુઆતમાં, એપ્રિલ મહિનામાં નેપાળના ખુમજંગ વિસ્તારમાં જાતભાતના લોકોની ભીડ જામી હતી. વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના આરોહણ માટે આ વિસ્તાર પહેલા પડાવ સમાન છે. આરોહણની નવી સીઝનમાં ભાગ લેવા અને એવરેસ્ટ સર કરવાનું સપનું લઈને આવેલા લોકો ઉપરાંત બીજા કેટલાક લોકો અહીં અલગ અલગ કારણસર આવ્યા હતા. દુનિયાના છ ખંડોમાંથી અહીં લોકો એકઠા થયા હતા.

ગૂગલની એક ટીમ અહીં સ્ટ્રીટ વ્યૂ માટેની ઇમેજીસ લેવા આવી હતી. હોલીવૂડથી આપેલી એક ટીમ તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે આવી હતી. જોબી ઓગ્વિન નામના એક એક અમેરિકન સ્ટંટમેને વિંગ સૂટ પહેરી માઉન્ટ એવરેસ્ટ પરથી છલાંગ લગાવવાની જાહેરાત કરી હતી અને ડિસ્કવરી ચેનલ એ આખી ઘટનાને લાઇવ બ્રોડકાસ્ટ કરવાની હતી, એટલે તેની આખી ટીમ પણ ખુમજંગમાં હાજર હતી.

આ બધા વિદેશી પ્રવાસીઓની ભીડ વચ્ચે સંખ્યાબંધ સ્થાનિક શેરપાઓ પોતાના કામની તૈયારીમાં લાગ્યા હતા. એપ્રિલની ૧૮મી તારીખે વહેલી સવારે વિદેશી પ્રવાસીઓ હજી ઊંઘમાં હતા ત્યારે કેટલાક શેરપાઓએ સવારની રોજિંદી પ્રાર્થના કરી અને પછીના પડાવે પહોંચવા માટેની મુસાફરીની શરૂઆત કરી. શેરપાઓના આ જૂથમાં એક ફક્ત ૧૯ વર્ષનો યુવાન પણ હતો.

માઉન્ટ એવરેસ્ટનું આરોહણ દુનિયાના બીજા ભાગના લોકો માટે એક રોમાંચક સાહસ છે, પણ નેપાળી શેરપાઓ માટે એ પરિવારનું ગુજરાન ચલાવવાનું સાધન છે. ૧૯૫૩માં એડમન્ડ હીલેરી અને તેન્ઝિંગ શેરપાએ પહેલી વાર એવરેસ્ટ શિખર સર કર્યું ત્યાર પછી એવરેસ્ટનું આરોહણ સતત એક મોટા બિઝનેસનું સ્વરૂપ લેવા લાગ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ ગયા એક વર્ષમાં ૪૫૦ જેટલા લોકો એવરેસ્ટ પર પહોંચ્યા હતા. ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, યુએસ વગેરે દેશોમાં એવરેસ્ટ ક્લાઇમ્બિંગની પેકેજ ટુર ગોઠવી આપતી કંપનીઓ શરૂ થઈ છે. હવામાનની જાણકારી આપતી વધુ સારી ટેક્નોલોજી વિકસવવાને કારણે એવરેસ્ટ ક્લાઇમ્બિંગમાં સફળતાનો દર પણ ઊંચો જતો જાય છે.

પણ જેમ એવરેસ્ટ પર વિદેશીઓનો ધસારો વધે, તેમ તેમનો માર્ગ સરળ કરી આપતા શેરપાઓનું કામ પણ વધે. એપ્રિલ ૧૮ની વહેલી સવારે, વિદેશી પ્રવાસીઓની પહેલાં આગલા પડાવ પર પહોંચવા નીકળેલા શેરપાઓ તંબુઓ, ખોરાક, રસોઈનો સરંજામ અને બે ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ પોતાની પીઠ પર લાદીને બરફ ખૂંદતા આગળ વધતા હતા. દરેક શેરપાની પીઠ પર ત્રીસેક કિલો જેટલું વજન હતું.

આ શેરપાઓ સવારના ચારેક વાગ્યે જ્યાંથી પસાર થઈ રહ્યા હતા એ વિસ્તાર આખી એક હીમનદી જ છે. બરફની મોટી મોટી શીલાઓ અહીં સતત સખળડખળ થતી રહે છે. શીલાના કોઈ પણ ભાગ પર જરા સરખું વજન આવી પડતાં એ ધસી પડે એવું બની શકે. બરફની શીલાઓ એક વાર પોતાની જગ્યાએથી પડવા લાગે ત્યારે એકમેક સાથે ઘસાતાં થોડી પીગળે છે અને પરિણામે વધુ વેગથી નીચે પડે છે. આ વિસ્તાર હીમપ્રપાતની બાબતે એટલો જોખમી ગણાય છે કે સૂર્યનાં કિરણોથી હીમશીલાઓ થોડીઘણી પીગળતાં પણ અહીં હીમપ્રપાત થઈ શકે છે. એટલે જ મોટા ભાગે એવરેસ્ટના પર્વતારોહકો આ વિસ્તાર સામાન્ય રીતે રાતના સમયે જ પસાર કરી લેતા હોય છે.૧૮ એપ્રિલ શેરપાઓ સવારના ચારેક વાગ્યે અહીંથી પસાર થતા હતા, પણ એમનાં નસીબ સારાં નહોતાં. એક ભયાનક અવાજ સાથે હીમશીલાઓ ગબડવાની શરુઆત થઈ અને જોતજોતામાં ૧૬ લોકો બરફમાં દટાઈ ગયા. એવરેસ્ટના ઇતિહાસની આ સૌથી મોટી દુર્ઘટના હતી. હીપપ્રપાતમાં નસીબજોગે બચેલા શેરપાઓએ વોકી-ટોકીથી બેઝકેમ્પ પર બચાવના સંદેશ મોકલ્યા, હેલિકોપ્ટર્સ અને અન્ય બચાવ ટુકડીઓ કામે લાગી પણ પછી તો ફક્ત મૃતદેહોને બરફમાં શોધવાનું કામ જ બાકી રહ્યું હતું.

જીવન અને મૃત્યુને સહજતાથી લેતો શેરપા સમુદાય આ દુર્ઘટના પછી હચમચી ઉઠ્યો છે. તેમની પાસે આવકનાં બીજાં કોઈ સાધન નથી એટલે દર ઉનાળે મોતનો સામનો કર્યા સિવાય તેમને કોઈ રસ્તો દેખાતો નથી. વિદેશી પર્વતારોહકો અને પેકેજ્ડ ટુર ગોઠવી આપતી એજન્સીઝ તેમને જે રકમ આપે છે તે વિદેશી ગાઇડ્સને મળતી રકમ કરતાં ઘણી ઓછી છે. પોતાનાં બાળકોને ભવિષ્યમાં મજૂર કે ગાઇડ ન બનવું પડે એટલા ખાતર પણ ઘણા શેરપાઓએ અત્યારે મોતની મજૂરી કરવી પડે છે.

એક સાથે ૧૬ શેરપાઓનાં મોત પછી મોટા ભાગના પર્વતારોહકે તેમનાં આયોજનો પડતાં મૂક્યાં. પેલા અમેરિકન સ્ટંટમેન અને ડિસ્કવરી ચેનલે એવરેસ્ટ પરથી છલાંગનો વિચાર પણ પડતો મૂક્યો. જોકે ડિસ્કવરી ચેનલે આખી ટ્રેજેડી પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. એ ઉપરાંત, ડિસ્કવરી ચેનલે એક વેબસાઇટ બનાવી, જેમાં લગભગ ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા બેઝકેમ્પથી ૨૯,૦૩૫ ફૂટની ઊંચાઈએ આવેલા માઉન્ટ એવરેસ્ટના આરોહણના દરેક તબક્કા વીડિયોની જેમ આવરી લેવાયા છે. આ વેબસાઇટ તમે જોશો તો એવરેસ્ટનું આરોહણ કેટલું દુર્ગમ છે તેનો ઘણો અંદાજ આવી શકશે. સાઇટ પર એવરેસ્ટ ટ્રેજેડીને લગતા સમાચાર, એ ટ્રેજેડી દરમિયાન વિવિધ પર્વતારોહકોએ ટ્વીટર કે ફેસબુક પર મૂકેલા સ્ટેટસ અપડેટ્સ વગેરે પણ તમે જોઈ શકશો.

મોબાઇલમાં એવરેસ્ટનો ૩ડી મેપ

નજીકના ભવિષ્યમાં એવરેસ્ટ પર ચઢાઈ કરવાનું તમારું કોઈ આયોજન ખરું? એવું કોઈ આયોજન હોય કે ન હોય, તમે એને માટે જરૂરી તૈયારી શરૂ કરી શકો છો, ઘેરબેઠાં!


જર્મનીની ૩ડી રિયાલિટીમેપ્સ નામની એક કંપની, જર્મન એરોસ્પેસ સેન્ટરના સેન્ટર ફોર રોબોટિક એન્ડ મિકેટ્રોનિક તથા દુનિયામાં સૌથી આધુનિક કમર્શિયલ સેટેલાઇટ નેટવર્કની માલિકી ધરાવતી અમેરિકાની ડિજિટલગ્લોબ નામની કંપનીએ સાથે મળીને વિશ્ર્વમાં સૌથી ઊંચા રેઝોલ્યુશનવાળો માઉન્ટ એવરેસ્ટનો ૩ડી મેપ તૈયાર કર્યો છે.

ડિજિટલગ્લોબ કંપનીનો વર્લ્ડવ્યૂ-૨ નામનો સેટેલાઇટ બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજીસના કિસ્સામાં ૦.૪૬ મીટરના રેઝોલ્યુશન અને કલર ઇમેજીસના કિસ્સામાં ૧.૮ મીટરના રેઝોલ્યુશનવાળી ઇમેજીસ ખેંચી શકે છે. પહેલી વાર આ સેટેલાઇટને માઉન્ટ એવરેસ્ટ અને તેની આસપાસના વિસ્તાર પર ફોકસ કરીને સમગ્ર વિસ્તારના ખૂણેખૂણાની એક સાથે ત્રણથી ચાર ઇમેજ લેવામાં આવી. તેના આધારે જર્મનીમાં સમગ્ર વિસ્તારની અત્યંત ઝીણવટભરી વિગતો સાથેનું ટીરેઇન મોડેલ તૈયાર થયું, જેના આધારે જર્મનીની જ ૩ડી રિયાલિટીમેપ કંપનીએ એવરેસ્ટનો ૩ડી મેપ તૈયાર કર્યો. કંપનીએ આ મેપ એન્ડ્રોઇડ ડિવાઇસીઝ માટે ગૂગલ પ્લે સ્ટોર પર અને એપલની ડિવાઇસીઝ માટે એપ સ્ટોર પર એપ તરીકે ઉપલબ્ધ કર્યો છે, જે આપણે ફ્રીમાં ડાઉનલોડ કરી શકીએ છીએ (mount everest 3d સર્ચ કરશો)!

તમે આ એપ ડાઉનલોડ કરીને જોશો તો ખરેખર ગૂગલ કે બિંગ મેપ્સ કે ગૂગલ અર્થ કરતાં ઘણી વધુ સારી સ્પષ્ટતાવાળી તસવીરો સાથે માઉન્ટ એવરેસ્ટનાં અદભુત દર્શન માણી શકશો. એપમાં એવરેસ્ટ આરોહણ માટે વપરાતા જુદા જુદા માર્ગોના ૩ડી મેપ પર દર્શાવવામાં આવ્યા છે. તમે ટુર ઇન્ફો પર ક્લિક કરીને આ માર્ગોની માહિતી મેળવી શકો છો, ત્યાર પછી શો ઇન ૩ડી મેપ પર ક્લિક કરતાં, તે રુટ ૩ડી મેપ પર જોવા મળશે. ૩ડી મેપમાં તમે બે આંગળીની મદદથી આગળ-પાછળ જઈ શકશો અને આંગળીઓને ઘુમાવીને નક્શાના એંગલ બદલી શકશો.

આ એપના પેઇડ પ્રો વર્ઝનમાં સોફિસ્ટિકેટેડ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે સમગ્ર મેપને ડાઉનલોડ કરી લેવાની સુવિધા છે, જેથી ખરેખરા પર્વતારોહકો તેમના પર્વતારોહણ દરમિયાન પોતાના ફોનમાં આ મેપનો લાભ લઈ શકે. તેઓ આ એપમાં પોતાની ટુર પર રેકોર્ડ કરી શકે છે.

આ પ્રકારના બીજા એક પ્રયાસમાં, આ જ વર્ષે જાન્યુઆરીમાં બે જર્મન પાઇલોટે એક ગ્લાઇડર પ્લેનની પાંખોમાં ખાસ પ્રકારની મોડ્યુલર એરબોર્ન કેમેરા સિસ્ટમ ફિટ કરીને માઉન્ટ એવરેસ્ટ પર ફ્લાઇંગ કરીને તેની એરિયલ ફોટોગ્રાફી કરી છે, જેની મદદથી, માઉન્ટ એવરેસ્ટનું ૧૫ સેન્ટીમીટરના રેઝોલ્યુશનવાળું હાઇ-ક્વોલિટી ૩ડી મોડેલ તૈયાર થશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!