ફોટોગ્રાફમાં ધાર્યા ફેરફાર કરવા માટે ફોટોશોપ કે પિકાસા જેવા સોફ્ટવેર ઘણા ઉપયોગી છે, પણ એમાં એટલી બધી ખૂબીઓ છે કે શિખાઉ વ્યક્તિ ગૂંચવાઈ જાય. એના ઉપાય તરીકે ફોટોશોપે જ આપ્યાં છે તદ્દન સરળ ઓનલાઇન ટૂલ્સ!

વેકેશનમાં ફરવા ગયા હોઈએ ત્યારે જે તસવીરો લીધી હોય એને વારંવાર જોવાની મજા જુદી જ છે. જોકે આ તસવીરો જેટલી વધુ વાર જોઈએ એટલી વાર તેમાં કંઈક કંઈક ખામી પણ દેખાય. જેમ કે કોઈ રેસ્ટોરાંમાં સૌ જમતા હોય ત્યારે લીધેલા ફોટોગ્રાફમાં એક ખૂણામાં ટેબલ પર ડીશ મૂકી રહેલા વેઇટરનો હાથ પણ આવી ગયેલો દેખાય. એ હાથ ન હોય તો પિક્ચરનું
કમ્પોઝિશન વધુ સરસ બને!
આમ તો ફોટો એડિટિંગ, ફોટો રીસાઇઝિંગ, ફોટો ક્રોપિંગ વગેરે વગેરે કરવા માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારના ઢગલાબંધ સોફ્ટવેર છે. તમારા કમ્પ્યુટરમાં ફોટોશોપ જેવો પ્રોગ્રામ હોય તો તો તમે ફોટોગ્રાફ સાથે ઇચ્છો તેવી રમત માંડી શકો. એ ન હોય અને ડેસ્કટોપમાં ગૂગલ પિકાસા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલ હોય તો તેની મદદથી પણ ફોટોગ્રાફમાં ધાર્યા ફેરફાર થઈ શકે.
પરંતુ આ બધા સોફ્ટવેરની એક તકલીફ એ છે કે એ એક નહીં, અનેક ફીચર્સ ધરાવે છે! આ વિષય જ જેમને માટે નવો છે એવી વ્યક્તિને આ બધા સોફ્ટવેર ખાસ્સા ગૂંચવી શકે છે.
કોઈ મમ્મીને પોતાની ત્રણેક વર્ષની દીકરીના ફોટોગ્રાફને જરા તરા ટચ અપ કરવા હોય કે તેમાં ઉપર ઉદાહરણ આપ્યું એ પ્રકારના નજીવા ફેરફાર કરવા હોય કે કલ્પનાને રીતસર પાંખો આપીને ફોટોગ્રાફને બિલકુલ નવી તરેહના કલર્સથી સજાવવો હોય તો એને માટે ઉપર લખ્યા એ બધા સોફ્ટવેરનો ઉપયોગ પ્રમાણમાં મુશ્કેલ બને. ફોટોશોપ મૂળભૂત રીતે પ્રોફેશનલ્સ માટેનો અપાર ખૂબીઓ ધરાવતો પ્રોગ્રામ છે. પિકાસાનું ફોકસ હોમ પીસી યુઝર પર એટલે કે સરેરાશ પરિવારના સભ્યો જ છે અને તેમાં આપેલાં ફીચર્સ પણ ખાસ્સાં યુઝર ફ્રેન્ડલી છે, પણ સોફ્ટવેર ટેક્નોલોજી જેમનો વિષય જ નથી એમને એનો ઉપયોગ પણ થોડો મુશ્કેલ લાગે.
એમને તો એવી કોઈ સર્વિસ જોઈએ જે આપણા ફોટોગ્રાફમાં વિવિધ પ્રકારના જે પણ પરિવર્તન શક્ય હોય તેના એકથી વધુ વિકલ્પ બતાવે, તેમાંથી આપણને જે ગમે તે સિલેક્ટ કરીએ અને સેવ કરીએ એટલે કામ પૂરું થાય!ફોટોગ્રાફનું એડિટિંગ આટલું જ સરળ બનાવે છે ફોટોશોપ – તમને થશે કે હમણાં તો લખ્યું કે ફોટોશોપ પ્રોફેશનલ્સ માટે ઉપયોગી છે. વાત સાચી, પણ તેનાં ઓનલાઇન ટૂલ્સ ફેમિલીને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યાં છે. અલબત્ત, આ ઓનલાઇન ટૂલ્સ છે એટલે તમારે તેના ઉપયોગ માટે ઇન્ટરનેટ જોઈશે.
તો http://www.photoshop.com/tools પર જાઓ અને ‘સ્ટાર્ટ ધ એડિટર’ પર ક્લિક કરો. હવે તમને તમારા કમ્પ્યુટરમાંથી કોઈ ફોટોગ્રાફ અપલોડ કરવા કહેવામાં આવશે. આ સિસ્ટમ અત્યારે ફક્ત જેપીઇજી, જેપીજી કે જેપીઇ ફોર્મેટના ફોટોનું એડિટિંગ કરી શકે છે. જોકે તમારે ફોર્મેટની ચિંતા કરવાની જરૂર નથી. તમારા ડેસ્કટોપના ફોલ્ડરમાં બીજા ફોર્મેટના ફોટોગ્રાફ હશે તો પણ એ આમાં દેખાશે જ નહીં.
બીજું, આપણે ૧૬ એમબીથી નાની સાઇઝના ફોટોગ્રાફ લઈશું તો આ સિસ્ટમ વધુ ઝડપથી અને સારું પરિણામ આપશે.ટ્રાયલ માટે કોઈ પણ ફોટોગ્રાફ લો, કમ્પ્યુટરમાંના માય પિક્ચર ફોલ્ડરમાંની કોઈ ઇમેજ પણ લઈ શકાય. સિસ્ટમમાં આપણો ફોટો અપલોડ થતાં જ એક તરફ ફોટોગ્રાફ અને બીજી તરફ તેમાં શક્ય એડિટિંગની યાદી બતાવતી પેનલ જોવા મળશે.
પ્રોફેશનલ માટેના ફૂલ ફોટોશોપ સોફ્ટવેર અને ઓનલાઇન ટૂલ્સમાં મોટો તફાવત આ જ છે – ઓનલાઇન ટૂલ્સ બિલકુલ શિખાઉ વ્યક્તિ પણ સહેલાઈથી ઉપયોગમાં લઈ શકે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે.
અહીં ડાબી પેનલમાં તમે જોશો તેમ ફોટોગ્રાફમાંના ન જોઈતા ભાગ દૂર કરવા (ફોટોને ક્રોપ કરવો), તેને રોટેટ કરવા, રીસાઇઝ કરવા, લાઇટિંગમાં વધઘટ કરવી, નાનું મોટું ટચઅપ કરવું, કલર ફોટોને બ્લેકએન્ડ વ્હાઇટમાં ફેરવી નાખવો, વ્યક્તિની આંખની કીકીમાં દેખાતું લાલ ટપકું દૂર કરવું વગેરે બેઝિક એડિટિંગ સહેલાઈથી થશે.
તેમ, તેની નીચે આપેલ એડજસ્ટમેન્ટના વિકલ્પોમાં તમે ઊંડા ઊતરતો હજી વધુ મજા આવશે. ઝાંખા લાગતા ફોટોગ્રાફના રંગો ઉપસાવવા, તેમાં પ્રકાશ ઉમેરવો, કેટલોક ભાગ ઝાંખો કરવો, ફોકસ સોફ્ટ કરવું વગેરે અહીંથી થશે.
હજી વધુ નીચે ઇફેક્ટ્સ આપી છે તે આ ટૂલ્સનું સૌથી મજેદાર પાસું છે. જેમ કે અહીં તમે પોપ કલર જેવી સુવિધાનો ઉપયોગ કરશો તો આખા ફોટોગ્રાફમાં કોઈ એક ચોક્કસ રંગને ઉપસાવવો હોય તો ઉપસાવી શકશો. એ પછી સ્કેચ ટૂલના ઉપયોગથી ફોટોગ્રાફ સ્કેચ કર્યો હોય તેવી ઇફેક્ટ મેળવી શકાશે. સ્કેચ ઇફેક્ટ ટૂલ પસંદ કરવાથી સ્કેચનાં જુદાં જુદાં લેવલથી કેવું પરિણામ મળશે તેના વિકલ્પો થમ્બનેઇલ્સ સ્વરૂપે આપણી નજર સામે જ હોવાથી તેમાંથી પસંદગી સહેલી બને છે. કામ સંતોષજનક રીતે પૂરું થાય એટલે ‘ડન’ કહી દો અને ઇમેજ તમારા કમ્પ્યુટરમાં ફરી સેવ કરી લો!
ઉપયોગમાં ઘણાં સહેલાં આ ટૂલ્સથી ફોટોએડિટિંગ ફોટોગ્રાફ ક્લિક કરવા જેટલું જ રોમાંચક બનશે એ નક્કી!

