ગુજરાતના અનેક પરિવારોના નવયુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એન્જિનિયરિંગ કે ઉચ્ચ શિક્ષણના બીજા ક્ષેત્રોમાં કદમ માંડવા જઈ રહ્યાં છે. આ વિદ્યાર્થીઓનું સ્વપ્ન શું હોય છે?
ગુજરાતના અનેક પરિવારોના નવયુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એન્જિનિયરિંગ કે ઉચ્ચ શિક્ષણના બીજા ક્ષેત્રોમાં કદમ માંડવા જઈ રહ્યાં છે. આ વિદ્યાર્થીઓનું સ્વપ્ન શું હોય છે? નામ એનું રયાન એલિસ. ૧૪ વર્ષની ઉંમરે આ અમેરિકન છોકરડાએ આપણે અહીં એની નોંધ લેવી પડે એવા એક કામની શરૂઆત કરી. એણે એક એરહોસ્ટેસ માટે એક ઈ-કોમર્સ વેબસાઇટ બનાવી. એ એરહોસ્ટેસ દુનિયાભરમાં ઊડતી, જુદાજુદા દેશોની ખાસિયત સમી ચીજવસ્તુઓ ખરીદી લાવતી અને પછી ઘરઆંગણે ઓળખીતા-પાળખીતામાં વેચતી. સાઇડ ઇનકમ જેવી આ પ્રવૃત્તિને બિઝનેસનું સ્વરુપ આપવા તેને વેબસાઇટની જરુર હતી જે રયાને પૂરી કરી આપી.
બિઝનેસ વધતો ગયો. ઓર્ડર્સની સંખ્યા પણ વધતી ચાલી. ઓર્ડર અને ડિલિવરીના કામકાજને પહોંચી વળવા કોઈની મદદની જરુર વર્તાવા લાગી. એરહોસ્ટેસને લાગ્યું કે કોઈ પગારદારને રાખીશ તો ઘણોખરો પ્રોફિટ તો એના પગારમાં ચાલ્યો જશે. એણે બધું કામકાજ એકલે હાથે જ ચલાવે રાખવાનું નક્કી કર્યું. થોડા સમયમાં સ્થિતિ એવી આવી કે નોકરી અને બિઝનેસ બંને સાથે સંભાળી શકાય તેમ ન હોવાથી વિકાસની ખૂબ સારી શક્યતાવાળો બિઝનેસ તેણે બંધ કરવો પડ્યો.
રયાને પોતાના જીવનનો બિઝનેસનો પહેલો મંત્ર ગાંઠે બાંધી લીધો – બધું જાતે કરવા જાવ તો એ બિઝનેસ ક્યારેય ન બને!
૨૦૦૩માં ૧૮ વર્ષની ઉંમરે રયાને પોતાના એક મિત્ર સાથે આઈકોન્ટેક્ટ નામની એક કંપનીની સ્થાપના કરી. બંને મિત્રોએ નક્કી કર્યું કે પ્રથમ ૩ વર્ષ કંપનીમાંથી પોતે એક ડોલર ન લેવો. રયાને ઘરખર્ચ બચાવવા ઓફિસના એક ખૂણાને જ ઘર બનાવી લીધું અને દિવસો સુધી નૂડલ્સ ખાઈને ચલાવ્યું, પણ બંને મિત્રોએ કંપનીને આગળ ધપાવવામાં પાછું વળીને ન જોયું. કંપનીમાં એક પછી એક નવા કર્મચારીઓ ઉમેરાતા ગયા. ૨૦૧૨ સુધીમાં કંપનીમાં ૩૦૦ કર્મચારીઓ થયા અને ગ્રાહકોની સંખ્યા ૭૦ હજારે પહોંચી.
૨૦૧૨માં એક બીજી મોટી કંપનીએ રયાનની કંપનીને મિલિયન્સ ડોલર્સ ચૂકવીને હસ્તગત કરી. ૯ વર્ષમાં રયાન મલ્ટિમિલિયોનર બની ગયો. હવે રયાને કનેક્ટ નામની એક નવી કંપની સ્થાપી છે. એ સાથે તેમણે જુદી જુદી કંપનીઓમાં એન્જલ ઇન્વેસ્ટિંગ એટલે કે વિકાસની ક્ષમતાવાળી કંપનીઓને નાણાં ધીરવાનું કામ શરુ કર્યું છે.૨૦૧૧માં ઇજિપ્તમાં ક્રાંતિ પછી ત્યાંના યુવાનોને ઉદ્યાગ સાહસિકતાના પાઠ શીખવવાનું કામ પણ રયાને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના સાથમાં ઉપાડ્યું હતું. ૨૦૧૨માં રયાને અમેરિકન પ્રમુખની ચૂંટણી સમયે ‘ટેક્નોલોજી ફોર ઓબામા’ કેમ્પેઇનના નેશનલ કો-ચેરપર્સન તરીકેની જવાબદારી પણ સંભાળી.
આપણને લાગે કે આ માણસ કેટલો વ્યસ્ત રહેતો હશે, પણ તેણે ‘ઝીરો ટુ મિલિયન્સ’ નામનું એક પુસ્તક પણ ૨૦૦૮માં લખ્યું. હમણાં રયાને ‘ધ સ્ટાર્ટઅપ ગાઇડ : ક્રિએટિંગ એ બેટર વર્લ્ડ થ્રૂ એન્ટરપ્રિન્યોરશિપ’ નામે એક નવું પુસ્તક લખવાનું શરૂ કર્યું છે, પણ આ જરા જુદી જાતનું પુસ્તક છે. શરુઆતમાં તેણે એક બ્લોગનો આકાર લીધો અને હવે તે પુસ્તક બન્યું.
આજે અહીં રયાનની રામાયણ માંડવાનું કારણ? કારણ એ કે ગુજરાતના અનેક પરિવારોના નવયુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એન્જિનિયરિંગ કે ઉચ્ચ શિક્ષણના બીજા ક્ષેત્રોમાં કદમ માંડવા જઈ રહ્યાં છે. આ વિદ્યાર્થીઓનું સ્વપ્ન શું હોય છે? મોટા ભાગે, ડિગ્રી મેળવીને સારા પગારની સ્થિર નોકરી મેળવવી. આજના સમયમાં સારો પગાર તો મળી જશે (એ પણ જો ખરેખર આવડત હશે તો જ) પણ સ્થિર નોકરી મળવી અશક્ય છે. કોલેજ પૂરી થતાં ભણવાનું પૂરું કે નવું શીખવાનું પૂરું, એવો અભિગમ હવે કોઈ રીતે ચાલે તેમ નથી. આજે ફક્ત પોતાના ક્ષેત્રમાં એક્સપર્ટાઇઝ મેળવવાથી પણ કામ પૂરું થવાનું નથી. હવે સમય વિવિધ ટેક્નોલોજીઓના ક્ન્વર્જન્સનો છે. એટલે કે જુદાં જુદાં ઘણાં બધાં ક્ષેત્રોની સમજ કેળવવી જરુરી છે.
અને જો તમારું સ્વપ્ન ફક્ત પોતાના માટે સારી નોકરી નહીં, પણ સૌના માટે ઊજળું ભાવિ તૈયાર કરે તેવો ઉદ્યોગ કે બિઝનેસ સ્થાપવાનું હોય તો એ સાવ અશક્ય નથી. ફક્ત એ માટે પૂરાં દિલથી મથામણ કરવાની અને પૂરાં જોશથી સંજોગોનો સામનો કરવાની તૈયારી જોઈશે.
તમે વિદ્યાર્થી હો કે પોતાનો બિઝનેસ જમાવવાની કોશિશ કરી રહ્યો હો તો રયાનનો બ્લોગ (http://startupguide.com) તપાસી જુઓ. અત્યંત વ્યસ્તતા વચ્ચે રયાને, સાવ એકડેએકથી બિઝનેસ સ્થાપવા વિશે બિલકુલ સરળ ભાષામાં એકદમ પદ્ધતિસરની સમજ આપી છે.
ઓલ ધ બેસ્ટ!

