તમારા કમ્પ્યુટરમાં કોઈ વાયરસ કે માલવેર ઘૂસી જાય તો કેટલીક બાબતો તેની હાજરીની તરત ચાડી ખાય છે. આવાં લક્ષણો સમજી લેશો તો ઉપાય કરવામાં સરળતા રહેશે.
આગળ શું વાંચશો?
- કમ્પ્યુટરમાં રોગનાં લક્ષણો
- વેબસાઈટમાં રોગનાં લક્ષણો
- ટૂલબાર્સમાં રોગનાં લક્ષણો
- સર્ચન એન્જિનમાં રોગનાં લક્ષણો
“સારવાર કરતાં સાવધાની સારી આ વાત આપણે સૌ જાણીએ છીએ, પણ ધારો કે સાવધાની રાખવામાં ગફલત થઈ અને રોગ લાગુ પડી ગયો, તો? તો પહેલાં તો ખબર પડવી જોઈએ કે આપણે માંદા પડ્યા છીએ! માનવશરીરની જેમ કમ્પ્યુટરમાં પણ રોગનાં કેટલાંક સ્પષ્ટ ચિહ્નો જોઈ શકાય છે, જેના કારણે આપણને ખબર પડે છે કે કમ્પ્યુટરમાં આપણી જાણ બહાર કંઈક ઘૂસી ગયું છે. આજે આવાં લક્ષણો જાણી લઈએ.
કમ્પ્યુટરમાં રોગનાં લક્ષણો
તમે કમ્પ્યુટર ચાલુ કરો અને કોઈ પ્રોગ્રામમાં કામ કરવાનું શરૂ કરો ત્યાં, ‘સાવધાન! તમારા કમ્પ્યુટરમાં વાઇરસ છે!’ એવા મતલબની કોઈ નોટિસ જોવા મળે છે? હવે આમાં બે સંભાવના છે, એક તો, તમારા કમ્પ્યુટરમાં કોઈ સારો એન્ટિવાઇરસ પ્રોગ્રામ હોય, તમે તેને નિયમિત અપડેટ કરતા હો અને એ ખરેખર તમને ચેતવણી આપતો હોય.
બીજી શક્યતા એ કે તમારા કમ્પ્યુટરમાં કોઈ માલવેર પ્રોગ્રામ ઘૂસી ગયો હોય અને એ બનાવટી ચેતવણી આપતો હોય. મોટા ભાગે આપણે આવી નોટિસ પરની ‘વધુ જાણો’ કે ‘કમ્પ્યુટરને મફત સ્કેન કરો’ કે ‘વાઇરસ દૂર કરો’ જેવી કોઈ લિંક પર ક્લિક કરવા લલચાઈ જઈએ છીએ. આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોઈએ તો એ લિંક આપણને કોઈ એન્ટિવાઇરસ સોફ્ટવેર વેચતી સાઇટ પર લઈ જાય, જે વાસ્તવમાં બનાવટી હોઈ શકે છે!
જો તમને આવી કોઈ દેખીતી રીતે બનાવટી લાગતી નોટિસ દેખાય તો કામની ફાઈલ્સ સેવ કરી કમ્પ્યુટર બંધ કરી રિસ્ટાર્ટ કરો અને ત્યારે તેને સેફ મોડમાં ચાલુ કરો. હવે કંટ્રોલ પેનલમાં ‘અનઇન્સ્ટોલ પ્રોગ્રામ્સ’માં જઈ, નવો આવી પડેલો કોઈ પ્રોગ્રામ હોય તો તેને અનઇન્સ્ટોલ કરી દો. તમે તમારા અસલી એન્ટિવાઇરસ પ્રોગ્રામથી આખી સિસ્ટમ સ્કેન પણ કરી શકો છો. આ બધું ફાવે તેવું ન હોય તો કમ્પ્યુટર એન્જિનિયર કે કોઈ જાણકારની મદદ લો, પણ બનાવટી ચેતવણીને અવગણશો નહીં.
વેબસાઇટમાં રોગનાં લક્ષણો
કમ્પ્યુટરમાં વારંવાર પોપ-અપ વિન્ડો ઓપન થાય અને તેમાં તમને કોઈ ઇનામ મળ્યું હોવાની જાણ કરવામાં આવે કે કોઈ ગેમ રમવાનું આમંત્રણ મળે તો પણ કંઈક ગરબડ છે એ નક્કી જાણો. આવું બ્રાઉઝરમાં બનવાની શક્યતા વધુ છે. કેટલીક સાઇટ જ એવી હોય છે કે તેમાં આવી જાતભાતની પોપ-અપ વિન્ડો ખૂલે, પણ તમે કોઈ વેબસાઇટ નિયમિત જોતા હો અને તેમાં સામાન્ય રીતે કોઈ જાહેરાત દેખાતી ન હોય, પણ પછી અચાનક સ્ક્રીન પર બંને બાજુની ખાલી જગ્યામાં જાહેરાતો જોવા મળે, વેબસાઇટમાંનાં લખાણોમાં પણ બિનજરૂરી અનેક લિંક્સ જોવા મળે તો સમજવું કે તમારા બ્રાઉઝરમાં એડ માલવેર ઘૂસી ગયો છે. તેને દૂર કર્યે છૂટકો.
ટૂલબાર્સમાં રોગનાં લક્ષણો
તમારા બ્રાઉઝરમાં વણજોઈતા ટૂલબાર્સ જોવા મળે છે? બ્રાઉઝરમાં અજાણ્યા ટૂલબાર્સ એ આપણા કમ્પ્યુટરની સલામતી જોખમાઈ હોવાની દેખીતી નિશાની છે. આવા ટૂલબારને ફક્ત બંધ કરવા પૂરતા નથી, તેને અનઇન્સ્ટોલ કરવા જરૂરી છે. મોટા ભાગે દરેક બ્રાઉઝરનાં સેટિંગ્સમાં જઈને આપણે ઇન્સ્ટોલ થયેલા ટૂલબારને અનઇન્સ્ટોલ કરી શકીએ છીએ, પણ જે ધરાર ઘૂસી ગયા છે, એવા ટૂલબાર એટલી સહેલાઈથી દૂર ન થાય એવું બની શકે છે. એ માટે ફરી ઉપર બતાવેલી વિધિ કરી જુઓ. બેબિલોન કે આસ્ક જેવા ટૂલબાર કમ્પ્યુટરમાં ઘૂસ્યા પછી તેને દૂર કરવા બહુ મુશ્કેલ હોય છે,
જરુરી લાગે તો બીજાની મદદ લો, પણ એને દૂર અચૂક કરો. સામાન્ય રીતે, આપણે બ્રાઉઝર અને તેમાંનાં પ્લગ-ઇન્સ અપડેટેડ ન રાખીએ તો તેના રસ્તે, અથવા કોઈ નવો પ્રોગ્રામ ડાઉનલોડ કરીએ ત્યારે તેની સાથોસાથ આવા ટૂલબાર્સ ઘૂસી જતા હોય છે. કશું પણ ડાઉનલોડ કરતી વખતે જેની જરુર ન હોય એવી કોઈ પણ વધારાની બાબત માટે સંમતિ આપશો નહીં.
સર્ચ એન્જિનમાં રોગનાં લક્ષણો
ઘણી વાર બ્રાઉઝરનાં સર્ચ એન્જિન પણ બદલાઈ જતાં હોય છે. જેમ કે તમે ફાયરફોક્સ કે ક્રોમમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન ગૂગલ રાખ્યું હોય, પણ તેના સર્ચ બારમાં કશું પણ લખીને સર્ચ કરતાં કોઈ ભળતું જ સર્ચ એન્જિન દેખાય અને તે તેનાં સર્ચ રિઝલ્ટ બતાવવા લાગે તો પણ સમયસર ચેતી જાવ. આવું થાય ત્યારે ફરી બ્રાઉઝરના સેટિંગ્સમાં જાઓ અને તેમાં કયાં કયાં સર્ચ એન્જિન જોવા મળે છે તે તપાસો. બિનજરૂરી સર્ચ એન્જિન્સને દૂર કરો.
આ બધા ઉપરાંત, તમારો અસલી એન્ટિવાઇરસ પ્રોગ્રામ ડિસેબલ થઈ જાય કે તમારા મિત્રોને તમારા નામે નકલી ઈ-મેઇલ મળે તો પણ સમજવું કે કંઈક ગરબડ છે. અલબત્ત, પહેલા ફકરામાં લખ્યું એમ આ બધી નિશાનીઓ રોગ લાગુ પડ્યા પછીની છે. રોગ થાય જ નહીં એ માટે તો જરૂરી પ્રોગ્રામ્સ નિયમિત અપડેટ કરવા, એન્ટિવાઇરસનો નિયમિત ઉપયોગ કરવો, દેખીતી ગરબડવાળી લાગે તેવી સાઇટ્સ જોવી નહીં કે જોખમી લાગતી લિંક્સ પર ક્લિક કરવી નહીં… વગેરે સાવધાનીનાં પગલાં સૌથી વધુ જરૂરી છે જ. એમાં ચૂક થયા પછી આ લક્ષણો દેખાય તો તેને અવગણવાને બદલે જાતે દૂર કરવાનો પ્રયાસ કરો અથવા નિષ્ણાતની મદદ લો.


