સવાલ લખી મોકલનારઃ નલીન શાહ, કપડવંજ
કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે!
હા અને ના. બ્રાઉઝરની જરુર ઇન્ટરનેટ સર્ફિંગ માટે જ છે, એટલે જેમ રિપોર્ટ તૈયાર કરવા માટે આપણે વર્ડથી કામ ચાલી જતું હોય તો તેના જેવા બીજા કોઈ પ્રોગ્રામની જરુર પડતી નથી, તેમ ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ કે મોઝિલા ફાયરફોક્સ જેવા કોઈ એક બ્રાઉઝરથી આપણું કામ ચાલી જતું હોય તો કમ્પ્યુટરમાં કોઈ એક જ બ્રાઉઝર હોય તો ચોક્કસ ચાલે.
પરંતુ, હવે વેબ ટેક્નોલોજી એટલી ગૂંચવણભરી બનતી જાય છે કે કોઈ એક બ્રાઉઝરથી આપણું કામ ચાલી જતું નથી.
સામાન્ય રીતે, ઉપર લખેલા બ્રાઉઝરમાંથી તમને અનુકૂળ લાગતું હોય એવું કોઈ એક બ્રાઉઝર તમારા ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરી રાખો અને પછી બીજું કમ કે કમ એક બ્રાઉઝર સ્ટેન્ડ બાય તરીકે કમ્પ્યુટરમાં રાખી મૂકો તો વધુ સારું.
આવી જરુર કેમ છે એ સમજીએ.
મુખ્ય કારણ છે કે દરેક વેબસાઇટ દરેક બ્રાઉઝરમાં બરાબર દેખાવી જોઈએ, પણ દેખાતી હોતી નથી! તમને જાણીને નવાઈ લાગશે કે આપણે ભલે મુખ્ય ત્રણ-ચાર બ્રાઉઝર જાણતા હોઈએ પણ વાસ્તવમાં સેંકડો બ્રાઉઝર્સ ડાઉનલોડ કરી શકાય છે અને લોકો વધતા-ઓછા પ્રમાણમાં તેનો ઉપયોગ કરતા હોય છે. દરેક વેબસાઇટ આ દરેક બ્રાઉઝરમાં એકસરખી દેખાય એવું બનતું નથી. બધાં બ્રાઉઝર તો છોડો, મુખ્ય ત્રણ-ચારમાં સમાન રીતે દેખાય એવું પણ બનતું નથી. આવું શક્ય બનાવવા વેબડેવલપમેન્ટનાં નિશ્ચિત ધોરણો હોય છે પણ તેનું પૂરેપૂરું પાલન થતું હોતું નથી. એટલે જ ઘણી ખરી વેબસાઇટમાં છેક તળિયે ‘બેસ્ટ વ્યૂડ ઇન…’ લખેલું હોય છે.
આ બાબતમાં ઇન્ટરનેટ એક્સપ્લોરરની છાપ વધુ ખરાબ છે. યોગ્ય રીતે તૈયાર થયેલી સાઇટ પણ આઇઇમાં બરાબર ન દેખાય એવું બનતું હોય છે.
મોબાઇલમાં વળી હજી વધુ કેટલાંક કારણોસર એકથી વધુ બ્રાઉઝરની જરુર પડે છે. જેમ કે ઘણા હેન્ડસેટમાં ગુજરાતી ફોન્ટ ન હોવાથી, આપણા આવા ફોન્ટનું લખાણ પણ જોઈ શકીએ એવી સગવડ આપતા ઓપેરા મિની બ્રાઉઝરની જરુર પડે છે. પરંતુ ઓપેરામાં બીજી બધી સાઇટ યોગ્ય રીતે દેખાય એવું ન પણ બને.
આ બધાં કારણસર, આપણે કામની કોઈ વેબસાઇટ આપણા ફેવરિટ બ્રાઉઝરમાં બરાબર દેખાતી ન હોય તો એ વેબસાઇટ પૂરતું બીજું કોઈ બ્રાઉઝર ઇન્સ્ટોલ કરી રાખ્યું હોય તો આપણું કામ અટકતું નથી.

