ડિજિટલ ડેટાનું પ્રમાણ અત્યંત તેજ ગતિએ વધી રહ્યું છે, તેમ તેની સાથે તાલ મિલાવવા ડેટા સ્ટોર કરતાં સાધનોની ક્ષમતા પણ વધી રહી છે, જેમ કે હવે આવી રહી છે ૨૫૦ ડીવીડી ફિલ્મ સમાવી સકતી એક ડિસ્ક!સોની અને પાનાસોનિક કંપની બ્લુ-રે ડિસ્કથી આગળ વધીને નેક્સ્ટ જનરેશન સ્ટોરેજ ડિસ્ક વિક્સાવવા તરફ આગળ વધી રહી છે. આ ડિસ્ક આર્કાઇવલ ડિસ્ક તરીકે ઓળખાશે.
આવતા વર્ષ સુધીમાં ૩૦૦ જીબીનો ડેટા સ્ટોર કરવાની ક્ષમતા ધરાવતી ડિસ્ક લોન્ચ થઈ જશે, એ પછી, ૫૦૦જીબી અને ૧ ટીબી ડેટા સમાવી શકે એવી ડિસ્ક લોન્ચ થશે. આ એક ડિસ્કમાં ૨૫૦ ડીવીડી ફિલ્મ સમાઈ શકશે! હાલની બ્લુ-રે ડિસ્કમાં ૫૦જીબી ડેટા સમાઈ શકે છે. આર્કાઇવલ ડિસ્કમાંનો ડેટા ઓછામાં ઓછાં ૫૦ વર્ષ સુધી રીડેબલ રહેશે. ફૂજીફિલ્ કંપની પણ ૨૦૧૫ સુધીમાં ૧ ટીબીની ઓપ્ટિકલ ડિસ્ક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
ડિજિટલ ડેટાનું પ્રમાણ જે રીતે સુપરસોનિક ઝડપે વધી રહ્યું છે તે જોતાં વધુ ને વધુ સ્ટોરેજ કેપેસિટી ધરાવતાં સાધનોની જરૂર પડે એ વાત સમજી શકાય એવી છે, પણ હવે ધીમે ધીમે બધો ડેટા ઓનલાઇન ક્લાઉડ સ્ટોરેજમાં જ સેવ કરવાનું વલણ વધી રહ્યું છે ત્યારે આવી આર્કાઇવલ ડિસ્ક કેમ વેચાશે એવો સવાલ થવો પણ સ્વાભાવિક છે. પાનાસોનિક અને સોની કંપની માને છે કે ચોક્કસ વેચાશે.
કંપનીના સંયુક્ત સ્ટેટમેન્ટમાં જણાવ્યા મુજબ, તેમની ઓપ્ટિકલ ડિસ્ક્સ ધૂળ અને પાણી સામે પણ ટકી શકશે અને તાપમાન કે ભેજ સામે પણ ડેટાનું રક્ષણ કરી શકશે. બીજો એક મુદ્દો ક્લાઉડ સ્ટોરેજના ખર્ચનો છે. ફેસબુક કંપનીએ તેના વિરાટ ડેટાને સ્ટોર કરવા માટેનાં સર્વર્સ ઉપરાંત, યુઝર્સના ફોટો અને વીડિયોનો બેકઅપ રાખવા માટે ૧૦,૦૦૦ બ્લુ-રે ડિસ્ક સમાવતા સ્ટોરેજ કેબિનેટનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવાનું શ કર્યંુ છે. આ રીતે, પરંપરાગત સ્ટોરેજ કરતાં ખર્ચમાં ૫૦ ટકાની અને ઊર્જાની ખપતમાં ૮૦ ટકા સુધીની બચત થશે.બહુ મોટા પ્રમાણમાં ડેટા સ્ટોર કરવાની જર પડતી હોય તેવી મોટી કંપનીઓ માટે આ ડિસ્ક ઉપયોગી થશે, પણ અત્યારે સ્માર્ટફોન અને ડિજિટલ કેમેરામાં મેગાપિક્સેલની સંખ્યા જે ઝડપે વધી રહી છે અને આપણે સૌ જે પ્રમાણમાં હાઇએસ્ટ રેઝોલ્યુશનમાં ફોટો અને વીડિયોગ્રાફી કરી રહ્યા છીએ એ જોતાં આ ડિસ્ક આવશે ત્યાં સુધીમાં આપણને પણ એ ઉપયોગી લાગે તો નવાઈ નહીં!


