‘સાયબરસફર’નું લવાજમ ભરવું હોય કે રીન્યુ કરાવવું હોય તો નાની રકમ માટે તમારે કેટલી મોટી કસરત કરવી પડે છે? મનીઓર્ડર કરવો કે ચેક લખીને કુરિયર કરવાનું તો ભારે પીંજણવાળું કામ છે જ, ઓનલાઇન પેમેન્ટ કરવાનું કામ પણ પ્રમાણમાં લાંબી વિધિવાળું છે. આ તો લવાજમની વાત થઈ, ફક્ત એકાદ અંક છૂટક ખરીદવો હોય તો? આટલી મગજમારી કોઈ ન કરે.
પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે. તમે તમારા સ્માર્ટફોનમાં એક એપ ખોલી, તેમાં તમારે જે પુસ્તક કે મેગેઝિન વગેરે ખરીદવું હોય તેને સિલેક્ટ કરો અને ‘પે નાઉ’ પર ક્લિક કરો એટલે તે તમને મળી જાય અને તમે પ્રીપેઇડ કાર્ડ વાપરતા હો તો તેના ટોકટાઇમમાંથી એ પુસ્તક કે મેગેઝિનના અંકની કિંમત જેટલી રકમ ઓછી થઈ જાય અને પોસ્ટપેઇડ પ્લાન હોય તો તમારા મોબાઇલ બિલમાં એ રકમ ઉમેરાઈ જાય! તમારે એક-બે ક્લિકથી વિશેષ કશું કરવાનું રહે જ નહીં!
આવી સર્વિસને કેરિયર બિલિંગ કહે છે, એટલે કે આપણી ઓનલાઇન ખરીદી માટે, ખરીદી સમયે કોઈ રીતે રૂપિયા ચૂકવવાના બદલે, મોબાઇલ કંપનીનું બિલ ચૂકવતી વખતે એ રકમ ચૂકવવાની રહે.
અત્યારે આવી સર્વિસ, પ્રોડક્ટ વેચનાર માટે બહુ મોંઘી છે, પણ હમણાં સમાચાર આવ્યા છે કે ગૂગલ ભારતમાં એરટેલ સાથે કેરિયર બિલિંગ શરૂ કરવાની તૈયારીમાં છે. એરટેલ કંપની લગભગ ૪ કરોડ ગ્રાહકો સાથે દેશની સૌથી મોટી મોબાઇલ કેરિયર કંપની છે. ભારતમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ હજી માત્ર ૨ ટકા લોકો કરતા હોવાથી, મોબાઇલથી સાવ સરળ પેમેન્ટ પદ્ધતિ બહુ લોકપ્રિય બની શકે તેમ છે. અલબત્ત હાલ પૂરતી આ સુવિધા ગૂગલ પ્લે સ્ટોરમાંથી થતી ખરીદી માટે જ અમલી થાય એવી શક્યતા છે.

