(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિન્ડોઝની મજાની ખૂબી : ટાસ્કબાર

વિન્ડોઝમાં એક જ કામ કરવાના અનેક ઉપાય હોય છે. સવાલ ફક્ત આપણું કામ ઝડપી અને સરળ બનાવે તેવા રસ્તા શોધવાનો હોય છે – આવા કેટલાક રસ્તા મળશે ટાસ્કબારમાંથી.

‘દિવા તળે અંધારું’ એ આપણી જૂની કહેવતને જરા નવા સંદર્ભમાં યાદ કરીએ, તો આપણા કમ્પ્યુટર સ્ક્રીનના છેક તળિયે જોવા મળતો વિન્ડોઝ ટાસ્કબાર સતત આપણી નજર સામે રહેતો હોવા છતાં તેની ઘણી બધી ખૂબીઓ આપણી નજર બહાર રહેતી હોય છે. અહીં આ ટાસ્કબારનાં જાણ્યાં-અજાણ્યાં પાસાંઓ પર જરા બારિક નજર ફેરવી લઈએ. અહીં આપેલા બધા મુદ્દા આપણું કામ સહેલું અને ઝડપી બનાવવા પૂરતા જરૂરી છે. તેના વિના પણ આપણું કામ તો ચાલ્યું જાય, પણ એક વાર આદત પડશે તો વિન્ડોઝની સૌથી ગમતી સુવિધાઓની તમારી યાદીમાં ટાસ્કબાર ઉમેરાઈ જશે એ નક્કી!

માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં, વિન્ડોઝ ૭થી ‘પિનિંગ’ની એક મજાની સગવડ ઉમેરાઈ છે. આપણે સોફ્ટબોર્ડ પર ટાંકણી કે સોફ્ટબોર્ડ પિનની મદદથી કોઈ ચબરખી લગાવી દઈએ, બરાબર એ જ રીતે સ્ટાર્ટ મેનુ કે ટાસ્કબારમાં જુદા જુદા પ્રોગ્રામના શોર્ટકટ મૂકી શકીએ છીએ. પિનિંગનો ફાયદો એ થાય કે જો તમે વર્ડ કે એક્સેલ જેવા પ્રોગ્રામ વારંવાર ઓપન કરતા હો તો સ્ટાર્ટ બટન પર ક્લિક કરી, એ પ્રોગ્રામ ઓપન કરવાની લિંક શોધવા જવાને બદલે, એક વાર વર્ડના આઇકન પર માઉસથી રાઇટ ક્લિક કરી, ‘પિન ટુ સ્ટાર્ટ મેનુ’ કે ‘પિન ટુ ટાસ્કબાર’ પર ક્લિક કરી દેતાં, વર્ડનો શોર્ટકટ સ્ટાર્ટ મેનુમાં કે ટાસ્કબારમાં કાયમ માટે ગોઠવાઈ જાય છે. તમે કોઈ પણ આઇકનને માઉસથી ડ્રેગ કરીને પણ ટાસ્કબારમાં ઉમેરી શકો છો (વર્ડ ૨૦૦૮માં આ સુવિધાને હજી વધુ સગવડભરી બનાવવામાં આવી છે, પણ એની વાત ફરી ક્યારેક કરીશું).

ટૂંકમાં, ટાસ્કબાર બે પ્રકારના આઇકોન ધરાવે છે:

  1. આપણે જે પ્રોગ્રામ્સને કાયમ માટે ટાસ્કબારમાં સ્થાન આપ્યું હોય તે.
  2. જે પ્રોગ્રામ આપણે ઓપન કર્યો હોય તે.

તમે ધ્યાનથી જોશો તો ઓપન કરેલા પ્રોગ્રામના આઇકન ફરતે બોર્ડર જોવા મળશે, જ્યારે કાયમ માટે ટાસ્કબારમાં ગોઠવેલા શોર્ટકટ ફરતે આવી બોર્ડર હોતી નથી. કાયમી શોર્ટકટવાળા પ્રોગ્રામને ઓપન કરશો તો વળી એના આઇકન ફરતે પણ બોર્ડર જોવા મળશે! કોઈ પણ શોર્ટકટને ટાસ્કબારમાંથી દૂર કરવો હોય તો તેના પર માઉસથી રાઇટ ક્લિક કરી ‘અનપિન ધીસ પ્રોગ્રામ ફ્રોમ ધ ટાસ્કબાર’ વિકલ્પ પસંદ કરી લો.

અચ્છા, હવે બીજી કેટલીક કામની વાત.

ટાસ્કબારમાંના બધા પ્રોગ્રામના આઇકનને આપણે આપણી મરજી મુજબના ક્રમમાં ગોઠવી શકીએ છીએ. એ માટે આઇકનને માઉસના ડાબા બટનથી ક્લિક કરીને ડાબી કે જમણી તરફ ડ્રેગ કરવાનો રહે છે.

એક વાર બધા આઇકન આપણને જોઈતા ક્રમમાં ગોઠવી લઈએ તે પછી તેનો વધુ લાભ લઈ શકાય છે. જેમ કે તમારે વર્ડનો સૌથી ઉપયોગ થતો હોય તો તેના આઇકનને પહેલા ક્રમે ગોઠવો. બીજા ક્રમે એક્સેલ રાખો અને ધારો કે ત્રીજા ક્રમે કેલ્ક્યુલેટરનો આઇકન ગોઠવ્યો છે. તો હવે જ્યારે પણ વર્ડ પ્રોગ્રામ ઓપન કરવો હોય ત્યારે કીબોર્ડમાં વિન્ડોઝની કી + ૧ કી પ્રેસ કરશો એટલે વર્ડ ઓપન થશે! વિન્ડોઝ કી + ૩ પ્રેસ કરશો તો કેલ્ક્યુલેટર ઓપન થશે, ફરી વિન્ડોઝ કી + ૩ પ્રેસ કરશો તો કેલ્ક્યુલેટર બંધ થશે.

હવે ક્યારેક એવું પણ બને કે આપણે વર્ડ પ્રોગ્રામ ઓપન કરીને તેમાં કોઈ ફાઇલ ઓપન કરી હોય અને તેની સાથોસાથ વર્ડની બીજી કોઈ ફાઇલ પણ ઓપન કરીને તેને સરખાવવી હોય તો, શિફ્ટ કી પ્રેસ કરીને વર્ડના આઇકન પર ક્લિક કરશો તો વર્ડની વધુ એક વિન્ડો ઓપન થશે, જેમાં તમે તમારે જરૂરી બીજી ફાઇલ ઓપન કરી શકશો.

આ પ્રોગ્રમ્સની વાત થઈ. મોટા ભાગે, આપણે કમ્પ્યુટરમાં અમુક ફોલ્ડર વારંવાર એક્સેસ કરવાનું થતું હોય છે. આવા ફોલ્ડરને પણ આપણે ટાસ્કબારમાં પિન કરી શકીએ છીએ. એ માટે જે વિન્ડોઝ એક્સપ્લોરરમાં જે તે ફોલ્ડર સુધી પહોંચી, તેને માઉસના લેફ્ટ બટનથી ડ્રેગ કરીને ટાસ્કબાર સુધી લાવો, અહીં ‘પિન ટુ વિન્ડોઝ એક્સપ્લોરર’નો વિકલ્પ દેખાય એટલે માઉસ છોડી દેતાં, ટાસ્કબારમાં એક વિન્ડોઝ એક્સપ્લોરરનો આઇકન ક્રિએટ થશે (જો પહેલેથી ન હોય તો). તેને રાઇટ ક્લિક કરતાં જે મેનુ ઓપન થાય છે તેમાં સૌથી ઉપર આપણે પિન કરેલ તમામ ફોલ્ડર દેખાય છે. આપણા ફેવરિટ ફોલ્ડર સુધી પહોંચવું અહીંથી સહેલું બનશે. આપણે છેલ્લા થોડા સમયમાં જે કોઈ ફોલ્ડર એક્સેસ કર્યાં હોય તેની યાદી પણ અહીં જોવા મળશે.


અને છેલ્લે, જો આપણે ઘણી બધી વિન્ડો ઓપન કરી લીધી હોય અને ડેસ્ટકોપ જોવું હોય તો વિન્ડોઝ કી + ડી પ્રેસ કરવાનો વિકલ્પ તો છે જ (બીજી વાર વિન્ડોઝ કી + ડી પ્રેસ કરશો તો ફરી બધી વિન્ડો યથાવત દેખાશે!), ટાસ્કબારની મદદથી ડેસ્કટોપ ઓપન કરવું હોય તો તેમાં જમણી તરફ સૌથી છેલ્લે, ઘડિયાળની પછી દેખાતી નાની પટ્ટી પર ક્લિક કરી દો!

વિન્ડોઝમાં ટાસ્કબાર ખરેખર ખૂબ કામની સગવડ છે. આદત પડશે તેમ તેમ પ્રોગ્રામ ઓપન કરવાની જૂની રીતો ભૂલી જશો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!