એક જ સમાચાર, ત્રણ જુદા જુદા સ્તરની અંગ્રેજી ભાષામાં વાંચવા મળે તો નવા નવા શબ્દો શીખવા સહેલા બને? ન્યુઝઇનલેવલ્સ સાઇટ પર નજર નાખતાં લાગે છે કે આઇડિયા તો સારો છે!
થોડા સમય પહેલાં આપેલી ફિલ્મ ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ તમે જોઈ હતી? એમાં અંગ્રેજી બહુ ન જાણતી અને ન્યૂ યોર્ક શહેરમાં આવી પડેલી ભારતીય ગૃહિણીની તકલીફો તમે પણ અનુભવો છો? કોલેજ સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હો અને પછી કોલેજમાં અચાનક બધાં લેક્ચર ઇંગ્લિશમાં સાંભળવાં પડે ત્યારે બધું ઉપરથી જતું હોય એવું લાગે છે? કે હજી સ્કૂલમાં જ છો, પણ સરસ ઇંગ્લિશ બોલતાં શીખવું છે?
તમારી જરૂરિયાત કોઈ પણ હોય, તમને ઉપયોગી થાય એવી એક સાઇટ છે ન્યૂઝ ઇન લેવલ્સ (http://www.newsinlevels.com).
કોઈ પણ ભાષા સારી રીતે શીખવા માટે, નિષ્ણાતો કહે છે કે ચાર બાબતો અગત્યની છે – એ ભાષામાં દરરોજ કંઈક લખવું, દરરોજ કંઈક વાંચવું, દરરોજ કંઈક સાંભળવું અને દરરોજ કંઈક વિચારવું (હા, વિચારવાનું પણ ઇંગ્લિશમાં!) આ ચારમાંથી દરરોજ કંઈક વાંચવાનું કામ સહેલું બનાવે છે ન્યૂઝ ઇન લેવલ્સ, પણ જરા જુદી રીતે.
આ સાઇટ પર ન્યૂઝ, સ્પોર્ટ, નેચર, હિસ્ટ્રી, ઇન્ટરેસ્ટિંગ અને ફની એવી અલગ અલગ કેટેગરીમાં નાનાં નાનાં લખાણ મૂકવામાં આવે છે, ત્રણ અલગ અલગ લેવલમાં.
આ સાઇટ પર ઇંગ્લિશના સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને ન્યૂઝ લખવામાં આવે છે. પહેલા લેવલમાં બિલકુલ સરળ શબ્દોનો ઉપયોગ કરીને સમાચાર લખવામાં આવે છે. બીજા લેવલમાં એનું એ લખાણ, ફક્ત કેટલાક શબ્દો બદલીને જરા મુશ્કેલ શબ્દોનો ઉપયોગ કરીને લખવામાં આવે છે. ત્રીજા લેવલમાં ઇંગ્લિશ જેમની માતૃભાષાા હોય એ લોકો જે શબ્દોનો ઉપયોગ કરતા હોય એવા, બીજા લોકો માટે સૌથી મુશ્કેલ શબ્દોમાં લખવામાં આવે છે. ઘણા બધા લખાણ સાથે એ લખાણના ઓડિયો પણ મુકવામાં આવ્યા છે, જે શબ્દોના ઉચ્ચારો સમજવામાં ખાસ્સા ઉપયોગી થાય તેમ છે. કેટલાકમાં સંબંધિત વીડિયો પણ જોવા મળે છે.
આપણે જો રોજેરોજ આ સાઇટની મુલાકાત લઈને એક જ સમાચાર ત્રણેય લેવલમાં વાંચવાની ટેવ પાડીએ તો રોજની માંડ દસેક મિનિટમાં ઇંગ્લિશ સારું એવું સુધારી શકીએ. જુદા જુદા વિષયોની જાણકારી વધે એ વધારાનો ફાયદો!
આ સાઇટ પર તમે તમારા ઇંગ્લિશનું લેવલ તપાસી પણ શકો છો. આ માટે ‘ટેસ્ટ યોર લેવલ’ પેજ પર જાઓ. અહીં ત્રણેય લેવલ માટે કેટલાક શબ્દો આપેલા છે. તમને જે લેવલમાં ૫૦ ટકા જેટલા શબ્દો જાણીતા લાગે તો તમારું ઇંગ્લિશ એ લેવલનું ગણાય. જો પહેલા લેવલના બધા શબ્દોના અર્થ તમે જાણતા હો તો બીજા લેવલના શબ્દો પર નજર ફેરવો.
આ સાઇટ માર્ચ ૨૦૧૧માં શરુ થઈ છે, તેમાં વર્ષોથી ઇંગ્લિશ શીખવતા કેટલાક શિક્ષકો યોગદાન આપે છે, પણ કોઈનો વિગતવાર પરિચય આપ્યો નથી. સાઇટ પર થોડી નજર નાખતાં, પહેલી નજરે નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ હોવાની છાપ ઉપસે છે. આપણા શિક્ષકો આ સાઇટ તપાસીને તેમની સમીક્ષા લખી મોકલશે તો સૌને ઉપયોગી થશે!

