સચીન તેંડુલકરની છેલ્લી ટેસ્ટમેચ પછીની સ્પીચ તમે જોઈ હતી? તો તમને પણ વિચાર આવ્યો હશે કે અદભુત ક્રિકેટ રમી જાણતો આ ક્રિકેટર આટલું સારું બોલી પણ શકે છે? સારું વિચારવું એ એક વાત છે, પણ લાખો વચ્ચે પોતાના વિચારોને, ગોખ્યા કે ઝાઝું ગોઠવ્યા વિના અસ્ખલિત રીતે, સુંદર ભાવવાહી રીતે શબ્દોમાં વ્યક્ત કરવા એ બીજી વાત વાત છે. જો તમે સચીનના નવેસરથી પ્રેમમાં પડ્યા હો અને તેના ક્રિકેટ અને સારા અંગ્રેજીના ગુણ પોતાનામાં કે સંતાનમાં ઉતારવા માગતા હો તો તમારે ક્રિશ્નામાચારી શ્રીક્રાંતને ગુરુ બનાવવા રહ્યા!
તમને થશે કે ક્રિકેટ તો જાણે સમજ્યા પણ, ઇંગ્લિશ માટે શ્રીકાંતને ગુરુ? યે બાત કુછ હજમ નહીં હુઈ! પણ માત્ર ઇંગ્લિશ નહીં, મેથ્સ અને સાયન્સ માટે પણ શ્રીકાંતને ગુરુ બનાવી શકાય તેમ છે.
કશુંક નવું, અણધાર્યુ કરતાં શ્રીકાંત ક્યારેય ખચકાતા નથી. આપણે ‘ઝલક દિખલા જા’માં સેલિબ્રિટી પાર્ટિસિપન્ટ તરીકે, ડાન્સ બિલકુલ આવડતો ન હોવા છતાં, ખુલ્લા દિલે, પોતાની ખુશમિજાજીથી બધાનાં દિલ જીતનારા શ્રીકાંતને જોયા જ છે. ડાન્સ ફ્લોર તેમને જોઈ લાગે નહીં કે એક સમયે આ એક આક્રમક ઓપનિંગ બેટ્સમેન હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૧ વર્ષની કારકિર્દી દરમિયાન ૪૩ ટેસ્ટ અને ૧૪૬ વન ડે રમેલા શ્રીકાંત ભારતીય ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. એ જ શ્રીકાંતે હવે પોતાના આઇટી એન્જિનીયર પુત્ર સાથે એક નવી પીચ પર, નવી ઇનિંગ શરુ કરી છે – કોચિંગ અને એ પણ ઓનલાઇન! નિવૃત્ત ક્રિકેટર્સ કમેન્ટેર કે કોચ બને એ નવી વાત નથી, પણ શ્રીકાંત પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનીયર છે અને તેમણે સ્પોર્ટ્સ અને એજ્યુકેશનનો તાલમેલ બેસાડવાનું બીડું ઝડપ્યું છે.
શ્રીકાંત અને અન્ય લોકોએ સાથે મળીને ટી૨૦લર્નિંગ (http://t20learning.com) નામે એક કંપની રચી છે. તેમના મતે, ભારતમાં ક્રિકેટ અને અન્ય સ્પોર્ટ્સ પ્રત્યે દરેક ભાષા અને વર્ગના લોકોેને લગાવ છે અને એ ધ્યાને રાખીને, સ્પોર્ટને માધ્યમ બનાવીને જુદી જુદી બાબતો શીખવવામાં આવે તો એ વધુ અસરકારકબને. શ્રીકાંતની કંપનીએ પહેલાં શાળા, કોલેજ અને કોર્પોરેટ કંપનીઓ માટે કરિયરસ્ટ્રોક્સ.કોમ (http://careerstrokes.com)ની પહેલ કરી અને સ્પોર્ટના માધ્યમથી કારકિર્દીલક્ષી કુશળતાઓ કેળવતા વીડિયો અને એનિમેટેડ પ્રોડક્ટ્સ બનાવી. ત્યાર પછી એડ્યુસ્ટ્રોક્સ.કોમ (http://edustrokes.com)ની શરૂઆત થઈ અને ફરી, શાળાના અભ્યાસક્રમ મુજબ ગણિત અને વિજ્ઞાનના મુદ્દાઓ ક્રિકેટના એંગલથી સમજાવતા વીડિયો અને એનિમેશન્સ ધરાવતા સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યા. આ પહેલોને શાળા-કોલેજોમાંથી સારું પ્રોત્સાહન મળતાં, બ્રિટિશ કાઉન્સિલના સહયોગમાં ઇંગ્લિશસ્ટ્રોક્સ.કોમ (http://www.englishstrokes.com)ની શરુઆત થઈ. અત્યારે આ કંપની દેશની ૨૦૦૦ જેટલી શાળાઓ, કોલેજો અને કોર્પોરેટ કંપનીઓ સાથે સંકળાયેલી છે અને કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારો સાથે પણ કામ કરે છે (ગુજરાત સરકારની ગુજરાત નોલેજ સોસાયટી સાથે પણ આ કંપની કામ કરી રહી છે!).
આ બધામાં શ્રીકાંતનો મૂળ શોખ ક્રિકેટ કેવી રીતે પાછળ રહે? ક્રિકેટસ્ટ્રોક્સ.કોમ (http://cricketstrokes.com) નામે રચાયેલી વેબસાઇટ પર ભારતના નવા સચીનો તૈયાર થઈ શકે છે. જેમ પાણીમાં પડ્યા વિના સ્વીમિંગ શીખી ન શકાય એમ, કમ્પ્યુટરના સ્ક્રીન સામે બેસીને ક્રિકેટ શીખી ન શકાય, પણ આ સાઇટ પર ભારપૂર્વક કહેવામાં આવે છે એમ જો તમારા ગામ કે શહેરમાં ક્રિકેટના સારા કોચ મળતા ન હોય તો આ સાઇટ પર ખુદ શ્રીકાંત અને નેશનલ ક્રિકેટ એકેડમીના સર્ટિફાઇડ કોચીઝના માર્ગદર્શનમાં ક્રિકેટની પાયાની બાબતોની પાકી સમજ મેળવી શકાય છે.
અલબત્ત, આ બધી જ સાઇટ પેઇડ સાઇટ છે, એટલે કે તેનો પૂરો લાભ લેવા માટે આપણે ફી ચૂકવવી પડે છે, દરેક સાઇટ પર કેટલોક ભાગ ફ્રીમાં ઉપલબ્ધ છે, એ જોઈ તપાસીને યોગ્ય લાગે તો આગળ વધી શકીએ છીએ. એડ્યુસ્ટ્રોક્સનું કન્ટેન્ટ એક્સેસ કરવાની ફી ૩૦ દિવસના રુ. ૧૨૦/- અને એક વર્ષના રુ. ૯૯૦/- છે. એ રીતે ક્રિકેટસ્ટ્રોક્સની ફી ૩૦ દિવસના રુ. ૧૮૦/- અને એક વર્ષના રુ. ૧૫૦૦/- છે!
એક ક્રિકેટર એજ્યુકેટર કઈ રીતે બન્યા એ વિશે ‘સાયબરસફર’ સાથે શ્રીકાંતની વેબ વાતચીતના અંશો…
તમે કદાચ જાણતા હશો તેમ હું એક ક્વોલિફાઇડ એન્જિનીયર છું અને એટલે હંમેશે દરેક બાબતને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવાની મને આદત છે. શિક્ષણની પ્રક્રિયાને હું આનંદમય, રસપ્રદ અને સમજવામાં સહેલી બનાવવા ઇચ્છતો હતો અને એમાંથી જ, એજ્યુકેશનને સ્પોર્ટ્સ સાથે સાંકળવાના કન્સેપ્ટ જન્મ થયો, ખાસ કરીને ક્રિકેટ કેમ કે આપણાં બાળકોને ક્રિકેટમાં વધુ રસ છે. મારો મોટો પુત્ર ટેક્નોલોજી આધારિત બિઝનેસમાં આગળ વધી રહ્યો હતો એટલે અમારા આઇડિયાને નક્કર સ્વરૂપ આપવામાં અમને સરળતા રહી.
અત્યારે એડ્યુસ્ટ્રોક્સનો આખા ભારતનાં મોટા ભાગનાં કેન્દ્રીય વિદ્યાલયો, આર્મી સ્કૂલ્સ અને અનેક ખાનગી સ્કૂલ્સમાં ઉપયોગ થાય છે. અત્યારે અમે વ્યક્તિગત વિદ્યાર્થી પર બહુ ફોકસ નથી કરી રહ્યા, પણ ભવિષ્યમાં એ પણ કરીશું. તેમ છતાં, અત્યારે પેરેન્ટ્સ તરફથી જે પ્રતિસાદ મળી રહ્યો છે, એ બહુ પ્રોત્સાહક છે!

